નાયક, પન્ના ધીરજલાલ

January, 1998

નાયક, પન્ના ધીરજલાલ (. 28 ડિસેમ્બર 1933, મુંબઈ, મહારાષ્ટ્ર રાજ્ય) : અમેરિકામાં વસતાં ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવયિત્રી. જ્ઞાતિએ દશાદિશાવળ વાણિયા. વતન સૂરત. પિતા ધીરજલાલ અને માતા રતનબહેન. માતાએ ગુજરાતી, સંસ્કૃત અને અન્ય કવિતાઓમાં રસ લેતાં કર્યાં હતાં. પતિનું નામ નિકુલભાઈ. તેમણે 1954માં મુખ્ય વિષય ગુજરાતી સાથે સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.ની, 1956માં એમ.એ.ની, 1962માં અમેરિકાના ફિલાડેલ્ફિયાની ડ્રેક્ષલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.એલ.એસ.ની લાઇબ્રેરી સાયન્સની ડિગ્રી તથા 1972માં ફિલાડેલ્ફિયાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી એમ.એસ.ની ડિગ્રી મેળવી. પેન્સિલવેનિયા યુનિવર્સિટીની વેન પેલ્ટ લાઇબ્રેરીમાં 1975થી લાઇબ્રેરિયન તરીકે કાર્યરત છે. આ ઉપરાંત પોતાનાં મૂળિયાં શોધતા અમેરિકન ભારતીય વિદ્યાર્થીઓને માટે છેલ્લાં અઢાર વર્ષથી યુનિવર્સિટી ઑવ્ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા.

‘પ્રવેશ’ (1975), ‘ફિલાડેલ્ફિયા’ (1980), ‘નિસ્બત’ (1984), ‘અરસપરસ’ (1989) અને ‘આવનજાવન’ (1991), ‘ચૅરી બ્લોસમ’ (2004), ‘રંગ ઝરૂખે’ (2005), ‘અત્તર અક્ષર’ (હાઈકુ સંગ્રહ)  એમના કાવ્યસંગ્રહો છે. ‘વિદેશિની’ (2000) નામના કાવ્યગ્રંથમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. વિદેશમાં આધુનિક નગરસંસ્કૃતિની ભૌતિક સમૃદ્ધિસગવડો વચ્ચે જીવતી એક ગુજરાતી–ભારતીય સ્ત્રીની સંવેદનાને અભિવ્યક્ત કરતી તેમની કવિતા છે. છાંદસ-અછાંદસ, ગીત, સૉનેટ, મુક્તક, દીર્ઘ કાવ્યો અને લઘુ શબ્દચિત્રો વગેરે કાવ્યરૂપોમાં તેમની વતન-વિચ્છેદ અને વિદેશ-વસવાટની સંવેદના સરળ અને ભાવપોષક ભાષા દ્વારા પ્રગટ થઈ છે.

‘ફ્લેમિન્ગો’ (2003) તેમનો વાર્તાસંગ્રહ છે; જેમાં અમેરિકન અને ભારતીય સંસ્કૃતિઓમાં વહેંચાયેલા આધુનિક માનવીના ભાવવિશ્વને તેમણે વાર્તાઓમાં આલેખ્યું છે.

‘પ્રવેશ’ કાવ્યસંગ્રહને 1976માં ગુજરાત રાજ્ય-સરકાર દ્વારા પ્રથમ પારિતોષિક એનાયત થયેલું. અમેરિકાની ગુજરાતી સાહિત્ય માટેની અકાદમીએ પણ તેમનું ગૌરવ-સન્માન કરેલું. 2002માં ચુનિલાલ વેલજી મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

અમૃત ચૌધરી