ફ્રૉઇડ, સિગ્મન્ડ (જ. 6 મે 1856, ફ્રાઇબર્ગ, મોરેવિયા; અ. 1938, લંડન) : મનોવિશ્લેષણ વિચારધારાના પ્રણેતા તરીકે જગતભરમાં ખ્યાતિ પામેલા મનોવિજ્ઞાની. તેમનો જન્મ એક યહૂદી કુટુંબમાં થયો. પિતા જેકૉબની બીજી પત્ની એલિવિયાનું તેઓ પ્રથમ સંતાન હતા. તેમને ત્રણ નાની બહેનો અને બે નાના ભાઈઓ હતા. ચાર વર્ષની વયે તેઓ પરિવાર સાથે વિયેના આવ્યા. ત્યાં પૂરું બાળપણ ઘરના વિક્ટ સંજોગો અને તંગ આર્થિક સ્થિતિમાં પસાર થયું. 5 વર્ષની ઉંમરે હાઈસ્કૂલમાં દાખલ થયા. સતત સાત વર્ષ સુધી ભણવામાં મોખરે રહ્યા. અન્ય બાળકોની જેમ રમવાને બદલે તેમણે વાચન, સતત અભ્યાસ અને પરિશ્રમમાંથી આનંદ પ્રાપ્ત કરવાનું વલણ વિકસાવ્યું. 17 વર્ષની વયે ઉજ્જ્વળ સફળતા સાથે શાળાનું શિક્ષણ પૂરું કર્યું. તે સમયે વિયેનાના યહૂદીઓમાં ઉદ્યોગો, વેપાર, ધારાશાસ્ત્ર અને તબીબી વિદ્યા એ ચાર ખાસ પસંદગીનાં ક્ષેત્રો ગણાતાં. માણસમાં મૂળભૂત રીતે રસ હોવાથી જ કદાચ ફ્રૉઇડે તબીબી વિદ્યા પર પસંદગી ઉતારી.

સિગ્મન્ડ ફ્રૉઇડ

તેમના અચેતન મનના સિદ્ધાંતે વિચારકો અને વૈજ્ઞાનિકોમાં  ખળભળાટ મચાવેલો. છેલ્લાં સો વર્ષમાં વૈચારિક ક્રાન્તિમાં વિશિષ્ટ પ્રભાવ પાડનારાઓમાં ફ્રૉઇડનું સ્થાન મોખરે રહ્યું. તેમના વિચારો અને સિદ્ધાંતોનો પ્રભાવ ચિકિત્સાક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે અને સંશોધનક્ષેત્રે બહુ જ પ્રબળ અને વ્યાપક બન્યો. તે ઉપરાંત રોજિંદા જીવનને સમજવામાં, સાહિત્ય-કળાઓને મૂલવવામાં, ધર્મનાં રહસ્યો સમજવામાં અને સાંસ્કૃતિક-સામાજિક ઘટનાઓ સમજવા સુધી તેનો વ્યાપ વિસ્તરતો રહ્યો.

1873માં વિયેના યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. મુખ્ય વિષય તબીબી વિદ્યા હોવા છતાં તેમની શૈક્ષણિક અભિરુચિનું ક્ષેત્ર ખૂબ વ્યાપક રહ્યું છે. 1876માં વિશિષ્ટ પ્રતિભા સાથે તેમણે સંશોધનના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. 1885માં મજ્જાકીય રોગો વિશેનાં તેમનાં સંશોધનો અને નિરીક્ષણોને આધારે તેમણે ઘણાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. તે પછી તેઓ મજ્જાવિકૃતિશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા.

1885-86 દરમિયાન પ્રવાસ માટેની ફેલોશિપ લઈને ફ્રાન્સમાં મજ્જાકીય રોગોની હૉસ્પિટલમાં જોડાયા. જ્યાં શાર્કોટ દ્વારા થતી હિસ્ટિરિયાની સારવારથી પ્રભાવિત થયા અને તેમના કેન્દ્રમાં સામેલ થયા.

અગાઉ બ્રુઅર અને મેસ્મર સાથે તેમજ શાર્કોટ (1885) સાથે તેઓએ સંમોહનવિદ્યા પર કામ કર્યું. ત્યાંથી નાન્સી ચિકિત્સા કેન્દ્રમાં પણ સંમોહન પર કામ કર્યું. પણ આ બધાંને અંતે સંમોહન દ્વારા ચિકિત્સાથી સંતોષ ન થતાં તેમણે તે પદ્ધતિ છોડી ને ‘મુક્ત સાહચર્ય’ પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો. હિપ્નૉટિક ટ્રાન્સ મારફત દરદીના અચેતનમાં પહોંચવાને બદલે મુક્ત સાહચર્ય દ્વારા જ અચેતન સામગ્રીને ચેતનાવસ્થામાં લાવી તેનું વિશ્લેષણ કરવાની પદ્ધતિ વિકસાવવાનો પ્રારંભ કર્યો, જેના દ્વારા દમિત અનુભવો, આવેગો અને પ્રેરણાઓના સંઘર્ષોને સભાનાવસ્થામાં લાવવામાં તેઓ સફળ થયા.

આ સારવારપદ્ધતિ દરમિયાન જ મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંતો આકાર પામ્યા. 1886ના છેલ્લા ભાગમાં વિયેના પાછા આવી અને લગ્ન કરી માનસિક રોગોની સારવારનું કાર્ય ચાલુ કાર્યું. 1895માં ‘સ્ટડીઝ ઑવ્ હિસ્ટિરિયા’ પરનું પુસ્તક ફ્રૉઇડે અને બ્રુઅરે સાથે મળીને તૈયાર કર્યું.

1897–99 દરમિયાન ફ્રૉઇડે ‘સ્વપ્ન-વિશ્લેષણ’ પર સ્વતંત્ર પુસ્તક લખ્યું. 1897 દરમિયાન ફ્રૉઇડે પોતાનું જ મનોવિશ્લેષણ કર્યું, જેમાંથી પુસ્તકો માટેની પુષ્કળ માહિતી પ્રાપ્ત થઈ. 1905માં જાતીયતાના સિદ્ધાંતો (Three contributions to the theory of sex) પર પુસ્તક લખ્યું. બાળકોમાં જાતીયતાનું સ્વરૂપ કેવું હોય છે તે દર્શાવતું આ પુસ્તક તેનાં મહત્વનાં પ્રદાનોમાંનું એક છે.

1895થી 1906 સુધી મનોવિશ્લેષણના સિદ્ધાંતો વિકસાવવાનું કામ તેમણે એકલાએ વ્યક્તિગત રીતે જ આગળ ધપાવ્યું. તે પછીના સમયમાં એમના ઘણા વિદ્યાર્થીઓ, અનુયાયીઓ અને સહકાર્યકરોએ મનોવિશ્લેષણનાં વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો.

સમગ્ર જીવન દરમિયાન ફ્રૉઇડે ઘણાંબધાં પુસ્તકો, લેખો અને સંશોધન-અહેવાલો લખ્યાં. માનસિક રીતે વિક્ષુબ્ધ દરદીઓની સારવાર, સ્વપ્નવિશ્લેષણ અને મનોવિશ્લેષણ પર તો ઘણું સાહિત્ય એમણે પોતે લખ્યું જ છે પણ તે ઉપરાંત મનોવિશ્લેષણ-સિદ્ધાંતોનો અવિષમ (normal) માણસોના જીવન સાથે સંબંધ ધરાવતાં પણ ઘણાં પુસ્તકો લખ્યાં છે. આ રીતે મનોવિશ્લેષણને ચિકિત્સાલયોથી શરૂ કરીને સમગ્ર માનવસમૂહને આવરી લેતી વિશાળ ક્ષિતિજો સુધી ફેલાવવાનું કાર્ય પણ ફ્રૉઇડે કર્યું છે. પણ તેના સિદ્ધાંતો સારવારમાં જેટલા સ્વીકારાય છે તેટલા અવિષમ માણસને સમજવા માટે સ્વીકારાયા નથી. એ દર્શાવે છે કે ફ્રૉઇડના સિદ્ધાંતોનો અર્થ ફ્રૉઇડે ગમે તેટલો વ્યાપક કર્યો હોવા છતાં જનસમુદાયની એ મર્યાદાઓને લીધે તેનો અર્થ ‘રોગી’ એ પૂરતો સીમિત રહ્યો છે. પરિણામે આ સિદ્ધાંતોનો ઉપયોગ મર્યાદિત રહ્યો હતો. બીજી તરફ જનજીવનની સમસ્યાઓ વણસમજાઈ અને વણઊકલી રહી જવા પામી છે.

1910માં આંતરરાષ્ટ્રીય સંમેલનો દરમિયાન ફ્રૉઇડના પ્રમુખપદ નીચે મનોવિશ્લેષણના સિદ્ધાંતોનાં અનેક કેન્દ્રો અનેક દેશોમાં એકસાથે શરૂ થયાં. સંખ્યાબંધ વૈજ્ઞાનિક સંગઠનોએ આ સિદ્ધાંતને માન્યતા આપી. અચેતન મનનો સિદ્ધાંત એ તેમનું પાયાનું અને મહત્વનું પ્રદાન છે. એ સમયનો આ નવો શબ્દ અત્યારે તો રોજની સામાન્ય વાતચીતનો શબ્દ બની ગયો છે. એ ઉપરાંત સ્વપ્નના સિદ્ધાંતોએ ફ્રૉઇડને ઘણી પ્રસિદ્ધિ અપાવી. જાતીયતાનું કેન્દ્રવર્તી મહત્વ અને બાળપણની જાતીયતાનું સ્વરૂપ – એ બે બાબતોએ ફ્રૉઇડને પ્રસિદ્ધિ સાથે વગોવણીનો પણ ભોગ બનાવ્યા. તેનો લીબીડોનો સિદ્ધાંત, ચિંતાનો સિદ્ધાંત, વ્યક્તિત્વ સિદ્ધાંતમાં ઇડ, ઈગો અને સુપર ઈગો તેમજ વ્યક્તિત્વવિકાસના મનોજાતીય તબક્કાઓ પણ ચિકિત્સકો માટે મહત્વના સિદ્ધાંતો રહ્યા.

આમ છતાં મનોવિશ્લેષણવાદના સિદ્ધાંતો અને ફ્રૉઇડનું વ્યક્તિત્વ બંને હંમેશાં વિવાદાસ્પદ રહ્યાં છે. પરિણામે તેનો વિકાસ સરળ બન્યો નથી. તેમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે.

ફ્રૉઇડના પોતાના જીવનમાં બનતી વિષમ ઘટનાઓ, આવેશોના ચઢાવ-ઉતાર, લાંબા સમયની ખિન્નતા અને અહમકેન્દ્રિત વ્યક્તિત્વને કારણે ફ્રૉઇડનું સ્વાસ્થ્ય અવારનવાર કથળતું રહ્યું. તેને વારંવાર માથાનો તીવ્ર દુખાવો ઊપડી આવતો. તેની વચ્ચે કામ ચાલુ રાખવા તેને દિવસ દીઠ 20થી 25 જેટલી સીગારો પીવાનું થતું. પરિણામે જડબાના કૅન્સરના તેઓ ભોગ બન્યા. જિંદગીનાં છેલ્લાં 16 વર્ષ જેટલો લાંબો સમય તે વિકટ સ્થિતિમાં જીવ્યા. તે દરમિયાન જડબાનાં 33 જેટલાં ઑપરેશનો કરાવવાં પડ્યાં. 1938માં નાઝી ઉગ્રવાદીઓને કારણે તેમને ઑસ્ટ્રિયા છોડવું પડ્યું હતું. કુટુંબ સાથે તેઓ લંડન જઈ સ્થિર થવા મથ્યા. ત્યાં એમના વિશાળ વાચકવર્ગ અને ચાહકવર્ગની વચ્ચે માત્ર એક જ વર્ષ વિતાવ્યું. ત્યાં તેમનું અવસાન થયું અને ગોલ્ડર્સ ગ્રીન ખાતે તેમના અંતિમ સંસ્કાર થયા.

1900ની આસપાસ તેમના ઘણા અનુયાયીઓ તૈયાર થઈ ગયા હતા. એડલર, ઓટો રેંક, હન્સ સેક, કાર્લ યુંગ અને અર્નેસ્ટ જોન એ તેમના નિકટના અને નોંધપાત્ર સાથીઓ હતા. તેમની નજીકના મિત્રોના કહેવા પ્રમાણે તેઓ વ્યાવસાયિક ક્ષેત્રે કે અંગત જીવનમાં વિરોધીઓ સાથે રહી શકતા નહોતા. 1910માં એડલર સાથે અને 1913માં યુંગ સાથે સૈદ્ધાંતિક મુદ્દે તફાવત પડતાં તે બંનેએ ફ્રૉઇડને ત્યજીને તેને નવું સિદ્ધાંત માળખું આપવા પ્રયત્ન કર્યો. તે પછી ઘણુંબધું બદલાયું છતાં ફ્રૉઇડના પ્રદાનની એટલી પ્રબળ અસર થઈ કે મનશ્ચિકિત્સાશાસ્ત્ર અને માનસશાસ્ત્રમાં ફ્રૉઇડના સંદર્ભ વિના વિચારવું મુશ્કેલ થઈ ગયું. આ ઉપરાંત સાહિત્ય, કળા અને સામાન્ય જનજીવન પણ તેના પ્રભાવથી મુક્ત રહી શક્યાં નથી. કોઈ ફ્રૉઇડના અનુયાયી છે, કોઈ તેના ભક્ત છે, કોઈ ટીકાકાર છે, કોઈ વિરોધી છે. પણ કોઈ ‘ફ્રૉઇડ’ના સંદર્ભથી મુક્ત નથી. જે સિદ્ધાંતો વિકસ્યા તેમાંના ઘણાએ ફ્રૉઇડના શબ્દો બદલ્યા, તેના પ્રત્યાઘાતમાં નવા સિદ્ધાંતો આપ્યા, તેના જ માળખામાં નજીવા ફેરફારો કર્યા અથવા તેનું જ અધૂરું કાર્ય પૂરું કરવામાં પરોવાયા, પણ તેનાથી દૂર જઈ શક્યા નહિ. ફ્રૉઇડે જાતે જ પોતાના જીવનનું તારતમ્ય નીચેના શબ્દોમાં આપ્યું છે : ‘મારી જિંદગી દરમિયાન કરેલ કામના ટુકડાઓને હું પાછો ફરીને જોઉં છું ત્યારે લાગે છે કે મેં ઘણી બધી બાબતોનો પ્રારંભ કર્યો છે અને ઘણાંબધાં સૂચનો ઝીંક્યાં છે. એમાંનાં કેટલાંક ભવિષ્યમાં સાકાર થશે. જોકે હું જાતે એ નથી કહી શકતો કે એ ઘણુંબધું હતું કે માત્ર થોડું જ હતું. હું તો માત્ર એક આશા જ બાંધી શકું છું કે મેં જ્ઞાનના વિકાસ માટે એક મહત્વનો રસ્તો ખોલી આપ્યો છે.’

પ્રતીક્ષા રાવલ