પેન્સિલવેનિયા : યુ.એસ.નાં સંલગ્ન રાજ્યોમાંનાં મૂળ તેર રાજ્યો પૈકીનું એક રાજ્ય તથા દેશનું ઐતિહાસિક અને ઔદ્યોગિક મહત્વ ધરાવતું ઘટક રાજ્ય. દેશના ઉત્તર ભાગમાં ઈશાન તરફ આવેલું આ મધ્ય ઍટલાન્ટિક રાજ્ય ‘પેન્સ વૂડ્ઝ’ (Penns Woods) નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે લગભગ 39o 43’થી 42o 30′ ઉ.અ. અને 74o 43’થી 80o 30′ પ.રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઈરી અને ન્યૂયૉર્ક, પૂર્વે ન્યૂ જર્સી, દક્ષિણે ડેલવેર અને મેરીલૅન્ડ, નૈર્ઋત્યમાં પશ્ચિમ વર્જિનિયા તથા પશ્ચિમે ઓહાયો રાજ્યો આવેલાં છે. આ રાજ્યનો કુલ વિસ્તાર 1,19,283 ચોકિમી. તથા વસ્તી 1,28,07,060 (2018) છે; વિસ્તારની દૃષ્ટિએ દેશમાં તેનો 33મો અને વસ્તીની દૃષ્ટિએ ચોથો ક્રમ આવે છે. યુ.એસ.ના સ્વાતંત્ર્ય માટેની અમેરિકી ક્રાંતિનું તે મધ્યસ્થ મથક રહેલું હોવાથી તેનું ઐતિહાસિક મહત્વ ઘણું છે.

પેન્સિલવેનિયામાં કૃષિમાં પશુધનનો ઉપયોગ

1812થી હૅરિસબર્ગ તેનું પાટનગર છે. રાજ્યનાં ચાર મોટાં શહેરોમાં સૌથી મોટું ફિલાડેલ્ફિયા (વસ્તી : નગર : (15,85,577; મહાનગર : 58,99,000) છે, તે પ્રધાન ઉત્પાદક શહેર તથા સાંસ્કૃતિક, શૈક્ષણિક, નાણાકીય કેન્દ્ર ઉપરાંત બંદર પણ છે. તે પછીનું બીજું શહેર તે ઓહાયો નદી પરનું પિટ્સબર્ગ (વસ્તી : નગર : 3,69,879; મહાનગર : 22,43,000) છે. તે પોલાદના ઉત્પાદન માટે જાણીતું બનેલું છે. આ પછીનાં બે શહેર તે ઈરી (વસ્તી : 1,09,718) અને ઍલનટાઉન છે. હાર્શે નગર વિશ્વભરમાં સૌથી વધુ ચૉકલેટ અને સ્વાદિષ્ટ મીઠાઈ(confectionery)ના ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે.

ભૂપૃષ્ઠ : આજથી 10,000 વર્ષ અગાઉ પૂરા થયેલા છેલ્લા હિમયુગ દરમિયાન આ રાજ્યના ઉત્તર ભાગ સુધી હિમનદીઓ વિસ્તરેલી હતી. હિમનદીઓની અસરને કારણે રાજ્યનું ઉત્તર-તરફી ભૂપૃષ્ઠ વિશિષ્ટ કુદરતી લક્ષણોથી કંડારાયેલું છે. રાજ્યનો 60 % ભાગ જંગલોથી છવાયેલો છે. ભૌગોલિક દૃષ્ટિએ આ રાજ્યના સાત કુદરતી વિભાગો છે :

(1) ઈરીનો નીચાણવાળો પ્રદેશ : તે આ રાજ્ય તથા ન્યૂયૉર્કના અમુક પ્રદેશને આવરી લે છે. આ પ્રદેશ ઈરી સરોવરના કિનારા પર રાજ્યના વાયવ્ય ખૂણે સાંકડી પટ્ટી રચે છે. તેની રેતાળ જમીનમાં ફળફળાદિ (મુખ્યત્વે દ્રાક્ષ) તથા શાકભાજીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે.

(2) ઍપેલેશિયન ઉચ્ચપ્રદેશ : તે ઍલેઘેની ઉચ્ચપ્રદેશ તરીકે પણ ઓળખાય છે. ન્યૂયૉર્કથી અલાબામા સુધી તે વિસ્તરેલો છે. રાજ્યનો ઉત્તર તથા પશ્ચિમ તરફનો મોટાભાગનો પ્રદેશ આ વિભાગમાં આવે છે. તે ઉપર તરફ પહોળા શિરોભાગવાળો છે અને તેમાં ઊંડી સાંકડી ખીણો પણ આવેલી છે. જળવિભાજક બની રહેલા આ ઉચ્ચપ્રદેશની બંને તરફ નદીઓ વહે છે. તેના પૂર્વ તરફના છેડે ઍલેઘેની પર્વતમાળા છે. નૈર્ઋત્ય પેન્સિલવેનિયાની ભૂમિ ઊંચી અને ખરબચડી છે. ઉચ્ચપ્રદેશના પશ્ચિમ ભાગમાં કુદરતી વાયુ, ખનિજતેલ તથા કોલસાના વિપુલ ભંડારો છે. ઉચ્ચપ્રદેશના ઈશાન ભાગમાં આવેલા પોકોનો પર્વતો અહીંનું જાણીતું પ્રવાસધામ પણ છે.

(3) ઍપેલેશિયન ડુંગરધાર અને ખીણપ્રદેશ : આ પ્રદેશ પણ ન્યૂયૉર્કથી અલાબામા સુધી વિસ્તરેલો છે. ઍપેલેશિયન ઉચ્ચપ્રદેશના દક્ષિણ અને પૂર્વ તરફના પહોળા વિસ્તારોનો તે બનેલો છે. ઉત્તરે અને પશ્ચિમે લાંબી સમાંતર ડુંગરધારો અને ફળદ્રૂપ ખીણો આવેલી છે. પૂર્વ તરફ કોલસાનાં ક્ષેત્રો અને સ્લેટની ખડકરચનાઓ છે.

(4) બ્લૂરિજ : તે દક્ષિણ પેન્સિલવેનિયાથી જ્યૉર્જિયા સુધી વિસ્તરેલો છે અને રાજ્યની મધ્ય-દક્ષિણ સીમા પર સાંકડો આંગળી આકારનો વિભાગ રચે છે.

(5) તળેટી-વિભાગ : ન્યૂ જર્સીથી અલાબામા સુધી વિસ્તરેલો આ વિભાગ રાજ્યના અગ્નિખૂણાનો ઘણોખરો વિસ્તાર આવરી લે છે. ઊંચાણ-નીચાણવાળો આ ખરબચડો મેદાની વિભાગ નીચી ટેકરીઓ, અનિયમિત ડુંગરધારો અને ફળદ્રૂપ ખીણોથી વ્યાપ્ત છે.

(6) ન્યૂ ઇંગ્લૅન્ડનો ઊંચાણવાળો પ્રદેશ : તે રાજ્યની પૂર્વ તરફ મેન રાજ્ય સુધી વિસ્તરેલો છે અને સાંકડી લંબચોરસ ડુંગરધારોથી બનેલો છે.

(7) ઍટલાન્ટિક કિનારાનું મેદાન : નીચાણવાળો તથા ફળદ્રૂપ આ ભૂભાગ ન્યૂયૉર્કથી દક્ષિણ તરફ ફ્લૉરિડા સુધી વિસ્તરેલો છે. રાજ્યના અગ્નિ ખૂણાને વીંધતો આ ભાગ સાંકડી પટ્ટી બનાવે છે.

આબોહવા : રાજ્યની આબોહવા ભેજવાળી અને ઉપખંડીય પ્રકારની છે. જુલાઈ અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 22o સે. અને -3o સે. જેટલાં રહે છે. રાજ્યમાં સ્થાનભેદે જુદા જુદા પ્રદેશોમાં 890થી 1270 મિમી. વરસાદ પડે છે.

આર્થિક પ્રવૃત્તિ : રાજ્યના 33 % ભાગમાં ખેતીલાયક ફળદ્રૂપ જમીન છે. કૃષિપેદાશોમાં મુખ્યત્વે મકાઈ, જુવાર અને ઘાસચારો છે. રાજ્યનું પશુધન સમૃદ્ધ છે. દૂધ, ડેરીની પેદાશો અને ગોમાંસને અહીં ખેતીની પેદાશો હેઠળ ગણવામાં આવે છે.

ફળદ્રૂપ જમીનો, વિશાળ જંગલો તથા વિકસિત ઔદ્યોગિક નગરોને લીધે આર્થિક રીતે આ રાજ્ય સમૃદ્ધ બન્યું છે. ચાવીરૂપ ઉદ્યોગોના ક્ષેત્રે આ રાજ્યે વીસમી સદીમાં ઝડપી પ્રગતિ સાધી છે. પોલાદના ઉત્પાદનમાં પિટ્સબર્ગ દુનિયાભરમાં જાણીતું બન્યું છે. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન આ નગરે જર્મની અને જાપાનના સંયુક્ત ઉત્પાદન કરતાં વધુ પોલાદનું ઉત્પાદન કરેલું. રાજ્યની અન્ય ઔદ્યોગિક પેદાશોમાં યંત્રો અને યંત્રસામગ્રી, ધાતુની ચીજવસ્તુઓ, વીજળીનાં ઉપકરણો, વાહનવ્યવહારનાં સાધનો, રસાયણો, દવાઓ તથા પ્રક્રમણ કરેલા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. ફિલાડેલ્ફિયા અને પિટ્સબર્ગ ઉપરાંત અન્ય પ્રમુખ ઔદ્યોગિક નગરોમાં ઍલનટાઉન, ઈરી, લૅન્કેસ્ટર, બૅથલેહૅમ, વિલિયમ પૉર્ટ, યૉર્ક અને રીડિંગનો સમાવેશ થાય છે. બૅન્કિંગ, વીમો, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, સ્વાસ્થ્ય અને ઔષધીય કેન્દ્રો જેવાં પૂરક સેવાક્ષેત્રમાં રાજ્યના કુલ કામદારોની સંખ્યા પૈકી આશરે 75 % જેટલા કામદારો રોકાયેલા હોય છે. રાજ્યના ખનિજભંડારો પણ વિપુલ છે, જેમાં કોલસો  ઍન્થ્રેસાઇટ અને બિટુમિનસ, કુદરતી વાયુ અને ખનિજતેલ નોંધપાત્ર છે.

ફિલાડેલ્ફિયા, પોકોનો ગિરિમાળા, ઈરી સરોવરની આજુબાજુનો પ્રદેશ તેમજ ‘પેન્સિલવેનિયા ડચ’ નામથી ઓળખાતો વિસ્તાર પર્યટકો માટેનાં આકર્ષણ-કેન્દ્રો બની રહેલાં છે.

ડચ નામથી ઓળખાતા અહીંના મૂળ જર્મન લોકો રસોઈકામ તેમજ મકાનો અને વપરાશી ચીજવસ્તુઓ પરની રંગબેરંગી વિવિધ આકૃતિઓ કરવા માટે જાણીતા બનેલા છે. આ પૈકીનાં ઍમિશ તથા મેનોનાઇટ નામથી ઓળખાતાં કેટલાંક ડચ જૂથ એવાં પણ છે કે જે પરાપૂર્વથી ચાલી આવતા પૂર્વજોના જ પોષાકો ધારણ કરે છે, જૂની રહેણીકરણી જ અપનાવે છે; વીજળી, મોટરો, ટેલિફોન અને અન્ય આધુનિક યાંત્રિક સુવિધાઓનો ઉપયોગ કરતા નથી.

ઇતિહાસ : આ પ્રદેશમાં યુરોપની શ્વેત પ્રજા દાખલ થઈ તે અગાઉ હજારો વર્ષોથી ત્યાં આદિવાસી લોકો વસતા હતા. સત્તરમી સદીમાં મોટી સંખ્યામાં અહીં સ્વીડિશ, ડચ તથા બ્રિટિશ લોકોની વસવાની શરૂઆત થઈ. હાલના ચેસ્ટરની નજીકના વિસ્તારમાં સર્વપ્રથમ (1643) કાયમી શ્વેત વસાહત ઊભી કરવાનો યશ સ્વીડનના લોકોને ફાળે જાય છે, જોકે તે અગાઉ 1614માં ડચ લોકોએ ડેલવેર નદીની આજુબાજુની જમીનોની ઉપયોગિતાની તપાસ કરેલી. 1655માં ન્યૂ નેધરલૅન્ડ્ઝના ગવર્નર પીટર સ્ટુરેસાં(Stuyresant)એ આ વિસ્તારનું અન્વેષણ કર્યું અને ત્યાં ડચ- શાસન દાખલ કર્યું. 1664માં બ્રિટિશ લોકોએ બળપૂર્વક તેનો કબજો મેળવ્યો. 1681માં વિલિયમ પેન નામના એક ખ્રિસ્તી પાદરી(quaker)ના પુત્ર વિલિયમ પેનને ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ બીજા પાસેથી અગાઉના એક દેવાની પરત ચુકવણીના અવેજમાં આ પ્રદેશના અધિકારો આપવામાં આવ્યા. 1682માં હાલના ફિલાડેલ્ફિયાના સ્થળે કાયમી બ્રિટિશ વસાહત ઊભી કરવામાં આવી. વિલિયમ પેને સ્થાનિક આદિવાસી પ્રજા સાથે સંધિ કરી, પરંતુ 1750માં શ્વેત વસાહતીઓએ અહીંની જમીનો પર કબજો મેળવવાના હેતુથી ગેરકાયદેસરનાં દબાણોનો સહારો લીધો; જેને લીધે ત્યાં સુધી સ્થાનિક અને શ્વેત પ્રજા વચ્ચે જે સુમેળ હતો તેને સ્થાને સંઘર્ષ થયો. 1750-60ના દાયકામાં પશ્ચિમ પેન્સિલવેનિયામાં બ્રિટિશ વેપારીઓ તથા અન્ય યુરોપીય લોકોએ  મોટી સંખ્યામાં પ્રવેશ કર્યો. ફ્રેન્ચોએ ઈરી સરોવરથી ઓહાયો નદીના ફાંટા સુધી ઘણા દુર્ગો બાંધ્યા; એટલું જ નહિ, બ્રિટિશ વસાહતીઓ સાથેના સંબંધો કાપી નાખવા સ્થાનિક આદિવાસીઓને ઉશ્કેર્યા. પરિણામે 1754-63 દરમિયાન યુદ્ધ થયું, જેમાં બ્રિટિશ લશ્કરનો વિજય થયો. ફ્રેન્ચો આ પ્રદેશમાંથી ખસી ગયા પછી અહીં ફરી શાંતિ સ્થપાઈ.

અમેરિકી ક્રાંતિમાં પેન્સિલવેનિયાએ નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો. તેના સૈનિકોએ ઘણી લશ્કરી ઝુંબેશોમાં સક્રિય ફાળો આપ્યો હતો. તેમાં 1775માં બૉસ્ટન નગરના ઘેરાનો તથા ગેટિસબર્ગની લડાઈનો પણ સમાવેશ થાય છે. એ જ રીતે 1776માં સ્વાતંત્ર્ય માટેની ઘોષણા જે પરિષદમાં કરવામાં આવેલી તે પરિષદ પણ ફિલાડેલ્ફિયામાં જ યોજવામાં આવી હતી. તેમજ 1787માં અમેરિકાના બંધારણનો ખરડો પણ ત્યાં જ ઘડવામાં આવ્યો હતો. 1790થી 1800 સુધી ફિલાડેલ્ફિયા યુ.એસ.નું પાટનગર પણ રહેલું. અમેરિકી ક્રાંતિનું આ રાજ્ય રાષ્ટ્રનું ઔદ્યોગિક વિકાસ માટેનું મથક બની રહ્યું.

આ રાજ્યના ઘણા નિવાસીઓ ગુલામીની પ્રથાના વિરોધની ચળવળના નેતાઓ બનેલા. અમેરિકી ક્રાંતિ (1861-1865) દરમિયાન આ રાજ્યે આ ચળવળને મજબૂત ટેકો પૂરો પાડ્યો. 1863માં જે ત્રણ દિવસની લડાઈ થયેલી તેમાં ઘણા માણસો મરાયા. 1863ના નવેમ્બરની 19મી તારીખે લડાઈક્ષેત્ર ખાતે પ્રમુખ અબ્રાહમ લિંકને જે ભાષણ આપેલું તે જાણીતું બનેલું. ત્યારબાદ રાજ્ય  સમૃદ્ધ થતું ગયું, ઉદ્યોગો વિસ્તરતા અને વિકસતા ગયા. બહાર ગયેલા ઘણા વસાહતીઓ રાજ્યમાં પાછા ફર્યા. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ તો થયો, પરંતુ મજૂરોની સમસ્યાઓ ઊભી થઈ. અસંતુષ્ટ મજૂરોના સંઘ રચાયા, રેલવે કામદારોની હડતાળ પડી. 1917માં યુ.એસ. પ્રથમ વિશ્વયુદ્ધમાં સંડોવાયું. યુદ્ધજરૂરિયાતોને કારણે ઉત્પાદન અને ખાણકાર્યને વેગ મળ્યો. 1930-40 દરમિયાન મંદી આવી. હજારો કામદારોની નોકરીઓ છૂટી ગઈ. રાજ્યે કેન્દ્રીય સરકારની સહાયથી જરૂરી કાયદાઓ દ્વારા મુશ્કેલીઓ નિવારવાના પ્રયાસો કર્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રાજ્યનું અર્થતંત્ર ફરીથી બેઠું થયું. વીસમી સદીના મધ્ય ભાગમાં ઘણાં ક્ષેત્રે આધુનિકતા આવી. 1970-85ના ગાળામાં પોલાદ-ઉદ્યોગમાં આવેલી મંદી નિવારવા ઘણાં  શહેરોમાં સેવાક્ષેત્રના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી અને  નવા તકનીકી ઉદ્યોગો પણ સ્થાપવામાં આવ્યા. આજે આ રાજ્ય વિકાસને પંથે આગળ વધી રહ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે