નિકાસ : દેશમાં પેદા કરવામાં આવેલી વસ્તુ કે સેવા અન્ય દેશના નાગરિકોને વેચવામાં આવે છે. આવું વેચાણ બે રીતે થઈ શકે : એક, દેશની વસ્તુઓને પરિવહન દ્વારા વિદેશોમાં મોકલવામાં આવે, એટલે કે વસ્તુઓનું દેશાન્તર થાય. બીજું, વિદેશના નાગરિકો આપણા દેશમાં આવીને આપણા દેશની ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદે તે પણ આપણી નિકાસ ગણાય. વિદેશી પ્રવાસીઓ આપણા દેશમાં આવીને જે ખર્ચ કરે તે આપણી નિકાસ ગણાય. આ દાખલામાં ચીજવસ્તુઓનું દેશાન્તર થયા વિના વસ્તુઓ અને સેવાઓની નિકાસ થાય છે.

વિશ્વનો કોઈ પણ દેશ બધી જ વસ્તુઓનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતો હોતો નથી; કારણ કે બધી જ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જે સાધનો અને નિક્ષેપો(inputs)ની આવશ્યકતા હોય છે તે તેની પાસે હોતાં નથી. તેથી દરેક દેશ સાધન-ઉપલબ્ધિ(factor endowments)ને ધ્યાનમાં લઈને માત્ર એવી જ વસ્તુઓ(અને સેવાઓ)નું ઉત્પાદન કરશે જે માટે તે અન્ય દેશોની સરખામણીમાં ખર્ચલાભ ધરાવતો હોય. આના બે ફલિતાર્થો છે : (1) તુલનાત્મક ખર્ચ-લાભને આધારે કોઈ દેશ જે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે તે દેશમાં તે વસ્તુઓ અને સંસ્થાઓનું ઓછા ખર્ચે ઉત્પાદન થાય. તેમાંથી આંતરિક જરૂરિયાત ઉપરાંતનું જે ઉત્પાદન થાય તે જથ્થો તે દેશનો નિકાસ-અધિશેષ ગણાય. આ જથ્થાનું નિકાસ દ્વારા વિદેશોમાં વેચાણ કરી તે હૂંડિયામણની કમાણી કરી શકે છે, પોતાના દેશનાં સાધનોનો મહત્તમ ઉપયોગ કરે છે અને રોજગારીનું વિસ્તરણ કરી શકે. (2) તુલનાત્મક ખર્ચ લાભની દૃષ્ટિએ જે વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન મોંઘું પડતું હોય તેમની દેશમાં આયાત કરવામાં આવે છે. કેટલીક ચીજોનું ઉત્પાદન વેપારીધોરણે દેશમાં થઈ શકે તેમ નથી હોતું. દા.ત., ચા અને કૉફી જેવી ચીજોનું ઉત્પાદન યુરોપના ઠંડા પ્રદેશોમાં ન થાય. આવી ચીજોની દેશમાં આયાત કરવી પડે. આવી આયાતો નિકાસ વિના શક્ય બને નહિ, કારણ કે આયાતોની ચુકવણી સોના દ્વારા અથવા વિદેશી હૂંડિયામણ દ્વારા કરવાની હોય છે. સોનું કે વિદેશી હૂંડિયામણની કમાણી નિકાસ વિના શક્ય બને નહિ. આમ આયાત અને નિકાસ પરસ્પર સંકળાયેલાં છે.

કોઈ પણ દેશનું આયાત-નિકાસ સરવૈયું તેની વ્યાપારતુલા તથા લેણદેણની તુલાનું સ્વરૂપ નક્કી કરે છે. જે દેશની નિકાસોનું મૂલ્ય તેની આયાતોના મૂલ્ય કરતાં વધારે હોય છે તે દેશની વેપારતુલા અનુકૂળ (surplus) ગણાય છે. તેનાથી ઊલટું હોય તો વેપારતુલા પ્રતિકૂળ (deficit) બને.

નિકાસોનું બે રીતે વર્ગીકરણ કરવામાં આવે છે : (1) વસ્તુના રૂપમાં થતી નિકાસો દૃશ્ય સ્વરૂપની નિકાસો (visible exports) ગણાય છે. (2) બૅંકિંગ, વીમો, વહાણવટું, વ્યવસ્થાપન વગેરે સેવાઓની નિકાસો અદૃશ્ય સ્વરૂપની નિકાસો (invisible exports) ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે