બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ.  અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને તે જ વ્યવસાય સ્વીકારેલો. ‘વીસમી સદી’ના સહતંત્રી તરીકે કારકિર્દીની શરૂઆત. આ સમય દરમિયાન એમણે ‘નવચેતન’માં વાર્તાઓ લખવા માંડી. ‘પ્રજામિત્ર કેસરી’ના તંત્રીમંડળમાં જોડાયા અને ત્યાં ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ના દીપોત્સવી અંકોનું સંપાદન કર્યું.

પ્રગતિશીલ લેખક તરીકે જાણીતા. વાર્તાકળા પ્રત્યે સભાન. 1952માં એમણે સરરિયાલિઝમની ચર્ચા કરેલી. ચિત્રમય, કાવ્યમય ગદ્યના કસબી. એમની વાર્તાઓમાં સિનેમેટોગ્રાફીની તકનીક દ્વારા થતાં ચિત્રાંકનો ધ્યાનપાત્ર છે. કથાવસ્તુ, સંવેદન તથા પાત્રસૃષ્ટિના વૈવિધ્ય પર તેઓ ભાર મૂકતા. નિમ્નવર્ગીય સમાજને આલેખતી સામ્યવાદી વલણની વાર્તાસૃષ્ટિ. ફૂટપાથ, ગલીઓ, પીઠાં અને અંધારામાં ફરતાં પાત્રો તથા તેમના પરિવેશવાળી, સમાજના વિશાળ પટને આવરી લેતી વાર્તાસૃષ્ટિ. બિનજરૂરી પ્રસ્તાર એ એમની મર્યાદા. એમનાં મહત્વનાં પુસ્તકો – ‘સુવર્ણના નિ:શ્વાસ’ (1936), ‘ઇશ્કની ખુશ્બૂ’ (1942), ‘કાદવનાં કંકુ’ (1944), ‘અગનફૂલ’, ‘ખારાં પાણી’, ‘કંકુડી’ (1953) વગેરે. મહેશ દવે દ્વારા એમની વાર્તાઓનું ‘બકુલેશની વાર્તાઓ’ (1977) એ નામે સંપાદન થયું છે. ‘નિશિગંધા’, ‘ગોપીનું ઘર’, ‘કિમી-ચાન’ અને ‘ખંડેયિર’ એમની યશસ્વી વાર્તાઓ છે. ગ્રંથસ્થ ન થઈ હોય એવીયે કેટલીક વાર્તાઓ છે.

યોગેશ જોશી