પ્રતાપ : ગુજરાતી વર્તમાનપત્ર. 1926માં સૂરત ખાતે સાપ્તાહિક રૂપે પ્રારંભ. તંત્રી કાલિદાસ કૃપાશંકર શેલત. પછીથી દૈનિક અને સાપ્તાહિક બંને સ્વરૂપે પ્રગટ થતા રહેલા ‘પ્રતાપ’નો ફેલાવો બહોળો હતો. એની સજાવટમાં, ખાસ કરીને તંત્રીલેખોમાં ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકની છાપ સ્પષ્ટ જણાતી. સ્વાતંત્ર્યસંગ્રામનો સમય હોવાથી ‘પ્રતાપ’ રાષ્ટ્રભાવનાનું સમર્થક હતું. 1961માં ‘પ્રતાપ’નો વહીવટ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના હાથમાં આવ્યો. લગભગ 63 વર્ષ સુધી નિયમિત પ્રગટ થયા પછી  1989માં ‘પ્રતાપ’ બંધ પડ્યું. 1989માં ‘સૌરાષ્ટ્ર’ ટ્રસ્ટના તત્કાલીન મૅનેજિંગ ટ્રસ્ટી પ્રવીણચંદ્ર વ. ગાંધીએ ‘પ્રતાપ’નું પ્રકાશન હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યાની જાહેરાત કરી હતી; પરંતુ વર્ષો વીતી જવા છતાં તે પુન: શરૂ થયું નથી.

અલકેશ પટેલ