બક્ષી પંચ : 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ પૂર્વેથી પરાધીનતાને પડકાર ફેંકનાર જૂથોને બ્રિટિશ સલ્તનત અને દેશી રાજાઓ વખતોવખત ગુનાહિત ધારા યા વટહુકમ બહાર પાડી અંકુશિત કરતા હતા. આવાં જૂથોની અલગ નામાવલી રાખવામાં આવતી હતી. તેમને સામૂહિક દંડ થતો હતો તેમજ તેમને માટે સામૂહિક હાજરીની પ્રથાનો અમલ પણ શરૂ થયો હતો. આવાં કારણોથી અન્ય જાતિઓની વિગતો દર્શાવતા આલેખો પણ તૈયાર થયા હતા અને 1881થી આ આલેખોને સર્વસંગ્રહમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તે દરમિયાન અસ્પૃશ્યો અને જંગલમાં વસતી જાતિઓના પ્રશ્ર્નો સમજવાના પ્રયાસો શરૂ થયા હતા. 1919ના મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારામાં સૌપ્રથમ વાર ‘દલિતવર્ગ’ શબ્દપ્રયોગ કરવામાં આવ્યો. આ દલિતવર્ગ હેઠળ અસ્પૃશ્યો, આદિજાતિઓ અને તે સિવાયની અન્ય પછાત અને ગુનાહિત જાતિઓનો સમાવેશ થયો. 1924માં ગુનાહિત જાતિઓની સુધારણાનો અભિગમ અપનાવાયો. 1928માં ભારતીય સનદી સેવાના અધિકારી ઓ. એચ. વી. સ્ટાર્ટના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં ડૉ. આંબેડકર અને અમૃતલાલ ઠક્કર(ઠક્કરબાપા)નો પણ સભ્ય તરીકે સમાવેશ થયો હતો. આ સમિતિના અહેવાલમાં સૌપ્રથમ વાર દલિત વર્ગ(depressed classes)નું વર્ગીકરણ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ – એમ બે વર્ગ પાડવામાં આવ્યા. અનુસૂચિત જાતિમાં મુખ્યત્વે વિવિધ પ્રકારના અસ્પૃશ્યોને સમાવવામાં આવ્યા. અનુસૂચિત જનજાતિમાં આદિવાસી અને પર્વતીય જાતિઓ(aboriginal and hill tribes)નો સમાવેશ કરવામાં આવ્યો. આ સિવાયના બાકી રહી ગયેલા પછાત વર્ગોને અન્ય પછાત જાતિઓ(other backward classes)ના વર્ગમાં મૂકવામાં આવ્યા.

સ્વાતંત્ર્ય બાદ ગુનાહિત જાતિના ધારાઓ રદ કરવામાં આવ્યા તેમજ પછાત જાતિઓના ઉત્થાનના પ્રયાસો શરૂ થયા. આ દરમિયાન બંધારણના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના આધારે વર્ગવિહીન સમાજરચનાની દિશામાં આગળ વધવા જ્ઞાતિજાતિના પ્રાધાન્યને રદ કરવામાં આવ્યું. 1959માં મુંબઈ રાજ્યમાં પછાત વર્ગો માટે ઉત્થાન-કાર્યક્રમો હાથ ધરાયા.

ભારતની સર્વોચ્ચ અદાલતના એક ચુકાદા મુજબ ‘અન્ય પછાત જાતિઓ’ની યાદી નક્કી કરવાનું કાર્ય રાજ્ય સરકારોનું હોવાથી તેને સુપરત કરવામાં આવ્યું. તદનુસાર ગુજરાત રાજ્યમાં વખતોવખત આ અંગેનાં પંચો નિમાયાં. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વડી અદાલતના ન્યાયમૂર્તિ એ. આર. બક્ષીના અધ્યક્ષપદે 1972માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટેના પંચની રચના કરવામાં આવી, જે બક્ષી પંચ તરીકે જાણીતું બનેલું. આ પંચ એક વ્યક્તિનું બનેલું હતું. બક્ષી પંચે 1976માં સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો. તેમાં 82 જ્ઞાતિ/કોમોને આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાવી હતી. આ પંચે તબીબી અને ઇજનેરી શિક્ષણસંસ્થાઓમાં 10 % બેઠકો, રાજ્યની સરકારી સેવાઓના પહેલા અને બીજા વર્ગમાં 5 % તથા ત્રીજા અને ચોથા વર્ગમાં 10 % બેઠકો અનામત તરીકે ફાળવવાની ભલામણ કરી હતી. આમ, બક્ષી પંચની જ્ઞાતિઓ માટે તથા વર્ગીકૃત જાતિજનજાતિઓ માટે મળીને કુલ 31 % જેટલી અનામત બેઠકો થઈ. 1978માં બાબુભાઈ જશભાઈ પટેલની નેતાગીરી હેઠળની જનતા પક્ષની સરકારે બક્ષી પંચની આ ભલામણો સ્વીકારીને તેમને તરત અમલમાં મૂકવાનાં પગલાં લીધાં.

અનામત જોગવાઈના અમલ સામે ગુજરાતની મેડિકલ તથા ઇજનેરી કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓમાં અસંતોષ ઊભો થયો. તેમણે ગુજરાતની વડી અદાલતમાં બક્ષી પંચની જોગવાઈઓના અમલ સામે રિટ કરેલી, જે અદાલતે ફગાવી દીધી હતી.

જયંતિલાલ મણિલાલ મલકાણ