પ્રેસલી, એલ્વિસ (જ. 8 જાન્યુઆરી 1935, ટુપેલો–મિસિસીપી; અ. 16 ઑગસ્ટ 1977, મેસ્કિસ-ટેનેસી) : ‘રૉક ઍન્ડ રોલ’ નામથી ઓળખાતા પાશ્ચાત્ય સંગીતનો વિશ્વવિખ્યાત ગાયક. જન્મ ધાર્મિક પણ ગરીબ કુટુંબમાં. પિતાનું નામ વર્નન અને માતાનું ગ્લેડિસ. માબાપ પુત્રની બાળપણની જરૂરિયાતો પૂરી કરવા દિવસ-રાત કાળી મજૂરી કરતાં. કુટુંબનું વાતાવરણ ધાર્મિક હોવાથી એલ્વિસ બાળપણમાં માતા-પિતા સાથે નિયમિત ગિરજાઘર જતો અને પ્રાર્થનાસમયે ત્યાં રજૂ થતા સંગીતને ધ્યાનપૂર્વક સાંભળતો. ગિરજાઘરમાં સંગીત રજૂ કરનારા ગાયકો અને વાદકો ખૂબ જ ગંભીર મુદ્રામાં, સ્થિર ભાવથી ગાતા અને પિયાનો જેવાં વાદ્યો વગાડતા. સાંભળનારાઓની મુદ્રા પણ અતિ ગંભીર રહેતી. પ્રેસલીને ચર્ચનું સંગીત ખૂબ ગમતું, પરંતુ જે રીતે તે રજૂ કરવામાં આવતું તે તેને પ્રાણ વગરનું લાગતું હતું. તેને લાગતું કે સંગીતકારો ખુશમિજાજ સાથે હસતાં-રમતાં ગાય-વગાડે નહિ ત્યાં સુધી તેમનું સંગીત શ્રોતાઓ પર કોઈ સારી છાપ પાડી શકે નહિ. તે કહેતો કે જે સંગીત ગિરજાઘરમાં ઈશ્વરની આરાધના કરવા ભેગા થયેલા થોડાક શ્રોતાઓને પણ આનંદવિભોર કરી શકે નહિ, તે સંગીત ઈશ્વર સુધી પહોંચી શકે જ નહિ. ત્યારથી તેણે સંગીતને નવો ઓપ અને નવો વળાંક આપવાનો નિશ્ચય કર્યો. તે પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારે જ તેના શિક્ષકોએ તેનો સુંદર અવાજ પારખી લીધો હતો. શરીરયષ્ટિ આકર્ષક હતી. માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેણે ગાવાનું શરૂ કર્યું. તેના મિત્રવર્ગમાં શ્વેત અને શ્યામ બંને પ્રકારના સમોવડિયા હતા. તેને એલ્વિસનું સંગીત ખૂબ ગમતું. તે હસતાં-રમતાં, આગવી છટાથી ગાતો.

1948માં પ્રેસલી પરિવાર મિસિસીપી રાજ્ય છોડીને ટેનેસી રાજ્યના મેમ્ફિસ શહેરમાં જઈ વસ્યો. શરૂઆતમાં તેણે ટ્રક-ડ્રાઇવર તરીકે કામ કર્યું. ત્યારે તેને કલાકના માત્ર સવા ડૉલરની કમાણી થતી હતી. સાથોસાથ સંગીતની સુપ્રસિદ્ધ કંપની ‘સન રેકૉર્ડ્ઝ’માં તેણે ગાવાનું શરૂ કર્યું. સોળ વર્ષનો હતો ત્યારે તેના પ્રથમ ગીત ‘બ્લૂ મૂન ઑવ્ કૅન્ટકી’નું ધ્વનિમુદ્રણ થયું. ત્યારે તે સગીર વયનો હોવાથી કંપની સાથેના કરારપત્રક પર તેનાં માતા-પિતાની સહી લેવાતી હતી. વીસ વર્ષનો હતો ત્યારે તે માત્ર અમેરિકામાં જ નહિ, પરંતુ દેશવિદેશમાં મશહૂર થયો. ઇંગ્લૅન્ડના ‘બીટલ્સ’ સંગીતકારો માટે તે પ્રેરણાસ્રોત બન્યો.

એલ્વિસ પ્રેસલી

અમેરિકાના ફરજિયાત ભરતીના (conscription) કાયદા અન્વયે 23 વર્ષની વયે 1958માં તે બે વર્ષની લશ્કરી તાલીમ માટે જર્મની ગયો. તે પૂર્વે તેણે મેમ્ફિસ શહેરમાં કરાટેની તાલીમ લઈ તેમાં સેકન્ડ ડિગ્રી બ્લૅક બેલ્ટ પ્રાપ્ત કરવા સુધીની સિદ્ધિ હાંસલ કરી હતી. જર્મનીમાં તે લશ્કરની તાલીમમાં મશગૂલ હતો તે દરમિયાન મેમ્ફિસમાં તેની માતાનું અવસાન થયું. તેને તેનાથી ભયંકર આઘાત લાગ્યો, છતાં તે પોતાની ફરજ પર અડગપણે ચાલુ રહ્યો. ગાયક તરીકે તેણે ત્યાં સુધી અમેરિકા અને યુરોપમાં એટલી બધી લોકપ્રિયતા સંપાદન કરી લીધી હતી કે લશ્કરી તાલીમ દરમિયાન તેને તેના પ્રશંસકોના લગભગ દસ હજાર જેટલા પત્રો દર અઠવાડિયે પ્રાપ્ત થતા હતા, જે તેના સુધી પહોંચાડવા માટે લશ્કરના શિબિર પર ખાસ વ્યવસ્થા કરવી પડી હતી.

બે વર્ષની લશ્કરી તાલીમ પૂરી કરી તે સાર્જન્ટના હોદ્દા સાથે અમેરિકા પાછા ફર્યો ત્યારે તો સંગીતના કાર્યક્રમો આપવા માટે અમેરિકા, કૅનેડા, ઇંગ્લૅન્ડ અને  યુરોપના અનેક દેશોનાં અસંખ્ય આમંત્રણો તેની રાહ જોતાં હતાં. જોતજોતાંમાં તે અબજોપતિ બન્યો. તે જર્મની ગયો તે પૂર્વે 1956માં તેણે મેમ્ફિસના ધનાઢ્ય વિસ્તારમાં એક વિશાળ મકાન ખરીદ્યું હતું. અમેરિકા પાછા ફર્યા પછી તે દર વર્ષે ઓછામાં ઓછી ત્રણ ફિલ્મો તથા રૉક ઍન્ડ રોલ સંગીતનાં બેનમૂન આલબમ બહાર પાડતો થયો. દરરોજ રાત્રે જુદાં જુદાં શહેરોમાં તે તેના સંગીતના કાર્યક્રમો આપતો.

1967માં તેણે એક જર્મન લશ્કરી અધિકારીની પુત્રી પ્રિસિલા બેલી સાથે લગ્ન કર્યાં; પરંતુ સંગીતમાં તેની અતિવ્યસ્તતાને કારણે તે તેના દાંપત્યજીવનને પૂરતો ન્યાય આપી શકતો નહિ. પરિણામે 1974માં તેણે છૂટાછેડા લીધા.

એક તરફ તે સંગીતના કાર્યક્રમો દ્વારા અઢળક સંપત્તિ પ્રાપ્ત કરતો ગયો તો બીજી તરફ રોજના ઉજાગરા અને ખાવાપીવાની બેદરકારીને લીધે તેનું શરીર ખવાતું ગયું. એક દિવસ તેના ‘ગ્રાસલૅન્ડ’ નામક મકાનના બાથરૂમમાંથી રૉક ઍન્ડ રોલ સંગીતને અમરત્વ બક્ષનારા એલ્વિસ પ્રેસલીનો મૃતદેહ ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો.

તેની સ્મશાનયાત્રામાં શ્વેત અને શ્યામ બંને પ્રકારના તેના એક લાખ ઉપરાંત પ્રશંસકોએ હાજરી આપી હતી.

તેનું મેમ્ફિસ ખાતેનું નિવાસસ્થાન આજે અમેરિકાનાં જોવાલાયક સ્થળોમાંનું એક ગણાય છે અને દર વર્ષે તેના હજારો પ્રશંસકો ‘ગ્રાસલૅન્ડ’ની મુલાકાતે આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે