બખ્તરિયાં વાહન : શત્રુના હુમલા સામે રક્ષણ આપતાં બખ્તર ધરાવતાં વાહન. રણગાડી, લશ્કરનાં મોટર-વાહનો, નૌકાદળનાં જહાજો, લડાયક વહાણો  વગેરેના સંરક્ષણનો તેમાં સમાવેશ થાય છે. શત્રુ સામે યુદ્ધમાં ઉતારવા માટે ખાસ બનાવેલાં સ્વયસંચાલિત અથવા અન્ય વાહનો પર ધાતુનાં પતરાં બેસાડી તેમને શત્રુના હુમલાની અસરમાંથી મુક્ત રાખવામાં આવે છે ત્યારે તે વાહનોને બખ્તરિયાં વાહનો (armoured vehicles) કહેવામાં આવે છે. જેમ સૈનિકોને પહેરવા માટે બખ્તર હોય છે તેમ જ યુદ્ધ દરમિયાન વપરાતાં વાહનોને પણ બખ્તરથી સજ્જ કરવામાં આવે છે. બંનેનો હેતુ એકસરખો હોય છે – શત્રુના હુમલા સામેના રક્ષણનો. વીસમી સદીની શરૂઆતથી વાહનોને બખ્તરબંધ  કરવા માટે લશ્કરના ઇજનરોએ પ્રયત્નો શરૂ કરી દીધા હતા, જોકે ઈ. પૂ. 3500 વર્ષમાં ખાલ્ડિયા ખાતે કરવામાં આવેલ ઉત્ખનનમાંથી એક એવું ચિત્ર મળી આવ્યું છે, જેમાં રથને પ્રાણીઓના ચામડાથી મઢાવેલો બતાવવામાં આવ્યો છે. તેનાથી સાબિત થાય છે કે રથ જેવાં વાહનોને બખ્તર પહેરાવી જરૂરી રક્ષણ આપી શકાતું અને પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન બ્રિટિશરોએ સ્વયંચાલિત રણગાડીની શોધ કરી, જેનો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન (1939–45) બહોળો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારપછી વિશ્વમાં જ્યાં જ્યાં યુદ્ધો ફાટી નીકળ્યાં ત્યાં ત્યાં દરેક યુદ્ધમાં આવી સ્વયંચાલિત રણગાડીઓનો ઉપયોગ થયો છે; દા.ત., કોરિયાનું યુદ્ધ (1950–53), વિયેટનામ યુદ્ધ (1957–75), ભારત-પાકિસ્તાન યુદ્ધ (1965) વગેરે. ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાને અમેરિકન બનાવટની પૅટન ટૅંકોનો ઉપયોગ કર્યો હતો. હાલ શ્રીલંકામાં એલ.ટી.ટી.ઇ. અને ત્યાંના લશ્કર વચ્ચે જે અથડામણો થઈ રહી છે (1982–99) તેમજ છેલ્લા લગભગ બે-અઢી દાયકાથી અફઘાનિસ્તાનમાં જે આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે તેમાં પણ એક યા બીજા પક્ષ તરફથી રણગાડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રણગાડીઓ કે અન્ય લડાયક વાહનોને હવે બહારથી બખ્તર મઢાવવામાં આવતું નથી, પરંતુ જ્યારે તેમનું ઉત્પાદન થાય છે  ત્યારે જ તેમના બહારના ભાગ પર જાડા પતરા(armour plate)નું આવરણ લગાડી દેવામાં આવે છે. દરેક વાહન પર એકસરખી જાડાઈ ધરાવતા પતરાનું આવરણ હોતું નથી, પરંતુ વાહનનો પ્રકાર, તેની સંહારક શક્તિ, જ્યાં તેનો ઉપયોગ થવાનો હોય તે પ્રદેશની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ અને ખાસિયતો, તેના પર મૂકવામાં આવનાર શસ્ત્રોની ક્ષમતા વગેરેનો ખ્યાલ કરી 30 મિમી.થી 216 મિમી. સુધીની જાડાઈ ધરાવતાં જુદાં જુદાં પતરાંનું આવરણ બેસાડવામાં આવે છે. લડાયક જહાજો કે યુદ્ધનૌકાઓ પર વધુમાં વધુ જાડા પતરાનું આવરણ બેસાડવામાં આવે છે, જેથી તે દરિયાનાં ખારાં પાણી સામે ટકી શકે તેમજ શત્રુના આક્રમણથી પોતાનું રક્ષણ કરી શકે.

યુદ્ધનૌકાઓ કે લડાયક જહાજોનો બહારનો ભાગ મુખ્યત્વે જાડા લાકડાનો બનાવેલો હોય છે, જે તોપગોળાથી વીંધી શકાય છે. તેનો ઉપાય શોધવાનો પ્રયાસ છેક અઢારમી સદીમાં શરૂ કરવામાં આવ્યો હતો. 1840માં ડ્યૂપ્યૂઈ દ લોમ નામના ફ્રેન્ચ નૌકા-ઇજનેરે યુદ્ધમાં વપરાતાં લડાયક વહાણોને લોખંડના પતરાનું આવરણ બેસાડવાનો સફળ પ્રયોગ કર્યો. તેણે તે માટે 166 મિમી. જાડાઈ અને 2.4 મિમી. પહોળાઈ ધરાવતા લોખંડના પતરાના થરની પસંદગી કરી. ત્યારબાદ ‘મૉનિટર’ નામ ધરાવતી યુદ્ધનૌકાઓ પર 100 મિમી. જાડું બખ્તર બેસાડવામાં  આવ્યું. લગભગ એ જ અરસામાં જહાજોના તૂતક (deck) પર પણ લોખંડનાં પતરાં બેસાડવાની શરૂઆત થઈ. યુદ્ધનૌકાઓ પર મુકાતી તોપો અને યુદ્ધનાં અન્ય ઉપકરણોને પણ બખ્તરથી મઢાવવાની જોગવાઈ હાથ ધરવામાં આવી. લડાયક જહાજોના બખ્તરની જાડાઈ વધારવા અંગે જુદા જુદા દેશો વચ્ચે ચાલતી હરીફાઈના પરિણામે તે જાડાઈ 35 સેમી. જેટલી વધારવામાં આવી. વળી ટૉર્પીડોના હુમલાથી લડાયક જહાજોને પૂરતું રક્ષણ આપવા માટે મુખ્ય બખ્તરની ઉપર ફુલાવેલું બખ્તર લગાડવામાં આવે છે જેને ‘ઍન્ટીટૉર્પીડો બલ્જ’ કહેવામાં આવે છે. તેવી જ રીતે લડાયક વિમાનોને શત્રુના તોપમારા સામે રક્ષણ આપવા માટે વિમાનચાલકની બેઠકની આસપાસ બુલેટપ્રૂફ પડદા બેસાડવામાં આવતા હોય છે.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી વૈશ્વિક સ્તર પર આતંકવાદનો ફેલાવો થયો છે, જેને લીધે રાજ્યકર્તાઓ, રાજકીય નેતાઓ, સરકારમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા અમલદારો ને પોલીસ અધિકારીઓ વગેરે આતંકવાદીઓનું નિશાન બનતા જાય છે, અને તેને લીધે તેમાંના ઘણાનો ભોગ લેવાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેમના અંગત રક્ષણાર્થે તેમને પહેરવા માટે અપાતા બખ્તર (vest) ઉપરાંત તેમનાં વાહનોને પણ બખ્તરબંધ (bullet-proof) કરવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે