પુરમ્ : પ્રાચીન તમિળ સાહિત્યનો પ્રકાર. પ્રાચીન તમિળ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયેલું છે : એક અલમ્ ને બીજું પુરમ્. પુરમ્ સાહિત્યમાં સામૂહિક જનજીવનનું વૈવિધ્યપૂર્ણ નિરૂપણ હોય છે. એમાં મુખ્યત: નાયકની વીરતા, દાનવીરતા વગેરે ગુણોનું તેમજ યુદ્ધનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હોય છે. એના સાત પ્રકારો છે : વૈઙ્ચિ, વંજી, ઉલિલૈ, તુંબ, વાહે, કાંજિ તથા પાડાણ. રાજાના સૈનિકો દ્વારા શત્રુ-રાજ્યોની ગાય-ભેંસોનું અપહરણ તે વેટચિત્રણૈ. અપહરણ કરાયેલી ગાય-ભેંસોને પાછી લાવવા માટે શત્રુ રાજાનું આગમન અને એના પ્રયત્નોને કરંદિ કહેવાય છે. કોઈ રાજાનું બીજા રાજ્યના રાજા પર આક્રમણ વંજિતિણૈ કહેવાય છે. આક્રમણ કરનારી સેના શત્રુના દુર્ગને ચારે બાજુ ઘેરી લે છે ત્યારે શત્રુસેના પ્રત્યાક્રમણ કરવા તૈયાર થઈ જાય છે તેને ઉલિત્જૈતિણૈ કહે છે. બંને પક્ષના રાજાઓનું ઘમાસાણ યુદ્ધ વર્ણવાયેલું હોય છે તેને તુંબિતિણૈ કહેવાય છે. કવિઓ પરાજિત રાજાને જીવનની અનિત્યતા વગેરે વર્ણવી તેને સાન્ત્વન આપે છે તે કાંજિતિણૈ કહેવાય છે. કવિઓ દ્વારા રાજાની દક્ષતા, સંપન્નતા, વીરતા વગેરે જેમાં વર્ણવેલાં હોય છે તે પાડાણતિણૈ કહેવાય છે. આ ઉપરાંત પુરમ્ પ્રકારમાં સૈનિકો, દાન આપનારા લોકો, ધૈર્યશીલ માતા, સુશીલ નારી, આદર્શ દેશભક્ત, મહેનતુ ખેડૂત, સુખી દંપતી, શ્રેષ્ઠ કવિ વગેરેનું પણ નાયક-નાયિકા તરીકે આલેખન થયું હોય છે.

ચન્દ્રકાન્ત મહેતા