ફ્રાય, ક્રિસ્ટોફર (જ. 1907, બ્રિસ્ટલ, ) : અંગ્રેજી પદ્ય નાટ્યકાર. મહદંશે એમણે પદ્યસ્વરૂપમાં સાહિત્ય રચ્યું છે. એમની નાટ્યકૃતિઓમાં રાણી ઇલિઝાબેથના સમયની નાટ્યકૃતિઓનું સૌંદર્ય અને એમાં રહેલી વાક્પટુતાને પ્રગટાવવાનો પ્રયાસ સ્પષ્ટ વર્તાય છે. 1940 પછીના દાયકાના પાછળના ભાગમાં અને 1950 પછીના દાયકાના આરંભમાં એમને ઘણી પ્રસિદ્ધિ – લોકપ્રિયતા પ્રાપ્ત થઈ; આમ છતાં પણ નાટકને પદ્યસ્વરૂપમાં પુનર્જીવિત કરવાનો એમનો પ્રયાસ વ્યાપક બની શકયો નહિ.

ક્રિસ્ટોફર ફ્રાય

એમનાં સૌથી વિશેષ લોકપ્રિય નાટકો હતાં : ‘એ ફિનિક્સ ટૂ ફ્રિક્વન્ટ’ (1946), ‘ધ લૅડી’ઝ નૉટ ફૉર બર્નિગ’ (1948) અને ‘વિનસ ઑબ્ઝર્વ્ડ’ (1950) છે. ‘ધ લૅડી’ઝ નૉટ ફૉર બર્નિગ’માં વિનોદપ્રધાન પદ્યસ્વરૂપનો વિકાસ જોવા મળે છે. ‘એ ફિનિક્સ ટૂ ફ્રિક્વન્ટ’ એમનું સૌથી વિશેષ જાણીતું નાટક છે. એમનાં આ બધાં નાટકોમાં વિનોદવૃત્તિ પ્રાધાન્ય ભોગવે  છે.

આધુનિક ફ્રેન્ચ નાટકોને અનુરૂપ લાગે એવાં નાટકો પણ એમણે રચ્યાં છે. ‘ધ લાર્ક’ (1955) જીન એનોલ્થની નાટ્યકૃતિ પર આધારિત છે અને એમાં ‘જોન ઑવ્ આર્ક’ના જીવનનું દર્શન છે. ‘ટાઇગર ઍૅટ ધ ગેટ્સ’ (1955) જીન ગીરદૉઅની કૃતિ પરથી લખાયેલું છે. ટ્રોજન યુદ્ધની ભૂમિકા પર રચાયેલું એ યુદ્ધવિરોધી નાટક છે. એમણે કેટલાંક ધાર્મિક નાટકો પણ આપ્યાં છે; જેવાં કે ‘ધ બૉય વિથ એ કાર્ટ’ (1938) અને ‘ધ ફર્સ્ટ બૉર્ન’ (1948). ચલચિત્ર માટેની પટકથાઓ પણ તેમણે લખી છે, જેમાં ‘બેન હર’ (1959) અને ‘ધ બાઇબલ’ (1966)નો સમાવેશ થાય છે.

જયા જયમલ ઠાકોર