પરાવાસ્તવવાદ

February, 1998

પરાવાસ્તવવાદ : ચિત્રકલા, ચલચિત્રકલા, શિલ્પ અને સાહિત્ય જેવી કલાઓમાં પ્રસરેલું વીસમી સદીનું એક આત્યંતિક આંદોલન. તેના માટે ‘અતિવાસ્તવવાદ’, ‘અતિયથાર્થવાદ’ જેવા પર્યાયો પણ ગુજરાતીમાં યોજાય છે. આ આંદોલન પૅરિસથી પ્રસર્યું. એનો પ્રવર્તક આન્દ્રે બ્રેતોં છે, આન્દ્રે બ્રેતોંએ 1924, 1930 અને 1934માં ખરીતાઓ બહાર પાડ્યા પણ એમાં એની સૈદ્ધાંતિક ભૂમિકા બદલાતી રહી; તેમ છતાં સર્જનાત્મક સંવેદનને ધાર આપવાનો જે અભિગમ બ્રેતોંએ અખત્યાર કરેલો એમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આન્દ્રે બ્રેતોં સિગ્મંડ ફ્રૉઇડના અચેતન-વિષયક સિદ્ધાંતોથી, ફ્રેન્ચ મનોવિજ્ઞાની પિયર ઝેનેની ઉપલબ્ધિઓથી અને હેગલના સંશ્લેષણના સિદ્ધાંતથી પ્રભાવિત હતો. અલબત્ત, એણે ‘પરાવાસ્તવવાદ’ સંજ્ઞા ગુયોમ એપોલિનેર પાસેથી મેળવી છે. એપોલિનેરે ‘ધ બ્રેસ્ટ્સ ઑવ્ ટાઇરેસિઅસ’ (1917) નાટક લખેલું, જેનું ઉપશીર્ષક એણે ‘પરાવાસ્તવવાદી નાટક’ (surrealist drama) રાખેલું. પરાવાસ્તવવાદનો સંબંધ દાદાવાદ સાથે ઘનિષ્ઠ છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી દાદાવાદે સત્તા અને પ્રભુત્વની સામે માથું ઊંચકેલું. એમાં પ્રથમ વિશ્વયુદ્ધ પરત્વેની પ્રતિક્રિયા છે. દાદાવાદીઓ અત્યંત ભંજકવૃત્તિવાળા હતા. નિષેધ એમનો મુખ્ય ધર્મ હતો. આવા દાદાવાદમાંથી જ પરાવાસ્તવવાદ ઊતરી આવ્યો છે. દાદાવાદની નરી નિષેધાત્મક ભૂમિકામાં પરાવાસ્તવવાદે કેટલેક અંશે વિધેયક વિચારણા દાખલ કરી છે.

એક રીતે જોઈએ તો પરાવાસ્તવવાદે જે કલાત્મક અને રાજકીય મુક્તિને આગળ ધરી બુદ્ધિવાદને નકાર્યો, અ-તર્કને ખપમાં લીધો, રહસ્યવાદને પોષ્યો, આદિમનો સ્વીકાર કર્યો વગેરેમાં ઓગણીસમી સદીના રોમૅન્ટિકવાદનું સાતત્ય પણ જોઈ શકાય છે. એ ખરું કે રોમૅન્ટિકવાદના આદર્શવાદને બદલે પરાવાસ્તવવાદે વધારે વાસ્તવિક રીતિ અપનાવી. પણ, એમની વાસ્તવિક રીતિ અચેતન સાથે જોડાયેલી છે.

સર્જનાત્મક પ્રવૃત્તિમાં પરાવાસ્તવવાદ અચેતન મનની ભૂમિકાનો સ્વીકાર કરે છે; સાથે સાથે સ્વપ્ન જેવી પદ્ધતિ અને નિયંત્રણ વગરના મનોવ્યાપારને તાકે છે. એમની શ્રદ્ધા શુદ્ધ માનસિક સ્વયંચાલનમાં છે. એમનો પ્રયત્ન પૂર્વચેતનામાં પહોંચવાનો છે, જેમાં અચેતનક્ષેત્રે ખીચોખીચ ઊભરાતાં અતંત્ર કલ્પનોને વિવેચન કે ચયન વગર ઝાલી શકાય.

સ્વયંચાલનમાં પરાવાસ્તવવાદીઓ, ચેતનાપ્રવાહમાં આવ્યો તે શબ્દ ઝાલે છે. એક વાર લખે છે; એને સુધારતા નથી. એમ કરવામાં સર્જનક્રિયામાં ખલેલ પહોંચવાનો પૂરો સંભવ છે એવું દૃઢપણે માને છે. આવા મુક્તપ્રવાહ દ્વારા જ અચેતન મન સાથે સંપર્ક રાખી શકાય છે એવી એમની શ્રદ્ધા છે. વિવેચન કે ચયન વગરના આવા મુક્ત પ્રવાહમાં કલ્પનો તર્કનિષ્ઠ વિચારધોરણોને, પ્રસ્થાપિત સૌન્દર્યધોરણોને કે રૂઢિચુસ્ત નીતિધોરણોને તો અતિક્રમી જઈ શકે છે, પણ એ જ વખતે આશ્ચર્ય અને અકસ્માતના તત્ત્વને પણ ઉત્કટ કરી શકે છે. ચાર્લ્સ મેજ કહે છે કે આ પદ્ધતિ દ્વારા તાર્કિક દૃષ્ટિબિંદુનો ભોગ આપ્યા વિના અ-તાર્કિક સાથેની કામગીરી શક્ય બને છે.

આ રીતે પરાવાસ્તવવાદ અચેતન સામગ્રી અને ચેતનસામગ્રીને સંયોજિત કરે છે. શબ્દોનાં અને અર્થોનાં નવાં સંઘટનોમાં રસ લે છે. સ્વપ્નવત્ પ્રતીકો, તરંગી કલ્પનો અને અસંગત સહોપસ્થિતિઓ સાથે કામ પાડે છે. જે કાંઈ વૈજ્ઞાનિક અને ભૌતિક છે, એની સામે એનો વિરોધ છે. પરાવાસ્તવવાદની પ્રતીતિ છે કે કેવળ બુદ્ધિ સંપૂર્ણ સમજનું માધ્યમ ન બની શકે. બુદ્ધિથી ઇતર ચેતનાક્ષેત્રો પણ અગત્યનાં છે. આથી જ પરાવાસ્તવવાદ માને છે કે રોજિંદા જીવન કે વાસ્તવથી વધુ ઉચ્ચતર જીવન કે વાસ્તવ સાથે અચેતન દ્વારા સંબંધ સ્થાપી શકાય છે. આ એવો સંબંધ છે, જ્યાં વાસ્તવની પાર જીવન અને મૃત્યુ, વાસ્તવ અને કલ્પિત, પ્રત્યાયનશીલ અને અપ્રત્યાયનશીલ એક થઈ જાય છે. આંતરિક અર્થને મુક્ત કરવા સ્વીકૃત નિયમો અને પદ્ધતિઓથી જુદા માર્ગે ફંટાતો પરાવાસ્તવવાદ ક્યારેક ક્રૂર અને હિંસક સૌન્દર્યને સેવવામાં પણ પાછો પડ્યો નથી.

પરાવાસ્તવવાદમાં ઝ્યાં આર્પ, મૅક્સ અર્નસ્ટ, માર્શેલ દુશાં જેવા દાદાવાદીઓ પણ જોડાયા. મુખ્ય પ્રણેતા આન્દ્રે બ્રેતોં સાથે મહત્ત્વના ફ્રેન્ચ લેખકો જોડાયા. એમાં લૂઈ આર્ગો, પૉલ ઇલ્યુઆર, બેન્જામિન પેરે, ફિલિપ સુપો, રૉબેર દેનો, હેન મિશો, ઝાક પ્રેવેર વગેરેનો સમાવેશ થાય છે. નાટકકાર આર્તો આન્તોનીંને પણ એમાં ગણાવી શકાય. વળી 1936માં લંડનમાં પરાવાસ્તવવાદનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાયું, એની અસર બ્રિટનમાં પણ વર્તાય છે. ડિલન ટૉમસ એથી ખાસ પ્રભાવિત છે. અમેરિકામાં ઈ. ઈ. કમિંગ્ઝ, વિલિયમ કાર્લોસ વિલિયમ્સ પણ એની અસરથી મુક્ત ન રહ્યા. સાલ્વાદોર દાલી, હોન મીરો, આન્દ્રે મેસોં, પૉલ કલી, મેર શાગાલ જેવા ચિત્રકારો, ઝ્યાં આર્પ અને આલ્બર્તો જિયોકોમેત્તિ જેવા શિલ્પીઓ તેમજ ઝ્યાં કોકતો, માન રે, લૂઈ બ્યૂનેલ અને હાન્સ રિક્ટર જેવા ચલચિત્રકારોનો ફાળો પણ પરાવાસ્તવવાદને દૃઢાવવામાં નાનોસૂનો નથી.

પરાવાસ્તવવાદનું જોર બીજા વિશ્વયુદ્ધના અગાઉના તબક્કા સુધી રહ્યું; પછી યુદ્ધ પૂર્વે જે પ્રભાવ હતો તે ન રહ્યો, પણ એની વ્યાપક અસર ચાલુ રહી. આ અસર હેઠળ જ ઍબ્સર્ડ થિયેટર, બીટ આંદોલન, ઍક્શન મેન્િંટગ, પૉપ આર્ટ વગેરે વિકસ્યાં છે. ગુજરાતી આધુનિકતાવાદી સાહિત્યમાં એનો પ્રભાવ અછતો નથી. સિતાંશુ યશશ્ર્ચંદ્ર જેવા કવિની રચનાઓમાં આ વાદનો વિશેષ પ્રયોગ થયેલો છે. આ ઉપરાંત ગુજરાતી ટૂંકી વાર્તા, નવલકથા અને નાટકમાં પણ પરાવાસ્તવશૈલીનો થોડોઘણો પ્રભાવ જોઈ શકાય છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા