નેરુદા, પાબ્લો (જ. 12 જુલાઈ 1904, ચિલી; અ. 23 સપ્ટેમ્બર, 1973) : દક્ષિણ અમેરિકાના સ્પૅનિશ કવિ. 1971ના વર્ષના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક વિજેતા. મૂળ નામ રિકાર્દો એલિઝર નેફતાલિ રેયેસ ય બાસોઆલ્ટો. માતા રોઝા બાસોઆલ્ટો નેરુદાને ચારેક વર્ષના મૂકીને મૃત્યુ પામી. પિતા પુનર્લગ્ન કરી ચિલીની દક્ષિણે ટેમુકોમાં રહેવા ગયા. ત્યાંના ભેજવાળા વનપ્રદેશના પ્રાકૃતિક સૌન્દર્યે નેરુદાની કલ્પનાને ઉત્તેજિત કરી. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણની સાથે જ નેરુદાએ ખૂબ જ વાંચવાનું અને 8 વર્ષની વયે કવિતા લખવાનું શરૂ કર્યું.

ટેમુકાનાં અખબારોમાં નેરુદાનાં આરંભિક કાવ્યો પ્રગટ થવા લાગ્યાં. પરંતુ પોતાનો પુત્ર કવિ થાય તે પિતાને પસંદ ન હતું. તે પુત્રની કાવ્યપોથીઓ બાળી નાંખતા. પિતાના ગુસ્સાનો વિચાર કરીને જ કવિએ પોતાના પ્રિય ચેક સાહિત્યકાર યાન નેરુદાની અટક અપનાવી ‘પાબ્લો નેરુદા’ તખલ્લુસ પંદર વર્ષે ધારણ કર્યું.

સોળ વર્ષે કિશોર નેરુદા ચિલીની રાજધાની સાન્ટિયાગોમાં વધુ અભ્યાસ અર્થે ગયા ત્યારે ‘જ્યુગોસ ફ્લોરૅલ્સ’ નામનાં પ્રથમ કોટિનાં પ્રાદેશિક પારિતોષિકો તેમને કવિતા માટે મળી ચૂક્યાં હતાં. સાન્ટિયાગોમાં સંસ્થાના વિદ્યાર્થીમંડળના વસંતોત્સવ પ્રસંગે એમની કાવ્યકૃતિ ‘ફિએસ્ટા સાગ’ને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલું. 1923થી ’26 દરમિયાન તેમના 5 કાવ્યસંગ્રહો પ્રગટ થયેલા. 1923માં પ્રથમ કાવ્યસંગ્રહમાં રંગદર્શી શૈલીમાં પારદર્શક ઉદાસી પ્રગટ થાય છે. 1924માં તેમનો બીજો કાવ્યસંગ્રહ પ્રગટ થતાં તેમની કવિકીર્તિ ચિલીમાં ચારેકોર પ્રસરે છે. આ સંગ્રહમાં સર્વત્ર પ્રણયયાતના વ્યાપ્ત છે. પ્રિયતમાના વિછોહથી વ્યાપેલા વિષાદ અને પ્રકોપ કવિને ભાગેડુ બનાવે છે. નેરુદાની આ ખૂબ લોકપ્રિય નીવડેલી કાવ્યપુસ્તિકાની લાખો પ્રતો વેચાઈ ગઈ. અનેક ભાષામાં એના અનુવાદો પણ થયા છે. એમની પ્રેમકવિતામાં અશરીરી આદર્શ પ્રેમની વાત નથી, પણ પાર્થિવ માંસલ પ્રેમની પ્રતીકાત્મક આહલાદક અભિવ્યક્તિ છે. યુવાન આશાસ્પદ કવિઓને પ્રોત્સાહિત કરવાની લૅટિન અમેરિકાની પ્રણાલી પ્રમાણે નેરુદાને ચિલીની સરકારે પ્રથમ યુરોપમાં અને પછી પૂર્વના દેશોમાં એલચીખાતામાં મોકલ્યા. નેરુદા 1932 સુધી મ્યાનમાર (બ્રહ્મદેશ), થાઈલૅન્ડ ચીન, જાપાન અને ભારતમાં રહી દક્ષિણ અમેરિકા પાછા ફર્યા.

1934માં નેરુદાને સ્પેનમાં માડ્રિડ ખાતે એલચી તરીકે મોકલવામાં આવ્યા. એમની કવિતા તો એમના પહેલાં ત્યાં પહોંચી ગઈ હતી. વિખ્યાત સ્પૅનિશ કવિઓ લૉર્કા, લુઈ ચેરનુડા વગેરેએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું. આ કવિઓના સહકારથી તેમણે કાવ્યસામયિકનું સંપાદન પણ કર્યું. આ સામયિકમાં લૉર્કા, હર્નાન્ડેઝ વગેરે કવિઓની અતિવાસ્તવવાદી (surrealistic) કાવ્યરચનાઓ પ્રગટ થવા લાગી. અહીં જ નેરુદાએ તેમનો નવો કાવ્યસંગ્રહ 1935માં પ્રસિદ્ધ કર્યો.

બે ખંડમાં પ્રગટ થયેલા આ સંગ્રહમાં નેરુદાની કવિતા કરવટ બદલે છે. તે રુબેન દારિયોની અસરમાંથી મુક્ત થઈ યથાર્થવાદી બને છે. ધીમે ધીમે અતિયથાર્થવાદની પકડ તેમના પર જામે છે. સંગ્રહના દ્વિતીય ખંડમાં સ્પૅનિશ કવિઓના સંસર્ગથી પ્રગટેલો દાર્શનિક અભિગમ અતિયથાર્થવાદના પ્રવાહમાં અભિવ્યક્ત થાય છે. હવે એમની કવિતામાં સામ્યવાદરંગી વિચારસરણી ભળે છે અને તે તીવ્ર આક્રોશ અને જુસ્સાસભર રાજદ્વારી રચનાઓ કરે છે.

1936માં સ્પેનમાં ફાટી નીકળેલો આંતરવિગ્રહ કવિના આમૂલ પરિવર્તનના મૂળમાં છે. નેરુદા પ્રગતિવાદી દૃષ્ટિકોણ અપનાવી સામાજિક રીતે પ્રતિબદ્ધ થઈને કાવ્યો લખે છે અને ફાસીવાદનો વિરોધ કરે છે. તેના કારણે ચિલીની સરકાર 1937માં તેમને પાછા બોલાવી લે છે.

1943માં નેરુદા સાન્ટિયાગો પાછા ફરી સક્રિય રાજકારણમાં ઝંપલાવે છે. તે 1945માં સામ્યવાદી પક્ષમાં જોડાયા અને ધારાસભામાં સેનેટર તરીકે ચૂંટાયા. 1948માં તે ચિલીના રાજ્યબંધારણનો ભંગ કરવા માટે સરમુખત્યાર ગાઝાલેઝ વિડેલા સામે સેનેટર તરીકે વિરોધ કર્યો. નેરુદા પર દેશદ્રોહનું તહોમત  મુકાયું અને સામ્યવાદી પક્ષને ગેરકાયદે જાહેર કર્યો. નેરુદા ચિલી છોડી મેક્સિકો ગયા અને 1948થી ’53 સુધીનાં વર્ષો નિર્વાસનમાં ગાળ્યાં. આ નાસભાગના સમયમાં પણ કવિએ ‘કૅન્ટો જનરલ’ નામે દીર્ઘકાવ્ય 1950માં પ્રગટ કર્યું. આ તેમનું યશસ્વી મહત્વાકાંક્ષી સર્જન છે.

પાબ્લો નેરુદા

1953માં કવિ ચિલી પાછા ફર્યા. એ વર્ષે તેમને ‘સ્તાલિન પીસ પારિતોષિક’ એનાયત થયું. તેમણે લખેલાં ‘એલિમેન્ટલ ઓડ્ઝ’ 1954થી ’57 દરમિયાન ત્રણ ખંડમાં પ્રગટ થયાં છે. કેટલાંક ગીતોમાં કવિનો પ્રગાઢ પ્રકૃતિપ્રેમ પ્રગટ થયો છે. અગાઉની કવિતામાં દૃષ્ટિગોચર થતો ઉદ્રેકપૂર્ણ ઊહાપોહ અહીં ઉપશમે છે. 1971માં નોબેલ પારિતોષિક એનાયત થયું ત્યારે નેરુદા પૅરિસમાં ચિલીના એલચી હતા. 1973માં શકમંદ સંજોગોમાં તેમનું અવસાન થયું હતું.

લગભગ ડઝનથી વધુ કાવ્યસંગ્રહો અને અંદાજે 7,000 પૃષ્ઠમાં નેરુદાની કાવ્યસૃષ્ટિ પ્રસરેલી છે. ‘કૅન્ટો જનરલ’ તેમની સૌથી ઉત્તમ અને મહાન રચના ગણાઈ છે. તેમાં વિશ્વ અને અમેરિકન માનવ વિશેનું કવિ નેરુદાનું દર્શન છે. નેરુદામાં શૈશવથી વાર્ધક્ય સુધી કોઈ ધ્રુવબિન્દુ હોય તો તે છે તેમની ભૂમિ સાથે તેમણે સાધેલી તદ્રૂપતા.

સ્પૅનિશ આંતરવિગ્રહ અને પ્રથમ વિશ્વયુદ્ધથી કવિની કાવ્યયાત્રામાં મોટો વળાંક આવે છે. કવિની જીવનદૃષ્ટિ અને અભિવ્યક્તિ પણ બદલાય છે. પહેલાં તેઓ પોતાની તીવ્ર સંવેદનાને ભાવકથી નિરપેક્ષ રીતે વ્યક્ત કરતા, તર્કસંગતિની પણ અવગણના કરતા; પણ પછી તે અવગમનને – સંપ્રેષણીયતાને પ્રાધાન્ય આપવા લાગ્યા. પોતાનાં કાવ્યો ‘ધાતુ કે ધાન્યની જેમ ઉપયોગી અને વપરાશી’ માલ બની રહેવાં જોઈએ એમ તેઓ માનવા લાગ્યા. તેઓ અશુદ્ધ કવિતાના પુરસ્કર્તા બને છે. તેમને લાગે છે કે કવિતા માટે કશું વર્જ્ય નથી. સુરુચિ-અપરુચિ જેવું કશું નથી. કવિ સાદગીના  સામાન્યતાના ઉપાસક બની લોકોમાં ભળી લોક બની રહેવા ઝંખે છે : ‘હું તમારા અને મારા પોતાના જીવન વડે લખું છું.’

પ્રગતિશીલ વિચારોને લીધે નેરુદા સપાટ ભાષા અને સીધી અભિવ્યક્તિ સાધે છે. પ્રગતિશીલ બનવા છતાં નેરુદા ગીતિતત્વને ખાસ અળપાવા દેતા નથી. શુદ્ધ રાજકીય રંગોવાળી રચનાઓની સંખ્યા પણ પાબ્લોની કાવ્યસૃષ્ટિમાં પ્રમાણમાં ઘણી ઓછી જ છે. ખૂબ જ લોકપ્રિય હોવા છતાં નેરુદાની કવિતા વિવાદનો વિષય બની રહી છે.

પ્રસાદ બહ્મભટ્ટ