બર્ન્સ, રૉબર્ટ (જ. 25 જાન્યુઆરી 1759, ઍલૉવે, આયરશાયર, સ્કૉટલૅન્ડ; અ. 21 જુલાઈ 1796, ડમ્ફ્રીઝ, ડમ્ફ્રીશાયર) : આંગ્લ કવિ. સ્કૉચ ખેડૂત કુટુંબમાં જન્મ. એક ખેતમજૂર તરીકે જીવનની શરૂઆત કરી ત્યારથી સાહિત્યની લગની. 1784થી 1788ના ગાળામાં જમીન ખેડતાં ખેડતાં એમણે એમનાં શ્રેષ્ઠ કાવ્યો લખ્યાં : ‘ધ કૉટર્સ સૅટરડે નાઇટ’, ‘ધ જૉલી બેગર્સ’, ‘ટુ અ માઉન્ટન ડેઝી’, ‘હોલી વિલિઝ પ્રેયર’ અને ‘ટુ મૅરી ઇન હેવન’. બર્ન્સે 200 ઉપરાંત ગીતો લખ્યાં. એમણે અનેક સુંદર ઊર્મિકાવ્યો લખ્યાં, જેમાં ‘કમિંગ થ્રૂ ધ રાઇ’; ‘ધ બૅન્ક્સ ઑવ્ ડૂન’ અને ‘મૅરી મૅરિસન’ અગ્રિમ સ્થાને છે. એમનાં બૅલેડ પ્રકારનાં કાવ્યોમાં એમની રાષ્ટ્રભક્તિ વર્તાય છે. 1794માં દેશસેવા કાજે સ્વયંસેવકદળમાં જોડાયેલા. એમનું અવસાન થયું ત્યારે પૂરા લશ્કરી માન સાથે તેમની અંતિમક્રિયા થયેલી.

બર્ન્સના પાંખા શિક્ષણને કારણે એમને દેશવિદેશના કવિઓની કૃતિઓના વાચનનો લાભ મળ્યો નહિ; એનું પરિણામ એે આવ્યું કે બર્ન્સે મૌલિક કવિ તરીકે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. એમનાં કાવ્યોમાં કોઈ કવિની છાપ નથી. એમની કવિતા એમની પ્રેરણાની ફલશ્રુતિ છે. બર્ન્સે થોડાં કટાક્ષકાવ્યો આપ્યાં છે, છતાં એમનું સત્વ તો ઊર્મિગીતોમાં વિશેષ પ્રગટ થાય છે. એમણે એમની કવિતામાં માનવીને માનવીથી વિખૂટો પાડનાર ધાર્મિક સંકુચિતતા અને દંભ સામે પ્રતિકાર કર્યો. સ્વાતંત્ર્યના ચાહક હોવા છતાં સ્વાતંત્ર્ય નિમિત્તે શરૂ  થયેલ ફ્રેંચ ક્રાંતિથી તેઓ પ્રભાવિત થયા નહિ. એમનાં કાવ્યોમાં અઢારમી સદીનાં સર્જનોમાં અનુભવાતી બૌદ્ધિક જડતા ન હોઈ, તે હૃદયસ્પર્શી રહ્યાં છે. અઢારમી સદીનાં કૃતક કાવ્યોને બદલે એમનાં નિરાડંબરી સાહજિક કાવ્યોએ એક નવી ભાત ઉપસાવી. જનજીવનની નાડ પારખીને એમણે એમનાં કાવ્યોમાં વાસ્તવદર્શન કરાવ્યું છે.

રૉબર્ટ બર્ન્સ

સોળમી અને સત્તરમી સદીના સ્કૉટલૅન્ડના જીવન અને સાહિત્યની વિશેષતાઓ એમનાં કાવ્યોમાં પડઘાય છે. સમકાલીન સ્કૉટલૅન્ડના જીવનનો ધબકાર એમણે ઝીલ્યો છે. સ્કૉટલૅન્ડના કૃષિકારના અંતરને વિવિધ સ્વરૂપે એમણે વ્યક્ત કર્યું છે. સ્કૉટલૅન્ડનાં લોકગીતો તરફ એ સહજ રીતે આકર્ષાયા. તેઓ પોતાને અતિ પરિચિત એવા કૃષિ-માહોલમાં વાચકોને દોરી જાય છે. માતૃભૂમિમાં તેમનાં કાવ્યોનાં મૂળ રોપાયાં છે. બર્ન્સનું સાચું મૂલ્યાંકન એમની માતૃભૂમિના સંદર્ભે જ આંકી શકાય છે. સ્કૉટિશ બોલીમાં ઉત્તમ કાવ્યો લખીને એમણે એ બોલીનું ગૌરવ કર્યું છે.

એમની કવિતાની પ્રેરણાનો સ્રોત ગ્રામજીવન રહ્યું છે. અદના માનવીના જીવનમાંથી એમને પ્રેરણા મળી છે. શ્રમજીવી ગ્રામમાનવ એમની કવિતાનું કેન્દ્ર બન્યો છે. જનસાધારણના સત્ત્વને વ્યક્ત કરવાની એમની વૃત્તિ રહી હતી. જનસામાન્યના ગુણદોષોની જાણકારીને તેમણે સહાનુભૂતિપૂર્વક રેલાવી છે. ગ્રામજનોને લગતાં એમનાં કાવ્યોમાં ક્યાંક રમૂજ છે તો ક્યાંક કારુણ્ય છે.

રોમૅન્ટિક કવિઓની જેમ વીતેલાં વર્ષોને વાગોળતા અને વર્તમાન સાથે તેનું અનુસંધાન કરતા એમનાં પ્રકૃતિપ્રેમનાં અને સામાન્ય ગ્રામીણ જીવન પર આધારિત કાવ્યોને કારણે તે વર્ડ્ઝવર્થના સાચા પુરોગામી ગણાયા, તો સ્કૉટલૅન્ડના જીવન અને સત્વના પુનરુત્થાનની ર્દષ્ટિએ કવિ સર વૉલ્ટર સ્કૉટનાયે પુરોગામી રહ્યા. અઢારમી સદીમાં નહિવત્ દેખાતાં પ્રેમકાવ્યોની રેલમછેલ સાથે તેઓ રોમૅન્ટિક સાહિત્યના અગ્રણી છડીદાર રહ્યા. બર્ન્સ શેલીની જેમ સ્વપ્નિલ ન હતા કે વર્ડ્ઝવર્થ જેવા તત્વદર્શી ન હતા; છતાં એમનાં સાદાં, સરળ, સહજ કાવ્યો આસ્વાદ્ય રહ્યાં. એમનાં બૅલેડ સ્વરૂપનાં કાવ્યોમાં એમની સર્જકતાની ચરમસીમા દેખાય છે.

અણઘડ એવી ખેતમજૂરણો તેમનાં પ્રેમગીતોનો પ્રેરણાસ્રોત બની. એમનાં પ્રેમકાવ્યોની પંક્તિઓમાં લાગણીની ઉત્કટતા વર્તાય છે. અનેક પ્રેમીઓનો ધબકતો પ્રેમ એમની પંક્તિઓમાં પડઘાય છે. તેમની કવિતામાં વ્યક્ત થતા હૃદયના ઉદગારો વાચકના હૃદય સુધી પહોંચતા રહ્યા. અંગ્રેજી ભાષાનાં ઉત્તમ પ્રેમકાવ્યોમાં બર્ન્સનું ‘માય લવ ઇઝ લાઇક એ રેડ રેડ રોઝ’ ખાસ ઉલ્લેખનીય રહ્યું છે.

અતિસરળ છંદમાં તેમની સંવેદનપૂર્ણ અભિવ્યક્તિ થતી રહી. તેમણે છ પંક્તિની પ્રાચીન કડીને લોકપ્રિય કરી. એમનાં કાવ્યોમાં ભાષાની સરળતા છતાં અભિવ્યક્તિની ક્ષમતા ભારે જણાય છે. બર્ન્સ ઊર્મિકાવ્યોની પરંપરાનું પુનરુત્થાન કરી રોમૅન્ટિક કવિઓના પુરોગામી બની રહ્યા.

માનવીય અને પ્રાકૃતિક ભાવોનું સંમિશ્રણ એમની કવિતાની વિશિષ્ટતા છે. પ્રકૃતિપ્રેમ, દીનજનો પ્રત્યે સહાનુભૂતિ અને મૂગાં પશુપંખીઓ પ્રત્યે અનુકંપા – તેમનાં ઊર્મિલ સર્જનોના પાયામાં રહ્યાં છે. પ્રાકૃતિક સૌંદર્ય અને ગ્રામ-લોકજીવનના ધબકારને ઝીલનાર તરીકે બર્ન્સનું સ્થાન આંગ્લ કવિતામાં અમર રહેશે.

આરમાઈતી દાવર

જયા જયમલ ઠાકોર