પ્રક્ષોભ (turbulence) : અનિયમિત ગતિ ધરાવતા તરલની સ્થિતિ. તરલની આવી અનિયમિત ગતિમાં કોઈ પણ બિંદુ આગળ ગતિની દિશા અને મૂલ્ય સમય સાથે બદલાય છે. ગતિ કરતા તરલમાં જ્યારે ઘૂમરી પ્રવાહ (eddy current) રચાય છે, ત્યારે તેની સાથે પ્રક્ષોભ-ગતિ પણ સંકળાયેલી હોય છે. ઉપરાંત તરલના વેગમાનમાં ઝડપી ફેરફારો થવાથી પણ પ્રક્ષોભ-ગતિ ઉદભવે છે.

રેનોલ્ડ(Reynold)ના આંકનું મૂલ્ય ક્રાંતિક બનતાં સ્તરીય (laminar) પ્રવાહનું પ્રક્ષોભ-ગતિમાં રૂપાંતર થાય છે. રેનોલ્ડ-આંક વડે અપાય છે; જ્યાં ρ તરલની ઘનતા, ν તરલનો, η તરલનો શ્યાનતા ગુણાંક (co-efficient of viscosity) અને D એ જે નળીમાં તરલ વહેતું હોય તેનો વ્યાસ છે.

NR પરિમાણવિહીન છે, જેથી તેને કોઈ એકમ નથી. NR < 2000 હોય તો પ્રવાહ–સ્થાયી અથવા ધારારેખી (streamline) મળે છે. NRનું મૂલ્ય 2000થી 3000 વચ્ચે હોય તો અસ્થાયી (unsteady) પ્રવાહ મળે છે. NR > 3000 હોય તો પ્રવાહ પ્રુક્ષબ્ધ (turbulent) મળે છે.

પ્રક્ષુબ્ધ પ્રવાહની બાબતે પદાર્થ ઉપર લાગતો કર્ષણ(drag)-અવરોધ વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે, જ્યારે સ્તરીય પ્રવાહની બાબતે કર્ષણ-અવરોધ વેગના સમપ્રમાણમાં હોય છે.

આનંદ પ્ર. પટેલ