નૅશ, જૉન ફૉર્બસ (જુનિયર)

January, 1998

નૅશ, જૉન ફૉર્બસ (જુનિયર) (જ. 13 જૂન 1928, વૅસ્ટ વર્જિનિયા, યુ.એસ.; અ. 23 મે 2015, ન્યૂજર્સી, યુ.એસ.) : વિખ્યાત ગણિતજ્ઞ તથા 1994ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના ત્રણ વિજેતાઓમાંના એક. અમેરિકામાં જન્મસ્થાન બ્લૂફીલ્ડમાં ઉછેર. પિતા ઇલેક્ટ્રિક્લ એન્જિનિયર, માતા લૅટિનની શિક્ષિકા. શાળાના નિયત અભ્યાસક્રમમાં ઓછી રુચિને લીધે શિક્ષણમાં ધીમી પ્રગતિ. વાચન, ચેસ તથા બાખના સંગીતનો ખાસ શોખ. 1945માં કૉર્નેજી મેલૉન અને ત્યારપછી કૉર્નેજી ટૅકનિકલ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. ગણિત વિષયમાં અસાધારણ પ્રતિભા છતી થતાં શિક્ષકોએ ‘પ્રજ્ઞાવંત’નું બિરુદ આપ્યું. કમ્પ્યૂટરક્ષેત્રના જાણીતા સંશોધક જૉન ન્યૂમૅનની સંસ્થામાં 1948માં શિષ્યવૃત્તિ સાથે દાખલ થયા. પ્રિન્સ્ટન યુનિવર્સિટીના પ્રૉફેસર ટકરના માર્ગદર્શન હેઠળ 1950માં લખેલા પ્રબંધ માટે ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. ગણિતશાસ્ત્રમાં શુદ્ધ સિદ્ધાંત (pure theory) તરીકે અગાઉથી સ્વીકૃતિ પ્રાપ્ત કરી ચૂકેલા ‘રમતના સિદ્ધાંત’ (game theory) પર પ્રયુક્ત ક્ષેત્રે વિસ્તારથી સંશોધન શરૂ કર્યું અને તેમાં ભારે સફળતા મેળવી. જૉન ન્યૂમૅને રમતના શુદ્ધ સિદ્ધાંતમાં અગાઉ એવું પ્રતિપાદિત કર્યું હતું કે સામસામી કોઈ પણ સ્પર્ધામાં એક પક્ષનો વિજય અને બીજા પક્ષનો પરાજય અનિવાર્ય છે. નૅશે તેમના સંશોધન દ્વારા એવું સાબિત કર્યું કે ભિન્ન પરિસ્થિતિમાં પણ પરસ્પર સમજૂતી દ્વારા સ્પર્ધાનું સુમેળભર્યું પરિણામ લાવી શકાય તેમ છે. તેમના સંશોધનને લીધે ઉત્પાદકો વચ્ચેની સ્પર્ધામાંથી ઉદભવતી સમસ્યાઓના ઉકેલ શોધવામાં અર્થશાસ્ત્રીઓને સહાય મળી છે; એટલું જ નહિ, પરંતુ પરસ્પર વ્યાપારના  કરાર કરવાની પ્રક્રિયામાં નૅશના સંશોધનમાંથી પ્રતિપાદિત થયેલો સિદ્ધાંત માર્ગદર્શક સાબિત થયો છે. ત્યારપછી નૅશે ગણિતશાસ્ત્રના કેટલાક પ્રશ્નોના ઉકેલ શોધી કાઢવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તેમાં સફળતા પ્રાપ્ત કરી હતી.

જૉન ફૉર્બસ નૅશ

પ્રિન્સ્ટન યુનિવિર્સિટીએ નૅશ માટે ‘મુલાકાતી સંશોધક’(visiting researcher)ની ખાસ જગા ઊભી કરી હતી.

1950માં આ ગણિતજ્ઞ પર પૅરેનૉઇડ સ્કિત્સોફ્રેનિયાનો હુમલો થયો હતો જેને લીધે તે પછીનાં પાંત્રીસ વર્ષ (1950 –85) દરમિયાન તેઓ સંશોધનક્ષેત્રે નિષ્ક્રિય રહ્યા હતા એટલું જ નહિ, પરંતુ તે અન્ય કોઈ ઉપયોગી કાર્ય કરવા પણ અશક્ત થઈ ગયા હતા. 1985માં તે તેમની કર્મભૂમિ પ્રિન્સ્ટન પાછા ફર્યા અને ત્યારબાદ ધીમે ધીમે તેમણે સ્વાસ્થ્ય-લાભ પ્રાપ્ત કર્યો હતો. તે પછી સંશોધનક્ષેત્રે કાર્યરત બન્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે