બર્ગન્ડી : મધ્ય ફ્રાન્સના પૂર્વ ભાગમાં આવેલો ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 46° 50´ ઉ. અ. અને 4° 45´ પૂ. રે. આજુબાજુનો 31,582 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે.

આ પ્રદેશના લોકોની મુખ્ય પ્રવૃત્તિ દ્રાક્ષના વાવેતરની છે. બર્ગન્ડી તેના દારૂ માટે દુનિયાભરમાં જાણીતું બનેલું છે. અહીં શ્રેષ્ઠ પ્રકારનું ગોમાંસ, માખણ, ચીઝ, ચિકન, માછલી અને સ્નેઇલ્સનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત અહીં ઘણા ઉત્પાદકીય એકમો પણ આવેલા છે. લાક્રિસોટ પોલાદનું ઉત્પાદન કરે છે, તો સૌથી મોટા શહેર ડિજૉનમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો વિકસેલા છે.

ઐતિહાસિક ર્દષ્ટિએ જોતાં, બર્ગન્ડીના પ્રદેશે ફ્રાન્સમાં જુદા જુદા સમયે એક સામ્રાજ્ય તરીકેના, જાગીર તરીકેના તથા પરગણા તરીકેના દરજ્જા ભોગવેલા છે. પાંચમી સદીમાં ‘બર્ગન્ડી’ લોકો જર્મનીમાંથી ગોલમાં આવ્યા ત્યારથી તેને આ ‘બર્ગન્ડી’ નામ અપાયેલું છે. ત્યારે તેમણે ફ્રાન્સમાં અગ્નિ દિશા તરફ મોટો પ્રદેશ આવરી લેતું એક સામ્રાજ્ય સ્થાપેલું. 843માં વર્ડન(Verdun)ના શાંતિકરાર મુજબ આ પ્રદેશનું વિભાજન થયું, પૂર્વતરફી અર્ધો ભાગ બર્ગન્ડીનું મુક્ત પરગણું તથા પશ્ચિમતરફી અર્ધો ભાગ બર્ગન્ડીની જાગીર તેમજ ફ્રાન્સના વિભાગ તરીકે અલગ પડ્યાં.

સત્તરમી સદીમાં લુઈ ચૌદમાના શાસનકાળ દરમિયાન આ પરગણું તથા જાગીર બંને બર્ગન્ડીના એક પ્રાંતરૂપે જોડાઈ ગયાં. 1789માં ફ્રેન્ચ ક્રાંતિના પ્રારંભ સુધી તેનું અસ્તિત્વ ટક્યું. આજે આ પ્રદેશ કૉટે–દ–ઑર, નીવ્રે, સૅઑન-ઍટ-લૉઇટ અને યોન જેવા વહીવટી એકમો રૂપે અસ્તિત્વ ધરાવે છે.

ગિરીશભાઈ પંડ્યા