બગે, આશા (જ. 1939, નાગપુર, મહારાષ્ટ્ર) : મરાઠી વાર્તાકાર અને નવલકથાકાર. તેમની પુરસ્કૃત કૃતિ ‘ભૂમી’ બદલ તેમને 2006નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે મરાઠી તથા ભારતીય શાસ્ત્રીય સંગીતમાં એમ.એ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી, હિંદી અને સંસ્કૃત ભાષાઓની જાણકારી ધરાવે છે.

આશા બગે

1973થી તેમણે સર્જનાત્મક લેખનકાર્ય શરૂ કર્યું અને 13 વાર્તાસંગ્રહો અને 7 નવલકથાઓ મળી 20 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘મરવા’, ‘પૂજા’, ‘અત્તર’ વગેરે વાર્તાસંગ્રહો અને ‘મનસ્વિની’, ‘ભૂમી’ જેવી નવલકથાઓ ઉલ્લેખનીય છે. તેમની કેટલીક વાર્તાઓ પરથી ટીવી ફિલ્મો બની છે. તેમની વાર્તાઓ અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં અનૂદિત થયેલી છે. તેમને મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર, વિદર્ભ સાહિત્ય સંઘ પુરસ્કાર, શાંતારામ કથા પુરસ્કાર, ઇચાલકરંજીના આપ્ટે વચન મંદિર પુરસ્કાર અને મહારાષ્ટ્ર ફાઉન્ડેશન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ભૂમી’માં તેમણે એક અનાથ છોકરી દ્વારા શ્રેષ્ઠ મૂલ્યોની તપાસનું નિરૂપણ કર્યું છે. હિંદુ પિતા અને ખ્રિસ્તી માતાનું સંતાન હોવાથી મિશ્રિત સાંસ્કૃતિક ભૂમિકા સાથે તેની કથા વાચકને એક નાના સમુદ્રકિનારાના શહેરથી મુંબઈ જેવા મહાનગર સુધીની ઝાંખી કરાવે છે અને ત્યાંના યુનિવર્સિટીના પરિસરમાં પહોંચાડી દે છે. આમ નારીવાદી બોલીમાં ભૂમિ અને આકાશ મહત્વપૂર્ણ રૂપક છે. આ કૃતિમાં પોતાના આકાશ માટે સ્ત્રીની આંતરિક અને બાહ્ય તલાશ અભિવ્યક્ત કરાઈ છે. આ કૃતિ મરાઠીમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યનું એક મહત્વનું ઉદાહરણ છે.

બળદેવભાઈ કનીજિયા