પાલની (ટેકરીઓ) : દક્ષિણ ભારતમાં તમિળનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લામાં નૈર્ઋત્ય-ઈશાન દિશામાં વિસ્તરેલી ટેકરીઓ. વાસ્તવમાં તે પશ્ચિમ ઘાટનું પૂર્વતરફી વિસ્તરણ છે. પાલઘાટથી દક્ષિણ તરફ તમિળનાડુ-કેરળ સરહદ પર આવેલી અનામલાઈ ટેકરીઓ જ્યાં પૂરી થાય છે ત્યાંથી પાલની ટેકરીઓ પૂર્વ તરફ 24 કિમી. લંબાઈમાં અને 70 કિમી. પહોળાઈમાં વિસ્તરે છે. વધુ દક્ષિણ તરફ જતાં આ ટેકરીઓ ઉગ્ર ઢોળાવ સાથે એકાએક પૂરી થઈ જાય છે. આ ટેકરીઓમાં વંડારાવુ (Vandaravu) 2,597 મીટર, વેમ્બાડી શોલા 2,549 મીટર અને કરુન્માકાડુ 2,493 મીટરની ઊંચાઈ ધરાવતાં સર્વોચ્ચ શિખરો આવેલાં છે. આ ટેકરીઓનો પશ્ચિમતરફી ભાગ ઓછાવત્તા ઊંચાણ-નીચાણવાળો તેમજ ઘાસ જેવી વનસ્પતિથી આચ્છાદિત છે, જ્યારે ખીણોવાળો નીચેનો ભાગ ગીચ જંગલોવાળો છે. પાલની નગર તેના ઢોળાવો પર વસેલું છે. સમુદ્રસપાટીથી સરેરાશ 2,170 મીટરની ઊંચાઈ પરના થાળામાં આવેલું કોડાઈકેનાલ અહીંનું જાણીતું ગિરિનગર છે. ટેકરીઓ પર વસેલાં ગામો બટાકા, વાલ, કંદ જેવી શાકભાજી તથા જામફળ અને પીચ જેવાં ફળોના વાવેતર માટે જાણીતાં છે. અહીં બૉક્સાઇટની ખાણો પણ આવેલી છે. પાલની ટેકરીઓનો પૂર્વ તરફનો વિભાગ પ્રમાણમાં નીચો છે, 900-1,600 મીટર વચ્ચેની ઊંચાઈ ધરાવતાં ઘણાં શિખરો તથા ઉગ્ર ઢોળાવવાળી ખીણોથી તે ભરપૂર છે. અહીં સાગનું વાવેતર કરવામાં આવે છે. આ ઉપરાંત કૉફી, કેળાં, એલચી, ખાટાં ફળો તથા હળદર જેવા રોકડિયા પાકો પણ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા