પર્સેલ, ઍડવર્ડ મિલ્સ (જન્મ : 30 ઑગસ્ટ 1912 ટેલરવિલ, ઇલિનૉઇસ; . 7 માર્ચ 1997, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ..) : પ્રસિદ્ધ અમેરિકન ભૌતિકશાસ્ત્રી. પરમાણ્વીય નાભિઓ તથા અણુઓની, ન્યૂક્લિયર ચુંબકીય ચાકમાત્રાના માપનમાં ઉપયોગી, પ્રવાહી તથા ઘન પદાર્થમાં ઉદ્ભવતી ‘ન્યૂક્લિયર મૅગ્નેટિક રેઝોનન્સ’ (NMR) ઘટનાની તેમની સ્વતંત્ર શોધ માટે, યુ.એસ.ના ફેલિક્સ બ્લૉકની સાથે , ઈ. સ. 1952ની સાલના ભૌતિકશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના વિજેતા. હાલમાં NMRનો બહોળો ઉપયોગ શુદ્ધ દ્રવ્યોની અણુરચના તેમજ મિશ્રણના બંધારણના અભ્યાસમાં થાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પર્સેલ મૅસેચૂસેટ્સની ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી’ની ‘વિકિરણ પ્રયોગશાળા’માં, ‘ફન્ડામેન્ટલ ડેવલપમેન્ટ્સ ગ્રૂપ ઑવ્ રડાર પ્રૉબ્લેમ્સ’ના વડા હતા. 1946માં તેમણે તેમની NMR ખોજપદ્ધતિ વિકસાવી જે અત્યંત ચોકસાઈભરી હતી અને જે નોબેલ પુરસ્કાર-વિજેતા અમેરિકન ભૌતિકશાસ્ત્રી ઇસોડોર રાબીની પરમાણ્વીય કિરણપુંજ(atomic beam)પદ્ધતિ કરતાં ઘણાબધા સુધારાવધારાવાળી હતી. હાલ NMR સિદ્ધાંતનો ઉપયોગ ખોપરીમાં થયેલી ઈજાની જાણકારી તેમજ તેનું ચોક્કસ સ્થાન નિર્ધારિત કરવા માટે થાય છે.

એડવર્ડ મિલ્સ પર્સેલ

1949માં પર્સેલ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા. ત્યારપછી, તટસ્થ હાઇડ્રોજન પરમાણુઓ વડે, આંતરતારાકીય અવકાશમાં ઉત્સર્જિત થતા 21 સેમી. તરંગલંબાઈના સૂક્ષ્મ તરંગોની શોધમાં તેમને સફળતા મળી. ડચ ખગોળવેત્તા વાન દ હુલ્સ્ટે (Van de Hulst) 1994માં આવા રેડિયો-તરંગોની આગાહી કરી હતી; અને તેમના અભ્યાસ દ્વારા ખગોળવેત્તાઓ, આકાશગંગામાં આવેલાં હાઇડ્રોજનનાં વાદળોનું વિતરણ તથા સ્થાન તેમજ આકાશગંગાના પરિભ્રમણનું માપન નક્કી કરી શક્યા હતા. 1960માં પર્સેલ, હાવર્ડ યુનિવર્સિટીમાં ગરહાર્ડ ગેઇડ (Gerhard Gade) પ્રોફેસર થયા અને 1962માં અમેરિકાના પ્રમુખની ‘સાયન્સ એડવાઇઝરી કમિટી’માં નિયુક્ત થયા.

એરચ મા. બલસારા