નાટો (North Atlantic Treaty Organization NATO) : સોવિયેત સંઘના સંભાવ્ય આક્રમણને ખાળવાના હેતુથી યુરોપના સામૂહિક સંરક્ષણ માટે બીજા વિશ્વયુદ્ધ પછી મિત્ર રાષ્ટ્રોએ રચેલું લશ્કરી સંગઠન. પશ્ચિમી રાષ્ટ્રો અને સામ્યવાદીઓ વચ્ચે વર્ષો સુધી ચાલેલા શીત યુદ્ધમાંથી તેનો ઉદભવ થયો છે. તેની સ્થાપના થઈ ત્યારે આ સંગઠનમાં કોઈ લશ્કરી માળખું ન હતું. પરંતુ જૂન, 1950માં શરૂ થયેલ કોરિયન યુદ્ધને કારણે સામ્યવાદી આક્રમણનો ભય વધુ ગંભીર બન્યો અને ત્યારથી આ સંગઠનમાં લશ્કરી પાંખ જોડવામાં આવી. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપના દેશોનું પ્રાદેશિક મંડળ રચવાના એમ. બ્રિયાન્ડના વિચારમાં મૂળભૂત પરિવર્તન આવ્યું. સોવિયેત સંઘની આક્રમક રાજનીતિએ સ્પષ્ટ કર્યું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામૂહિક સલામતીની યોજના ઉપર આધાર રાખી શકાય નહિ.

ઍંગ્લો-ફ્રેન્ચ જોડાણ દ્વારા, 1947માં ડંકર્ક સંધિ થઈ. તેના પછી 1948ના માર્ચની 17મી તારીખે યુ. કે., ફ્રાન્સ, બેલ્જિયમ, નેધરલૅન્ડ અને લક્ઝમબર્ગ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઘોષણાપત્રના અનુચ્છેદ 51–52 આધારિત સામૂહિક સ્વરક્ષણ માટે બ્રસેલ્સ ટ્રીટી ઑર્ગેનિઝેશનની રચના થઈ. આની રચના પછી તરત જ સમજાઈ ગયું કે યુરોપના દેશોનું રક્ષણ કરવા આ સક્ષમ નથી, અને તેથી પશ્ચિમની સત્તાઓએ 1949ના એપ્રિલની 4થી તારીખે નૉર્થ આટલાંટિક ટ્રીટી ઉપર સહી કરતાં નક્કી કર્યું કે પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાનું રક્ષણ કરવા માટે શક્તિશાળી તંત્રની રચના કરવી. આ સંગઠન નાટો એવા સંક્ષિપ્ત નામથી જાણીતું થયું છે.

આ સંધિ ઉપર શરૂઆતમાં બાર રાજ્યોએ સહી કરી હતી, જેમાં યુ.એસ., કૅનેડા અને આઇસલૅન્ડનો સમાવેશ થયો હતો. 1952માં ગ્રીસ અને તુર્કસ્તાન તથા 1955માં પશ્ચિમ જર્મનીના જોડાણ સાથે તેની સભ્ય-સંખ્યા 15ની થઈ. આમ આને ચુસ્ત રીતે યુરોપીય સંગઠન કહી શકાય નહિ. વળી સ્વિટ્ઝર્લૅન્ડ અને ઑસ્ટ્રિયા જેવા કેટલાક યુરોપના દેશો તટસ્થ નીતિને વરેલા હોવાથી સભ્ય બની શક્યા નહિ.

આ સંધિના અનુચ્છેદ 4 હેઠળ તેના પક્ષકારો આ પ્રમાણેની સમજૂતી અંગે સહમત થયા : જ્યારે તેમનામાંના કોઈ પણ દેશના અભિપ્રાય પ્રમાણે કોઈ પણ પક્ષકારની પ્રાદેશિક અખંડિતતા જોખમાય તેવા સંજોગો ઊભા થાય ત્યારે બધાએ સાથે મળી મસલત કરવી. સંધિનું હાર્દ અનુચ્છેદ 5માં રહેલું છે, જેની હેઠળ તેમનામાંના કોઈ પણ એક સભ્ય ઉપર કે વધુ સભ્યો ઉપર યુરોપ અથવા ઉત્તર અમેરિકામાં હુમલો થાય ત્યારે તે હુમલો બધા ઉપર થયો છે તેમ ગણવું. ભૌગોલિક વિસ્તારને અનુચ્છેદ 6 હેઠળ વધુ સ્પષ્ટ કર્યો છે અને 1951ના ઑક્ટોબર 17ની સંધિ દ્વારા ગ્રીસ અને તુર્કસ્તાનની સરહદોને તેમાં આવરી લેવામાં આવી છે. જ્યારે આ વિસ્તારમાં કોઈ પણ સભ્ય રાજ્ય ઉપર સશસ્ત્ર હુમલાનો પ્રસંગ બને ત્યારે તરત જ વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે તેનું પગલું જરૂરી લાગે તે લેવું. આ એક નબળી બાંયધરી ગણાય, કારણ કે દરેક સભ્યે જાતે નક્કી કરવાનું છે કે તે કેવી મદદ કરશે.

સંધિનું સંસ્થાકીય સ્વરૂપ અસાધારણ સંક્ષિપ્ત છે. તેમાં માત્ર સભા (council) અને સંરક્ષણ સમિતિ(defence committee)નો જ ઉલ્લેખ છે.

(અ) સભા : આ એક તેનું મહત્વનું ટોચનું અંગ છે, જેમાં દરેક સભ્ય-દેશનું પ્રતિનિધિત્વ હોય છે. શરૂઆતમાં તેમાં જે તે વિદેશપ્રધાનો તેમના દેશોનું પ્રતિનિધિત્વ કરતા હતા, પરંતુ 1950માં તેમની જગ્યાએ મદદનીશો(deputies)ની નિમણૂક કરવામાં આવી. આ પ્રથા 1952માં રદ કરવામાં આવી અને તેના સ્થાને કાયમી સભ્યોની નિમણૂક કરવામાં આવી. આ સભ્યોને વિદેશપ્રધાન જેવી જ સત્તા હોય છે.

સભાની કાર્યવાહી વિશિષ્ટ પ્રકારની હોય છે. તેમાં મતદાનની કોઈ વ્યવસ્થા નથી અને નિર્ણયો મતદાનથી લેવાતા નથી. તેનું ધ્યેય સર્વાનુમતે સમજૂતી હાંસલ કરવાનું છે. તેની સભાઓ અનૌપચારિક પણ હોઈ શકે છે. સંસ્થાના મહામંત્રી સભાના કાયમી અધ્યક્ષ હોય છે. બીજાં અંગો આ સભાને સંપૂર્ણ રીતે જવાબદાર હોય છે.

(આ) નાગરિક વ્યવસ્થાતંત્ર : અનુચ્છેદ 3 અને 5ના અમલ માટે સભાને સલાહ આપવા માટે સંરક્ષણ સમિતિ હતી જે સંરક્ષણ પ્રધાનોની બનેલી હતી; પરંતુ 1951માં તેનો સભામાં સમાવેશ કરી દેવામાં આવ્યો. સંધિમાં અનુચ્છેદ 9 હેઠળ સમિતિ રચવાની સામાન્ય સત્તા સભાને આપવામાં આવી છે.

(ઇ) લશ્કરી વ્યવસ્થાતંત્ર : આ વ્યવસ્થાતંત્ર સભાની હકૂમત નીચે કાર્ય કરે છે. તેના ઉપરી સ્થાને આ સંગઠનની ઉચ્ચતમ લશ્કરી સત્તા તરીકે લશ્કરી સમિતિ આવેલી છે અને તેમાં બધાં સભ્ય-રાજ્યોના લશ્કરી વડાઓનો સમાવેશ થયો હોય છે. તે પૅરિસમાં મળે છે અને તેથી તે ‘નાગરિક’ અને ‘લશ્કરી’ પાંખો વચ્ચે સંકલન કરી શકે છે. તેનું પ્રથમ કાર્ય નાટોને વ્યૂહાત્મક સલાહ આપવાનું છે.

તેના પ્રથમ સર્વોચ્ચ સેનાપતિ તરીકે જનરલ ડ્વાઇટ ડી. આઇઝન-હોવર(1890–1969)ની નિમણૂક કરવામાં આવી હતી (1950–53). આ સંગઠનનું કેન્દ્રીય કાર્યાલય બેલ્જિયમના બ્રસેલ્સ ખાતે છે, જે ‘શેપ’(Supreme Headquarters of Allied Powers in Europe – SHAPE)ના ટૂંકા નામથી ઓળખાય છે.

1997ના મધ્યમાં રશિયા અને પૂર્વ યુરોપના એક વખતના કેટલાક સામ્યવાદી દેશો આ સંગઠનમાં જોડાયા છે. તે પૂર્વે જર્મનીનું જોડાણ થતાં સંયુક્ત જર્મનીએ આ સંગઠનમાં પશ્ચિમ જર્મનીનું સ્થાન લીધું હતું.

1990માં ‘નાટો’ના સભ્ય દેશો તથા સોવિયેત સંઘ અને અન્ય સામ્યવાદી દેશો વચ્ચે એકબીજાની સામે લશ્કરી તાકાતનો ઉપયોગ ન કરવા અંગે એક ઐતિહાસિક સમજૂતી થઈ. ઉપરાંત, યુરોપમાંના બંને પક્ષોના પરંપરાગત (બિનન્યૂક્લિયર) શસ્ત્રભંડારો નષ્ટ કરવાનો કરાર પણ તેમની વચ્ચે કરવામાં આવ્યો હતો. શીતયુદ્ધનો અંત તથા સોવિયેત સંઘના વિઘટનને લીધે હવે ‘નાટો’નું લશ્કરી મહત્વ પ્રમાણમાં ઘટ્યું છે એમ કહી શકાય. 1997માં રશિયન પ્રજાસત્તાક પણ આ સંસ્થાના સભ્ય તરીકે જોડાઈ ગયું છે.

ધીરજલાલ છ. ચૌહાણ