ફુજિયન (ફુકિયન)

February, 1999

ફુજિયન (ફુકિયન) : ચીનના અગ્નિભાગમાં આવેલો દરિયાકિનારા નજીકનો પ્રાંત. તે તાઇવાન ટાપુની સામે તાઇવાન સામુદ્રધુની નજીક પૂર્વ ચીની સમુદ્રને કિનારે વિસ્તરેલો છે. ભૌગોલિક સ્થાન : 26° ઉ. અ. અને 118° પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર તે આવરી લે છે. તેની ઉત્તરે ઝેજિયાંગ (ચિક્યાંગ), પૂર્વમાં પૂર્વ ચીની સમુદ્ર, અગ્નિમાં તાઇવાનની સામુદ્રધુની તથા દક્ષિણ ચીની સમુદ્ર, નૈર્ઋત્યમાં ગુયાંગડાંગ (ક્વાંગટુંગ) અને પશ્ચિમે જિયાંગ્કસી(કિઆંગ્સી)ના પ્રદેશો આવેલા છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 1,23,100 ચોકિમી. જેટલું છે, વિસ્તારના સંદર્ભમાં તુલનાત્મક ર્દષ્ટિએ જોતાં, તે સૌરાષ્ટ્ર કરતાં લગભગ બમણું ગણાય. 1990ની ગણતરી મુજબ, તેની વસ્તી 3,00,00,000 જેટલી છે. ફૂચાઉ (ફૂઝાઉ) તેનું પાટનગર છે. (વસ્તી 16,52,000).

ભૂપૃષ્ઠ : સમગ્ર એશિયામાં અને વિશેષે કરીને ચીનમાં આ પ્રદેશ અતિ રળિયામણો ગણાય છે. અહીં વનાચ્છાદિત ટેકરીઓ, નદીઓ, ઝરણાં, ડાંગરનાં સીડીદાર ખેતરો, ચાના બગીચા અને વાડીઓ જોવા મળે છે. ફુજિયનનો આશરે 95% ભાગ પર્વતો અને ટેકરીઓથી છવાયેલો છે. માત્ર કિનારા તરફ તથા ખીણોમાં જ મેદાની ભાગો આવેલા છે. કિનારા નજીક તેમજ થોડે દૂરના અંતરે સમુદ્રમાં આશરે 600 જેટલા ટાપુઓ છે. કિનારાને લગભગ સમાંતર મધ્યમ ઊંચાઈવાળી હારમાળા ફુજિયનના પ્રદેશને ભેદતી ચાલી જાય છે, જે તેને ચીનના અંતર ભાગથી અલગ પાડે છે. ઉત્તર તરફ ફુજિયન-ઝેજિયાંગ સરહદ પર યાનડાંગ પર્વત આવેલો છે. પશ્ચિમ અને વાયવ્ય તરફ ફુજિયન- જિયાંગ્સી સરહદ પર આશરે 2,000 મીટરની ઊંચાઈ સુધી પહોંચતા વુ–ઈ–શાન પર્વતો આવેલા છે, જે ચીનના બાકીના ભાગથી આ પ્રાંતને જુદો પાડે છે. સદીઓથી પીવાના પાણી માટે, સિંચાઈ માટે તથા અવરજવર માટે ઉપયોગમાં લેવાતી રહેલી વિપુલ જળજથ્થો ધરાવતી નદીઓનું અહીં ઘણું મહત્ત્વ છે. મિન-જિયાંગ અહીંની મોટામાં મોટી નદી છે. તેની લંબાઈ 580 કિમી. જેટલી છે, તે આશરે 72,520 ચોકિમી. વિસ્તારને સિંચાઈની સુવિધા પૂરી પાડે છે. આ નદીનો હેઠવાસનો 23 ભાગ જળમાર્ગ માટે અનુકૂળ છે, ઉપરવાસના પ્રપાતો, કોતરો અને વમળોવાળો 13 ભાગ ઉપયોગમાં લેવાતો નથી. નદીઓ સમુદ્ર નજીક જ્યાં નદીનાળમાં ફેરવાય છે ત્યાં કુદરતી બારાં બની રહ્યાં છે. સમુદ્ર નજીકના પર્વતોમાંથી નીકળતી નદીઓ ટૂંકી અને ઝડપી વહેણવાળી છે. જિયુલાંગ જિયાંગ નદી ફૂચાઉથી દક્ષિણે 282 કિમી.ના અંતરે એમૉય (ક્વેમૉય) પાસે સમુદ્રને મળે છે. ટિંગ જિયાંગ ફુજિયન પ્રાંતના ચાંગ ટિંગમાંથી નીકળે છે. તે હૅન જિયાંગ નામથી ગુયાંગડાંગ પ્રાંતના શાન્ટો (સ્વાટો) ખાતે સમુદ્રને મળે છે.

આબોહવા : ફુજિયનનો વિસ્તાર કર્કવૃત્તની તદ્દન નજીક ઉત્તર તરફ આવેલો હોવાથી તેની આબોહવા ઉપઅયનવૃત્તીય (subtropical) છે. ઉનાળા લાંબા અને ખૂબ ગરમ અને શિયાળા ટૂંકા અને ખૂબ ઠંડા રહે છે. ઊંચા પર્વત-પ્રદેશોને બાદ કરતાં ક્યાંય બરફ જોવા મળતો નથી. ઉનાળામાં તાપમાન ભાગ્યે જ 38° સે. સુધી પહોંચે છે. ચીનના અન્ય કોઈ પણ ભાગ કરતાં અહીં વધુ વરસાદ (વાર્ષિક 1,900 મિમી.) પડે છે. મોટાભાગનો વરસાદ ઉનાળાના અયનવૃત્તીય વિક્ષેપો (disturbances) સાથે જ ઉનાળાની શરૂઆતમાં પડી જાય છે. ઉનાળાના અંત વખતે અને શરદ ઋતુના પ્રારંભ વખતે અહીં કિનારાના ભાગો પર ક્યારેક ટાઇફૂન (તોફાની દરિયાઈ વાવાઝોડાં) વિનાશ વેરી જાય છે. આ આખાયે પ્રદેશની રમણીયતા અહીં પર્વતો તથા મિન નદી પરનાં ર્દશ્યોને આભારી છે.

સંપત્તિ : આ પ્રાંતમાં ઉપઅયનવૃત્તીય તેમજ શંકુદ્રુમ જંગલો આવેલાં છે; જ્યાં ઊગતાં ફર, પાઇન, રોઝવુડ જેવાં વૃક્ષો મોટા પાયા પર લાકડાં પૂરાં પાડે છે. અહીં નોંધપાત્ર ગણી શકાય એટલી ખનિજ સંપત્તિ પણ છે; જેમાં કોલસો, લોખંડ, તાંબું, સોનું ગ્રૅફાઇટ અને કેઓલીન(ચિનાઈ માટી)નો સમાવેશ થાય છે. પહાડી ભૂપૃષ્ઠને કારણે  ખેતીયોગ્ય જમીનોનું પ્રમાણ ઓછું છે, તેમ છતાં ડાંગરનો પાક દર વર્ષે લેવાય છે. દરિયાકિનારા નજીકની અગ્રભૂમિમાં ચા ઉગાડાય છે. આ ઉપરાંત શેરડી, મલબેરી, જવ, ઘઉં અને શાકભાજી પણ થાય છે. અહીંનાં કેળાં, ઑલિવ અને ખાટાં ફળો ચીનમાં જાણીતાં છે. કિનારા નજીક વસતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે. કિનારા નજીક મીઠાના અગર આવેલા છે. ફૂચાઉમાં રસાયણોનું ઉત્પાદન થાય છે. મિન નદીના ઉપરવાસમાં નાનપિંગ ખાતે સિમેન્ટ અને કાગળનાં કારખાનાં આવેલાં છે. મુખ્ય રેલમાર્ગ પર સાનમિંગ ખાતે ખાતરનું વિશાળ કારખાનું નાંખવામાં આવેલું છે. એમૉયની ઉત્તરે આશરે 120 કિમી. દૂર ધોરી માર્ગ પર ક્સિયાન યુ ખાતે ખાંડનું કારખાનું આવેલું છે.

પરિવહન : ફુજિયનની અસમતળ ભૂમિને કારણે રેલમાર્ગો વિલંબથી શરૂ થયા છે. 1955થી જિયાંગ્સીના યીંગતાનને જિયુલાંગના મુખ પાસે ફુજિયનના મુખ્ય બંદર એમૉય સાથે રેલમાર્ગથી સાંકળી લેવામાં આવેલું છે. 1957માં એક રેલશાખા મિન નદીના હેઠવાસ પર સમુદ્રથી 53 કિમી. દૂર આવેલા બંદર ફૂચાઉ સુધી લંબાવવામાં આવેલી છે. ફુજિયન નજીકના પ્રાંતો સાથે ધોરીમાર્ગોથી જોડાયેલું છે. ફૂચાઉ ખાતે હવાઈ મથક આવેલું છે.

ફૂચાઉ ઉપરાંત અહીંનાં અન્ય મુખ્ય શહેરો પૈકી એમૉયથી 72 કિમી. ઈશાન તરફ આવેલું ક્વાનઝાઉ અને એમૉય નજીક જિયુલાંગ પર ઝાંગઝાઉ ઉલ્લેખનીય છે. ફૂચાઉ અને એમૉય બંદરો છે.

લોકો, શિક્ષણ, સંસ્કૃતિ : ફુજિયનની કુલ વસ્તી પૈકીની 99 % વસ્તી હૅન ચીનાઓની છે. આ પ્રાંતમાં મુખ્ય ચાર જાતિઓ વસે છે : હૉકિયન, હૉકચીન, હૉકચિયા અને હૅનગુઆ. અંગ્રેજ અને ડચ પ્રજાની જેમ આ જાતિઓ એકબીજીથી જુદી પડી આવે છે. સંસ્કૃતિના સંદર્ભમાં મીઆઓ, હુઈ અને મંચુ માનવસમૂહોનો સમાવેશ થાય છે. મીઆઓ ઉત્તર ફુજિયનના પર્વતપ્રદેશોમાં રહે છે, હુઈ (મુસ્લિમ) ફૂચાઉ, એમૉય અને ચુઆન-ચો શહેરોમાં રહે છે, જ્યારે મંચુઓ મોટે ભાગે ફૂચાઉમાં રહે છે. આ ઉપરાંત એક જુદો સમૂહ નદીઓ અને નદીનાળ પ્રદેશોમાં હોડીઓમાં જ વસે છે, તેમને નૌકાવાસીઓ (boat-people) તરીકે ઓળખાવાય છે. ફુજિયનની 20% વસ્તી જ શહેરી છે. પર્વતોના અવરોધોને કારણે જુદા જુદા સમૂહોની રહેણીકરણી, ભાષા, પરંપરા, વગેરે અલગ પડે છે. એમૉય, ક્વાનઝાઉ અને ફૂચાઉ ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં ટેક્નિકલ, કૃષિવિષયક અને મેડિકલ કૉલેજોનો સમાવેશ થાય છે. આ પૈકી ફૂચાઉ યુનિવર્સિટી, ફુજિયન મેડિકલ કૉલેજ, ફુજિયન ઍગ્રિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ઔષધવિજ્ઞાન માટેની ચીની અકાદમીની સંસ્થા આવેલી છે. આ શહેર છેક સુંગ વંશના શાસનકાળથી એક જાણીતા સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે જાણીતું છે.

ઇતિહાસ : ચૂન-ચૂના સમયમાં (722–481 ઈ. પૂ.) ફુજિયન પ્રાંત યુએહ (Yueh) સામ્રાજ્યનો એક ભાગ હતો. હૅન વંશ (206 ઈ. પૂ.થી 220 ઈ.સ.)ના શાસન દરમિયાન આ પ્રદેશ મિન-યુએહ સામ્રાજ્ય તરીકે ઓળખાતો હતો. તાંગ વંશ (618–906)ના સમયથી ફુજિયન એક અલગ પ્રાંતના દરજ્જા હેઠળ આવ્યું. 17મી સદી દરમિયાન મંચુ વંશે જે પ્રદેશો જીત્યા તેમાં ફુજિયન છેલ્લું હતું.

ત્યારપછી 18મી સદીમાં પશ્ચિમના દેશો (ખાસ કરીને ગ્રેટ બ્રિટન અને યુ.એસ.) ખાતે  અહીંની ચાની નિકાસ શરૂ થઈ. 1839થી 1842 દરમિયાનના ગ્રેટ બ્રિટન સાથેના અફીણ યુદ્ધ બાદ ચીનની સરકારને ફૂચાઉને સંધિ-બંદર તરીકે માન્ય રાખવાની ફરજ પાડવામાં આવી, આથી વિદેશીઓને અહીં આવવા માટેનો માર્ગ મોકળો થયો. સિનો-જાપાની યુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ (1939થી 1945) દરમિયાન જાપાનીઓએ ફૂચાઉ કબજે કરેલું. 1943માં પશ્ચિમી સત્તાએ તેમના સંધિકરારોમાં છૂટ મૂકી. 1949ના ઉનાળામાં થયેલા ચીનના આંતરવિગ્રહ દરમિયાન ફુજિયન સામ્યવાદીઓના હાથમાં ગયું, પરંતુ રાષ્ટ્રવાદીઓએ એ જ વર્ષના ઑક્ટોબર સુધી એમૉય છોડ્યું ન હતું. ત્યારપછી રાષ્ટ્રવાદીઓએ એમૉય સામેનો ક્વેમૉય (જિનમૅન) ટાપુ અને ફૂચાઉ સામેનો મત્સુ ટાપુ ફુજિયનના કબજામાં લીધા.

ગિરીશભાઈ પંડ્યા