પાણિગ્રહી, સંયુક્તા (. 24 ઑગસ્ટ 1944, બિશમપુર, ઓરિસા; . 24 જૂન 1997, ભુવનેશ્વર) : ઓડિસી નૃત્યશૈલીને ભારતની શાસ્ત્રીય નૃત્યશૈલીઓમાં માનવંતું સ્થાન અપાવનાર નૃત્યાંગના. પિતાનું નામ અભિરામ મિશ્રા અને માતાનું નામ શકુન્તલા. શિક્ષણ સિનિયર કેમ્બ્રિજ સુધી.

સંયુક્તા પાણિગ્રહી

બાળપણમાં ઓડિસીની પ્રારંભિક તાલીમ લીધા પછી વિખ્યાત નૃત્યકલાગુરુ રુક્મિણીદેવી ઍરુંડેલના ચેન્નઈ ખાતેના કલાક્ષેત્રમાં ભરતનાટ્યમ્ની વિશેષ તાલીમ લીધી અને `નાટ્યપ્રવીણ’ની ઉપાધિ મેળવી; સાથોસાથ કથકની પણ ઠીક-ઠીક જાણકારી મેળવી. ઓડિસી નૃત્યશૈલી પ્રત્યે તેમને જન્મજાત આકર્ષણ હતું. ગુરુ કેલુચરણ મહાપાત્ર પાસેથી તે શૈલીની સઘન તાલીમ લીધી. 1952માં નૃત્યનો પ્રથમ કાર્યક્રમ કૉલકાતાના ચિલ્ડ્રન્સ લિટલ થિયેટરના નેજા હેઠળ આપ્યો. 1964-66 દરમિયાન ભુવનેશ્વર ખાતેના ઉત્કલ સંગીત મહાવિદ્યાલયમાં ભરતનાટ્યમનાં અધ્યાપિક તરીકે સેવાઓ આપી. 1966માં ત્યાં જ નાટ્યોત્કલ સંસ્થાની સ્થાપના કરી. પતિ રઘુનાથ પાણિગ્રહીનો કંઠ-સહયોગ, ગુરુની પખાવજ પર સંગત અને તેમના દેહલાલિત્યની ઋજુતાના ત્રિવેણીસંગમથી તેમના નૃત્યના પ્રેક્ષકો ભાવવિભોર બની જતા હતા.

દેશ-વિદેશમાં આ શૈલી વિશે વધુ અભિરુચિ કેળવાય તે માટે નૃત્યસહનિદર્શન પણ કરતાં, સાથે તેઓ પ્રવચન પણ આપતાં. ઓરિસાનાં શિલ્પો અને સંગીતપદ્ધતિનો સમન્વય કરી તેમણે ઓડિસી શૈલીના કાર્યક્રમોને નવું માળખું આપ્યું હતું.

પોતાના ગુરુ સાથે અનેક આંતરરાષ્ટ્રીય સંગીત-નૃત્ય સંગોષ્ઠિઓમાં ભાગ લઈ તેમણે ઓડિસી શૈલી વિશેનું માન વધાર્યું. પારંપરિક ઓડિસી ઉપરાંત મૌલિક નૃત્યસંયોજન કરી તેમણે ભગવદગીતા, ગીતગોવિંદ, રામચરિતમાનસ, સુરદાસની પદાવલિ વગેરેને અનુલક્ષતી નૃત્ય-નાટિકાઓ તેમજ નૃત્ય-કૃતિઓ રચી. આ કૃતિઓના શ્ર્લોકો કે પદો પર આધારિત એકલ નર્તન-પ્રયોગ રજૂ કરવાનું શ્રેય પણ તેમને ફાળે જાય છે.

ભારતના સાંસ્કૃતિક વારસાના વિસ્તાર-પ્રચાર માટે ભારત સરકાર દ્વારા વિદેશ-પ્રવાસે મોકલવામાં આવેલાં તેઓ ઓરિસાનાં પ્રથમ કલાકાર હતાં. 1970માં ભારત સરકાર વતી દેશનાં સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે અમેરિકા, ફિલિપાઇન્સ, જાપાન, હંગેરી, રુમાનિયા, ચેકોસ્લોવૅકિયા, યુગોસ્લાવિયા અને નેપાળની મુલાકાત લીધી. ત્યારપછી અન્ય ઘણા દેશોનો પ્રવાસ ખેડ્યો. નૃત્યની ઘણી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં હતાં.

ઓડિસી નૃત્યશૈલીના ઉત્થાન અને પ્રચાર માટેના વિશેષ યોગદાનની કદર કરતા અનેક પુરસ્કારો તેમને એનાયત થયા છે, જેમાં ‘પદ્મશ્રી’ (1976), સંગીત નાટક અકાદમી પુરસ્કાર (1977), રાજ્ય સંગીત નાટક અકાદમી પુરસ્કાર (1978), તિરુપતિ પુરસ્કાર (1987), પ્રયાગ સંગીત સમિતિ દ્વારા ‘નૃત્યશિરોમણિ’ (1969), સૂર-સિંગાર સંસદ-મુંબઈ દ્વારા ‘સિંગારમણિ’ (1968) તથા ઑલ ઇન્ડિયા ક્રિટિક્સ ઍસોસિયેશન ઍવૉર્ડ (1989) જેવા અનેક પુરસ્કારોનો સમાવેશ થાય છે.

પ્રકૃતિ કાશ્યપ