નિકાસ-આયાત બૅંક (Exim Bank; Export-Import Bank of India)

January, 1998

નિકાસ-આયાત બૅંક (Exim Bank; Export-Import Bank of India) : વિદેશ-વેપારને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી બૅંક. 1લી જાન્યુઆરી, 1982ના રોજ પાર્લમેન્ટના ખાસ કાયદા હેઠળ બૅંકની સ્થાપના કરવામાં આવી હતી. 31 માર્ચ, 2015ના રોજ એની ભરપાઈ થયેલી મૂડી રૂ. 5,059 કરોડ હતી. આ ઉપરાંત વિદેશી નાણાકીય સંસ્થાઓ, રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા અને ભારતની જાહેર પ્રજા પાસેથી નાણાં ઊભાં કરી નિકાસ-આયાત વેપારને ધિરાણ પૂરું પાડે છે. તેનું મહત્વ તેનાં નીચે પ્રમાણેનાં કાર્યો પરથી જાણી શકાય છે :

(1) દેશના નિકાસલક્ષી ઉદ્યોગોને નવા એકમો સ્થાપવા અથવા તેમની ઉત્પાદનક્ષમતામાં વધારો કરવા નાણાકીય સહાય પૂરી પાડવી.

(2) દેશના નિકાસ-વેપારને ધિરાણ આપતી સંસ્થાઓ(બૅંકો)ને પુન: ધિરાણની સગવડ પૂરી પાડવી.

(3) વિદેશોમાં ભારતના સહયોગથી સંયુક્ત સાહસોની સ્થાપના માટે નાણાં પૂરાં પાડવાં.

(4) યંત્રસામગ્રી અને અન્ય સાધનો ભાડાપટે(lease)થી આયાત કરવા માટે નાણાં ધીરવાં.

(5) નિકાસના ક્ષેત્રમાં તાલીમ, સંશોધન, સર્વેક્ષણ અને બજાર-સંશોધન માટે નાણાં પૂરાં પાડીને નિકાસને ઉત્તેજન આપવું.

(6) આયાત-નિકાસનું કામ કરતી કંપનીઓની તથા તેમને નાણાકીય, ટૅકનિકલ કે વહીવટી સહાય પૂરી પાડતી કંપનીઓની જામીનગીરીઓ(શૅર-ડિબેન્ચર વગેરે)ને બાંયધરી પૂરી પાડવી.

(7) ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર દ્વારા જે ભારતમાં રોકાણ કરવા માંગતા હોય તેવા વિદેશી રોકાણકારોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું.

(8) નિકાસકારોને માલની નિકાસ પહેલાં કે નિકાસ કર્યા પછીનું ધિરાણ પૂરું પાડવું.

નિકાસ-આયાત બૅંકનું કાર્ય 16 સભ્યોની બનેલી વ્યવસ્થાપક સમિતિ (બોર્ડ ઑવ્ ડિરેક્ટર્સ) દ્વારા કરવામાં આવે છે. આ સભ્યો નાણામંત્રાલય, વિદેશમંત્રાલય, એક્સટર્નલ ઉદ્યોગ મંત્રાલય, રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા, રાષ્ટ્રીયકૃત બૅંકો વગેરેમાંથી લેવામાં આવે છે.

2014–’15ના નાણાકીય વર્ષમાં બૅંકે રૂ. 57,684 કરોડની લોનો મંજૂર કરી હતી.

જશવંત મથુરદાસ શાહ