પદુકોણે, પ્રકાશ રમેશ

February, 1998

પદુકોણે, પ્રકાશ રમેશ (. 10 જૂન 1955, બૅંગાલુરુ) : વિશ્વના ઉત્કૃષ્ટ ખેલાડીઓમાં ગણના પામેલો બૅડમિન્ટનની રમતનો ભારતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી. બૅંગાલુરુના માલેશ્વરમની નજીક આવેલા કેનેરા યુનિયન ક્લબના અત્યંત સામાન્ય સિમેન્ટ કૉર્ટ પર રમવાની શરૂઆત કરી. છ વર્ષની વયે પ્રકાશ પદુકોણેએ ખેલવાનો પ્રારંભ કર્યો. 1962ની 22મી સપ્ટેમ્બરે મૈસૂર રાજ્યની સબજુનિયર ચૅમ્પિયનશિપમાં પ્રકાશ ખેલવા આવ્યો ત્યારે સહુને આશ્ચર્ય એ થયું કે પૂરી નેટ જેટલી ઊંચાઈ નહિ ધરાવતો આ બાળક નેટ પરથી બૅડમિન્ટનનાં શટલ કઈ રીતે કુદાવી શકશે ? સાત વર્ષનો પ્રકાશ એના વિરોધી ગુરુ દત્તારામને હરાવી શક્યો નહિ, પણ એના આગમને મોટી આશા જગાડી. બૅંગ્લોર યુનિવર્સિટીમાંથી એ સ્નાતક થયો. 1971માં સત્તર વર્ષનો પ્રકાશ પદુકોણે ચેન્નાઈમાં ખેલાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બન્યો. એ જ વર્ષે જુનિયર અને સિનિયર – બંને બૅડમિન્ટન-સ્પર્ધાઓમાં વિજય મેળવનારો તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. એ પછી ભારતની રાષ્ટ્રીય સ્પર્ધાઓ પર પ્રકાશ પદુકોણે છવાઈ ગયો.

પ્રકાશ રમેશ પદુકોણે

1971થી 1979 સુધી સતત નવ વર્ષ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનારા પ્રકાશ પદુકોણેનો આ વિક્રમ હજી અક્ષત છે. એની કૉર્ટક્રાફ્ટ અત્યંત ચતુરાઈભરી, એનું ફુટવર્ક કોઈ નૃત્યકારની યાદ અપાવે તેવું છે. અને છેક છેલ્લી ઘડીએ સ્ટ્રોક મારવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની કુશળતા ધરાવતો પદુકોણે સિદ્ધિનાં એક પછી એક શિખર ચડતો રહ્યો. 1980માં ડેનિસ ઓપન ચૅમ્પિયનશિપ અને સ્વીડિશ ઓપન ચૅમ્પિયનશિપમાં ડૅન્માર્કના પ્રથમ ક્રમના ખેલાડી મૉર્ટેન ફ્રૉસ્ટ હાનસેન અને આઠ વખત વિશ્વવિજેતા બનનાર રુડી હાર્ટોનોને પ્રકાશે હરાવ્યા. બૅડમિન્ટનની અત્યંત પ્રતિષ્ઠિત સ્પર્ધા ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપમાં ઇન્ડોનેશિયાના લિમ સ્યુ કિંગને હરાવીને ફાઇનલમાં વિજય મેળવ્યો અને 5,000 પાઉન્ડનું પારિતોષિક પામ્યો. એ પૂર્વે 1978માં ઇંગ્લૅન્ડના એડમાઉન્ટનમાં ખેલાયેલી રાષ્ટ્રસમૂહ સ્પર્ધામાં પ્રકાશ પદુકોણેએ સુવર્ણચંદ્રક મેળવ્યો. 1981માં ચીનના હાન જિયાનને 15-10 અને 18-7થી હરાવીને પ્રકાશ પદુકોણેએ આલ્બા વર્લ્ડકપ હાંસલ કર્યો. 1980 અને 1981ના વર્ષમાં વિશ્વના પ્રથમ નંબરના બૅડમિન્ટન-ખેલાડી તરીકે પ્રકાશ પદુકોણે હતો. નમ્રતા, સૂઝ, ધગશ, શિસ્ત અને સમજદારીને કારણે એક ખેલદિલ રમતવીર તરીકે પ્રકાશ પદુકોણેએ પોતાની આગવી પ્રતિભા ઉપસાવી હતી. ભારતે બિલિયર્ડ જેવી સ્પર્ધામાં વિલિયમ જોન્સ, માઇકલ ફરેરા કે ગીત શેઠી જેવા વિશ્વવિજેતા પેદા કર્યા, પરંતુ પ્રકાશ જ એવો ખેલાડી નીકળ્યો કે જેણે રમત પર પ્રભાવ પાડી બતાવ્યો. 1972માં પ્રકાશ પદુકોણેને અર્જુન ઍવૉર્ડ એનાયત થયો. પ્રકાશ પદુકોણેની બે પુત્રીઓમાં એક પુત્રી દીપિકા પદુકોણે એ અભિનેત્રી છે અને બીજી પુત્રી અનીષા પદુકોણો એ ગોલ્ફર છે. 1994ના ઑક્ટોબરમાં બૅંગાલુરુના પ્રકાશ પદુકોણે અને વિમલકુમારે એક પેટ્રોલિયમ કંપનીની સહાયથી ભારતમાં પહેલી જ વાર બૅડમિન્ટન એકૅડેમીની સ્થાપના કરી છે.

નિવૃત્તિ પછી પ્રકાશ પદુકોણ થોડો સમય બૅડમિન્ટન ઍસોસિયેશનના ચૅરમૅન હતા અને 1993થી 1996 સુધી તેઓ ઈન્ડિયન નૅશનલ બૅડમિન્ટન ટીમના કોચ હતા.

કુમારપાળ દેસાઈ