પંડિત કૃપાશંકર બહેચરદાસ

January, 1999

પંડિત, કૃપાશંકર બહેચરદાસ (. 1877, લાડોલ, તા. વિજાપુર; . 4 એપ્રિલ 1970, અમદાવાદ) : સ્વદેશીના પ્રચારક, ક્રાંતિકાર અને શિલ્પી. વિસનગરા નાગર જ્ઞાતિના બહેચરદાસ આજીવિકા મેળવવા સતારા જિલ્લાના તાસગાંવમાં રહેતા હોવાથી કૃપાશંકરનો બાળપણનો ઉછેર ત્યાં થયો. તેમના મોસાળ ભુજમાં રહી અંગ્રેજી ચાર ધોરણ સુધી ભણી, ત્યાંના રાજકુમારોના શિક્ષક કેશવ હર્ષદ ધ્રુવની પ્રેરણાથી અમદાવાદ આવ્યા. નાગર બોર્ડિંગમાં રહીને સંસ્કૃત તથા ધાર્મિક ક્રિયાકાંડોનો અભ્યાસ કર્યો. ‘વેદ સનાતન સભા’ના સ્થાપક મધુસૂદન સ્વામીના પ્રભાવ હેઠળ કૃપાશંકર, હરિપ્રસાદ દેસાઈ, પ્રીતમરાય, પ્રાણશંકર લલ્લુભાઈ વગેરે યુવકોએ ખાડિયામાં, તે સમયે શરૂ કરવામાં આવેલ ખ્રિસ્તી મિશનરીની કન્યાશાળામાં હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની નિંદા થતી સાંભળીને તેનો અહિંસક રીતે બહિષ્કાર કરી, કન્યાઓને દાખલ થતી અટકાવી.  બંગભંગની ચળવળ દરમિયાન ડૉ. હરિપ્રસાદ દેસાઈ, પ્રોફેસર સ્વામીનારાયણ, મગનલાલ બૅરિસ્ટર વગેરે સાથે સ્વદેશી મિત્રમંડળ, સ્વદેશી-સભા વગેરેની પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લીધો હતો. તે સમયે મિલઉદ્યોગની તાલીમ લેવા અમદાવાદ આવેલા બંગાળી યુવાનોના આગેવાન લલિતમોહન ઘોષે કૃપાશંકરને ‘મુક્તિ કોન પથેર’ નામે બંગાળી પુસ્તક આપ્યું. તેમાં બૉમ્બ બનાવવાની રીતો, ગેરીલા યુદ્ધપદ્ધતિ વગેરેની સમજ આપવામાં આવી હતી. કૃપાશંકરે તે પુસ્તકનો અનુવાદ કરવા નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલને આપ્યું. નરસિંહભાઈએ તેનો ગુજરાતીમાં અનુવાદ કરી તેને ‘યદુકુળનો ઇતિહાસ’, ‘વનસ્પતિની દવાઓ’, ‘નાહવાના સાબુ’ વગેરે નામથી છપાવ્યું. કૃપાશંકર અને સાથીઓ દ્વારા તેની નકલો ગુપ્ત રીતે, ગુજરાતમાં વિવિધ સ્થળે વહેંચવામાં આવી. ગુનાશોધક પોલીસે તેની સામટી નકલો પકડી નરસિંહભાઈ, મોહનલાલ કામેશ્વર પંડ્યા વગેરે સામે કેસ કર્યા ત્યારે કૃપાશંકર તેમાંથી બચવા કચ્છ જતા રહ્યા.

કૃપાશંકર બહેચરદાસ પંડિત

કૃપાશંકરની સૂચનાથી સ્વદેશી મિત્રમંડળના પ્રચારકો પૈસાફંડની પેટીઓ બજારો, ટ્રેનો, પોળોમાં અને મેળાઓમાં ફેરવતા. તેમાંથી રાત્રિશાળાઓ ચલાવવામાં આવતી. અમદાવાદમાં પાનકોરનાકે હંસરાજ પ્રાગજી હૉલમાં દાદાભાઈ નવરોજી પુસ્તકાલય શરૂ કરવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. કૉંગ્રેસની પુરોગામી સંસ્થા ગુજરાત સભાની પ્રવૃત્તિઓમાં તે સક્રિય ભાગ લેતા હતા.

સ્વદેશી મિત્રમંડળે તેમના સંપાદકપદે ‘ઉદબોધન’ માસિક શરૂ કર્યું. તેમાં દેશભક્તિનાં ગીતો તથા લેખો પ્રગટ થતાં હોવાથી સરકારના અખબારનિયંત્રણ ધારાનો તેમણે સામનો કરવો પડ્યો. ત્યારબાદ તેમણે સ્વદેશી-કીર્તન-સંગ્રહ પ્રગટ કર્યો. સ્વદેશી મિત્રમંડળે 1909માં સ્વદેશી-સ્ટોર શરૂ કર્યો. તેનું સંચાલન વર્ષો સુધી પંડિતજીએ ઉત્સાહપૂર્વક કર્યું હતું.

પંડિતજીએ પોતાની કલ્પનાથી, અમદાવાદના જાણીતા ચિત્રશિક્ષક મગનલાલ શર્મા પાસે ભારત માતાનું ચિત્ર દોરાવી, છપાવી સમગ્ર દેશમાં તેનો ફેલાવો કર્યો. આમ તેમણે, રાષ્ટ્રીય ચળવળમાં બલિદાનો આપવા ઉત્સુક યુવાનો સમક્ષ હિંદદેવીનું સ્વરૂપ ખડું કરી દીધું. પંડિતજી પોતાના જીવનનિર્વાહ માટે દવાની દુકાન ચલાવતા. તેમાં પણ સ્વદેશી દવાનો પ્રચાર કરતા. ત્યારબાદ વડોદરાના શિલ્પી કોલ્હાટકર પાસે શિલ્પવિદ્યા શીખીને તેમણે પ્રતિમાઓ બનાવવાનો વ્યવસાય કર્યો હતો. તેમણે બનાવેલી પ્રતિમાઓ(શિલ્પો)માં સમર્થેશ્વર મહારાજ, કવીશ્વર દલપતરામ, મહાત્મા ગાંધી અને લલ્લુભાઈ ગોરધનદાસ વગેરેની પ્રતિમાઓનો સમાવેશ થાય છે.

તેમને સાહિત્યમાં રસ હતો. તેથી સ્વામી રામદાસના ‘મનચા શ્લોક’નું તેમણે સમશ્લોકી ભાષાંતર કરી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય દ્વારા પ્રગટ કરાવ્યું. આ ઉપરાંત ‘મેઘદૂત’ તથા ‘ભગવદ્ગીતા’નાં પણ સમશ્લોકી ભાષાંતર કરી તેમણે પ્રગટ કર્યાં છે. તેમણે સ્વામી વિવેકાનંદનો ‘માય માસ્ટર’નો પણ અનુવાદ કર્યો છે. મહાગુજરાતના આંદોલન (1956) તથા પાકિસ્તાનના આક્રમણ (1965-66) વખતે ખાડિયાના યુવકોને તે યોગ્ય માર્ગદર્શન આપતા. તેમને ગાંધીજી સાથે પ્રામાણિક મતભેદો હોવાથી, ગાંધીયુગના ઉદય સાથે તે સક્રિય રાજકારણથી દૂર થતા ગયા. છતાં તેમનાં રાષ્ટ્રવાદી જુસ્સો અને દેશભક્તિ અણનમ રહ્યાં. જીવનની અંતિમ પળ સુધી તેમણે રાષ્ટ્ર, ધર્મ અને  સાહિત્યની સેવા અને ચિંતન કર્યાં. તેમણે અનેક પ્રવૃત્તિઓનાં બીજ રોપ્યાં, પણ તેનાં ફળ બીજાઓને મળવા દીધાં.

અશોક ચં. ઠાકોર