બટાટાના રોગો : બટાટાના પાકને ફૂગ, બૅક્ટેરિયા અને વિષાણુઓના ચેપથી થતા રોગો.

(1) આગોતરો સુકારો : પાકની શરૂઆતની વૃદ્ધિના સમયમાં આ સુકારાનો રોગ થતો હોવાથી તેને આગોતરો સુકારો કહે છે. ફૂગથી થતા આ રોગોની શરૂઆતમાં છોડની નીચેનાં પાન ઉપર ભૂખરા બદામી રંગનાં છૂટાંછવાયાં લંબગોળ અને કાટખૂણા આકારનાં ટપકાં જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં આ ટપકાં જ્યારે વિકાસ પામે ત્યારે ઘણી વાર તેમાં ચક્રની અંદર ચક્ર જોવા મળે છે અને રોગ દરેક પાન ઉપર ફેલાઈ જાય છે. પાન ઉપર ટપકાં વિકાસ પામી એકબીજાં સાથે મળી જાય છે. તેની અસર હેઠળ પાન સુકાઈ જઈ ખરી પડે છે.

નિયંત્રણ : ડાયથેમ એમ–45 (મેન્કોઝેબ) નામની ફૂગનાશક દવા 25 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી તેનો બટાટાના વાવેતર બાદ, 45 દિવસે પ્રથમ છંટકાવ કરવામાં આવે છે. ત્યારબાદ 10થી 15 દિવસના અંતરે બીજો છંટકાવ કરાય છે. હવામાન જ્યારે વાદળવાળું અથવા કમોસમી માવઠા જેવું જણાય ત્યારે ખાસ છંટકાવ કરવામાં આવે છે.

(2) પાછોતરો સુકારો : પાકની પાછલી અવસ્થામાં આ પાનનો સુકારો થતો હોવાથી પાનના પાછોતરા સુકારાના નામે ઓળખાય છે. રોગની શરૂઆતમાં ટોચનાં પાન, દાંડી કે પ્રકાંડ ઉપર જાંબુડિયા કાળા રંગનાં ટપકાં જોવા મળે છે. ખૂબ ભેજવાળા હવામાનમાં રોગિષ્ઠ પાનનાં ટપકાંની નીચેની બાજુએ સફેદ ફૂગનો વિકાસ જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં રોગની ઉગ્રતા વધતાં પાક દઝાઈ ગયો હોય તેમ દેખાય છે અને તીવ્ર વાસ આવે છે. મધ્ય ગુજરાતમાં (ખેડા, વડોદરા) અને સૌરાષ્ટ્રમાં આ રોગ વધારે જોવા મળે છે. તેના નિયંત્રણ માટે આગોતરા સુકારા માટેની નિયત દવાનો છંટકાવ કરવામાં આવે છે. વળી આ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી કુફ્રી બાદશાહ અને જે. એચ. 222 જાતોનું વાવેતર કરવામાં આવે છે.

(3) બટાટાનો કાળાં ચાઠાંનો રોગ : બટાટાના કંદ કે છાલ ઉપર કાળાં, ગોળાકાર અથવા તારાના આકારનાં ચાઠાં જોવા મળે છે. રોગિષ્ઠ છોડનાં પાતળાં થડ જમીન પાસે કાળાં પડેલાં જોવા મળે છે. તેના નિયંત્રણ માટે બટાટાનાં બિયારણને વાવેતર પહેલાં 0.5 %ના એમિસાન-6ના દ્રાવણમાં 10 મિનિટ સુધી અથવા કાર્બન્ડાઝિમ 0.1 %ના દ્રાવણમાં 30 મિનિટ સુધી અથવા બૉરિક ઍસિડ 3 %ના દ્રાવણમાં 30 મિનિટ સુધી બોળી છાંયે સૂકવ્યા બાદ તેનું વાવેતર કરાય છે. તંદુરસ્ત પ્રમાણિત બિયારણનું વાવેતર કરવું હિતાવહ રહે છે.

(4) બટાટામાં બંગડીનો રોગ : જીવાણુથી થતા આ રોગની શરૂઆતમાં ખેતરમાં છોડ ધીમે ધીમે ચીમળાઈ જઈ લાઇનમાં કે ટાલામાં સુકાવા માંડે છે. રોગિષ્ઠ છોડના કંદ કાપતાં ગોળાકાર બંગડી આકારનું કથ્થાઈ રંગનું વર્તુળ જોવા મળે છે, જેમાંથી જીવાણુઓનો જથ્થો બહાર આવતો માલૂમ પડે છે.

નિયંત્રણ : (1) રોગમુક્ત પ્રમાણિત બિયારણ મેળવી વાવેતર કરાય છે; (2) પાકની ફેર-બદલી તરીકે ધાન્ય વર્ગના પાક લેવામાં આવે છે; (3) બિયારણના ટુકડા કરતી વખતે જે કંદમાં બંગડી જોવા મળે તેવો કંદ ફેંકી દેવામાં આવે છે અને છરીને મોરથૂથુ, ફૉર્મેલિન કે સ્પિરિટના દ્રાવણમાં બોળ્યા પછી બીજા કંદ કપાય છે.

(5) બટાટા પર ઊપસતી પોપડી (scab) : આ રોગમાં છોડ ઉપર કોઈ પ્રકારનાં લક્ષણો જોવા મળતાં નથી, પરંતુ બટાટાના કંદ ઉપર રતાશ પડતા અથવા ભૂખરા રંગના ગોળાકાર અથવા કાટખૂણા આકારના ઊપસી આવેલા અથવા દબાયેલા પોપડા જોવા મળે છે. તેથી બટાટાની ગુણવત્તા ખૂબ જ ઘટી જાય છે.

નિયંત્રણ : તે રોગના નિયંત્રણ માટે (1) ઉપદ્રવ લાગેલ જમીનમાં ચોમાસામાં લીલો પડવાશ કરવામાં આવે છે અને ઉનાળામાં તેને પડતર રાખી ખેડ કરી જમીન તપાવાય છે. (2) એ ઉપદ્રવવાળી જમીનમાં પ્રતિવર્ષ બટાટાનો પાક ન લેતાં ફેર-બદલી તરીકે રજકાનો પાક લેવામાં આવે છે. (3) રોગિષ્ઠ પાકવાળી જમીનમાં ટૂંકા ગાળે પિયત આપી જમીન ભેજવાળી રખાય છે. (4) ટેકરીવાળા હિમાચલ પ્રદેશ રાજ્યમાંથી આવતા બિયારણની સાથે આ રોગ ગુજરાત રાજ્યમાં દાખલ થાય છે. ત્યારબાદ તેના જીવાણુઓ ઘણાં વર્ષો સુધી જમીનમાં જીવંત રહે છે. તેથી આવું બિયારણ ન વાપરતાં વાવેતર માટે સપાટ મેદાનોમાં ઉત્પન્ન થતા રોગમુક્ત બિયારણની પસંદગી કરાય છે. (5) જે ખેતરમાં પોપડીનો રોગ થતો જોવા મળે ત્યાં વાવેતર પહેલાં બીજને બોરિક ઍસિડના 3%ના (30 ગ્રામ 1 લીટર પાણીમાં) દ્રાવણમાં 30 મિનિટ સુધી બોળી, છાંયે સૂકવ્યા બાદ તેને વાવેતરમાં લેવામાં આવે છે. (6) વિષાણુથી બટાટામાં મુખ્યત્વે ચાર રોગો નુકસાન કરે છે.

(6.1) પાનનો કોકળવા : બટાટાનાં પાનનો કોકળવા બટાટા-વાયરસ-1 અથવા સૉલેનમ-વાયરસ-14 નામના વિષાણુઓથી થાય છે, જેમાં પાનની ધાર ગોળ વળી જાય છે જ્યારે પાનની ટોચ સીધી રહે છે. વળેલાં પાન જાડાં, ખરબચડાં અને બરડ બને છે. રોગની શરૂઆત નીચેનાં પાન ઉપર થઈ ઉપરનાં પાન તરફ વધે છે. થોડાક સમય બાદ છોડની આંતરગાંઠ વચ્ચેની લંબાઈ ઘટી જાય છે અને છોડ બટકો થાય છે. બટાટા પેદા કરતાં મૂળની લંબાઈ ઘટી જાય છે. તેથી જમીનને થડ અડવાથી બટાટા બેસે છે.

છોડ પરના બટાટાનું કદ અને તેની સંખ્યા ઘટી જાય છે, તેથી ઉત્પાદન ખૂબ જ ઓછું મળે છે. રોગિષ્ઠ બટાટાને બિયારણ તરીકે વાપરવાથી 10 % જેવો ઉગાવો ઓછો મળે છે. આ વિષાણુનો ફેલાવો મસી નામની જીવાતથી થાય છે. આ વિષાણુઓ ચાર પ્રજાતિમાં વહેંચાયેલા હોય છે.

આ રોગના નિયંત્રણ માટે તંદુરસ્ત બિયારણ મેળવી વાપરવામાં આવે છે અને રોગ ફેલાવતી જીવાતના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે.

(6.2) પાનનો મોઝેક : આ રોગ મોઝેક પ્રકારના પોટેટો લેટન્ડ વિવિધ પ્રજાતિના વિષાણુઓથી થાય છે. પાનની નસો વચ્ચેનો ભાગ પીળો થાય છે. ઊંચા તાપમાનને લીધે અને પાકના અનુકૂળ વાતાવરણમાં રોગનાં લક્ષણો જોવા મળતાં નથી અને વિષાણુઓ તેનું ઓછું નુકસાન કરે છે; પરંતુ આવા છોડ પર બટાટાના રોગોના વિષાણુઓ વાસ કરતા હોય છે. રોગની અસર હેઠળ ક્યારેક છોડની ઊંચાઈ ઘટી જાય છે અને પાનમાં વિકૃતિ જોવા મળે છે.

આ રોગના વિષાણુઓનો ચેપ રોગિષ્ઠ રસથી લાગે છે અને રોગિષ્ઠ છોડના સંપર્કથી તંદુરસ્ત છોડ પર તે ફેલાય છે. આ રોગ પાનના કોકળવા જેટલું નુકસાન કરતો નથી.

ઉપર જણાવેલ રોગો ઉપરાંત પાનની વિકૃતિના રોગો (જાડાં પાન, બરડ પાન, પાન ઉપર અનિયમિત પીળાં ધાબાં, પાનની ધારનું અનિયમિત રીતે વળી જવું – આ બધું કરનારા કેટલાક રોગો) પણ વિષાણુથી થાય છે; જે પાકને વધતાઓછા પ્રમાણમાં નુકસાન કરે છે.

બટાટાના વિષાણુઓના નિયંત્રણ માટે રોગમુક્ત વિસ્તારમાંથી ખાતરીનું તંદુરસ્ત બિયારણ મેળવી તે વાપરવું અગત્યનું છે. વળી વિષાણુ ફેલાવતી જીવાતો પર જંતુનાશકોનો છંટકાવ પણ જરૂરી બને છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ