પોશાક

વિશ્વમાં સર્વત્ર માણસો દ્વારા રક્ષા, શોભા કે બીજા કોઈ હેતુથી શરીર ઢાંકવા માટે વપરાતાં આવરણ. તેમાં માથાનાં તથા પગનાં આવરણ પણ આવી જાય છે. આવાં આવરણ કાપડનાં અથવા અન્ય પદાર્થનાં અથવા તેમનાં મિશ્રણોનાં અને સીવેલાં અથવા વગર સીવેલાં હોય છે.

પુરાતત્ત્વવિદોનું અનુમાન છે કે આશરે એક લાખ કરતાં વધારે વર્ષ પૂર્વે માણસે કપડાં જેવું કંઈક ધારણ કરવાનું વિચાર્યું, પરંતુ શા કારણે આવો વિચાર આવ્યો તે વિશે ભારતના અને પશ્ચિમના વિદ્વાનોમાં મતભેદ છે. પશ્ચિમી વિદ્વાનો માને છે કે માણસે શોભા માટે શરીર પર આવરણો રૂપે વસ્ત્રો વિકસાવ્યાં. ભારતીય વિદ્વાનો જણાવે છે કે માણસમાં કલાની ભાવના વિકાસ પામી તેનાં હજારો વર્ષો પૂર્વે શરીરની રક્ષાના એકમાત્ર ઉદ્દેશથી તેણે તેને ઢાંકવાનો આરંભ કર્યો. પશ્ચિમના વિવાદાસ્પદ પ્રાણીશાસ્ત્રી ડેઝમન્ડ મૉરિસનાં તારણો ભારતીય મતને પુદૃષ્ટિ આપે છે. તે જણાવે છે કે પ્રાણીઓની 4,237 સસ્તન જાતિઓમાં (પછી સાગરમાં વળી હોય તેવી કોઈ કોઈ જાતિઓ બાદ કરતાં) માણસ એક જ રુવાંટી વિનાનું(naked) પ્રાણી છે. વૃક્ષચર કપિમાંથી તલભૂમિચર ઉત્ક્રાંતિમાં આમ થવું અનિવાર્ય હતું. એટલે કે માણસે રુવાંટી ખોવી એ સ્વાભાવિક હતું. માણસ જે અગ્ર પ્રાણીગણ(order primate)નો સભ્ય છે તેમાં બાકીની 192 જાતિઓ ભરપૂર રુવાંટી ધરાવે છે; કેવળ માણસ જ અપવાદ છે. ગુફાવાસ, જીવાતનો ઉપદ્રવ, એંઠવાડથી ખરડામણ, તાપણાનો ઉપયોગ, વચગાળામાં જલચર તરીકેનું જીવન, ઉપરની ત્વચા હેઠળ મેદના સ્તરનો વિકાસ, સામાજિક રીતભાત, જાતીયતાનો સંકેત, દાંપત્યનો વિકાસ, તડકા સામે શરીરની રક્ષાની આવશ્યકતા, પ્રસ્વેદછિદ્રોનો વિકાસ – આવાં આવાં કારણોસર અથવા આ રીતની પ્રક્રિયામાં માણસે રુવાંટી ગુમાવી; પણ આ સમગ્ર પ્રક્રિયાના ગાળામાં માણસનું પૃથ્વીભ્રમણ ચાલુ રહ્યું. તે કલ્પી શકાય તેવી દરેક ભૌગોલિક પરિસ્થિતિમાં વસતો થયો. આથી તેને તાપ, ટાઢ, વર્ષા, વાવાઝોડાં, જીવાત આદિ વિવિધ પ્રાકૃતિક પ્રતિકૂળતાઓ સામે શરીરનું રક્ષણ કરવાના ઉપાયો પ્રયોજ્યા વિના ચાલે તેમ નહોતું.

વસ્ત્રનો ઉદ્ભવ ક્યાં થયો તથા વસ્ત્ર તરીકે કયો પદાર્થ સૌપ્રથમ કામમાં લેવાયો તે વિશે પણ કેવળ અનુમાનો જ કરવામાં આવે છે. સંભવ છે કે વસ્ત્રનો ઉદ્ભવ કોઈ એક સ્થળે નહિ, પણ વિવિધ સ્થળોએ અલગ અલગ રીતે, વ્યાપક સમયગાળામાં થયો હોય. શિકારી સંસ્કૃતિ તરફ ઢળતી પ્રજામાં વન્ય પશુની ખાલ શરીરને ઢાંકવાના કામમાં લેવામાં આવી હોય અને બીજી તરફ વન્ય સંસ્કૃતિનાં માણસોમાં વૃક્ષોનાં ંવિશાળ પાંદડાં, વૃક્ષોની છાલ, વેલાના તથા અન્ય રેસા, પક્ષીઓનાં પીંછાં અને ઘાસ જેવા પદાર્થો પ્રચલિત બન્યા હોય તે સંભવિત છે.

પરિધાન માટે ત્રીજું કારણ પણ સૂચવાયું છે. માણસને હજુ ભાષા નહોતી. તે ઇંગિતો અને ઉદ્ગારોથી અભિવ્યક્તિ કરતો. અહીં વસ્ત્ર તેને ઉપયોગી સાધન જણાયું. સમય જતાં વસ્ત્રની વિશેષ ભાષા વિકાસ પામી.

ભારતનાં વિવિધ રાજ્યોનાં પ્રજાજનોના લાક્ષણિક પોશાક  રેખાચિત્રમાં

પુરાપાષાણયુગના અંતભાગે એટલે કે વર્તમાન પૂર્વે 25000 આસપાસ પરિધાનક્ષેત્રે ક્રાંતિ કહી શકાય તેવાં પરિવર્તનોનો સિલસિલો ચાલ્યો. કેટલાંક હજાર વર્ષોના ગાળામાં નોંધપાત્ર શોધો થઈ. માણસે જોયું કે પશુની ખાલ કરતાં તેના વાળ વધારે સારી રીતે કામમાં લઈ શકાય છે. તે વાળ, ઊન તથા રેસા જોડીને તેમને વળ આપીને જાડી દોરડી બનાવતાં શીખ્યો. પ્રથમ આવી દોરીથી કપડાં શરીર પર બાંધતો થયો. પાછળથી કાંટા તથા અણીદાર હાડકાંનો સોયની જેમ ઉપયોગ કરીને આગળ છાતીના ભાગે કે પાછળ પીઠના ભાગે છિદ્રો પાડીને તેમાં દોરા ભરાવી કપડું સરખું રાખતો થયો. ઇતિહાસની એક સોનેરી ક્ષણે ભારતના માનવીએ કપાસના છોડના પુષ્પમાંથી મળતા તારના કાંતેલા દોરા વણીને પ્રથમ કાપડ બનાવ્યું. ઊન તથા શણના તંતુ પણ કાંતણ તથા વણાટ માટે ઉપયોગી જણાયા. કાંતવા માટે તકલી અને વણવા માટે સાળ જેવાં સાધનો પણ આ દેશમાં જ વિકસાવાયાં. ચીનના લોકોએ સુંવાળા રેશમની શોધ કરી. તેમણે જોયું કે શેતૂર જેવાં વૃક્ષનાં પાંદડાં પર નભતી ફૂદાની ઇયળનો કોશેટો લાંબા, સુંવાળા, ચળકતા અને ઝટ સળગી ના ઊઠે તેવા તારનો વીંટો હોય છે. ચીનને અતિપ્રાચીન કાળમાં ભારત સહિત કેટલાક દેશો સાથે વેપારવ્યવહાર હતો. ચીનનો યુરોપ સાથેનો વેપારમાર્ગ રેશમના વેપારનો મુખ્યમાર્ગ હોવાથી ઇતિહાસમાં રેશમમાર્ગ (silk-road) નામે ઓળખાતો થયો. 6,400 કિમી. લાંબો આ માર્ગ ગોબીના રણમાં થઈ, સમરકંદ અને અંતિઓક થઈ, અરબ દેશો, ઇજિપ્ત, ગ્રીસ તથા ઇટાલીનાં બજારો સુધી વિસ્તરેલો હતો. ભારતે ચીનની જેમ રેશમનાં વસ્ત્રો ઉત્પન્ન કરવાનું, વાપરવાનું તથા પરદેશોમાં વહાણો દ્વારા મોકલવાનું શરૂ કર્યું. આથી ચીન તેનો ભેદ બીજા દેશો જાણી જાય નહિ તે માટે સાવધ થઈ ગયું.

કપડાં સીવવાની કળા ભારતમાં પ્રાચીન કાળથી જ વિકાસ પામી હતી; પણ ભારતના લોકોને કાપડના લાંબા ટુકડાને એક કરતાં વધારે પ્રકારે પરિધાન કરવાની સરળ અને સગવડભરી રીતો ફાવી ગઈ હોવાથી સીવેલાં કપડાંની સાથે જ ધોતિયું, લંગોટી, ઉપવસ્ત્ર, ખેસ, પાઘડી, સ્ત્રીઓમાં છાતી ઉપર કાંચળી, ચણિયો તથા ઓઢણી જેવાં વગર સીવેલાં વસ્ત્રોનો ઉપયોગ મોટા પાયે ચાલુ રહ્યો. આઠમી સદીથી શરૂ થયેલાં મુસલમાનોનાં આક્રમણો સમયે સ્ત્રીઓની મર્યાદાની રક્ષા કરવાના હેતુથી ઓઢણીનો વિસ્તાર થયો અને આખા શરીરને ઢાંકતો સાડલો પહેરવાનું શરૂ થયું.

હજારો વર્ષોના ગાળામાં પરિધાનમાં આવો સામાન્ય વિકાસ થયો. અત્યારે કપડાંના નિર્માણ, તેને માટે વપરાતા પદાર્થો, શૈલીઓ, પ્રથાઓ આદિમાં જોવા મળતું વિશાળ વૈવિધ્ય એ છેલ્લા થોડા સૈકાઓની જ કથા છે.

અઢારમી સદીના અંત સુધી કપડાં બનાવવાનાં યંત્રો નહોતાં. મોટે ભાગે કુટુંબોમાં સભ્યો માટે જોઈતાં કપડાં જાતે સીવી લેવાતાં. મોટાં સ્થળોમાં વેપારીઓ કારીગરો રોકી તેમની પાસે હાથે કપડાં સિવડાવીને વેચતા. અઢારમી અને ઓગણીસમી સદીમાં વિવિધ પ્રકારનાં કાપડ અને સીવણયંત્રો શોધાયાં. પરિણામે, વસ્ત્ર-નિર્માણ-ઉદ્યોગનો ઉદ્ભવ થયો. પ્રારંભે દરજીના વ્યવસાયનો વિકાસ થયો અને વીસમી સદીમાં તૈયાર કપડાંનો મોટો ઉદ્યોગ મોખરે આવ્યો. હવે લોકો કારખાનાંમાં બનેલાં ઢગલાબંધ વસ્ત્રોમાંથી મનગમતાં પસંદ કરી શકે છે. વિશ્વવેપારની વસ્તુઓમાં કાપડ અને કપડાંનું સ્થાન ઊંચું છે. આ કારણથી વિશ્વના ઘણા દેશોનાં મોટાં નગરોમાં કપડાંમાં સમાનતા જોવા મળે છે. જોકે વિશેષ કારણોસર વિવિધ પ્રદેશોમાં વસ્ત્રવૈવિધ્ય હજુ ચાલુ છે.

વસ્ત્રધારણના હેતુ : કપડાં ધારણ કરવાનું પ્રમુખ કારણ શરીરરક્ષા છે. શિયાળામાં તથા શીત પ્રદેશોમાં ઊની, રુવાંટીવાળાં તથા મજબૂત વણેલાં કે ગૂંથેલાં કપડાં પ્રચલિત થયાં વળી માથે તથા પગે પણ રક્ષણાત્મક આવરણ ઉપયોગમાં લેવાયાં. એથી ઊલટું, ઉનાળામાં તથા ઉષ્ણપ્રદેશોમાં લોકો છૂટા વણાટવાળાં, હળવાં, સુતરાઉ કપડાં પસંદ કરતા રહ્યા. આ કપડાં પરસેવો શોષી લે છે અને શરીર ફરતે વાયુનો સંચાર થવા દે છે. વળી તે કપડાંમાં સફેદ રંગ અથવા આછો રંગ પસંદ કરાય છે. પગમાં ચંપલો રાહત આપે છે. માથું ઢાંકવા સાદી સુતરાઉ ટોપી કે પાઘડી વપરાય છે. મોટે ભાગે માથું ખુલ્લું રખાય છે. રણવાસી આરબોનો લાંબો, ઢીલો ઝભ્ભો તેમને દિવસે આકરા તાપ સામે તેમજ રાત્રે ઠારી નાંખે તેવી ઠંડી સામે એકધારું રક્ષણ પૂરું પાડે છે. ઘણી વાર વ્યવસાયમાં રહેલા ભય સામે વિશેષ રક્ષા માટે વસ્ત્રોમાં ફેરફાર કરવો પડે છે. દા. ત., હુલ્લડખોરોને વિખેરતા પોલીસો, ખાણોમાં કામ કરતા શ્રમિકો અને અવકાશયાત્રીઓ. અમેરિકાના એપૉલો-11 દ્વારા ઉડ્ડયન કરીને ચંદ્ર ઉપર ઉતરાણ કરનાર પ્રથમ પૃથ્વીવાસી નીલ આર્મસ્ટ્રૉંગના અવકાશી વસ્ત્ર પાછળ એક લાખ ડૉલરનું ખર્ચ થયું હતું ! પર્વતારોહકને હિમદંશથી બચવા વિશેષ કાળજી રાખવી પડે છે. હિમશિખરો પરથી પરાવર્ત થતા તીવ્ર પ્રકાશ સામે આંખોને ઘેરા ગૉગલ્સથી રક્ષણ આપવું પડે છે. બરફમાં પગ ઠેરવવા મજબૂત ખીલાવાળા જોડા પહેરવા પડે છે.

વસ્ત્ર કેટલીક વાર પહેરનારની મનોવૃત્તિનું પણ પ્રતિબિંબ પાડે છે. પોતે અન્યથી જુદા તરી આવે અથવા સમાજમાં મોભી છે એવી છાપ પાડ્યાનો સંતોષ થાય; પોતાને પોતાની ઇચ્છા પ્રમાણે વર્ત્યાનો સંતોષ મળે; નવી ફૅશનમાં પોતે સર્વપ્રથમ રહ્યાનો આનંદ થાય; જૂથમાં જુદા તરી આવવાનો પોતાનો ભાવ સંતોષાય વગેરે. આની સામે એવી માન્યતાવાળા લોકો પણ છે, જે પોતપોતાના વર્ગને અનુરૂપ વસ્ત્ર ધારણ કરવાનું ઉચિત સમજે છે.

પુરુષવર્ગ માટે ભારતનો બહુમાન્ય રાષ્ટ્રીય પોશાક

વસ્ત્રની વિશેષ ભાષા છે. પરિધાન ઉપરથી સામી વ્યક્તિ કોણ છે, શાના જેવી છે, તેને કેવુંક લાગે છે, તેને કેવુંક ગમશે – જેવી વિગતો સ્ફુટ થાય છે. કપડાં વ્યક્તિની ઓળખ છે. વય, વ્યવસાય અને જાતિ કપડાં પર દૃષ્ટિ પડતાં જ સમજાઈ જાય છે. બસ-ચાલક, પોલીસ-કર્મચારી, પૂજારી, પરિચારિકા તેમના ગણવેશથી પરખાય છે. બાળક ચડ્ડી પહેરે છે. યુવાન રંગબેરંગી, ભપકાદાર વસ્ત્ર પહેરે છે. વૃદ્ધ ઘણુંખરું સફેદ, સાદાં વસ્ત્ર ધારણ કરે છે. કન્યા ફ્રૉક કે પંજાબી પહેરીને તેની ચંચળતા વ્યક્ત કરે છે. સાડલો માતાનું ગૌરવ ઉપસાવે છે. વસ્ત્રની ભાષામાં વ્યક્તિના સ્વભાવને વાંચી શકાય છે. સ્વતંત્ર સ્વભાવના, આત્મવિશ્વાસી, લજ્જાળુ, તરંગી, શિસ્તાગ્રહી, આક્રમક – એમ માનવ-સ્વભાવનાં વિવિધ સ્વરૂપો વસ્ત્રોમાં અભિવ્યક્ત થાય છે. માણસની મન:સ્થિતિ કપડાંમાં પ્રગટ થાય છે. ચિંતાગ્રસ્ત માણસનું કપડાં તરફ ધ્યાન હોતું નથી. ભડક રંગો અને ઉઠાવદાર આકૃતિવાળાં કપડાં આનંદી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. ઘણા સમાજોમાં પ્રસંગ અનુસાર વસ્ત્ર ધારણ કરવાની પ્રથા છે, જેમ કે, શોકપ્રદર્શન અર્થે કાળાં, વાદળી કે લીલાં કે એવા કોઈ રંગની પટીવાળાં કે શ્વેત વસ્ત્ર પહેરવામાં આવે છે. એવું પણ બને છે કે એક સમાજમાં જે રંગ શુભ પ્રસંગનો સૂચક હોય તે બીજા સમાજમાં અશુભનો સૂચક ગણાતો હોય. ખ્રિસ્તી નવવધૂને શ્વેત વસ્ત્રોમાં સજાવાય છે. હિન્દુ કન્યા રક્તવર્ણાં પાનેતર પહેરે છે. ઘણા લોકો કપડાંનો ઉપયોગ પોતાનો દેખાવ પ્રભાવશાળી કરવા કરે છે. ખાસ કરીને વધતી વયથી ચિંતિત માણસો જેથી યુવાન દેખાવાય એવા પ્રકારનાં વસ્ત્રોનો આગ્રહ રાખે છે. રમતમાં માતાપિતાનો પાઠ ભજવતાં બાળકો વડીલોનાં વસ્ત્રો પહેરીને વડીલ બન્યાનો આનંદ લે છે. માણસો પદ, વ્યવસાય, મોભો, નિવાસ આદિને અનુરૂપ વસ્ત્રો પસંદ કરવા પ્રેરાય છે.

વસ્ત્ર શોભા-શણગાર અર્થે ધારણ કરવાનો વિચાર માણસને પ્રમાણમાં મોડો આવ્યો હશે, પરંતુ થોડા જ સમયમાં તેનો મહિમા ઘણો વધ્યો. અત્યારે પરિસ્થિતિ એવી છે કે વસ્ત્રની ફૅશનની ઘેલછાના પ્રાબલ્યને કારણે લોકો તેનો રક્ષા માટેનો ઉપયોગ ભૂલતા થયા છે. સ્વેટર અને રેઇનકોટ જેવાં રક્ષા માટેનાં જ કહેવાય એવાં વસ્ત્રોમાં પણ શોભાની દૃષ્ટિએ પસંદગી કરાય છે. પશ્ચિમમાં સ્ત્રીઓ મોંઘાદાટ ફરકોટ પહેરે છે, તે કેવળ શોભા માટે. સેનામાં પણ ગણવેશ સુંદર લાગે તેવો આગ્રહ રખાય છે. આ ભાવનામાંથી ફૅશનનો ઉદ્ભવ થયો છે. છેલ્લામાં છેલ્લી ફૅશન પ્રમાણે વસ્ત્રો મેળવવા ઘણા સભાન હોય છે. ફૅશનના પ્રવાહમાં પાછળ ન રહી જવાય તે માટે ઘણા લોકો ચાલુ વસ્ત્રો સારી દશામાં હોય તોય તેમને પડતાં મૂકે છે.

હજારો વર્ષોથી વિશ્વના વિવિધ ભાગોમાં લોકો વિવિધ વેશભૂષા કરતા આવ્યા છે, પરંતુ સંચાર અને પરિવહનના વિકાસથી લોકો વચ્ચેના સંપર્કો વધવાને કારણે પશ્ચિમની સંસ્કૃતિના પ્રસાર સાથે પશ્ચિમી ઢબનાં વસ્ત્રો ઘણા દેશોમાં પ્રચલિત બન્યાં છે, ખાસ કરીને પુરુષોમાં અને નગરોમાં વસતા લોકોમાં. ગ્રામીણ વિસ્તારોમાં હજુ વસ્ત્રવૈવિધ્ય જોવા મળે છે.

બંગાળી પોશાક

વસ્ત્રોમાં વૈવિધ્ય : વિશ્વવ્યાપી વસ્ત્રવૈવિધ્યનાં ચાર મુખ્ય કારણો છે : (1) કપડાં પાછળના ઉદ્દેશમાં ફરક, (2) કપડાં માટે પ્રાપ્ય પદાર્થોમાં વૈવિધ્ય, (3) કપડાંની નિર્માણવિધિમાં અંતર અને (4) પ્રથાઓની વિવિધતા. આને લીધે દેશ, સમાજ અને વ્યક્તિઓમાં પણ પરિધાનભેદ જન્મે છે, દા. ત., વિશ્વના ઘણા મુસલમાન સમાજોમાં સ્ત્રીઓ બુરખો પહેરે છે.

પ્રાચીન કાળ : પ્રાચીન ઇજિપ્તમાં અગ્રવર્ગના લોકો કંતાનનાં વસ્ત્રો પહેરતા. દાસવર્ગ તથા બાળકો વસ્ત્રો પહેરતાં નહિ. પુરુષો મોટે ભાગે લાંબા લંગોટ કે ટૂંકી લુંગી જેવું કપડું પહેરતા; સ્ત્રીઓ બગલથી નીચે સુધી ચુસ્ત કોથળા જેવું વસ્ત્ર પહેરતી. તેને ખસી જતું રોકવા ખભે પટો પહેરવામાં આવતો. છાતી ઢાંકવામાં આવતી નહિ. પ્રાચીન એસિરિયા, બાબુલ અને સુમેરુમાં ઊનનાં વસ્ત્ર પહેરાતાં, જે મોટે ભાગે ડાબે ખભેથી લપેટેલી શાલ જેવાં હતાં. કેડ નીચે છૂટી ઊની પટીઓની લુંગી જેવું વસ્ત્ર પહેરવામાં આવતું. આ બધા સમાજોમાં પગરખાં નહોતાં.

પ્રાચીન ઈરાનમાં કપડાં વેતરવાની અને શરીરના ઘાટ પ્રમાણે સીવવાની કળા જાણીતી હતી. અહીંના લોકો સ્વભાવે શિકારી હોવાથી તેમને ઢીલાં, છૂટાં કપડાં ફાવ્યાં નહિ; સ્ત્રીપુરુષ બંને ઉપર ડગલો અને નીચે ચડ્ડી જેવાં વસ્ત્રો ધારણ કરતાં. વિશ્વનાં વર્તમાન કોટ-પાટલૂન મૂળ પારસી વસ્ત્રોમાંથી ઊતરી આવ્યાનું મનાય છે. યહૂદી ધર્મના હિબ્રૂ લોકોમાં, ભારતના હિન્દુઓ જેવી, ધાર્મિક વિધિ માટે વિશેષ વસ્ત્ર ધારણ કરવાની પ્રાચીન પ્રથા છે. ગ્રીસની નિકટના ક્રીટ ટાપુની મહિલાઓ નિતંબનો ભાગ વિકસિત અને કેડ અતિ પાતળી દેખાય તેવા ચણિયા પહેરતી. ચોળી જેવા કપડાથી હાથ ઢાંકતી, પણ સ્તન ખુલ્લાં રાખતી. ઘણી વાર કેડ પર ધાતુનો પટ્ટો પણ પહેરતી.

લાક્ષણિક રાષ્ટ્રીય પોશાકમાં જાપાની મહિલાવૃંદ

પ્રાચીન ગ્રીસમાં શાલ જેવું લાંબું વસ્ત્ર ખભેથી શરીર પર ખૂલતું રહે એ રીતે લપેટાતું. કેડ પાસે તે બાંધવામાં આવતું. ગ્રીક સ્ત્રીઓ માથાના વાળને સુંદર રીતે શણગારતી. તેમાં બો, રૂમાલ આદિ બાંધતી. રોમનો ઘણે અંશે ગ્રીક પ્રજાનાં જેવાં વસ્ત્રો પહેરતા. નાગરિકો ટોગા નામે ઝભ્ભા જેવું વસ્ત્ર લપેટતા. દાસવર્ગ તથા ‘મુક્ત’ ન હોય એવા નિવાસીઓને ટોગા પહેરવાની છૂટ નહોતી. ભારતનાં સુતરાઉ વસ્ત્રોની ભારે માગ હતી.

પશ્ચિમી રોમન સામ્રાજ્યનું ઈ. સ. 400માં પતન થયું. ત્યારથી હજાર વર્ષનો ગાળો યુરોપના ઇતિહાસમાં મધ્યયુગ ગણાય છે. આમાં પ્રથમ સાત સૈકામાં પરિસ્થિતિ ઘણુંખરું યથાવત્ રહી. પરિવારો પોતાના ખપ પૂરતું રૂ ઉગાડતા, કાંતતા, વણતા તથા સીવતા. નગરોના વિકાસ સાથે સીવણકામના કુશળ કારીગરોનો નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. અગિયારમી સદી પછી ધીરે ધીરે તેમનાં મહાજનો બન્યાં; કામમાં વધારે કૌશલ કેળવવા પર ભાર મુકાયો.

મધ્ય અને આધુનિક કાળ : ચૌદમી સદીના આરંભે ઇટાલીમાં નવજાગરણનો ઉદય થયો. પંદરમી અને સોળમી સદીમાં યુરોપભરમાં તેનો પ્રભાવ પ્રસર્યો. નગરો સમૃદ્ધ થવા લાગ્યાં. વેપારીઓ તથા કારીગરોની વસ્તી વધવા લાગી. બાયઝેન્ટાઇન સામ્રાજ્યનું પતન થતાં કપડાંના ક્ષેત્રે પશ્ચિમ યુરોપના દેશોની તક ઊજળી બની. પંદરમી સદીનાં વસ્ત્રો નવજાગરણકાળનાં વિચારો અને વલણોથી પ્રભાવિત થયાં. વૈવિધ્ય તથા શોભાનું પ્રમાણ વધ્યું. માથાના આચ્છાદન તથા પગરખાંમાં અવનવા ઘાટ પ્રચલિત બન્યા. સોળમા સૈકામાં પુરુષોમાં ઉપરાઉપરી કપડાં પહેરવાનો તથા ગાદીવાળાં કપડાં પહેરવાનો આગ્રહ વધ્યો. ગંજીફરાક, ઉપર ખમીસ, તેની ઉપર જાકીટ અને છેક ઉપર કોટ એવો વેશ પ્રચલિત બન્યો. સ્ત્રીઓનાં કપડાં કેડની ઉપરના ભાગમાં શરીર સાથે ચુસ્ત ભિડાયેલાં રહે તેવાં રહ્યાં. ગળું નીચું અને ચોરસ હતું. ચણિયો ઘેરદાર રહેતો હતો.

સોળમી સદીમાં સ્પેનની બોલબાલા હતી. સ્પેનની રાજસભામાં જોવા મળતાં કપડાં ટૂંકસમયમાં યુરોપની ફૅશન બની જતાં. સત્તરમી સદીમાં સ્પેનનો પ્રભાવ ઘટ્યો અને યુરોપ ફ્રાન્સને અનુસરતું થયું. પુરુષોમાં ચુસ્ત પાયજામાના સ્થાને ખૂલતી મોળીનું પાટલૂન આવ્યું. સ્ત્રીઓમાં ચણિયાનો ઘેર અદૃશ્ય થયો. પહેલી વાર કોણી નીચેનો હાથ ઉઘાડો થયો. જોકે ખુલ્લા હાથે પહેરાતાં હાથમોજાં હવે લાંબાં થયાં. પુરુષો પીંછાંથી શોભતી હૅટ પહેરતા. કોટ-ખમીસના કૉલર પાતળા-નીચા થયા. મરજાદીઓ (puritans) સાદાં વસ્ત્રો પહેરતા.

અઢારમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિએ વસ્ત્રોને પણ સપાટામાં લીધાં. ઇંગ્લૅન્ડના જેમ્સ હારગ્રીવ્ઝ નામના વણકરે 1764માં એકસાથે અનેક તાર કાંતે તેવું કાંતણયંત્ર શોધ્યું. ‘સ્પિનિંગ જેની’ નામે આ શોધ વધાવી લેવાઈ. 1779માં બીજા અંગ્રેજ વણકર સૅમ્યુઅલ ક્રૉમ્પ્ટને ‘સ્પિનિંગ મ્યુલ’ની શોધ કરી. આ યંત્ર 200 માણસો જેટલું કામ કરતું. 1785 આસપાસ એડમંડ કાર્ટરાઇટ નામના પાદરીએ વરાળયંત્રથી ચાલતી સાળ બનાવી. હાથબનાવટના કાપડ કરતાં આ યંત્રનિર્મિત કાપડ ચડિયાતું હોવા છતાં સસ્તું પડવા લાગ્યું. તે મોટા પ્રમાણમાં બજારમાં ઊભરાવા લાગ્યું. હાથકારીગરોને આ મોટો પડકાર હતો. કાપડનો હસ્તઉદ્યોગ ઝડપથી નાશ પામ્યો અને નગરોમાં કાપડનાં કારખાનાં ઊભાં થવા લાગ્યાં. કાપડની અવનવી ફૅશનો નીકળવા લાગી. જોકે તે કેવળ ઉપલા વર્ગ પૂરતી જ મર્યાદિત રહી; સામાન્ય વર્ગ માટે ખાસ ફેર પડ્યો નહિ. ઘણા પરિવારોમાં પોતાના ખપ પૂરતું કાપડ વણીને ઘેર જ કપડાં સીવવાની પ્રથા ચાલુ રહી.

યુરોપની કપડાંની ફૅશન અત્યાર સુધી ફ્રાન્સની શૈલીઓથી પ્રભાવિત હતી; પણ 1789ની ફ્રેન્ચ ક્રાંતિએ ફ્રાન્સની નેતાગીરી છીનવી લીધી. જોકે ક્રાંતિની સમાપ્તિ પછી સ્ત્રીઓનાં વસ્ત્રોમાં ફ્રાંસ પુન: અગ્રણી બની શક્યું. પુરુષોનાં વસ્ત્રો હવે ઇંગ્લૅન્ડમાં નિર્ણીત થવા લાગ્યાં. સ્ત્રીઓમાં પ્રાચીન ગ્રીક વસ્ત્રો પર આધારિત શૈલીઓ વિકસાવવામાં આવી. દિવસો સુધી ખોલ્યા વિના રખાતા અંબોડા અદૃશ્ય થયા. વાળ ટૂંકા અને વાંકડિયા બનાવવાની પ્રથા શરૂ થઈ. વસ્ત્રોમાં સાદાં સુતરાઉ કપડાં વ્યાપક બન્યાં. પગમાં સૅન્ડલ આવી.

યંત્રયુગ : ઓગણીસમી સદીમાં હાથસાળો બંધ પડી. યુરોપ-અમેરિકામાં સઘળું કાપડ કારખાનાંઓમાં ઉત્પન્ન થવા માંડ્યું. આ અરસામાં અમેરિકાના ઇલિયાસ હાઉ અને આઇઝેક સિંગરે આધુનિક સીવણયંત્રની શોધ કરી. ધીરે ધીરે તૈયાર કપડાંનો વપરાશ વધ્યો. માપ લઈને સીવતા દરજીઓ મોંઘા પડવા લાગ્યા. સ્ત્રીઓમાં સળંગ ફ્રૉક જેવા વસ્ત્રના સ્થાને ચણિયાચોળી જેવાં બે ભિન્ન વસ્ત્રોમાં ઉપર ખમીસ જેવું વસ્ત્ર પહેરવાની ફૅશન 1880-90ના દાયકામાં ચાલી. સદીના અંતભાગે અવરગ્લાસ એટલે કે કલાકશીશી-શૈલીનો ઉપાડો થયો. તેમાં કટિપ્રદેશ પરાણે પાતળો બતાવવો પડતો. સ્ત્રીઓ એમ કરતાં વિવિધ પીડા તથા અસુવિધાનો ભોગ બનતી. પુરુષોમાં પાટલૂન હવે સર્વત્ર પ્રચલિત બન્યાં. કોટમાં વિવિધ શૈલીઓ આવી, જેમાં કેટલીક તો પ્રાસંગિક હતી; જેમ કે, ભોજનસમારંભ માટેનાં વસ્ત્ર.

વીસમી સદીમાં વસ્ત્ર-ઉદ્યોગમાં યંત્રીકરણ વધ્યું. વિવિધ શૈલીનાં વસ્ત્રો ઢગલાબંધ ઉપલબ્ધ થવા લાગ્યાં. સ્ત્રીઓમાં વસ્ત્રવૈવિધ્ય વધ્યું. અવનવી ફૅશનો ચાલી. જોકે પુરુષોનાં વસ્ત્રો છેક 1970 સુધી એક જ ઢાળામાં રહ્યાં. સ્ત્રીઓમાં હવે અંગ-પ્રદર્શનની હિંમત વધી. 1920-30ના દસકામાં પગ ઉઘાડા થયા. 1940-50માં નિતંબ-પ્રદર્શન ચાલ્યું અને 1960ના દાયકામાં સાથળો દેખાય એવી ટૂંકી ચડ્ડીએ દેખા દીધી. ઘણી સ્ત્રીઓ પુરુષની જેમ ખમીસ અને પાટલૂન પહેરતી થઈ. બીજા વિશ્વયુદ્ધ પછી નાયલૉનના આગમને સ્ત્રીઓમાં ફરી ચણિયાચોળી પ્રકારનાં વસ્ત્રોનું આકર્ષણ જામ્યું. લિંગરી નામના અંદર પહેરવાનાં ઝીણાં વસ્ત્ર પ્રચારમાં આવ્યાં. 1965ની આસપાસ મિનિસ્કર્ટ આવ્યું, જે ઝડપથી વિશ્વવ્યાપી થયું. એની સામે ક્યાંક મિડી અને મૅક્સી નામે લાંબા ચણિયા પણ ફૅશનેબલ ગણાયા. પુરુષોમાં ખમીસમાં ઝમકદાર રંગો, ઊભી રેખાઓ તથા ચોકડીની ભાતો પ્રચલિત બની. દાઢીમૂછ રાખવાની ફૅશન પ્રસરી. બધી વયના પુરુષો સમાન રીતે આ નવી શૈલીઓ પ્રત્યે આકર્ષાયા. વસ્ત્ર પરત્વે બંધનની વૃત્તિ તજીને લોકો કલ્પનાના મુક્ત વિહારને અનુસરતા થયા.

વસ્ત્રનિર્માણ-ઉદ્યોગ વિશ્વના આધુનિક ઉદ્યોગોમાં મહત્ત્વનું સ્થાન પામ્યો છે. તેમાં બાળકો સહિત સ્ત્રીપુરુષો માટે વિવિધ શૈલીનાં વસ્ત્રો; સૈનિકો, વિશેષ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ માટે ગણવેશ; રુવાંટીદાર વસ્ત્રો; ગૂંથેલાં વસ્ત્રો; ભરતકામવાળાં વસ્ત્રો; હૅટ, ટોપી, પાઘડી આદિ માથાનાં આચ્છાદનો; અલંકારો; પગરખાં ઉપરાંત બટન, આંકડા-આંકડી, આંટી, ઝિપબંધક, દોરા જેવી આનુષંગિક ચીજો; અંદર પહેરવાનાં વસ્ત્રો, રાત્રે પહેરવાનાં વસ્ત્રો તથા ખેલાડીઓ માટેનાં વસ્ત્રો વગેરેનું ઉત્પાદન થતું વ્યાપક રીતે જોવા મળે છે. વિશ્વના પ્રમુખ વસ્ત્ર-ઉત્પાદક દેશો આ પ્રમાણે છે : યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, જર્મની, જાપાન, ફ્રાન્સ, ઇટાલી, હૉંગકૉંગ (હવે ચીનનો ભાગ), બ્રિટન, કૅનેડા, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, મેક્સિકો અને સ્પેન. થોડાં વર્ષથી ભારતે પણ તૈયાર વસ્ત્રોના ઉદ્યોગમાં અને નિકાસમાં ઝડપથી વિકાસ સાધ્યો છે. ભારત કાપડ-ઉત્પાદનમાં મોખરે છે. ભારતમાં વસ્ત્રનિર્માણખર્ચ પ્રમાણમાં નીચું રહે છે. આથી ભારતને સ્પર્ધાત્મક ભાવે નિકાસ-બજાર સર કરવાની ઊજળી તકો છે. આ ક્ષેત્રે હવે મોટા કાપડ-ઉત્પાદકો પણ રસ લેતા થયા છે. વિશ્વનાં મોટાં વસ્ત્રનિર્માણકેન્દ્રો લંડન, ન્યૂયૉર્ક, પૅરિસ અને રોમ ગણાય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં વસ્ત્રનિર્માણના ક્ષેત્રે મોટા ભાગના ઉત્પાદકો નાના ઉદ્યોગપતિઓ છે. આવા નાના એકમમાં આશરે 100 જેટલા કર્મચારીઓ કામ કરે છે. 1,000 સુધી શ્રમિકો રાખતા એકમો પ્રમાણમાં થોડા છે.

વસ્ત્રસામગ્રી : વસ્ત્રનિર્માણ માટે મુખ્ય પદાર્થ કાપડ છે. કાપડ માટેના તંતુ પ્રાકૃતિક અને સંશ્લિષ્ટ (synthetic)  એમ બંને પ્રકારના વપરાય છે. આમાં કેટલાક તંતુ હજારો વર્ષોથી માણસ વાપરતો આવ્યો છે; દા. ત., ઊન, રૂ અને રેશમ. બીજા પદાર્થોમાં પ્લાસ્ટિકની ચાદરો તથા માનવસર્જિત તંતુઓ(man-made fibres)નો સમાવેશ થાય છે. તેમનો વપરાશ વીસમી સદીમાં જ શરૂ થયો હતો.

પ્રાકૃતિક પદાર્થોમાં વનસ્પતિ તથા પ્રાણિજ તંતુઓ, રુવાંટી અને ચામડાંનો સમાવેશ થાય છે. રુવાંટી અને ચામડાનાં વસ્ત્રો પશ્ચિમના દેશોમાં ફૅશનપ્રેમી શ્રીમંતોમાં જ પ્રચલિત છે. ચામડાનો મુખ્ય ઉપયોગ પગરખાં માટે થાય છે. તે ઉપરાંત તેનો ઉપયોગ હાથમોજાં તથા પાકીટ જેવી વસ્તુઓમાં તેમજ કલાકારીગરીની વસ્તુઓમાં થાય છે.

પ્રાકૃતિક તંતુઓમાં રૂ, શણ, રેશમ તથા ઊન સૌથી વધારે વપરાતા તંતુઓ છે. તે લાંબા તથા સુનમ્ય હોવાથી તેમાંથી સરળતાથી દોરા કાંતી શકાય છે. આ દરેક તંતુના વિશેષ ગુણો છે. રૂ સર્વ ઋતુમાં બધી રીતે અનુકૂળ સસ્તાં વસ્ત્રો માટે ઉપયોગી છે. રેશમ હળવાશ અને કુમાશ સાથે ચળકાટ પણ આપે છે. ઊન ઠંડી ઋતુમાં હૂંફ આપે છે. તંતુઓમાંથી વણાટ કે ગૂંથણની પ્રક્રિયા દ્વારા કાપડનું નિર્માણ કરવામાં આવે છે. રૂ કપાસના છોડ પર બેસતાં જીંડવાંમાં બીને વળગેલા રેસા રૂપે મળે છે. શણ પ્રકાંડના રેસા રૂપે મળે છે. રેશમ વસ્તુત: રેશમના કીડાએ ગૂંથેલા કોશેટાનો તાર છે. પ્રાકૃતિક તંતુમાં તે સૌથી બળવાન છે. ઊન મુખ્યત્વે ઘેટાંના વાળ છે. બકરાં તથા આલ્પાકા જેવાં પ્રાણીઓના વાળનો પણ ઊનના વર્ગમાં સમાવેશ થાય છે.

કૃત્રિમ રેસાઓમાંથી થતાં કાપડનો એક અલગ વર્ગ છે. એ કાપડમાં કાગળ, પ્લાસ્ટિક, ચાદર, રબર અને સંશ્લિષ્ટ રેસાઓ મુખ્યત્વે વપરાય છે. આ રેસા-સામગ્રીનું ઓછું મૂલ્ય, તેની મજબૂતાઈ તથા તેના સમસંકોચનવિરોધી (anticrease) ગુણને લીધે વસ્ત્રનિર્માતાઓ તેનો વધુ ને વધુ ઉપયોગ કરતા થયા છે.

પ્રથમ કૃત્રિમ તંતુ 1884માં ફ્રાન્સના હિલેરી શાર્દોને શોધ્યો, જે કૃત્રિમ રેશમ નામે જાણીતો થયો. 1924માં તેનું નામ રેયૉન રખાયું. આ સાથે વિજ્ઞાનીઓ કૃત્રિમ રેસાના સંશોધનમાં લાગી ગયા. નવા તંતુઓમાં કેટલાક પ્રાકૃતિક તંતુઓમાંથી ઉત્પન્ન કરવામાં આવ્યા; તો કેટલાક બે કે વધારે રસાયણોમાંથી સંશ્લિષણ દ્વારા મેળવવામાં આવ્યા. નાયલૉન અને પૉલિયેસ્ટર આવા સંશ્લિષ્ટ તંતુઓ છે. હવે કોઈ એક શુદ્ધ તંતુના બદલે બે કે ત્રણ તંતુના મિશ્રણથી બનેલા દોરાના કાપડનો ઉપયોગ વધારે થાય છે. દા. ત., રૂ અને પૉલિયેસ્ટર, ઊન અને નાયલૉન. આમાં બંને પ્રકારના તંતુના ગુણોનો લાભ મળે છે. રૂ અને પૉલિયેસ્ટરનું મિશ્ર કાપડ રૂનો શીતળતાનો ગુણ તથા પૉલિયેસ્ટરનો કરચલીવિરોધી ગુણ બંને ધરાવે છે. બાળોતિયાં, પોતાં તથા નૅપ્કિન તરીકે એકાદ વાર ઉપયોગમાં લઈને ફેંકી દેવાનાં વસ્ત્ર માટે કાગળ, પ્લાસ્ટિક અને રબરમિશ્રિત સંશ્લિષ્ટ કાપડનો ઉપયોગ વધતો જાય છે. રેઇનકોટ જેવા વસ્ત્ર માટે પ્લાસ્ટિક અને રબરની ચાદરો મૂળ સ્વરૂપમાં અથવા પ્રાકૃતિક તંતુના કાપડ સાથે ચોંટાડીને કામમાં લેવાય છે. હાથમોજાં અને પગરખાંમાં પણ પ્લાસ્ટિક અને રબરનો વપરાશ ઘણો વધ્યો છે.

રક્ષણાર્થ વિધાન : પશ્ચિમના વિધિવિધાનમાં એક જૂનું સૂત્ર છે : ખરીદનાર સાવધાન (caveat emptor) એટલે કે ખરીદી કરનારે વસ્તુ જોઈતપાસીને ખરીદવી; જેથી પાછળથી વિવાદ કરવાનો સમય આવે નહિ. પ્રાચીન કાળમાં જીવન સરલ હતું. તે સમયે આ સૂત્ર બંધબેસતું હતું. આધુનિક કાળમાં ટૅક્નૉલૉજીની પ્રગતિને કારણે વસ્તુઓનું નિર્માણ એટલું જટિલ બન્યું છે કે સામાન્ય ગ્રાહક કેવળ જોઈને કે સ્પર્શીને વસ્તુની પરખ કરી શકતો નથી; પ્રસ્તુત કપડાને શુદ્ધ ઊનનું કહીને વેચવા મથતો વિક્રેતા સો ટકા જુઠ્ઠો હોઈ શકે. આ સંજોગોમાં ગ્રાહકને રક્ષણ આપવા ભારત સહિત ઘણા દેશોમાં ધારા ઘડીને ઉત્પાદકો તથા વિક્રેતાઓને કેટલીક બાબતે ઉત્તરદાયી ઠરાવવામાં આવ્યા છે. દા. ત., કાપડ પર ઘટકોનાં નામ તથા માત્રાનો, ભાવ અને માપનો ઉલ્લેખ કરવો એ ફરજિયાત કરવામાં આવ્યું છે. જૂનાં વસ્ત્રોના રેસા પર પુન:પ્રક્રિયા કરી તેમાંથી નવાં વસ્ત્રો બનાવવામાં આવે છે. આમ હોય તો તે અંગે પણ સ્પષ્ટ ઉલ્લેખ આવશ્યક મનાયો છે. ઝટ સળગી ઊઠે તેવાં વસ્ત્રો વેચવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વસ્ત્રનિર્માણકાર્યે વિરાટ ઉદ્યોગનું રૂપ ધારણ કર્યું હોવાથી તેમાં પ્રશિક્ષિત કર્મચારીઓની માગ પણ વધી છે. તેને અનુલક્ષીને વસ્ત્રનિર્માણ, રૂપાંકન, ફૅશન, વિતરણ આદિ ક્ષેત્રોમાં અદ્યતન પ્રશિક્ષણ આપતી શાળાઓ ભારત સહિત ઘણા અગ્રણી દેશોમાં કામ કરતી થઈ છે.

બંસીધર શુક્લ