ફિશર, રૉબર્ટ (બૉબી) જેમ્સ

February, 1999

ફિશર, રૉબર્ટ (બૉબી) જેમ્સ (જ. 9 માર્ચ 1943, શિકાગો; અ. 17 જાન્યુઆરી 2008, આઇસલૅન્ડ) : શતરંજ અથવા ચેસની રમતમાં વિશ્વવિજેતા બનનાર સમર્થ ખેલાડી. 1949માં બૉબી ફિશરનું કુટુંબ ન્યૂયૉર્ક રાજ્યના બ્રુકલિન શહેરમાં વસવા આવ્યું ત્યારે બૉબી ફિશરથી છ વર્ષ મોટી એની બહેન જોન ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી પ્લાસ્ટિકનો ચેસનો સેટ પોતાના નાના ભાઈને માટે લઈ આવી. અગાઉ બૉબી ફિશરને બીજી રમતો આપી હતી; પણ ચેસમાં એને સૌથી વધુ રસ પડ્યો. ચેસનું જૂનું પુસ્તક મળતાં એ એમાં ડૂબી ગયો. દર મહિને ચેસનાં પચીસેક સામયિકો વાંચતા બૉબી ફિશરે ચેસની રમતમાં ઘણો સમય જતો હોવાથી શાળા છોડી દીધી અને ચેસની રમતને પોતાનું જીવનસર્વસ્વ બનાવી. માત્ર બાર વર્ષેની વયે તેને અમેરિકાની પ્રસિદ્ધ મૅનહટન ચેસ ક્લબમાં જોડાવાનું નિમંત્રણ મળ્યું.

રૉબર્ટ (બૉબી) જેમ્સ ફિશર

તેરમા વર્ષે તે અમેરિકાનો નૅશનલ જુનિયર ચૅમ્પિયન બન્યો. ચૌદમા વર્ષે 1958માં અમેરિકાનો નૅશનલ ચૅમ્પિયન બન્યો. 1958માં જ વિશ્વનો સૌથી નાની વયનો ચેસનો ગ્રાન્ડ માસ્ટર બન્યો. સોળમા વર્ષે ચેસનો એ વ્યવસાયી ખેલાડી બન્યો. 1958થી 1966 સુધી એ સતત અમેરિકાનો નૅશનલ ચૅમ્પિયનનો ખિતાબ જીતતો રહ્યો. ચેસમાં રશિયન ખેલાડીઓનું પ્રભુત્વ તોડીને વિશ્વવિજેતા બનવાની બૉબી ફિશરની મહત્વાકાંક્ષા હતી. 1961માં ઇન્ટર ઝોનલ્સ મૅચ જીતીને ‘કૅન્ડિડેટ્સ’ મૅચ માટેની યોગ્યતા મેળવી, પરંતુ વિશ્વવિજેતા સાથે ખેલવાના પ્રયત્નમાં આઠ વર્ષ સુધી તેને નિષ્ફળતા મળી. અંતે 1972માં પાંત્રીસ વર્ષના વિશ્વવિજેતા બોરિસ સ્પાસ્કી અને ઓગણત્રીસ વર્ષના બૉબી ફિશર વચ્ચે આઇસલૅન્ડની રાજધાની રેયક્યાવિકમાં સ્પર્ધા યોજાઈ. તે સ્પર્ધા ‘મૅચ ઑવ્ ધ સેન્ચુરી’ તરીકે ઓળખાઈ અને એ અંગે સમગ્ર રમતજગતમાં રોમાંચ અને ઉત્તેજના વ્યાપી રહ્યાં. બૉબી ફિશરની ચિત્રવિચિત્ર માંગણીઓ અને વિધાનોને કારણે આ સ્પર્ધા પર સહુનું વિશેષ લક્ષ ગયું. 24 ‘ગેઇમ’ની સ્પર્ધામાં પ્રથમ બે ‘ગેઇમ’માં સ્પાસ્કીએ જીત મેળવી; પરંતુ એ પછી અત્યંત આસાનીથી અને છટાદાર રીતે બૉબી ફિશરની વિજયયાત્રા શરૂ થતાં (12.5 – 8.5) એકવીસમી ‘ગેઇમ’માં બોરિસ સ્પાસ્કીએ હાર સ્વીકારી લીધી. બૉબી ફિશર સૌથી નાની વયનો વિશ્વવિજેતા બન્યો અને ભૂતપૂર્વ વિશ્વવિજેતા નિખાઇલ તાલે તો બૉબી ફિશરને ચેસની રમતનો શ્રેષ્ઠ પ્રતિભાશાળી (genius) ખેલાડી કહ્યો. વિશ્વવિજેતા બન્યા પછી બૉબી ફિશર એક પણ વૈશ્ર્વિક સ્પર્ધા રમ્યો નહિ. તેથી 1975માં એની અનુપસ્થિતિને કારણે રશિયાના એનાતોલી કારપૉવને વિશ્વવિજેતા જાહેર કરવામાં આવ્યો. વિશ્વ ચેસ ફેડરેશન દ્વારા અપનાવાયેલી ‘એલો’ પદ્ધતિ પ્રમાણે 2785 અંક મેળવનાર બૉબી ફિશર વિશ્વનો સર્વશ્રેષ્ઠ ગ્રાન્ડ માસ્ટર છે. એ પછી આવેલો એનાતોલી કારપૉવ અને વર્તમાન વિશ્વવિજેતા ગૅરી કાસ્પારૉવ પણ ફિશરથી પાછળ છે. 1992માં મોટી રકમ મળતી હોવાથી બૉબી ફિશર પોતાના જૂના હરીફ સ્પાસ્કી સાથે ચેસની સ્પર્ધા રમ્યો અને 10–5થી વિજય મેળવ્યો. ચેસનો આ અત્યંત બુદ્ધિશાળી ખેલાડી દક્ષિણ કૅલિફૉર્નિયામાં એકાંતવાસમાં જીવન ગાળે છે.

કુમારપાળ દેસાઈ