પટેલ, જસુ મોતીભાઈ (. 26 નવેમ્બર 1924, અમદાવાદ;. 12 ડિસેમ્બર 1992, અમદાવાદ) : ગુજરાતના રણજી ટ્રૉફી ખેલાડી અને ભારતીય ક્રિકેટના પ્રસિદ્ધ ઑફ-સ્પિનર. નાની વયથી ક્રિકેટનો શોખ ધરાવતા જસુ પટેલ નવ વર્ષની ઉંમરે વૃક્ષ પરથી પડી જતાં તેમના જમણા હાથે ફ્રૅક્ચર થયેલું. એ જમણા હાથનું  કાંડું બરાબર ન સંધાતાં, એમનો એ હાથ દોઢ ઇંચ ટૂંકો થઈ ગયો હતો. આવી સ્થિતિના કારણે ક્રિકેટમાં આગળ વધવાની શક્યતા ઓછી હતી; પરંતુ જસુ પટેલે પોતાના પ્રિય સ્થળ અમદાવાદ અને ગુજરાતમાં સતત ખેલવાનું ચાલુ રાખ્યું.

1959ની ઑસ્ટ્રેલિયા સામેની કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમ પરની ટેસ્ટમાં જસુ પટેલની પસંદગી થઈ તે સમાચાર તેમની પુત્રી દ્વારા ટેસ્ટ ખેલવાની આશા ગુમાવી ચૂકેલા જસુ પટેલને મળ્યા. તેમ છતાં કાનપુર જવા માટે આતુર નહોતા; પરંતુ મિત્રોના આગ્રહને કારણે જસુ પટેલ એક દિવસ અગાઉ કાનપુર પહોંચ્યા. આ સમયે ક્રિપાલસિંહની પસંદગી થવાની હતી, પરંતુ પસંદગી સમિતિના ચૅરમૅન લાલા અમરનાથે સવારે વિકેટ જોઈને જસુ પટેલની પસંદગી કરી અને જસુ પટેલે પહેલા દાવમાં 69 રનમાં 9 વિકેટ અને બીજા દાવમાં 55 રનમાં 5 વિકેટ ઝડપીને 124 રનમાં કુલ 14 વિકેટ ખેરવી ભારતને ઐતિહાસિક વિજય અપાવ્યો. એ સમયે એક મૅચમાં સૌથી વધારે વિકેટ ઝડપવાનો જસુ પટેલે સ્થાપેલો ભારતીય વિક્રમ, એ પછી 27 વર્ષ સુધી અતૂટ રહ્યો.

જસુ મોતીભાઈ પટેલ

બે દાયકાની પ્રથમ દરજ્જાના ક્રિકેટની કારકિર્દીમાં જસુ પટેલે 39 મૅચમાં કુલ 140 વિકેટ ઝડપી હતી. ઇન્દોરમાં ખેલાયેલી હોલકરની ટીમ સામેની રણજી ટ્રૉફીની સેમિ-ફાઇનલમાં દસમા ક્રમે ખેલવા આવીને જસુ પટેલે 151 રન કર્યા હતા. એ જ રીતે ન્યૂઝીલૅન્ડ સામે અણનમ 69 રન કર્યા હતા. 1954-55માં પાકિસ્તાન સામે ટેસ્ટપ્રવેશ મેળવનાર જસુ પટેલે એમની કારકિર્દી દરમિયાન 7 ટેસ્ટમાં 21 રનની સરેરાશથી 29 વિકેટ ઝડપી હતી. મૅટિંગ વિકેટ પર જસુ પટેલના કટર દડા ખેલવા મુશ્કેલ બનતા હતા. ભારત સરકારનો ‘પદ્મશ્રી’નો ખિતાબ મેળવનાર તેઓ સર્વપ્રથમ ક્રિકેટર હતા. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમના નિર્માણમાં અને યુવાન ક્રિકેટરોને તાલીમ આપવામાં જસુ પટેલે મહત્ત્વનું યોગદાન કર્યું હતું. ગુજરાતની પ્રજાએ જસુ પટેલની આવી કામગીરીને-સિદ્ધિઓને ઉમળકાથી બિરદાવી  છે.

કુમારપાળ દેસાઈ