ફેગોનિયા (ધમાસો)

February, 1999

ફેગોનિયા (ધમાસો) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઝાયગોફાઇલેસી કુળની એક પ્રજાતિ. તે નાની, ટટ્ટાર કે ભૂપ્રસારી, વધતે-ઓછે અંશે કાષ્ઠમય અને શાકીય કે ઉપક્ષુપ પ્રજાતિ છે. તેનું વિતરણ ભૂમધ્યપ્રદેશથી શરૂ થઈ ભારત, દક્ષિણ આફ્રિકા, કૅલિફૉર્નિયા અને ચિલીમાં થયેલું છે. ભારતમાં તેની એક જ જાતિ થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Fagonia erecta Linn. syn. F. arabica Linn.; F. bruguieri DC. (સં. ધન્યવાસ, અજભક્ષ્ય; મ. ધમાસા – કાંટેચુબુક; હિં. હિંગુણા, ધમાસા, ધમાહન; ગુ. ધમાસો; ક. વલ્લિદુરૂવે, નેલઈંગળ; તે. પિલરેગેટિ, દુલગોડી; ફા. બાદાબર્દ; અ. શુકાઈ) છે. તે ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખારાઘોડા જેવા વિસ્તારોમાં મળી આવે છે.

ધમાસો નાની કંટકીય ઉપક્ષુપ જાતિ છે. તેની શાખાઓ સખત હોય છે અને વધતેઓછે અંશે ભૂમિ પર પથરાયેલી હોય છે. પર્ણો સંમુખ, 1થી 3 – પર્ણી; પર્ણિકાઓ અખંડિત, રેખીય-ઉપવલયાકાર (linear- elliptic) અને તેનાં ઉપપર્ણો કંટકીય હોય છે. પુષ્પો એકાકી, કક્ષીય, ગુલાબી અથવા ક્યારેક જાંબલી કે પીળા રંગનાં હોય છે. વજ્રપત્રો પાંચ અને પર્ણપાતી હોય છે. દલપત્રો પાંચ અને ચમચાકાર હોય છે. પુંકેસરો દસ, બિંબ પર ગોઠવાયેલાં અને તેમના તંતુઓ સૂત્રમય હોય છે. તેઓ લંબગોળ પરાગાશયો ધરાવે છે. બીજાશય રોમિલ, અદંડી, પંચકોણીય અને પંચકોટરીય હોય છે. પ્રત્યેક કોટરમાં તેના તલસ્થ ભાગેથી બે અંડકો ઉત્પન્ન થાય છે. તેની પરાગવાહિની પંચકોણીય અને પરાગાસન સાદું હોય છે. ફળ પંચખંડી, એકબીજમય, ગ્રંથિયુક્ત અને રોમિલ હોય છે. તેની પાંચેય કપાટ(valve)નું સ્ફોટન વક્ષસીવન(suture)થી થાય છે.

ફેગોનિયા (ધમાસો) : પર્ણ, પુષ્પ, ફળ અને બીજ

આયુર્વેદ અનુસાર તે મધુર, કડવો, બલકર, અગ્નિદીપક, સારક, શીતળ, લઘુ અને તૂરો છે. એ કફ, પિત્ત, રાતો કોઢ, વિસર્પ, મેદ, ભ્રમ, મદ, વાતરક્ત, તૃષા, ઊલટી, ઉધરસ, દાહ અને તાવનો નાશ કરે છે. રાતો ધમાસો તીખો, કડવો, મધુર, રક્તશુદ્ધિકારક, શીત અને ઉષ્ણ છે અને વિસર્પ, વિષમજ્વર, તૃષા, ઊલટી, મોહ, રક્તદોષ, વાતપિત્ત, કફ, કોઢ અને તાવનો નાશ કરે છે. તેનો ઉપયોગ ઉધરસ, તાળવામાં કાતરા પડે છે તે ઉપર, જખમ, હેડકી, ભ્રમ, મૂર્છા, પથરી મૂત્રકૃચ્છ્ર, શીતપિત્ત, હરતાલનું વિષ, મૂત્રાઘાત અને અંતર્વિદ્રધિ પર કરવામાં આવે છે. સુશ્રુતમાં જણાવ્યા પ્રમાણે સર્પદંશના ઉપચારમાં તેનાં પર્ણો અને શાખાઓનો ઉપયોગ અન્ય ઔષધો કરતાં વધારે પ્રમાણમાં થાય છે.

યોગેશ ડબગર