પટ્ટચિત્ર : કાપડ તથા કાગળ જેવી સામગ્રી પર ચિત્રો આલેખવાની 2,500 વર્ષ જૂની પરંપરા. કાપડ અને કાગળ પર આલેખિત ‘ચિત્રપટ્ટ’ કે ‘ઓળિયા’ને લોકસમૂહ સામે દર્શાવી-વર્ણવીને તેમાંથી આજીવિકા મેળવનારા પટ્ટપ્રદર્શકો ઘણા પ્રાચીન કાળથી જાણીતા છે. સાંપ્રત કાળમાં પણ સમગ્ર ભારતમાં એવા પટ્ટદર્શકોની પરંપરા જીવિત રહી છે.

પ્રાચીન તેમજ મધ્યકાળે હાથે વણેલી ખાદીના વસ્ત્રનું તેના ઉપર ચોખાના ઓસામણની કે ઘઉં-જવના લોટની ખેળ ચડાવી, ખડીનું અસ્તર લગાવી તથા ઘૂંટો મારીને પટ તૈયાર થતું. તેના ઉપર માટીના તેમજ વનસ્પતિના રંગોમાં ગુંદર ઉમેરીને ચિત્રો કરાતાં હતાં. તે પટ્ટચિત્રો તરીકે ઓળખાય છે.

ભગવાન મહાવીરના સમયમાં મંખ જાતિના લોકો ચિત્રફલક દર્શાવીને ભિક્ષા મેળવતા હતા. આચાર્ય મંખલી ગોશાલનો આ વ્યવસાય હતો એવી અનુશ્રુતિ મળે છે. બાણભટ્ટની કથા ‘કાદંબરી’ તેમજ વિશાખદત્તના નાટક ‘મુદ્રારાક્ષસ’માં યમપટ્ટિકનો ઉલ્લેખ છે. ભાસના ‘દૂતવાક્યમ્’ નાટકમાં પણ એક પટ્ટચિત્રનું વર્ણન છે.

ઈ. સ.ની આઠમી સદીમાં ઉદ્યોતનસૂરિ દ્વારા લખાયેલ ‘કુવલયમાલાકથા’માં એક સાધુ રાજકુમારને બે ચિત્રપટ્ટ બતાવે છે તેમાં ‘સંસારચક્ર’માં માનવલોકમાં રાજા, પ્રજા, ચોર, મારામારી, પ્રણય, જન્મ, તારુણ્ય, વૃદ્ધાવસ્થા ઉપરાંત સિંહ, હાથી, પક્ષીઓ, નાગ વગેરેની શ્યાવલિ છે. ‘નારકી લોક’માં વિવિધ પ્રકારની નારકી યાતનામાં માણસ વૈતરણીમાં ડૂબતો હોય, તે કરવતથી વહેરાતો હોય, તે કાગડાથી ઠોલાતો હોય, અને તેણે ઊકળતો સીસાનો રસ પીવો પડતો હોય  એવાં બીભત્સ શ્યો છે. ‘દેવલોક’માં દેવો, દેવ-ઐશ્વર્ય, ઇન્દ્રાસન, ઐરાવત અને મોક્ષસ્થાન દર્શાવ્યાં છે. આ જોતાં લાગે છે કે પૂર્વ મધ્યકાળ પછીથી પટ્ટચિત્રણમાં ઇહલોક અને પરલોકનાં શ્યો ચીતરાવા માંડ્યાં. એનો હેતુ તો તે કાળના લોકોને નીતિબોધ આપીને સારા આચરણવાળા બનાવવાનો હોઈ શકે છે.

બૌદ્ધ ગ્રંથ ‘દિવ્યાવદાન’ના ‘અશોકાવદાન’માં વર્ણવાયું છે કે અમુક ચિત્રકથકો બુદ્ધચરિતનાં ચિત્રપટ્ટ લઈને લોકોમાં ફરતા હતા અને બુદ્ધચરિતના પ્રસંગોનું ગાન કરતા હતા.

પ્રાચીન કાળ પછી મધ્ય કાળમાં પણ પટ્ટચિત્રની પરંપરા સમગ્ર ભારતમાં જોઈ શકાય છે; જેમ કે, રાજસ્થાનમાં પાબુજી રાઠોડનો પવાડો વસ્ત્રપટ્ટ પર આલેખાય છે. પાબુજીના આ ‘ફડ’માં પાબુજીના જીવનની કથા ઉપરાંત વિવિધ સંસારી દૃશ્યોનું આલેખન રજૂ થાય છે. આ ફડનું દર્શન-વાચન ભોપા-ભોપી સંગીત અને ગાન સાથે જનતાને કરાવે છે.

કાપડ તેમજ કાગળ ઉપર ચિત્રિત આવાં પટ્ટચિત્રોને મહારાષ્ટ્રમાં ‘ચિત્રકથી’, તૈલંગણમાં ‘પટ્ટચિત્ર’, બિહારમાં ‘જાદુપટ’, ગુજરાતમાં ગરોડાનાં ‘ટીપણાં’ અને ઓરિસામાં ‘પટ્ટચિત્ર’ કહેવાય છે.

પ્રાચીન કાળે પટ્ટચિત્રણ હાથવણાટની ખાદી ઉપર થતું હતું, પણ ચૌદમી સદી પછી તે કાગળ ઉપર આલેખાવું શરૂ થયું. કપડા ઉપર ચિત્રિત પટ્ટનો વીંટો વાળી શકાય છે. તેને ઓળિયું કહેવાય છે. એવી જ રીતે કાગળના પટ્ટને પણ ગોળ વાળીને વીંટો કરાય છે. તેને ટીપણું કહેવાય છે.

ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં હરિજન ગુરુ (ગરોડા) કાગળનું ટીપણું લઈને ગામે ગામે હરિજનવાસમાં ફરી ટીપણું ખોલી તેમાંનાં ચિત્રોનું વર્ણન કરી તેનાં દર્શન કરાવે છે અને પૈસા, દાણા અને કપડાં મેળવે છે.

કાગળનાં ટીપણાંમાં રામકથા, કૃષ્ણલીલા, ઉપરાંત ભીમ અરધો લોખંડનો અરધો હાડમાંસનો, ચેલૈયો, હરિશ્ર્ચંદ્ર-તારામતી, ધના ભગતનું સાંતીડું, રામદેવ પીર વગેરે ચિત્રો હોય છે.

આ ઉપરાંત નરકલોકની યાતનાનું યમપટ્ટ હોય છે. તેમાં ચોરી, પરનારીગમન, તેમજ વિવિધ અધર્મ આચરનારને યમદૂતો દ્વારા કરાતી શિક્ષા વગેરેનું ચિત્રણ પણ કરાયેલું હોય છે.

ચૂંદડિયા બ્રાહ્મણો મકરસંક્રાંતિ પહેલાં સંક્રાંતિનાં ફળનું ટીપણું લઈ ગામેગામ તે વાંચી સુણાવે છે. પોતાના મોંમાંથી કંકુ, બંગડી અને નાડાછડી કાઢે છે.

મધ્યકાળે સુખીસંપન્ન માણસની ગ્રહકુંડળીનું ચિત્રિત ટીપણું આ જોષીઓ તૈયાર કરતા હતા, તેમાં નવગ્રહ ઉપરાંત શિવપાર્વતી અને શ્રીગણેશનાં ચિત્રો આલેખાતાં હતાં.

જૈન શ્રેષ્ઠીઓના નગરસંઘવી પોતાના શહેરમાં ચાતુર્માસ કરવા માટે સાધુ-શ્રમણને નિમંત્રણ પાઠવતા, તે પત્ર પણ કાગળ કે કપડા પર પટ્ટ રૂપે ચિત્રિત કરાતો જેને વિજ્ઞાપનપત્રિકા તરીકે ઓળખવામાં આવતો.

સૌરાષ્ટ્ર-કચ્છનાં રાજરજવાડાંની કુંવરીઓના લગ્ન-પ્રસંગને અનુલક્ષીને જે પત્રિકા લખી મોકલાતી હતી, એ પણ રેશમપટ્ટ ઉપર ચિત્રિત કરાતી હતી (જોકે હાલ આ રિવાજ ઓછો થઈ ગયો છે).

સાંપ્રતકાળે રેડિયો-ટી.વી. વગેરે દ્વારા કવિતા-સાહિત્ય દૃશ્ય-શ્રાવ્ય પ્રકારે રજૂ થાય છે, પણ તે પ્રકારની રજૂઆત માટેની પટ્ટદર્શનવાળી ભારતીય પરંપરા શરૂઆતમાં જણાવ્યું છે તેમ, પચીસ-સો વરસ જેટલી જૂની છે.

ખોડીદાસ પરમાર