બચત : વ્યક્તિની આવકમાંથી તેના વપરાશ પાછળના ખર્ચને બાદ કર્યા પછી બાકી રહેતી આવક. ટૂંકમાં, વ્યક્તિની કે કુટુંબની બચત = આવક – ખર્ચ.

માણસને પોતાના વ્યવસાયમાંથી આવક થાય છે. આ ઉપરાંત જમીન કે મકાનમાંથી તેને ભાડું મળે છે, લોન કે થાપણ પર એ વ્યાજ મેળવે છે. શેરમાં રોકાણ કર્યું હોય તો તેને ડિવિડંડ મળે છે. સ્વતંત્ર વ્યવસાય કરતો હોય તો એ નફો પણ મેળવે છે. વળી ક્યારેક સરકાર તરફથી એને નાણાકીય સહાય પણ પ્રાપ્ત થતી હોય છે. આમ, માણસને અનેક સ્રોતોમાંથી આવક મળે છે.

આ આવકમાંથી પ્રથમ તો તે પોતાની ને પોતાના કુટુંબની જરૂરિયાતો સંતોષવા માટે ખર્ચ કરે છે. મૂળભૂત જરૂરિયાતો, સુખસગવડ, અને મોજમઝા – આ ત્રણ પ્રકારની જરૂરિયાતો માટે તે નાણાં વાપરે છે. સામાજિક રીતરિવાજ અનુસાર આવતા પ્રસંગે તેને ખર્ચ કરવો પડે છે. વટ પાડવા, બીજાથી પોતે કમ નથી તે દર્શાવવા, પોતાની સમૃદ્ધિનું પ્રદર્શન કરવા – ખર્ચ કરવા પણ તે પ્રેરાય છે. આ સર્વ વપરાશ પાછળનો કે ઉપભોગ પાછળનો ખર્ચ કહી શકાય.

બચત નક્કી કરનારાં પરિબળો : વ્યક્તિ દ્વારા કરવામાં આવતી બચતનો આધાર બે બાબતો પર છે : 1. માણસની આવક. 2. તેની બચતવૃત્તિ.

આવક વધે છે ત્યારે માણસ વધુ બચત કરી શકે છે. આ તો સામાન્ય અનુભવની વાત છે. તે જ રીતે ઓછી આવક ધરાવનાર માણસ કરતાં વધુ કમાણી કરનાર વધારે રકમ બચાવતો હશે. ચોકસાઈ ખાતર અહીં ઉમેરી લેવું જોઈએ કે આવકનો અર્થ સરકારને આવકવેરા જેવા પ્રત્યક્ષ કર ચૂકવ્યા પછી માણસના હાથમાં બાકી રહેતી કરશેષ આવક (disposable net income) એવો અહીં થાય છે. નાણાકીય આવક નહિ, પણ તેની ખરીદશક્તિ, વાસ્તવિક આવક બચત માટેનું એક નિર્ણાયક પરિબળ છે.

બચતવૃત્તિ એ બચત કરાવનાર બીજું પરિબળ છે. આપેલી આવકમાંથી માણસ કેટલી બચત કરે છે તે પરથી તેની બચતવૃત્તિ નક્કી થાય છે. સમાન આવક ધરાવનાર બે માણસોની બચત હંમેશાં સમાન હોતી નથી. એક કરકસરિયો જીવ હશે તો તે વધુ બચત કરશે ને બીજો આનંદપ્રમોદ કરવામાં માનતો હશે તો તે નહિવત્ બચત ધરાવતો હશે. એકની બચતવૃત્તિ બીજાની બચતવૃત્તિ કરતાં વધુ છે. આવકનું પરિબળ સ્થિર હોય ત્યારે તેમાંથી માણસ કેટલી બચત કરે છે એ પરથી તેની બચતવૃત્તિનું માપ નીકળે છે.

અહીં સુધી વ્યક્તિની આવક અને બચત વિશે વિચાર કર્યો. આધુનિક અર્થતંત્રમાં વ્યક્તિ ઉપરાંત બીજા પણ બે આર્થિક એકમો છે : કંપની કે કૉર્પોરેશન તેમાંનો એક છે. તે પોતાની આર્થિક પ્રવૃત્તિમાંથી આવક કમાય છે, ખરીદેલાં ને પોતાનાં સાધનોની કિંમત ચૂકવે છે. યંત્ર વગેરેના ઘસારાની જોગવાઈ કરે છે. સરકારને કર ચૂકવે છે. ને શેરહોલ્ડરોને ડિવિડંડ ચૂકવે છે. આ ખર્ચ કર્યા પછી તેની પાસે બચત રહે છે. તેને કૉર્પોરેટ બચત કહેવામાં આવે છે. બીજો આર્થિક એકમ છે સરકાર. તે કર ને જાહેર સાહસોના નફામાંથી આવક મેળવે છે. રક્ષણ, કાયદો ને વ્યવસ્થા, પાછલા દેવા પર ચૂકવવાનું થતું હોય તે વ્યાજ, શિક્ષણ, જાહેર સુખાકારી, કલ્યાણલક્ષી પ્રવૃત્તિ – આ સર્વ પાછળના ચાલુ ખર્ચ માટેની જોગવાઈ તે કરે છે. ત્યારબાદ તેના હાથમાં રહેતી રકમને સરકારી કે રાજ્યની બચત કહેવામાં આવે છે. બચતના આમ ત્રણ સ્રોત છે : વ્યક્તિ, કંપની અને સરકાર. ભારત જેવા દેશોમાં વ્યક્તિઓની બચતોનું પ્રમાણ દેશની કુલ બચતોમાં વધારે હોય છે.

વિકાસશીલ દેશોમાં બચતોનું મહત્ત્વ : બચતને કારણે મૂડીસર્જન શક્ય બને છે. ને આ મૂડી ભવિષ્યમાં આવકના પ્રવાહને જન્મ આપે છે. તે વિકસિત દેશોમાં આવકવૃદ્ધિ(growth)ને અને વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસને પ્રેરે છે.

વિકાસશીલ દેશમાં શ્રમશક્તિ વિપુલ પ્રમાણમાં હોય છે ને જનસંખ્યાની વૃદ્ધિ સાથે તે વધે પણ છે; પરંતુ તેને ઉત્પાદનકાર્યમાં મદદ કરી શકે તેવાં માનવસર્જિત સાધનોનો અભાવ હોય છે. આવાં સાધનોને મૂડી કહેવામાં આવે છે ને તેમાં ખેતી-ઉદ્યોગ જેવા અર્થતંત્રમાં વપરાતાં સાધનો, ઓજારો, યંત્રો, કાચો માલ, શિક્ષણ ને તબીબી સારવાર – સૌનો સમાવેશ થાય છે. ભૌતિક ને માનવીય મૂડી વધુ પ્રમાણમાં શ્રમિકને આપવામાં આવે ને શ્રમ-મૂડીની ઉત્પાદકતા વધારવામાં આવે તો આ દેશોની આવક સુધરે ને દરિદ્રતા દૂર થાય. મૂડી, સાધનોનું ચીજ ને સેવામાં રૂપાન્તર કરવાનું જ્ઞાન અને કુદરત પાસેથી ઓછી મહેનતે વધુ ફળ પ્રાપ્ત કરવાની માણસની ર્દઢ ઇચ્છા – આ ત્રણને લૂઇસે આર્થિક વિકાસનાં કારણો ગણાવ્યાં છે.

આ ર્દષ્ટિએ મૂડીનિર્માણનું કાર્ય મહત્ત્વનું બને છે. અર્થતંત્રમાં પ્રવર્તમાન રાષ્ટ્રીય આવકમાંથી વધુ પ્રમાણમાં બચત થાય, વિત્તીય સંસ્થાઓના વિકાસ દ્વારા આ બચતનો સંચય થાય અને મૂડીનાં સાધનો પેદા કરવા માટે યોગ્ય રીતે તેનું રોકાણ થાય – આ ત્રણ પગલાં મૂડીનિર્માણ માટે જરૂરી છે. પરદેશની બચત દેશના આંતરિક પ્રયત્નની પૂર્તિ કરી શકે. બચતને કારણે મૂડીસર્જન ને આવકવૃદ્ધિ આમ શક્ય બને  છે.

1950 પછીના સમયગાળામાં ભારતમાં થતી બચતોમાં ગણનાપાત્ર વધારો થયો છે. 1950–51માં ભારતમાં એકંદરે આંતરિક ઉત્પાદનના (ચાલુ ભાવે) 10.4 % જેટલી બચત થતી હતી; કૌટુંબિક ક્ષેત્ર 7.7 %, ખાનગી કૉર્પોરેટ ક્ષેત્ર 1.0 % ને જાહેર ક્ષેત્ર 1.8 % બચત કરતાં હતાં. 1994–95માં અનુક્રમે આ ક્ષેત્રોની બચત 18.9%, 3.8% અને 1.7% હતી. એકંદર આંતરિક બચત 24.4 % થતી હતી. લગભગ 77 % બચત કૌટુંબિક ક્ષેત્રમાં થાય છે.

બચત વધારવાના માર્ગ : રાષ્ટ્રમાં પ્રવર્તમાન આવકમાંથી કૌટુંબિક બચતો વધારવાનો એક માર્ગ આવકોને વધુ ઊંચી ઉપભોગવૃત્તિ ધરાવતા વર્ગના હાથમાંથી લઈને ઓછી ઉપભોગવૃત્તિ ધરાવતા વર્ગના હાથમાં મૂકવાનો છે. આજના વિકસિત દેશોમાં આરંભના વિકાસના તબક્કે આમ બન્યું હતું એવી એક સિદ્ધાંત-કલ્પના છે. ખૂબ પરિશ્રમ કરવામાં, આવકને બચાવવામાં ને બચતને વધુમાં વધુ ફળ આપે તેવા ક્ષેત્રમાં રોકવામાં માનનાર મૂડીપતિવર્ગ આગળ આવ્યો હતો. આ વલણોને ર્દઢાવે તેવી પ્રૉટેસ્ટંટ (કાલ્વિનવાદી) નીતિભાવના તે ધરાવતો હતો. એના હાથમાં રાષ્ટ્રની ગણનાપાત્ર આવક ગઈ ને તેમાંથી મોટા ભાગની રકમ તેણે બચાવી. એક વખતના સોવિયેટ રશિયામાં સરકારે ‘ટર્ન ઓવર’ કરની મદદથી આવક વાળી તેમાંથી બચત-રોકાણનું પ્રમાણ વધાર્યું હતું. રાજ્યે મૂડીપતિવર્ગની ગરજ સારી હતી.

કુટુંબો વ્યાપક ધોરણે આપેલ આવકમાંથી વધુ બચત કરે એવી નીતિ પણ વિકલ્પમાં છે. બચતવૃત્તિ બદલવાનો આ પ્રશ્ન છે. બચતવૃત્તિ વધારવાનું અલ્પ રાષ્ટ્રીય આવક ધરાવતા દેશનાં તમામ કુટુંબો માટે શક્ય ન હોય ત્યારે દેશ ને કુટુંબ આવકની વૃદ્ધિ થાય તેનો મોટો ને વધુમાં વધુ ભાગ બચાવે એવો પ્રયત્ન થઈ શકે. વર્તમાન વપરાશ પર કાપ મૂક્યા વિના, તેની વૃદ્ધિ પર અંકુશ રાખીને બચતવૃત્તિ વધારી શકાય.

વિત્તીય સંસ્થાઓનો વિસ્તાર, ઊંચા વ્યાજના દરનું પ્રોત્સાહન, ગ્રાહકની રુચિને અનુરૂપ બચત કરવાના વિવિધ વિકલ્પ – આ સર્વ દ્વારા કુટુંબોને વધુ બચત કરવા પ્રેરી શકાય. સરકાર રાષ્ટ્રીય આવક વધે ત્યારે પોતાને કરની આવક વધુ પ્રમાણમાં મળે તેવી આવકસાપેક્ષ કરપદ્ધતિની રચના કરી રોકાણ માટે નાણાકીય સાધનો મેળવી શકે.

પ્રજામાં વધુ ચીજો ને સેવાઓ ને ઊંચું જીવનધોરણ ભોગવવાની ઝંખના જોઈએ ને તે માટે મહેનત કે સાહસ કરવાની તેની તૈયારી જોઈએ. બચત ને મહેનતનું ફળ ભવિષ્યમાં તેને જ મળશે એવી ખાતરી આપતા મિલકતને લગતા કાયદાઓ જોઈએ. વધુ આવક આપે તે સ્થળે કે ધંધામાં ખસવાની ને પોતાના સાધનને ખસેડવાની સ્વતંત્રતા જોઈએ. અહીં કોઈ સંસ્થાકીય અવરોધ ન નડવા જોઈએ. જરૂરી સાધનો સસ્તાં મળે ત્યાંથી ખરીદવાની ને તૈયાર માલ વધુ ભાવ મળે ત્યાં વેચવાની છૂટ હોવી જોઈએ. પ્રયત્નનાં ફળને નામશેષ કરી નાખે તેવો ભાવવધારો કે ગેરવાજબી કરનીતિ બચતવૃત્તિને અવરોધે છે. આ મનોવૈજ્ઞાનિક ને સંસ્થાકીય વાતાવરણ માણસને કામ કરવા, બચત કરવા, સાહસ કરવા પ્રેરે છે. વિકાસશીલ દેશોએ તે સર્જવાનું હોય છે.

બદરીપ્રસાદ મ. ભટ્ટ