પરાવર્તક (reflector) પરાવર્તન (reflection)

February, 1998

પરાવર્તક (reflector), પરાવર્તન (reflection) : પ્રકાશ, ઉષ્મા અને ધ્વનિના તરંગો અથવા રેડિયોતરંગોને પરાવર્તિત કરતું ઉપકરણ. પરાવર્તન એ કોઈ માધ્યમમાં પ્રસરતા તરંગો કોઈ સમતલ ચકચકિત કે ખરબચડી સપાટી અથવા અંતર્ગોળ, બહિર્ગોળ કે પરવલયાકાર સપાટી પાસે પહોંચે ત્યારે તે સપાટી વડે તે જ માધ્યમમાં તેમના પાછા ફેંકાવાની ઘટના છે.

મનુષ્ય, પશુ, પક્ષી તેમજ પ્રાણીઓનાં ચક્ષુ વડે દેખાતી વસ્તુઓ પરાવર્તનની ઘટનાને આભારી છે. સામાન્ય રીતે પરાવર્તકોની રચના કાચ કે ધાતુમાંથી કરવામાં આવે છે. સ્કૂટર, મૉપેડ, મોટર, ટ્રક-ખટારા, ટ્રૅક્ટર, રેલવે-એન્જિન, ઍરોપ્લેન વગેરે વાહનોમાં આગળ તેમજ પાછળની બાજુએ પ્રકાશને દૂર સુધી ફેલાવવા માટે પ્રકાશ-ઉદ્ભવસ્થાનની પાછળ પરાવર્તકોને યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે.

મોટાં રેલવેસ્ટેશનો, વિમાનમથકો, બંદરોની ગોદીઓ અને મોટાં કારખાનાંઓના રસ્તાઓ પર તેમજ સમુદ્રમાં રાખવામાં આવતી દીવાદાંડીમાં વિવિધ આકાર અને પ્રકારનાં પરાવર્તકોનો ઉપયોગ કરવામાં આવે છે. રેડિયો-તરંગોના પ્રસારણ માટે માઇક્રોવેવ ટાવર, રડાર તથા ડિશ-ઍન્ટેના પર – એમ વિવિધ જગ્યાઓએ પરાવર્તકોનો ઉપયોગ થાય છે.

મનુષ્ય-જીવનમાં પરાવર્તકો અનેક રીતે ઉપયોગી સાબિત થયા છે. સામાન્ય ઘર-વપરાશમાં સમતલ અરીસાનો, શેવિંગ માટે સમતલ કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ બહુ જ પ્રચલિત છે. સ્ત્રીઓને પોતાના શરીર પર ધારણ કરેલા અલંકાર તથા વસ્ત્રોનાં પરિધાન જોવા માટે, મોટા સમતલ અરીસાઓની યોગ્ય ગોઠવણ મોટાં રહેઠાણોમાં થતી જોવા મળે છે. સમતલ અરીસા વડે પ્રાપ્ત થતાં પ્રતિબિંબ આભાસી અને ચતાં હોય છે. જ્યારે અંતર્ગોળ અરીસાઓ વડે પ્રાપ્ત થતાં પ્રતિબિંબ યથાતથ અને સામાન્યત: નાના કદનાં હોય છે. બહિર્ગોળ અરીસાઓ વડે પ્રાપ્ત થતાં પ્રતિબિંબ આભાસી અને ચતાં હોવાને કારણે વાહનોમાં પાર્શ્વ-પરાવર્તકો (side-reflectors) તરીકે આવા અરીસા વ્યાપક રીતે જુદા જુદા આકાર અને માપમાં વપરાય છે. તેના કારણે પાછળ આવતાં વાહનો અંગે વાહનચાલકને જરૂરી માહિતી મળી શકે છે.

એશિયાડ અને ઑલિમ્પિક જેવા મોટા રમતોત્સવ માટે, દિવસ-રાત્રિ-ક્રિકેટમૅચના આયોજન માટે તથા ટેનિસ જેવી અનેક રમતો માટે, મોટાં ઔદ્યોગિક પ્રદર્શનો કે મનોરંજન-મેળાના આયોજન માટે, ચિત્રપટના નિર્માણ તેમજ વીડિયોગ્રાફી વગેરે માટે વિવિધ રીતે વિવિધ પ્રકારનાં પ્રકાશપરાવર્તકોનું યોગ્ય આયોજન જરૂરી બને છે.

આકાશમાં રહેલા જુદા જુદા આયનોસ્ફેરિક વિભાગો પણ કુદરતી પરાવર્તક તરીકે ઉપયોગી બને છે. દરિયામાં ડૂબેલા વહાણની શોધખોળ માટે, તેમજ દરિયાની જુદી જુદી ઊંડાઈએ રહેલી વનસ્પતિઓ, જળકૃત ખડકો તેમજ જળચર પ્રાણીઓના જીવનના અભ્યાસ માટે સોનાર તરંગોના પરાવર્તન દ્વારા વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ શકે છે.

ઉપરની હકીકતો દર્શાવે છે કે વિવિધ પ્રકાર અને આકારનાં યોગ્ય પરાવર્તકો પરાવર્તનની ઘટના દ્વારા મનુષ્યના જીવનના વિકાસ તેમજ વૈજ્ઞાનિક અભ્યાસ તથા સંશોધન માટે, મહત્ત્વની માહિતી આપી રહે છે.

ચંદ્રકાન્ત કેશવલાલ ત્રિવેદી