પંડ્યા, જયપ્રકાશજ્યોતિપુંજ’ (. 28 સપ્ટેમ્બર 1952, તમતિયા, જિ. ગંગાનગર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ, વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કંકૂ કબંધ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે સંસ્કૃત અને રાજસ્થાનીમાં એમ.એ. અને ઇતિહાસમાં પીએચ.ડી.ની ડિગ્રી, શિક્ષણમાં સ્નાતકની ડિગ્રી ઉપરાંત પત્રકારત્વમાં ડિપ્લોમા અને સાહિત્યરત્નની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

જયપ્રકાશ પંડ્યા ‘જ્યોતિપુંજ’

તેમણે કવિતા, વાર્તા, નાટક અને અનુવાદ મળીને 19 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘બોલ ડૂંગરી ઢબ ઢબુક’, ‘નઈ ટાપરી કા નયા દુખ’, ‘કસક ભૂખે ભીલ કી’ મુખ્ય છે. તેમણે 4 પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે. તેમને ઘણા પુરસ્કાર પ્રાપ્ત થયા છે, તેમાં સૂર્યમલ મિશ્રણ શિખર પુરસ્કાર તથા નિરંજનનાથ આચાર્ય પુરસ્કાર મુખ્ય છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘કંકૂ કબંધ’ એક નાટક છે, તેમાં રાજસ્થાની જીવનના વૈવિધ્યપૂર્ણ અનુભવો અભિવ્યક્ત થાય છે. છતાં આ નાટકની કથાવસ્તુ મધ્યકાલીન ઇતિહાસ છે. તેની શૈલીમાં આધુનિક ભાવબોધની છાપ છે. તેમાંના આધુનિક નાટક અને લોકનાટકની શૈલીઓના અસરકારક મિશ્રણને કારણે આ કૃતિ રાજસ્થાનીમાં લખાયેલ ભારતીય નાટકનું એક મુખ્ય પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા