નાઇટ્રોજનસ્થાપન (nitrogen fixation) : હવામાંના નાઇટ્રોજન(N2)નું વનસ્પતિને અને એ રીતે પ્રાણીઓ તેમજ માનવીને પ્રાપ્ય એવા સ્વરૂપમાં રૂપાંતરણ (conversion). ભૌમિક (terrestrial) નાઇટ્રોજન-ચક્રનો તે એક અગત્યનો તબક્કો છે. વ્યાપક અર્થમાં તેને રાસાયણિક સંયોજનો બનાવવા દ્વારા વાતાવરણમાંના નાઇટ્રોજનનો ઉપયોગ કરીને નાઇટ્રોજનસ્થાપન દ્વારા રાસાયણિક સંયોજનો બને છે. વાતાવરણમાં નાઇટ્રોજનનું કદથી પ્રમાણ 78 % (વજનથી 75 %) જેટલું છે. તે રાસાયણિક રીતે પ્રમાણમાં નિષ્ક્રિય છે પણ કેટલીક કુદરતી, ઔદ્યોગિક તેમજ જૈવિક પ્રક્રિયાઓ દ્વારા સંયોજનોમાં ફેરવાય છે. રાસાયણિક અને જૈવિક વિધિઓ દ્વારા પૃથ્વી ઉપરના લગભગ 2 × 108 મે. ટન જેટલા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. આકાશમાં થતી વીજળી, પારજાંબલી કિરણો, કૉસ્મિક કિરણો તથા દહન દ્વારા લગભગ 4 × 107 મે. ટન નાઇટ્રોજનનું, જ્યારે ઔદ્યોગિક વિધિઓ (processes) દ્વારા 3 × 107 મે. ટન જેટલા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે.

રાસાયણિક સ્થાપન : નાઇટ્રોજનના રાસાયણિક સ્થાપનમાં વપરાતી ત્રણ મુખ્ય વિધિઓ છે : (1) બર્કલૅન્ડ અને આઇડની પદ્ધતિ, (2) હેબર-બૉશ વિધિ અને (3) સાયનેમાઇડ વિધિ. બર્કલૅન્ડ અને આઇડની વિધિમાં વિદ્યુતચાપમાંથી નાઇટ્રોજન પસાર કરવામાં આવે છે. આથી 1 % જેટલા નાઇટ્રોજનનું નાઇટ્રિક ઑક્સાઇડ(NO)માં રૂપાંતર થાય છે. તેને નાઇટ્રેટમાં ફેરવવામાં આવે છે. હેબર-બૉશ વિધિમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુના મિશ્રણને 200°થી 700° સે. તાપમાને અને 10થી 80 મેગાપાસ્કલ દબાણે ઉદ્દીપક પરથી પસાર કરવાથી એમોનિયા મળે છે.

સાયનેમાઇડ પદ્વતિમાં કૅલ્શિયમ કાર્બાઇડને નાઇટ્રોજન સાથે ગરમ કરવાથી કૅલ્શિયમ સાયનેમાઇડ CaCN2 બને છે :

CaC2 + N2 ⇄ CaCN2 + C

તેનું પાણી કે ભેજ વડે જળવિભાજન થતાં યૂરિયા અને એમોનિયા મળે છે. ત્રણ પૈકી સૌથી વધુ ઉપયોગ હેબરની પદ્ધતિનો થાય છે.

જૈવિક સ્થાપન : નાઇટ્રોજનનું જૈવિક સ્થાપન આદિકોષકેન્દ્રી (prokaryotic) સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે. મુખ્ય નાઇટ્રોજનસ્થાપકોમાં ભૂમિની સપાટીએ કે પાણીમાં થતાં મુક્તજીવી (free living) ભૌમિક બૅક્ટેરિયા અને નીલહરિત લીલ (cyanobacteria); લાઇકેનમાં ફૂગ સાથે અથવા જલીય હંસરાજ (અઝોલા); શેવાળ (mosses) અને લિવરવર્ટ્સ સાથે સહજૈવિક (symbiotic) સંબંધ ધરાવતી નીલહરિત લીલ અને ખાસ કરીને શિંબી (legume) વનસ્પતિઓના મૂળ સાથે સહજૈવિક સંબંધ ધરાવતા બૅક્ટેરિયા અને બીજા સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે.

નાઇટ્રોજનસ્થાપન માટે ફૅબેસી કુળની લગભગ 20,000 જેટલી જાતિઓ પૈકી લગભગ 15 % જાતિઓનું નિરીક્ષણ થયું છે. તે પૈકીની આશરે 90 % મૂળ ગંડિકાઓ ધરાવતી જાતિઓ દ્વારા નાઇટ્રોજન સ્થાપન થાય છે. નાઇટ્રોજનનું સ્થાપન કરતી બિનશિંબી (nonlegume) વનસ્પતિઓમાં આલ્નસ (આલ્ડર), મિરિકા (કળણભૂમિમાં થતી મિરિકા ગેલ), શેફ્રેડિયા, કોરીઆરીઆ, હિપ્પોફી, સિએનોથસ, એલીએગ્નસ, કેશ્યુરિના (સરુ) જાતિઓ અને અન્ય સાત જાણીતી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. તે વૃક્ષ કે ક્ષુપ સ્વરૂપ ધરાવતી અલ્પનાઇટ્રોજનવાળી ભૂમિ પર થતી અગ્રણી (pioneer) વનસ્પતિઓ છે; દા. ત., વેસ્ટર્ન સ્કૉટલૅન્ડની કળણભૂમિમાં થતી મિરિકા અને ઉષ્ણકટિબંધીય ટાપુઓના રેતીના ઢૂવા (sand dunes) પર થતી સરુ આવી વનસ્પતિઓ છે.

વિનોગ્રેડસ્કી(1894)એ સૌપ્રથમ વાર નાઇટ્રોજનનું સ્થાપન કરતા અવાતજીવી (anaerobic) બૅક્ટેરિયા-ક્લોસ્ટ્રીડિયમ પૅસ્ટોરીએનમનું અલગીકરણ કર્યું. બીજરિંકે (1901) નાઇટ્રોજનસ્થાપન કરતા વાતજીવી (aerobic) મુક્તજીવી બૅક્ટેરિયા ઍઝેટોબૅક્ટર ક્રૂકોકમ અને એ. એજાઇલનું અલગીકરણ કર્યું. ઉષ્ણકટિબંધીય વૃક્ષોમાં મોટા ભાગની જાતિઓમાં તંતુમય બૅક્ટેરિયા (actinomycete) દ્વારા અને કેટલીક જાતિઓમાં નીલહરિત લીલ દ્વારા આ પ્રક્રિયા થાય છે. શિંબી વનસ્પતિઓમાં આ પ્રક્રિયા માટે રાઇઝોબિયમ પ્રજાતિની જાતિઓ જવાબદાર છે. સામાન્યત: તેની નિશ્ચિત જાતિ શિંબી વનસ્પતિની કોઈ એક નિશ્ચિત જાતિ કે ઉપજાતિ (variety) સાથે સક્રિય હોય છે. આ બૅક્ટેરિયા વાતજીવી હોય છે અને જ્યાં સુધી તે મૂળરોમ અથવા ઈજાગ્રસ્ત અધિસ્તરીય કોષમાં ચેપ ન લગાડે ત્યાં સુધી મૃતોપજીવી (saprophyte) તરીકે જીવન જીવે છે. તેમનો પ્રવેશ ચેપી તંતુ (infection thread) દ્વારા મૂળરોમમાં થાય છે. જોકે કેટલીક શિંબી વનસ્પતિઓમાં આવો ચેપી તંતુ જોવા મળ્યો નથી. આ ચેપી તંતુ સંક્રમિત (invaded) કોષનું અંતર્વલિત વિસ્તૃત રસસ્તર છે. તેની અંદરની સપાટીએ સેલ્યુલોઝના અણુઓનું નિર્માણ થાય છે. બૅક્ટેરિયાનું આ તંતુમાં પુષ્કળ પ્રમાણમાં ગુણન થાય છે અને તંતુ બાહ્યકના કોષોને ભેદીને અંદરની તરફ લંબાય છે. અંતર્બાહ્યકના કોષોના કોષરસમાં આ બૅક્ટેરિયા મુક્ત થાય છે અને ખાસ કરીને ચતુર્ગુણિત (tetraploid) કોષોના વિભાજનને વૃદ્ધિવર્ધક પદાર્થનો સ્રાવ કરી પ્રેરે છે. આ વિભાજનોથી પેશીઓનું બહુવિધ પ્રસવન (proliferation) થાય છે અને છેવટે પરિપક્વ મૂળગંડિકા બને છે. આ મૂળગંડિકા મુખ્યત્વે બૅક્ટેરિયા ધરાવતા ચતુર્ગુણિત કોષો અને બૅક્ટેરિયા વિનાના કેટલાક દ્વિગુણિત (diploid) કોષો વડે બને છે.

આકૃતિ 1 : શિંબી વનસ્પતિના મૂળરોમમાં રાઇઝોબિયાનો પ્રવેશ

પ્રત્યેક અચલિત વિકસિત બૅક્ટેરિયમને ‘બૅક્ટેરૉઇડ’ કહે છે. યજમાન કોષના કોષરસમાં બૅક્ટેરૉઇડ્ઝના સમૂહો જોવા મળે છે. પ્રત્યેક સમૂહ પેરિબૅક્ટેરૉઇડ પટલ વડે આવરિત હોય છે. પેરિબૅક્ટેરૉઇડ પટલ અને બૅક્ટેરૉઇડ-સમૂહ વચ્ચેના પ્રદેશને પેરિબૅક્ટેરૉઇડ અવકાશ કહે છે. યજમાન કોષના કોષરસમાં લેગ્હીમોગ્લોબિન નામનું પ્રોટીન હોય છે. આ અણુ લાલ રંગનો હોય છે, કારણ કે તેના ગ્લોબિન નામના પ્રોટીન સાથે પ્રૉસ્થેટિક સમૂહ તરીકે લોહયુક્ત હીમ જોડાયેલું હોય છે. લેગ્હીમોગ્લોબિનને લીધે મૂળ ગંડિકા ગુલાબી રંગની બને છે. જોકે બિનશિંબી ગંડિકાઓમાં તેની સાંદ્રતા અલ્પ હોય છે. લેગ્હીમોગ્લોબિન બૅક્ટેરૉઇડમાં ઑક્સિજનનું વહન નિયંત્રિત દરે કરે છે. વધારે પડતો ઑક્સિજન નાઇટ્રોજનસ્થાપન ઉત્સેચકને નિષ્ક્રિય બનાવે છે; છતાં બૅક્ટેરૉઇડ શ્વસન માટે કેટલોક ઑક્સિજન જરૂરી હોય છે.

નાઇટ્રોજનસ્થાપન મૂળ ગંડિકાઓમાં બૅક્ટેરૉઇડમાં થાય છે. યજમાન વનસ્પતિ બૅક્ટેરૉઇડને કાર્બોદિત પૂરા પાડે છે. તેમનું ઉપચયન (oxidation) કરી બૅક્ટેરૉઇડ ઊર્જા પ્રાપ્ત કરે છે. આ કાર્બોદિત યજમાન વનસ્પતિનાં પર્ણોમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થાય છે અને તેનું અન્નવાહક પેશી દ્વારા મૂળ ગંડિકામાં સ્થાનાંતરણ થાય છે. બૅક્ટેરૉઇડમાં થતા ઉપચયન દરમિયાન પ્રાપ્ત થતા વીજાણુઓ અને ATP (ઍડિનોસાઇન ટ્રાઇફૉસ્ફેટ) પૈકી કેટલાકનો નાઇટ્રોજનના એમોનિયમમાં થતા અપચયનમાં ઉપયોગ થાય છે.

નાઇટ્રોજનસ્થાપનની ક્રિયાવિધિ : નાઇટ્રોજનસ્થાપનની સમગ્ર રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ સારાંશ રૂપે નીચે મુજબ આપી શકાય : N2 + 6 વીજાણુઓ + 8H+ + 15ATP → 2NH4+ + 15ADP + 15Pi.

આકૃતિ 1 : શિંબી વનસ્પતિના મૂળરોમમાં રાઇઝોબિયાનો પ્રવેશ

આમ, આ પ્રક્રિયામાં વીજાણુઓ અને પ્રોટૉનોનો સ્રોત, ATPના અણુઓ અને નાઇટ્રોજનેઝ ઉત્સેચક સંકુલ જરૂરી હોય છે. નાઇટ્રોજનના પ્રત્યેક પરમાણુના સ્થાપન માટે ATPના અણુઓની સંખ્યા હજુ નક્કી થઈ શકી નથી; પરંતુ છ પૈકીના પ્રત્યેક વીજાણુ માટે ઓછામાં ઓછા બે ATPના અણુઓ જરૂરી હોય છે ; કેટલીક પર્યાવરણીય સ્થિતિમાં સામાન્ય જરૂરિયાત કરતાં બમણા ATPની આવશ્યકતા હોય છે. બૅક્ટેરૉઇડમાં થતા શ્વસનથી NAD+ (નિકોટીન ઍમાઇડ ઍડિનાઇન ડાઇન્યૂક્લિયૉટાઇડ)નું NADH+ + H+ [અથવા NADP+(નિકોટીન ઍમાઇડ એડિનાઇન ડાઇન્યૂક્લિયૉટાઇડ ફૉસ્ફેટ)નું NADPH+ + H+]માં અપચયન થાય છે. પછી NADH કે NADPH નાઇટ્રોજનનું એમોનિયમમાં અપચયન કરવામાં ખૂબ અસરકારક ફૅરેડૉક્સિન અથવા તેના જેવાં પ્રોટીનોનું અપચયન કરે છે.

આ અપચયન પામેલા ફૅરેડૉક્સિન અથવા અન્ય પ્રબળ અપચાયક પ્રક્રિયકોમાંથી નાઇટ્રોજનેઝ વીજાણુ ગ્રહણ કરે છે. નાઇટ્રોજનેઝ ઘટક 1 અને ઘટક 2 તરીકે ઓળખાતાં બે પ્રોટીનોનો બનેલો છે. ઘટક 1 લોહ-મોલિબ્ડિનમ પ્રોટીન છે. તે મોલિબ્ડિનમના બે અને લોહના 28 પરમાણુઓ ધરાવે છે. ઘટક 2 લોહ-પ્રોટીન છે અને તેમાં લોહના ચાર પરમાણુઓ આવેલા હોય છે. જ્યારે નાઇટ્રોજનેઝ ફૅરેડૉક્સિનમાંથી વીજાણુઓ ગ્રહણ કરે છે ત્યારે મોલિબ્ડિનમ અને લોહ બંનેનું પહેલાં અપચયન થાય છે અને પછી ઉપચયન થાય છે અને ત્યારબાદ તેમનું વહન નાઇટ્રોજનમાં થાય છે. તેથી આયન (NH4+) બને છે. સ્થાપનની ક્રિયામાં ATPની હાજરી અનિવાર્ય હોય છે; કારણ કે તે ઘટક 2 સાથે જોડાઈ તેને પ્રબળ અપચાયકમાં ફેરવે છે. ઘટક 2માંથી વીજાણુઓનું વહન ઘટક 1માં થાય છે. તે સાથે ATPનું ADPમાં જલવિભાજન (hydrolysis) થાય છે. ઘટક 1માંથી  હવે વીજાણુઓનું સ્થાનાંતરણ નાઇટ્રોજનમાં થાય છે. જ્યારે આવા છ વીજાણુઓ અને 8H+ ગ્રહણ થાય ત્યારે ઉત્સેચક દ્વારા બે એમોનિયમ આયનો નીપજ તરીકે મુક્ત થાય છે.

આકૃતિ 3 : રાઇઝોબિયમ બૅક્ટેરૉઇડમાં નાઇટ્રોજનસ્થાપનની મુખ્ય પ્રક્રિયાઓ

ઍલેન્ટૉઇક ઍસિડ

ઍલેન્ટૉઇન

સિટ્રુલીન
આકૃતિ 4 : વિવિધ યુરેઇડનાં રાસાયણિક બંધારણ

બૅક્ટેરૉઇડ ધરાવતા કોષો(પેરિબૅક્ટેરૉઇડ પટલની બહાર)ના આધારક દ્રવ્યમાં NH4+ નું ગ્લુટેમાઇન. ગ્લુટામિક ઍસિડ, ઍસ્પરજીન અને ઘણી જાતિઓમાં વધારે પ્રમાણમાં નાઇટ્રોજન ધરાવતાં સંયોજનો યુરેઇડમાં રૂપાંતર થાય છે. ઍસ્પરજીન(C4N2H8O4)ની જેમ શિંબી વનસ્પતિઓના બે મુખ્ય યુરેઇડ–ઍલેન્ટૉઇન (C4N4H6O3) અને ઍલેન્ટૉઇકઍસિડ (C4N4H8O4) – કાર્બન અને નાઇટ્રોજનનો ગુણોત્તર ઊંચો ધરાવે છે. વટાણા, લચકો, ટ્રાઇફોલિયમ અને લૂપીનસની જાતિઓ જેવી સમશીતોષ્ણ પ્રદેશોની મૂલનિવાસી શિંબી વનસ્પતિઓમાં નાઇટ્રોજનસ્થાપનની મુખ્ય નીપજ ઍસ્પરજીન છે. સોયાબીન, ચોળી, મઠ, અડદ જેવી ઉષ્ણપ્રદેશોમાં થતી શિંબી વનસ્પતિઓમાં મુખ્ય નીપજ યુરેઇડ છે. આલ્ડર(બિનશિંબી)ની મૂળ ગંડિકામાંથી વહન પામતી મુખ્ય નાઇટ્રોજન નીપજ સિટ્રુલીન નામનું યુરેઇડ છે.

નાઇટ્રોજનસ્થાપન પર અસર કરતાં પરિબળો : કુદરતમાં અને કૃષિમાં નાઇટ્રોજનના સ્થાપનના મહત્વને કારણે પરિસ્થિતિવિજ્ઞાનીઓ, શસ્યવિજ્ઞાનીઓ (agronomists) અને વનસ્પતિ દેહધર્મ વિજ્ઞાનીઓએ નાઇટ્રોજનસ્થાપનનું નિયમન કરતાં પર્યાવરણીય અને જનીનિક પરિબળોનો વિસ્તૃત અભ્યાસ કર્યો છે. વળી, છેલ્લાં થોડાંક વર્ષોમાં ખાતરોના વધતા જતા ભાવોએ આ અંગે તેમને વધારે સંશોધનો કરવા પ્રેર્યા છે. સામાન્ય રીતે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાને પ્રેરતાં પરિબળો જેવાં કે પૂરતો ભેજ, હૂંફાળું તાપમાન, ખુલ્લો સૂર્યપ્રકાશ અને કાર્બન-ડાયૉક્સાઇડની ઊંચી સાંદ્રતા નાઇટ્રોજનસ્થાપનને ઉત્તેજે છે. તેનો દર વહેલી બપોરે મહત્તમ હોય છે. આ સમયે પર્ણોમાંથી શર્કરાઓનું મૂળ ગંડિકા તરફ સ્થાનાંતરણ ઝડપથી થતું હોય છે, તેમજ ઉત્સ્વેદન (transpiration) પણ ઝડપી થતું હોવાથી મૂળ અને મૂળ ગંડિકાઓમાંથી નાઇટ્રોજન-યુક્ત સંયોજનોનું રસારોહણ (ascent of sap) ઝડપી થાય છે.

શિંબી વનસ્પતિઓમાં કેટલાંક જનીનિક પરિબળો નાઇટ્રોજન-સ્થાપન અને ઉત્પાદનનું નિયમન કરે છે. એક પરિબળ મૂળ ગંડિકા-નિર્માણ સાથે સંબંધિત છે. તેનો આધાર રાઇઝોબિયમની જાતિ અને શિંબી વનસ્પતિની જાતિ કે ઉપજાતિ વચ્ચે જનીન નિયંત્રિત પરખ(recognition)ની પ્રક્રિયા પર રહેલો છે. રાઇઝોબિયમની વિવિધ જાતિઓના જનીનોના ફેરફાર દ્વારા અને વધારે સંગત (compatible) યજમાન જાતિની પસંદગી દ્વારા મૂળગંડિકા-નિર્માણની ક્ષમતા વધારવાના પ્રયત્નો થયા છે. બીજું જનીનિક પરિબળ નાઇટ્રોજન સાથેની સ્પર્ધામાં હાઇડ્રોજનનું અપચયન કરવાની નાઇટ્રોજનેઝની ક્ષમતા સાથે સંબંધિત છે. એક અંદાજ પ્રમાણે, શિંબી મૂળ ગંડિકામાં નાઇટ્રોજનના અપચયન માટે પ્રાપ્ય વીજાણુઓ પૈકી ભાગના વીજાણુઓ H+ નું અપચયન કરી આણ્વિક હાઇડ્રોજન(H2)માં ફેરવે છે. આ હાઇડ્રોજન ભૂમિના વાતાવરણમાં જતો રહે છે તેમજ શક્તિનો વ્યય થાય છે. છતાં રાઇઝોબિયમની કેટલીક જાતિ હાઇડ્રોજનેઝ નામનો ઉત્સેચક ધરાવે છે. તે મુક્ત થતાં હાઇડ્રોજન પૈકી મોટાભાગના હાઇડ્રોજનનું ઉપચયન કરી પાણી બનાવે છે. આ ઉપચયન દરમિયાન ADP અને Piમાંથી ATP ઉત્પન્ન થાય છે. સોયાબીન અને બીજી જૂજ વનસ્પતિઓમાં થતી રાઇઝોબિયમની જાતિઓમાં હાઇડ્રોજીનેઝ સક્રિય હોય છે. તેનું ઉત્પાદન હાઇડ્રોજનેઝરહિત રાઇઝોબિયમની વિકૃત જાતિ ધરાવતી શિંબી વનસ્પતિઓ કરતાં કાર્યશક્તિનો વ્યય ઓછો થતો હોવાને કારણે થોડું વધારે હોય છે. રાઇઝોબિયમની આનાથી વધારે અસરકારક જાતિ કે ઉપજાતિઓ હોઈ શકે અથવા જનીન ઇજનેરી વિદ્યાની પદ્ધતિઓ દ્વારા તે વિકસાવી શિંબી ઉત્પાદનમાં વધારો કરી શકાય. બિનશિંબી પાકોમાં નાઇટ્રોજનસ્થાપન કરતાં જનીનોનું પ્રત્યારોપણ કરવાનું ધ્યેય અવાસ્તવિક લાગે છે અથવા તેને ઘણાં વર્ષો લાગશે, કારણ કે નાઇટ્રોજનસ્થાપન સાથે સંકળાયેલાં જનીનો અને તેનું નિયમન કરતાં પરિબળો અનેક છે.

નાઇટ્રોજનસ્થાપનની ક્રિયા પર યજમાન વનસ્પતિની વૃદ્ધિની અવસ્થા પણ અસર કરે છે. પુષ્પનિર્માણ પછી વિકાસ પામતાં બીજ અને ફળોમાં નાઇટ્રોજનની જરૂરિયાત વધે છે; તે સમયે તેનું સ્થાપન મહત્તમ થાય છે. સોયાબીનોનું બીજ વનસ્પતિઓમાં સૌથી વધારે પ્રોટીન ધરાવે છે અને તે 40 % જેટલું હોય છે. આ જાતિમાં 90 % નાઇટ્રોજનસ્થાપન પ્રાજનનિક વિકાસ દરમિયાન અને 10 % સ્થાપન શરૂઆતના બે માસમાં વાનસ્પતિક વૃદ્ધિ દરમિયાન થાય છે. વાનસ્પતિક વૃદ્ધિ દરમિયાન સામાન્ય ફળદ્રૂપ ભૂમિમાં ઊગતી કેટલીક શિંબી વનસ્પતિઓને નાઇટ્રોજનસ્થાપન દ્વારા કુલ નાઇટ્રોજન પૈકી ¼ થી ½ જેટલો જ નાઇટ્રોજન પૂરો પડે છે. બાકીનો નાઇટ્રોજન ભૂમિમાંથી નાઇટ્રેટ (NO’3) કે ઍમોનિયમ આયન રૂપે શોષાય છે. શિંબી વનસ્પતિઓમાં નાઇટ્રોજનનાં ખાતરો ઉમેરવા છતાં ઉત્પાદનમાં વધારો થતો નથી, કારણ કે વધારાના શોષાયેલા નાઇટ્રોજનના ખાતરના પ્રમાણમાં નાઇટ્રોજનસ્થાપન ઘટે છે. આ ખાતરો ઉમેરવાને પરિણામે રાઇઝોબિયાની મૂળરોમ સાથે જોડાણની ક્રિયામાં અવરોધ, ચેપી તંતુનું વિઘટન, મૂળ ગંડિકાની વૃદ્ધિમાં ઘટાડો, વિકસિત મૂળ ગંડિકાઓમાં નાઇટ્રોજનસ્થાપનનો અવરોધ અને મૂળ ગંડિકાઓનું અત્યંત ઝડપી વાર્ધક્ય (senescence) થતાં નાઇટ્રોજનસ્થાપનમાં ઘટાડો થાય છે.

અલકા વ્યાસ