પર્વતારોહણ : પર્વત પર આરોહણ કરવાની પ્રવૃત્તિ. પર્વતારોહણનું નામ સાંભળતાં જ દૃષ્ટિ સમક્ષ નગાધિરાજ હિમાલય ખડો થાય છે.

ભારતમાં સાત પર્વતમાળાઓ છે : (1) હિમાલય, (2) પટકી, (3) વિંધ્ય, (4) સાતપુડા, (5) અરવલ્લી, (6) સહ્યાદ્રિ, (7) પૂર્વ અને પશ્ચિમ ઘાટ.

હિમાલય વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. તેની લંબાઈ 2400 કિમી. અને પહોળાઈ 400 કિમી. છે અને પાંચ લાખ ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. હિમાલય પર્વતમાળાના પણ ત્રણ  સમાંતર ભાગ છે : (1) બૃહત હિમાલય, જેની 6000 મી.થી અધિક ઊંચાઈ છે. (2) લઘુ હિમાલય, જેની ઊંચાઈ 2600થી 4600 મી. ની છે અને (3) બાહ્ય હિમાલય જેની ઊંચાઈ 1000થી 1300 મી.ની છે. હિમાલયના પશ્ચિમ, મધ્ય અને પૂર્વ એવા ભાગ પાડી શકાય. પૂર્વમાં સિક્કિમ અને દાર્જીલિંગના પર્વતો આવે, મધ્યમાં કુમાઉન અને ઉત્તર પ્રદેશના ગઢવાલનો વિસ્તાર આવે અને પશ્ચિમમાં હિમાચલ પ્રદેશ અને કાશ્મીર આવે. લડાખને ઉત્તરના વિસ્તારમાં મૂકવાનું થાય.

2500 કિમી. લાંબા અને લગભગ 400 કિમી. પહોળા હિમાલયનું સૌથી મોટું શિખર ‘ચોમોલુંગ્મા’ છે. તેનો અર્થ ‘જગતમાતા’ થાય છે. તેનું ‘એવરેસ્ટ’ નામ એવરેસ્ટ નામના સર્વેયરના નામ પરથી પાછળથી પડ્યું. 8,848મી.(29,028 ફૂટ) ઊંચા એવરેસ્ટ શિખર ઉપરાંત પણ બીજાં સેંકડો શિખરો 6705.6 મી.થી 8530.3 મી. જેટલાં ઊંચાં જોવા મળે છે, જ્યાં વૃક્ષો ઊગતાં નથી. 3048 મી.થી 3657.6 મી.ની  ઊંચાઈ પછી જેમ જેમ વધારે ઊંચે જઈએ તેમ તેમ હિમાલયનું ખરું સ્વરૂપ, તેની વિષમતા અને ભવ્યતા સહિત, છતું થાય છે. જો હવામાનથી શરીરને બરાબર કેળવ્યું કે ટેવાડ્યું ન હોય તો વિચારશૂન્યતા આવે, હાથની મુઠ્ઠીઓ જોરથી બંધ થઈ જાય અને પછી બરફકુહાડી (ice axe) પણ પકડી ન શકાય એવી હાલત થાય. આવી પરિસ્થિતિમાં કોઈ પણ દવા કારગત નીવડતી નથી, સિવાય કે આરોહકને ઓછી ઊંચાઈએ પાછો મોકલી દેવામાં આવે. ભૂખ ન લાગવી, ઊંઘ ન આવવી,  તન્દ્રામાં ઊતરી જવું, મૃગજળની ભ્રાંતિ થવી અને શરીર શિથિલ થઈ જવું  આવાં આવાં લક્ષણો શરીરમાં પેદા થાય છે. ઑપરેશન કર્યા પછી તરત જ દર્દી ભાનમાં આવતાં જેવી સ્થિતિ હોય તેવી સ્થિતિ થાય છે. વૈજ્ઞાનિક તાલીમથી સજધજ આલ્પાઇન-આરોહકોને પણ હિમાલયનું હવામાન અનુકૂળ નથી આવતું. ભલભલા મર્દ આરોહકોને હિમાલયે નમાવ્યા છે.

હિમપ્રપાત, હિમનદીઓ (glaciers), છૂપી તિરાડો 100થી 180 કિમી. ગતિએ ફૂંકાતા સુસવાટાભર્યા પવન, પથ્થરોનું ગબડવું  આ બધી બાબતોનો ખ્યાલ રાખવો પડે. ખોરાકપાણીની સગવડો સાથે રાખવી, અને તે ઓછી પણ નહિ અને વધારે પણ નહિ એ રીતે; કેમ કે ઓછી હોય ને જો માર્ગ-અવરોધ થાય તો પુરવઠો મેળવવો મુશ્કેલ બની જાય અને વધુ હોય તો તેના બોજને ઊંચકવાના અનેક પ્રશ્નો ઊભા થાય. વળી જરૂરી માલસામાનનો બોજો ઊંચકનારને જરૂરી સાધનો આપવાં. આવી અનેક બાબતોમાં ગણતરીપૂર્વકનું આયોજન કરવું પડે. આ બધી બાબતોનું આયોજનપૂર્વકનું યોગ્ય સંકલન યુદ્ધના ધોરણે કરવું પડે. યુદ્ધમાં તો જ્યાં જોખમ દેખાય ત્યાં શરણાગતિનો ધ્વજ ફરકાવીને બચી શકાય પણ હિમાલયનાં તોફાનો તો એવાં કે ક્યારે શું થશે તેના કોઈ સંકેતો મળે નહિ કે જેથી ધ્વજ ફરકાવી શરણે જવાય. મતલબ કે નાની સરખી બેદરકારી કે આયોજન કે સંકલનમાં ચૂક થતાં તુરત જ કુદરત તરફથી સજા ભોગવવાની થાય.

પર્વતારોહણને દૃષ્ટિ સમક્ષ રાખતાં પહેલાં હિમાલયને પણ સમજી લેવો જોઈએ. મે, 1953માં તેના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની 8848 મી.(જૂના ફૂટમાં 29028ની) ઊંચાઈ પર સર્વપ્રથમ ચરણ મૂકનાર એડમન્ડ હિલેરી અને તેનસિંગ નૉર્કે હતા. ત્યારે જગતના ખૂણે ખૂણે રહેતા લોકોએ રોમાંચ અનુભવ્યો હતો. તે પછી જનસાધારણમાં હિમાલયને સમજવાનું કુતૂહલ પણ વધવા માંડ્યું. હિમાલય કુદરતનું એક એવું સર્જન છે કે સમગ્ર યુરોપના તમામ પર્વતોના જથ્થાને એકત્ર કરીએ તોપણ હિમાલયના ભૌતિક જથ્થા કરતાં તે ક્યાંય ઓછો પડે. ભારતમાં હિમાલય ખૂબ આદર અને ભક્તિભાવ સાથે પૂજાય છે. સદીઓથી ઘણા સંતો-મહાત્માઓએ ઊંચા અને વિકટ ઘાટો ઓળંગી કૈલાસ, બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી, અમરનાથ જેવાં સ્થળોએ યાત્રાળુઓ માટે આશ્રમો સ્થાપ્યા છે. આદ્ય શંકરાચાર્યે પણ દક્ષિણ કેરળથી પગે ચાલીને બદરીનાથમાં આવીને ત્યાં વિદ્યાપીઠ સ્થાપી અને યાત્રાળુઓ, જ્યારે સડક કે અન્ય સુવિધાઓ ન હતી ત્યારે પણ અનેક કષ્ટ વેઠીને 3350.7થી 3960.3 મી.ની ઊંચાઈ સુધી પહોંચતા હતા. એ કયું આકર્ષણ હતું? ઈશ્વર કે પરમતત્ત્વનું સાંનિધ્ય પામવાનું, પ્રકૃતિ સાથે આત્મસાત્ થઈ ઈશ્વરની નજીક જવાનું કે આત્મદર્શન કરવાનું ?

પર્વતારોહણ રમતોમાં રાજા છે. ત્યાં કોઈ સ્પર્ધા હોતી નથી. અન્ય રમતોની જેમ આરોહકનું કૌશલ્ય જોઈને ત્યાં તાળીઓથી વધાવનારું કોઈ હોતું નથી, છતાં મેદાનની તમામ સુખસગવડો તજીને યુવાનો, પર્વતારોહણ અંગેની વિકટ પરિસ્થિતિનો ખ્યાલ હોવા છતાં, એ માટે જાય છે. હવે તો પર્વતારોહણ માટેનાં નવાં સાધનો સંશોધાયાં હોવાથી અને એ માટે વૈજ્ઞાનિક તાલીમનો વિકાસ થયો હોવાથી એ પ્રવૃત્તિ માટેનો ધસારો 1953 પછી તો ઉત્તરોત્તર વધતો જ ચાલ્યો છે. સૌપ્રથમ પર્વતારોહણને એક રોમાંચક રમત તરીકે માનીને આવનાર હતા ડબ્લ્યૂ. ડબ્લ્યૂ. ગ્રેહામ નામના યુરોપિયન સાહસિક. 1883માં તેઓ આરોહણ માટે આવ્યા. અલબત્ત, તે પહેલાં ઘણુંખરું યુરોપિયન પર્યટકો ધાર્મિક, પર્યાવરણગત કે વૈજ્ઞાનિક હેતુઓ માટે આવતા રહેતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ શાસન પછી સામ્રાજ્યના વિસ્તાર માટે ઘણા બ્રિટિશરો પર્વતીય તોફાનો અને ઊંચાઈનો સામનો કરીને ગિલગિટ, લડાખ, અફઘાનિસ્તાન અને તિબેટ પહોંચ્યા હતા.

અન્ય પર્વતીય તોફાનોની સાથે સામાન્ય એવી, ફ્રૉસ્ટ-બાઇટ, શરીરમાં પાણી ઘટી જવું (dehydration), અલ્ટ્રાવાયૉલેટ-કિરણોને કારણે કામચલાઉ અંધાપો આવી જવો – જેવી મુસીબતોનો સામનો અનિવાર્ય બની રહે છે. હિમાલયમાં અકસ્માત કે આરોહકની માંદગીમાં બચાવ-કામગીરીની સેવા એટલી સરળ નથી જેટલી આલ્પ્સના પર્વતારોહણમાં છે. હિમાલયનાં શિખરોમાં 1970 પછી તો દર વર્ષે ઓછામાં ઓછાં 200થી વધારે દેશવિદેશનાં પર્વતારોહણ માટેનાં અભિયાનો યોજાતાં થયાં છે. આને માટે ભારતીય વાયુદળની સેવા પ્રશંસનીય રહી છે. ભારતમાં ઓગણીસમી સદીના મધ્યમાં ભારતીયો મદદનીશ કે પૉર્ટર તરીકે આરોહકોની સાથે જતા અને તેમની સેવા ઉલ્લેખનીય કે સિદ્ધિદાયક બનતી રહેતી. ભારતમાં એક રમત તરીકે તેની શરૂઆત થઈ 1942માં, જ્યારે પ્રખ્યાત દૂન સ્કૂલના બે શિક્ષકો હોલ્ડસ્વર્થ અને જ્હૉન માર્ટિને 15 વર્ષના ત્રણ કિશોરો સાથે આર્વા ગ્લૅશિયરના વિસ્તારમાં 6788.3મી.ની ઊંચાઈ સિદ્ધ કરી. તે પહેલાં પણ જાણવા મળ્યું છે કે કોઈક બે પંડિત ભાઈઓ નૈનસિંગ અને કિશનસિંગે 1865-66માં લડાખથી લ્હાસા સુધીના 2400 કિમી.નું લાંબું ટ્રૅકિંગ કર્યું હતું. એ પછી તેમણે 1878થી 1882માં દાર્જીલિંગથી આઉટર મૉંગોલિયા અને પાછાં વળતાં એટલું જ ટ્રૅકિંગ કરીને એક વિક્રમ સ્થાપ્યો હતો. સર્વપ્રથમ ભારતીય આરોહણ 1952માં દૂન સ્કૂલના એક બીજા શિક્ષક ગુરુદયાલ સિંઘના નેતૃત્વ હેઠળ 7116.4 મી. ઊંચા ત્રિશૂળ શિખર પર કરવામાં આવ્યું, જે સફળ રહ્યું. આ સફળતાએ ભારતીય યુવાનોમાં વધુ રસ અને વેગ પૂર્યા. પછી તો શેરપા તેનસિંગ નૉર્કે અને સર એડમન્ડ હિલેરીના 29 મે, 1953ના રોજ એવરેસ્ટ પરના આરોહણની જ્વલંત સફળતાએ સિદ્ધ કરી આપ્યું કે તક મળે તો એશિયન યુવાનો સાહસના સીમાડા આંબવા માટે પૂરતા સત્ત્વશાળી છે. વિશ્વમાં ઊંચાઈમાં 8150.1 મી.વાળા અને સાતમા નંબરે આવતા ‘ચો ઓયુ’ શિખરના આરોહણની યોજના મુંબઈના સૉલિસિટર કે. કા. બુન્શાએ કરતાં ભારતીય પર્વતારોહણ કાર્યક્રમનો વ્યવસ્થિત પાયો નંખાયો. આ નિમિત્તે ઇન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશન સંસ્થા અસ્તિત્વમાં આવી; જે પહેલાં ‘Sponsoring Committee of Everest Expedition’ નામ ધરાવતી હતી. દિલ્હીમાં તેનું મુખ્ય મથક બેનીટો જોરોઝ રોડ ઉપર આવેલું છે. તેનો મુખ્ય ઉદ્દેશ હિમાલયનાં અભિયાનોનાં આયોજનો કરવાં અને સ્કીઇંગ, ઊંચાં શિખરો સુધીનાં ખડકચઢાણ વગેરે માટે પાયાનું માર્ગદર્શન આપવું, તે માટેની જરૂરિયાતો અને ઉત્સાહ પૂરાં પાડવાં તેમ જ સાહસની નવી નવી દિશાઓ પણ ખોલવી – એ હતો. આ સંસ્થાએ તેની સ્થાપના પછી અત્યાર સુધીમાં ઓછામાં ઓછાં હિમાલયનાં આશરે 50 અભિયાનો યોજ્યાં; 500 ઉપરાંત ભારતીય અભિયાનોને નાણાકીય તથા ટૅક્નિકલ મદદ આપી, આશરે હજારેક વિદેશી અભિયાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું અને જેમાં માત્ર મહિલાઓ હોય એવાં 40 અભિયાનો યોજ્યાં. પર્વતારોહણની તાલીમ માટે શિષ્યવૃત્તિઓ શરૂ કરીને, પસંદ કરેલ ચુનંદા પર્વતારોહકોને અદ્યતન તાલીમ આપવાના શિબિરોનું આયોજન કર્યું. વળી પર્વતારોહણનાં અભિયાનો યોજતી અન્ય સંસ્થાઓ માટે સાધનોની વ્યવસ્થા પણ તેણે કરી આપી; એટલું જ નહિ, હિમાલયના પર્યાવરણની તથા વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે પણ તેણે પ્રશંસનીય કામ કર્યું. એ સંસ્થાના સ્થાપનાકાળ પછી દાયકાઓ સુધી આઇ.એમ.એફ.ના પ્રમુખપદે રહીને ઇન્ડિયન ડિફેન્સના સેક્રેટરી તથા કટોકટીના ગાળા દરમિયાન ગુજરાત રાજ્યના રાજ્યપાલના સલાહકાર રહી ચૂકેલા એસ. સી. સરીને ઉત્તમ દોરવણી આપીને તેની પ્રવૃત્તિઓનો ઘણો વિકાસ કર્યો. 1957માં જ્યારે શ્રી કે. કા. બુન્શાએ ‘ચો ઓયો’ શિખરના આરોહણની રજૂઆત કરી ત્યારે તેને તમામ પ્રકારની નાણાકીય મદદ કરી તે અભિયાનને સફળ બનાવવા IMF-એ મેજર નંદુ જ્યાલને નેતા તરીકે તૈયાર કર્યા. નંદુ જ્યાલે તે પહેલાં કામટ (7752.5 મી. ઊંચું શિખર) અને અબીગામીન (7351.3 મી. ઊંચું) શિખર પર સફળ આરોહણો કરીને પોતાનું કૌવત પુરવાર કર્યું જ હતું; પણ મેજર નંદુ જ્યાલનું આ આરોહણ દરમિયાન મૃત્યુ થયું. આજે તેમના નામે અભિયાનોને ટેક્નિકલ સાધનો વિના મૂલ્યે જૂજ ભાડાથી આપવા માટેનો જ્યાલ મેમોરિયલ ફંડ સ્ટોર દાર્જીલિંગમાં ચાલે છે. સદ્ગત જ્યાલ દાર્જીલિંગમાં ચાલતી હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક આચાર્ય પણ હતા. આ સંસ્થાની સ્થાપના 1953માં એવરેસ્ટની સફળતા બાદ તે વખતના બહુમુખી પ્રતિભા ધરાવતા ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સક્રિય પ્રયત્નોથી અને પશ્ચિમ બંગાળના તે વખતના મુખ્યમંત્રી શ્રી ડૉ. બી. સી. રૉયના અંગત રસથી થઈ હતી. તે સંસ્થામાંથી અત્યાર સુધીમાં હજારો યુવક-યુવતીઓએ તાલીમ મેળવીને ‘એ’ કક્ષાના પર્વતારોહકોની દેશને ભેટ આપી છે. વિદેશી સંસ્થાઓ પણ તેની પાસે માર્ગદર્શન માટે આવે છે. આ જ સંસ્થામાં શ્રી તેનસિંગ નૉર્કે ડિરેક્ટર ઑવ ફિલ્ડ ટ્રેનિંગ તરીકે નિમાયા હતા.

1962માં ચીનના આક્રમણ પછી પર્વતારોહણની તાલીમમાં ઘણો સુધારો થયો અને ઉત્તરકાશીમાં નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઉન્ટેનિયરિંગ, મનાલીમાં હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઉન્ટેનિયરિંગ ઍન્ડ ઍલાઇડ સ્પૉર્ટ્સ અને ગુલમર્ગમાં પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્કીઇંગ ઍન્ડ માઉન્ટેનિયરિંગની સ્થાપના થઈ. લશ્કરી યુવાનો માટે પણ પર્વતારોહણની જુદી વ્યવસ્થા થઈ. દાર્જીલિંગમાં પર્યાવરણ, માનવજીવનનું મોટી ઊંચાઈ પર અનુકૂલન, પર્વતારોહણનાં સાધનોની ગુણવત્તા વગેરે માટે સંશોધનકેન્દ્ર સ્થપાયું. ઇન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશને પણ હાઈ ઑલ્ટિટ્યૂડ માટેનાં સાધનો તથા વસ્ત્રો બનાવનારને મદદ કરવાનું શરૂ કર્યું. માયસોરમાં પણ પર્વતારોહણ દરમિયાન કયો ખોરાક માનવજીવન માટે ઉપકારક રહેશે તેનું સંશોધનકેન્દ્ર શરૂ થયું. સાથે સાથે શેરપા જાતિ કે હિમાલયની 3656થી 4570 મી.ની ઊંચાઈ પર વસતી પ્રજાને મેદાનના માનવોને નડતો હવામાન માફક આવવાનો અને ઑક્સિજનનો પ્રશ્ન કેમ નથી નડતો તે અંગે પણ સંશોધનો થવા માંડ્યાં. સ્વિટ્ઝર્લૅન્ડમાં પણ તેનું સંશોધન થવા માંડ્યું. પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધી આશરે 30,000 જેટલા વિદેશી આરોહકો – ટ્રૅકિંગ કરનારાઓ અને એટલી જ સંખ્યામાં ટ્રૅકિંગ કરનારા ભારતીયો હિમાલયમાં હાઈ ઑલ્ટિટ્યૂડ પર ઘૂમતા થયા છે અને તેમની ઉપર્યુક્ત સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થતો ગયો છે. પ્રતિવર્ષે 300 જેટલી ટુકડીઓ હિમાલયમાં પર્વતારોહણ માટે દેશવિદેશથી આવે છે.

તેનસિંગ પછી 1965માં સફળ ભારતીય એવરેસ્ટ આરોહણ ભારતીય નૌકાદળના અધિકારી એમ. એસ. કોહલીના નેતૃત્વ હેઠળ થયું. તે પહેલાં 1960માં એવરેસ્ટ પર આરોહણોના તેર પ્રયત્નો થઈ ચૂકેલા, જેમાંનું તેરમા નંબરનું બ્રિગેડિયર જ્ઞાનસિંગના નેતૃત્વ હેઠળનું હતું, જેમને ફક્ત 700 ફૂટનું જ એવરેસ્ટ-આરોહણ બાકી હતું ત્યારે વિષમ વાતાવરણને કારણે પાછું ફરવું પડ્યું હતું. બ્રિગેડિયર જ્ઞાનસિંગની ટીમમાં 23 સભ્યો હતા. 55 શેરપા હતા, 19 ટન વજનનો સામાન હતો અને તે સામાનને બેઝ કૅમ્પ સુધી પહોંચાડવા 700 પૉર્ટરો હતા. જ્યારે 1965માં કોહલીના નેતૃત્વ હેઠળના ભારતીય સફળ એવરેસ્ટ પર્વતારોહણની વિશેષતા એ રહી કે આખા વિશ્વમાંથી એવરેસ્ટ પર એકસાથે સફળતાથી પહોંચી શકનાર નવેનવ આરોહકો ભારતીય હતા. ત્યાર બાદ અગિયાર રશિયન પર્વતારોહકો એવરેસ્ટ પર પહોંચ્યા અને  પછી તો એવા એવરેસ્ટ પર પહોંચવાના અનેક પ્રયત્નો દેશવિદેશમાંથી આજ પર્યંત થતા રહ્યા છે. ભારતીય આરોહક ટુકડીએ 1962માં એવરેસ્ટ પર પહોંચવા બીજો પ્રયત્ન કર્યો ત્યારે તેના નેતા જ્હૉન ડાયસ હતા. તેમનો એ પ્રયત્ન નિષ્ફળ રહ્યો અને એવરેસ્ટ 150 મી. જ બાકી રહ્યું ત્યારે ખરાબ હવામાનને કારણે તેમને પણ પાછા ફરવું પડ્યું. એક શેરપા નવાંગ ત્શેરીગને અકસ્માતને કારણે પ્રાણ ખોવો પડ્યો. નવાંગ ગોમ્બુ નામના એચ. એમ. આઈ. દાર્જીલિંગના એક ઇન્સ્ટ્રક્ટરે બે વખત એવરેસ્ટ પર સફળ આરોહણ કરીને એક વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો.

1965થી 1984 દરમિયાનનાં વર્ષોમાં એવરેસ્ટ-આરોહણના ઘણા નોંધપાત્ર પ્રયત્નો થયા. ઑક્સિજન વગર પણ એવરેસ્ટ પર પહોંચાયું. એકલ-વીર વ્યક્તિઓ પણ ત્યાં પહોંચી અને સ્ત્રીઓ પણ પહોંચી. ભરશિયાળામાં પણ એવરેસ્ટનું સફળ આરોહણ થયું. જુદી જુદી ટુકડીઓએ એવરેસ્ટની S. F. રીજ, વેસ્ટ રીજ, NE રીજ, SW ફેસ, SW પીસર, સાઉથ પીસર – એમ બધી જ બાજુથી આરોહણ કર્યું. એક દંપતીએ – પચાસ વર્ષની ઉપરના હૉર્ન બેઈન અને તેમનાં પત્ની ઈવે પણ સફળ એવરેસ્ટ-આરોહણ કર્યું. આમ 1983 સુધીમાં 33 એવરેસ્ટ-અભિયાનો સફળ રહ્યાં, જેમાં કુલ 158 સ્ત્રી-પુરુષો સૌથી ઊંચા શિખર પર આરૂઢ થયાં. સૌથી વિશેષ નોંધપાત્ર ઘટના 1984ના વર્ષમાં ઘટી. આઈ. એમ. એફ. પ્રેરિત એવરેસ્ટ-આરોહણ માટેની 20 સભ્યોની મિશ્ર ટુકડીએ મે માસમાં બે વખત ભારતીય ત્રિરંગો એવરેસ્ટ પર ફરકાવ્યો. પહેલી વખત 9મી મે એ ફૂ દોરજી કુંગામ ઑક્સિજનની મદદ વગર ચઢ્યા ત્યારે અને બીજી વખત 23મી મેએ દોરજી લ્હાટો, સોન પલ્ઝારે અને શેરપા આંગદાવાની ટુકડી દ્વારા ઉત્તરકાશીની નહેરુ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ પામેલાં કુ. બચેન્દ્રીપાલ સફળતાથી એવરેસ્ટ પર પહોંચ્યાં ત્યારે. એવરેસ્ટ પર પહોંચનાર સૌપ્રથમ ભારતીય કન્યા તરીકે તેઓ બિરદાવાયાં. વિશ્વભરમાંથી એવરેસ્ટ પર પહોંચનારી કન્યાઓમાં તેઓે પાંચમાં, જ્યારે સૌપ્રથમ એવરેસ્ટ સર કરનારી મહિલા 1975માં જે જાપાની ટુકડીએ પર્વતારોહણ કર્યું તે ટુકડીનાં સભ્ય શ્રીમતી ઝુન્કો તર્બઈ. આમ, આ પ્રવૃત્તિની સફળતામાં દાર્જીલિંગની પર્વતારોહણ સંસ્થાની સાથે સાથે ઉત્તરકાશીની નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઉન્ટેનિયરિંગનું પણ ઉત્તમ પ્રદાન રહ્યું છે. હાલના આચાર્ય એમ. પી. યાદવના નેતૃત્વ હેઠળ પણ પર્વતારોહણ-ક્ષેત્રે સિદ્ધિપાત્ર કામગીરી થઈ છે. 1995માં ગઢવાલ હિમાલયના ગંગોત્રી ગ્લૅશિયરના મૂળની દિશામાં આવેલ પ્રખ્યાત ‘ચોખમ્બા’ શિખરો પર સફળ આરોહણ થયું. ‘ચોખમ્બા’ એટલે ચાર સ્તંભો. ચોખમ્બા શિખરો તે ચાર સ્તંભો પરનાં શિખરો. એમાંના નં. 1ની ઊંચાઈ 7138 મી., નં. 2ની 7068 મી., નં. 3ની 6974 મી. અને નં. 4ની 6856 મી. છે. તેમાંના નં. 1 અને નં. 2 પરનું કર્નાલ યાદવના નેતૃત્વ હેઠળનું આરોહણ સફળ રહ્યું. સાથે સાથે તેમણે ત્રીજું આરોહણ 6736 મી.ની ઊંચાઈવાળા એક અનામી શિખર પર કર્યું. વળી આ એક જ એવી સંસ્થા છે, જે આરોહણ કે અકસ્માતમાં ખોવાયેલાને શોધવા અને બચાવવા માટેની તાલીમનો નિયમિત અભ્યાસક્રમ ચલાવે છે. આ સંસ્થામાં પર્વતારોહકના ભોમિયાનો અભ્યાસક્રમ પણ ચાલે છે.

1981માં આ સંસ્થાના ભૂતપૂર્વ આચાર્ય ર્ક્ધાલ બલવંત સંધુના નેતૃત્વ હેઠળ આઈ. એમ. એફે. 7817 મી. ઊંચા નંદાદેવી શિખર માટેનો આરોહણ-કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં શ્રી ચંદ્રપ્રભા ઐનવાલા, રેખા શર્મા અને હર્ષાન્તી બીષ્ટે નામની ત્રણ મહિલાઓએ પહેલી વાર એ શિખર સર કર્યું હતું. કામેટ (ઊંચાઈ 7756 મી.), અબીગામીત (ઊંચાઈ 7335 મી.) અને ત્રિશૂલ (ઊંચાઈ 7120 મી.)  આ શિખરો ચડીને પણ મહિલાઓએ પોતાનું સત્ત્વ પુરવાર કરી બતાવેલું. 1992માં એવરેસ્ટ પર ઇન્ડો-તિબેટ બૉર્ડર પોલીસ દ્વારા હુકમસિંગના નેતૃત્વ હેઠળ જે સફળ આરોહણ થયું તેમાં ભારતની બીજા નંબરની કન્યા સંતોષ યાદવે પણ સફળતા મેળવેલી. તેણે ઉત્તરકાશીની સંસ્થામાંથી તાલીમ પ્રાપ્ત કરી હતી. 1993માં ઇન્ડો-નેપાલ એવરેસ્ટ પરના આરોહણનું તો નેતૃત્વ જ એક બહેને લીધું હતું અને તે હતી 1984ના એવરેસ્ટ-આરોહણ ટુકડીની સફળ આરોહક કુ. બચેન્દ્રીપાલ. આ ટુકડીમાંની સાત  બહેનોએ એવરેસ્ટ પર આરોહણ કરીને સ્ત્રીસમાજનું ગૌરવ વધાર્યું. તેમાંની એક કુ. સંતોષ યાદવે તો બીજી વખત એવરેસ્ટ પર સફળ આરોહણ કર્યું હતું. આ ટુકડીમાંની અન્ય ત્રણ સફળ કન્યાઓ કુ. સંતોષ યાદવ, સુમન કુતિયાલ અને સવિતા માતોલી પણ નેહરુ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ પામેલી હતી.

કાંચનજંઘા શિખર, જે વિશ્વનું ત્રીજું ઊંચું શિખર છે (8598 મી. ઊંચું) તે સર કરવા માટે 1883થી 1995 સુધીમાં આઠ પ્રયત્નો થયા છે. તેમાં 1955માં એક બ્રિટિશ ટુકડીએ કરેલો પ્રયત્ન સફળ રહેલો. પ્રાપ્ત માહિતી મુજબ 1977માં ભારતીય લશ્કરની 19 સભ્યોની ટુકડી પણ એમાં સફળ રહેલી. એ ટુકડીમાં ર્ક્ધાલ પ્રેમચંદ અને ર્ક્ધાલ નરેન્દ્રકુમારની કામગીરી યશસ્વી હતી. 1993માં જાપાનની એક 80 વર્ષની સન્નારી સિક્કિમ વિસ્તારમાં ગ્રીનલેઇક સુધી લગભગ 5027થી 5178.7 મી.ની ઊંચાઈ સુધી પહોંચી હતી, પરંતુ આટલી ઊંચાઈએ જવા માટે 58 વર્ષની ઉંમરથી તેના પ્રયાસો નિયમિતપણે ચાલતા હતા. ગ્રીન લેઇકથી પાછા ફર્યા પછી હૃદયના હુમલા માટે તેઓ જે દવાઓ લેતાં હતાં તે બધી જ ડૉક્ટરોની પૅનલે બંધ કરાવી દીધી. આ સન્નારીનું નામ હતું કોયોશીદા.

પર્વતારોહણક્ષેત્રે ગુજરાતના યુવાનોનું પ્રદાન આગવું છે. તેમણે પર્વતારોહણના નકશામાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પ્રવૃત્તિને શરૂ કરવામાં પરિભ્રમણના શ્રી ધ્રુવકુમાર પંડ્યા અને તેને વેગવંતી અને લોકપ્રિય બનાવવામાં ગુજરાત યુનિવર્સિટીના ડિરેક્ટર ઑવ્ યૂથ વેલ્ફેરના શ્રી કનક દવેનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. અગાઉ ‘પરિભ્રમણે’ પર્વતારોહણનાં બે-ત્રણ શિબિર યોજ્યા હતા. કનક દવેએ પર્વતારોહણની પ્રવૃત્તિમાં રસ લઈ, હિમાલયની જુદી જુદી ઊંચાઈનાં શિખરો પર આરોહણો યોજી સતત ત્રીસ વર્ષ સુધી પર્વતારોહણ તથા સાહસની દૃષ્ટાંતરૂપ પ્રવૃત્તિઓનું સફળ નેતૃત્વ કર્યું હતું.

હિમાલય-આરોહણની પ્રવૃત્તિ વેગવંતી બનાવવામાં ગુજરાત યુનિવર્સિટીનો યુવક-કલ્યાણ વિભાગ મોખરે રહ્યો. દેશની હિમાલય-આરોહણની તાલીમ અપાતી સંસ્થામાં પ્રત્યેક વર્ષે ગુજરાતનાં યુવક-યુવતીઓને મોકલવાનું શરૂ થયું, પરંતુ તેમાં જૂજ સંખ્યામાં જ પ્રવેશ મળતો હતો. કવિ ઉમાશંકર જોશી જ્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા ત્યારે તેમણે સ્વામી આનંદે તૈયાર કરેલા ‘Across Gangotri Glaciers’નો ગ્રંથ આપીને ગુજરાતે એવા સાહસભર્યા કાર્યક્રમો કરવા ઉત્તેજ્યા અને તે પછી છુપાયેલી તિરાડોવાળા, સાત ગ્લૅશિયરો 6092.7 મી.ની ઊંચાઈએ ઓળંગવાની સાહસિક યાત્રા સફળ રીતે પાર પાડવામાં આવી. ગંગોત્રીથી ગંગોત્રી ગ્લૅશિયર થઈને કાલિન્દીઘાટ (આશરે 6092.7 મી.ઊંચાઈ) ઓળંગી, 15 ભાઈઓ અને 3 બહેનોની પર્વતારોહક ટુકડી સફળતાપૂર્વક બદરીનાથ પહોંચી શકી હતી અને પછી તો લગભગ દર વર્ષે આ પ્રકારનાં અભિયાનો યોજાતાં રહ્યાં. ગુજરાતમાંથી સેંકડો યુવક-યુવતીઓ હિમાલય ખૂંદવા જવા લાગ્યાં. ભારત સરકારે બધી યુનિવર્સિટીઓને આ પ્રવૃત્તિ માટે આર્થિક સહાય આપવાનું સ્વીકાર્યું. ગુજરાત રાજ્યના ઉપક્રમે ઍડ્વેન્ચર એકૅડેમી સ્થપાઈ. તેણે પર્વતારોહણને પ્રોત્સાહિત કર્યું. સાહસનાં અન્ય ક્ષેત્રો પણ ખોલ્યાં, જેમાં વિશ્વનાં સાત વિકટ અને ભીષણ રણોમાંનું એક ભારતદેશનું થરપારકર રણ ઓળંગવાનું આયોજન કર્યું. એડવેન્ચર એકૅડેમીના ઉપક્રમે કનક દવેના નેતૃત્વ હેઠળ ભારતભરમાં સૌપ્રથમ વાર ‘થર રણ અભિયાન’ 1994માં યોજાયું, જેને અદ્વિતીય સફળતા મળી. આ અભિયાનમાં જોડાવા માટે 985 જેટલા યુવાનોએ આવેદનપત્રો ભર્યાં હતાં. જેમાંથી માત્ર 22ની જ પસંદગી થઈ હતી. આ અભિયાનના ઉપનેતા તરીકે હર્ષાયુ દવે હતા. આ પછી તો ગુજરાતની અનેક સંસ્થાઓ આગળ આવી. કચ્છના અને સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, વડોદરા, સૂરત અને અમદાવાદનાં સંખ્યાબંધ યુવક-યુવતીઓ જુદી જુદી સંસ્થાઓ સાથે, યુથ-હૉસ્ટેલો સાથે સંકળાઈને પ્રતિ વર્ષ હિમાલયની ભવ્યતા માણવા નાનાં-મોટાં આરોહણો કરતાં થયાં છે.

ગુજરાતમાં પર્વતારોહક તરીકે કુ. ગિરા શાહ, કુ. નંદિની પંડ્યા, ચોલા જાગીરદાર, કુ.  ગંગાસી સોનેજી, કુ. સ્વાતિ દેસાઈ, કુ. કોકિલા મહેતા, કુ. પ્રતિભા પાલકર વગેરેએ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. એકલ પંડે કૈલાસ માનસરોવરની યાત્રા આજથી ત્રણ દાયકા પહેલાં પૂરી કરનાર બાબુભાઈ કશ્યપનો અને વિકટ એવા નંદાદેવી શિખર પર એકલ પંડે આરોહણ કરનાર નંદલાલ પુરોહિતનો પણ નિર્દેશ કરવો જોઈએ. સર્વશ્રી સુરેન્દ્ર પટેલ અને રાજુ પટેલ પ્રારંભના પર્વતારોહકો હતા.

જ્યારે હિમાલયના આરોહણ દરમિયાન તથા માઉન્ટ આબુ ખાતે તાલીમ દરમિયાન પ્રાણ ખોનાર ડૉ. ભરત શુક્લ અને હિમાલયમાં પ્રાણ ખોનાર જામનગરના ડૉ. મહમદ ઓસખાન વહાણવટી, જંબુસર તાલુકાના અણખી ગામના અશોક પટેલ, અમદાવાદનાં કુ. હર્ષદા સ્વામી અને વડોદરાના યુવાન દીપક આંબેગાંવકર જેવાનાં નામો ગુજરાતના યુવાવર્ગને સાહસની કેડીએ સદાય પ્રેરણા આપતાં રહેશે.

કનક દવે