બક્ષી, રામપ્રસાદ પ્રેમશંકર

January, 2000

બક્ષી, રામપ્રસાદ પ્રેમશંકર (જ 20 જૂન 1894, જૂનાગઢ; અ. 22 માર્ચ 1987, મુંબઈ) : ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ પરંપરાના વિવેચક, સંપાદક અને અનુવાદક. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં. 1910માં મૅટ્રિક. 1914માં સંસ્કૃતના વિષય સાથે બી.એ. 1915થી મુંબઈમાં નિવાસ. તેમણે શાળાના આચાર્ય તેમજ ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. 1976–77માં તેઓ પોરબંદર ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા.

લેખકની રચનાઓ જોતાં તેમાં સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનો સમન્વય થયેલો જોવા મળે છે. એમનું વિવેચન વિવરણાત્મક શૈલીથી થયેલું જોવા મળે છે. તેમાંથી તેઓ સંસ્કૃત પરિપાટીની તત્વચર્ચાને ઉપસાવી શક્યા છે.

રામપ્રસાદ બક્ષીએ બીજાઓના સહયોગમાં કરસનદાસ માણેક વિશે ‘અક્ષર-આરાધના’ (1962), જ્યોતીન્દ્ર દવે વિશે ‘વાઙ્મયવિહાર’ (1964) અને ગુલાબદાસ બ્રોકર વિશે ‘સંવાદ’ (1974) – એ ષષ્ટિપૂર્તિગ્રંથો સંપાદિત કરી આપ્યા છે.

રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી

તેમનાં અન્ય સંપાદનોમાં ‘ગોવર્ધનરામ મા. ત્રિપાઠી સ્ક્રૅપબુક’ (1957), ‘નરસિંહરાવની રોજનીશી’ (1959), ‘છોટુભાઈ કોરા જીવનજ્યોતિ’ (1959), ‘ગોકુળભાઈ ભટ્ટ અભિનંદન ગ્રંથ’ (1963) અને ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’(અન્ય સાથે, 1971)ને ગણાવી શકાય.

વિવિધ રસ અને રુચિને પોષે તેવાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે. ‘વાઙ્મયવિમર્શ’ (1963) સાહિત્યતત્વની મીમાંસા કરતા લેખોનો સંગ્રહ છે. સંસ્કૃત નાટ્યમીમાંસાના આધારે તેમણે ‘નાટ્યરસ’ (1959) અને ‘કરુણરસ’ (1963) એ બે પુસ્તકો આપ્યાં છે. તેમાં પાશ્ચાત્ય નાટ્યમીમાંસાનો પણ તુલનાત્મક ર્દષ્ટિથી વિનિયોગ કરવામાં આવ્યો છે. ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’ – એ ગોવર્ધનરામની સાહિત્યિક વિશિષ્ટતા આલેખતો ગ્રંથ છે.

રામપ્રસાદ બક્ષીનું અનુવાદક્ષેત્રે પ્રદાન પણ ઉલ્લેખનીય છે. ‘કથાસરિતા’ (1911), નરસિંહરાવનાં વ્યાખ્યાનો ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’ ભા. 1-2 (1936, 1957), શીખધર્મસ્તોત્ર ‘સુખમની’ (1935), વગેરે તેમના દ્વારા અનૂદિત કૃતિઓ છે.

રામપ્રસાદ બક્ષીને 1960–64નો નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

નલિની દેસાઈ