બરગોહાઈ, હેમેન

January, 2000

બરગોહાઈ, હેમેન (જ. 1936, સલીમપુર, આસામ) : સ્વાતંત્ર્યોત્તર કાલના અગ્રગણ્ય અસમિયા નવલકથાકાર, વાર્તાકાર અને નાટકકાર. એમણે ઉચ્ચ શિક્ષણ ગૌહત્તીની હૉટન કૉલેજમાં લીધું હતું. બી.એ. થઈને આસામ સિવિલ સર્વિસમાં જોડાયા, પણ સાહિત્યનો જીવ સરકારી નોકરીમાં રૂંધાવા લાગ્યો. એટલે 1968માં નોકરી છોડી અને નવા શરૂ થયેલા સાપ્તાહિક ‘નીલાંચલ’નું તંત્રીપદ સંભાળ્યું.

એમણે નવલકથા, નવલિકા, સાહિત્ય-વિવેચન – એમ અનેક ક્ષેત્રોમાં કામ કર્યું છે. એમની નવલકથા ‘પિતાપુત્ર’ને 1975ના અસમિયા ભાષાના શ્રેષ્ઠ પુસ્તક તરીકે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ તથા આસામ સરકારનો પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. એ નવલકથામાં નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે જે વિસંવાદ અને ખાઈ નજરે ચઢે છે તેનું તાર્દશ ચિત્રણ છે. એમની ‘સુબાલા’ નવલકથામાં નાયિકા વેશ્યા છે અને એના જીવનની સમસ્યાઓ અસરકારક રીતે નિરૂપી છે. એમની ગ્રામજીવન વિશેની એક જાનપદી નવલકથા ‘હાલી ધિયાચર એ બાયો ધાન ખાય’ પરથી ફિલ્મ બનેલી અને તેને ફિલ્મ-મહોત્સવમાં પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એમની 12 નવલકથાઓ પ્રગટ થઈ છે. એમની કથાઓમાં પશ્ચિમના અસ્તિત્વવાદ તથા ફ્રૉઇડના મનોવિશ્લેષણનો પ્રભાવ છે. નવલિકાક્ષેત્રમાં પણ એમણે નામના પ્રાપ્ત કરી છે. એમના વાર્તાસંગ્રહો – ‘વિમિન્નંક’, ‘રલ્છ’, ‘કોરસ પ્રેમ આર મૃત્યુર કારણ’, ‘ગણ્ય ઓ નકશા’; સાહિત્યવિવેચનનાં બે પુસ્તકોમાં ‘સાહિત્યઓ સત્ય’ અને ‘સાહિત્ય ઓ સર્જક ચેતના’ છે. વિવેચક તરીકે પણ તેઓ ઊંચા સ્થાનના અધિકારી છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના આસામી સલાહકાર સમિતિના તેઓ સભ્ય છે. યુરોપ તથા અમેરિકામાં વિશ્વવિદ્યાલયોમાં આમંત્રિત વ્યાખ્યાનકાર તરીકેની જવાબદારી પણ તેમણે અદા કરી છે.

ચન્દ્રકાન્ત મહેતા