પ્રેસિડંસી કૉલેજ ઑબ્ઝર્વેટરી

February, 1999

પ્રેસિડંસી કૉલેજ ઑબ્ઝર્વેટરી, કલકત્તા : અઢારમી અને ઓગણીસમી સદીમાં કૉલકાતામાં ખગોલીય નિરીક્ષણો માટે આધુનિક જે ત્રણેક વેધશાળાઓ સ્થાપવામાં આવી તેમાંની એક. અન્ય બે તે ‘કલકત્તા ઑબ્ઝર્વેટરી’ અને ‘સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઑબ્ઝર્વેટરી’ છે. આ પૈકી કલકત્તા ઑબ્ઝર્વેટરી સૌ પહેલાં 1825માં સ્થાપવામાં આવી. એ પછી 1875માં ‘સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઑબ્ઝર્વેટરી’ની સ્થાપના થઈ અને ત્યારબાદ છેલ્લે, 1900માં ‘પ્રેસિડંસી કૉલેજ ઑબ્ઝર્વેટરી’ની સ્થાપના થઈ. અઢાર અને ઓગણીસમી સદીઓમાં ભારતમાં કૉલકાતા ઉપરાંત ચેન્નાઈ, લખનૌ, પુણે, દહેરાદૂન વગેરે સ્થળોએ પણ ખગોલીય વેધશાળાઓ અસ્તિત્વમાં આવી. આ સઘળી વેધશાળાઓ કાં તો યુરોપિયન પાદરીઓ કે વૈજ્ઞાનિકો દ્વારા કે પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સ્થપાઈ અથવા તો પછી તે પ્રદેશના શાસકો કે સ્વતંત્ર રાજાઓએ બંધાવી. આ પૈકી 1792માં ‘મદ્રાસ ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાતી વેધશાળા જ લાંબું ટકી.

કૉલકાતામાં 1824માં મોસમ-વિજ્ઞાનના અભ્યાસ માટે મોસમ-પ્રેક્ષણશાળા(meteorological observatory)ની સ્થાપના થયા પછી 1841માં ત્યાંની પ્રેસિડંસી કૉલેજમાં સર્વેક્ષણ (મોજણી) વિભાગ(surveying department)ની સ્થાપના થઈ. ત્યારબાદ, જે વર્ષે સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાં ખગોલીય વેધશાળા સ્થપાઈ, તે જ વર્ષે એટલે કે 1875માં ભારતમાં ‘ઇન્ડિયન મોસમ વિભાગ’ની પણ સ્થાપના થઈ. એ પછી કૉલકાતાની જ પ્રેસિડંસી કૉલેજમાં 1900ની સાલમાં ‘કલકત્તા પ્રેસિડંસી કૉલેજ ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાતી ખગોલીય વેધશાળા અસ્તિત્વમાં આવી.

કૉલકતાની પ્રેસિડંસી કૉલેજ ખાતેની આ વેધશાળા માટે તિપેરા(Tipperah)ના મહારાજાએ જરૂરી મૂડી આપવા ઉપરાંત 4.5 ઇંચનું એક ટેલિસ્કોપ – ગ્રબ્બનું પરાવર્તક (Grubb’s reflactor) – પણ ભેટ આપેલું. એ પછી ‘ઍસ્ટ્રૉનૉમિક્લ સોસાયટી ઑવ્ ઇન્ડિયા’ તરફથી 1922માં 8 ઇંચનું એક ટેલિસ્કોપ પણ આ વેધશાળાને ભેટ રૂપે ઉપલબ્ધ થયેલું. અમુક સમય કામ કર્યા બાદ પાછળથી આ વેધશાળા કામ કરતી બંધ થઈ ગઈ.

સુશ્રુત પટેલ