ફિનિક્સ ટાપુઓ : મધ્ય પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં વિષુવવૃત્તની નજીક દક્ષિણે કિરિબાતી વિભાગમાં આવેલા 8 કંકણાકાર પ્રવાલદ્વીપોનો વસ્તીવિહીન ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 4° દ. અ. અને 172° પ. રે.ની આજુબાજુ છૂટક છૂટક તે વહેંચાયેલા છે. તે હવાઈ ટાપુઓથી નૈર્ઋત્યમાં 2,650 કિમી.ને અંતરે આવેલા છે. ટાપુસમૂહમાં ફિનિક્સ (રવાકી), સિડની (મનરા), મેક્કીન, ગાર્ડનર (નિકુમારોરો), બિરની, હલ (ઓરોના), કૅન્ટૉન અને એન્ડરબરી કંકણાકાર પ્રવાલદ્વીપોનો સમાવેશ થાય છે. તેમનો બધાનો કુલ ભૂમિવિસ્તાર માત્ર 28 ચોકિમી. જેટલો જ છે. આ પૈકી કૅન્ટૉન અને એન્ડરબરી સૌથી મોટા છે, તે બંનેનો વહીવટ ગ્રેટ બ્રિટન અને યુ.એસ. સંયુક્ત રીતે કરે છે. બાકીના છ ટાપુઓ પ્રમાણમાં નાના છે અને અગાઉ ગિલ્બર્ટ ટાપુઓને નામે ઓળખાતા સ્વતંત્ર કિરિબાતી ટાપુઓના ભાગરૂપ છે. આ બધા જ ટાપુઓ રેતાળ છે તથા તદ્દન ઓછી ઊંચાઈ ધરાવે છે. આ પૈકીના કેટલાક ટાપુઓ ત્યાં મળી આવતા ‘ગ્વાનો’ના મર્યાદિત પુરવઠા માટે ઉપયોગમાં લેવાય છે. 1930થી ’40ના ગાળા દરમિયાન કૅન્ટૉન અને એન્ડરબરી, હવાઈ જહાજોને પૅસિફિક મહાસાગર આરપાર જવા માટે, ઇંધન પૂરવાના રોકાણમથક તરીકે ઉપયોગમાં લેવાતાં હતાં.
19મી સદીના પૂર્વાર્ધના ગાળામાં વહેલ માછલીઓની શોધ અર્થે નીકળેલા અંગ્રેજ અને અમેરિકી દરિયાખેડુઓએ આ ટાપુઓ શોધી કાઢેલા. 1889માં તે ગ્રેટ બ્રિટન સાથે જોડાયેલા હતા, પરંતુ 1937માં તે ગિલ્બર્ટ અને એલિસ ટાપુઓ સાથે જોડાયા. 1930–40ના ગાળામાં ગિલ્બર્ટ ટાપુઓ પરની ગીચ વસ્તી ઘટાડવાના હેતુથી ફિનિક્સ ટાપુઓ પર વધારાની વસ્તી વસાવવાનો નિષ્ફળ પ્રયાસ કરેલો. 1938માં વરસાદની અછતને કારણે ગિલ્બર્ટી વસાહતીઓથી વસેલા સિડની, ગાર્ડનર અને હલ ટાપુઓના લોકોએ સ્થળાંતર કરેલું. આ કારણે આ ટાપુઓ નિર્જન બની રહેલા છે – 1938માં યુ.એસ. તરફથી કૅન્ટૉન અને એન્ડરબરી ટાપુઓ માટે દાવો રજૂ કરવામાં આવેલો. 1939માં ગ્રેટ બ્રિટન સાથે 50 વર્ષના ગાળા માટે તેનો વહીવટ સંયુક્ત રીતે કરવાના કરાર કર્યા. 1958 અને 1963માં અહીંની બધી જ વસ્તી સૉલોમન ટાપુઓમાં ખસી ગઈ. પરિણામે તે નિર્જન બની રહેલા છે. 1970થી યુ.એસ. દ્વારા કૅન્ટૉન પ્રવાલદ્વીપનો ઉપયોગ મિસાઇલ ટ્રૅકિંગ માટે થતો ગયો. આજે તો બધા જ ટાપુઓ (1979 થી) સ્વતંત્ર કિરિબાતી પ્રદેશના ભાગરૂપ છે. સરકારી કામગીરી માટે રોકાયેલા લોકોની સંખ્યા 50 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા