નગેન્દ્ર (જ. 9 માર્ચ 1915, અતરૌલી, અલીગઢ, ઉ.પ્ર.; અ. 27 ઑક્ટોબર 1999, નવી દિલ્હી) : હિંદીના વિખ્યાત વિવેચક. અંગ્રેજી તથા હિંદીમાં એમ.એ.ની ઉપાધિઓ મેળવ્યા પછી તેમણે તેમના હિંદી શોધપ્રબંધ ‘દેવ ઔર ઉનકી કવિતા’ પર ડી. લિટ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે સાહિત્યજીવનની શરૂઆત કવિતાથી કરી. 1937માં તેમનો પ્રથમ કવિતાસંગ્રહ ‘વનબાલા’ પ્રકાશિત થયો. પાંચ વર્ષ સુધી આકાશવાણી પર કામ કર્યું. ત્યારપછી દિલ્હી યુનિવર્સિટીના હિંદી વિભાગના અધ્યક્ષ બન્યા અને નિવૃત્તિ સુધી આ પદ પર કાર્ય કરતા રહ્યા.

નગેન્દ્ર

હિંદીના આધુનિક આલોચકોમાં તેમનું સ્થાન વિશિષ્ટ છે. તેમના ત્રણ વિવેચનગ્રંથો ‘સુમિત્રાનંદન પંત’ (1938), ‘સાકેત: એક અધ્યયન’ (1939) તથા ‘આધુનિક હિંદી નાટક’ (1940) પ્રકાશિત થવાની સાથે જ તેઓ હિંદી સાહિત્યના ક્ષેત્રે આલોચક તરીકે પ્રતિષ્ઠિત થયા. આ આલોચનગ્રંથોમાં ફ્રૉઇડના મનોવિશ્લેષણ-શાસ્ત્રનો આધાર લેવામાં આવ્યો છે જ્યારે તે પછીના તેમના વિવેચનગ્રંથો ‘રીતિકાવ્ય કી ભૂમિકા’ તથા ‘દેવ ઔર ઉનકી કવિતા’(1949)માં તેમનો વિવેચન-અભિગમ ભારતીય કાવ્યશાસ્ત્રની દિશા તરફ વળ્યો હોય તેમ લાગે છે. 1955માં પ્રકાશિત ‘ભારતીય કાવ્યશાસ્ત્ર’માં તેમણે લીધેલી ભૂમિકામાં તેમના વિદ્વત્તાપૂર્ણ વિવેચન અને વિશ્લેષણે હિંદીની એક મોટી ઊણપ દૂર કરી છે.

‘પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર : સિદ્ધાંત ઔર વાદ’માં તેમણે વિભિન્ન સિદ્ધાંતોનું સૂક્ષ્મ વિવેચન કર્યું છે. ‘અરસ્તુ કા કાવ્યશાસ્ત્ર’માં તેમની  ભૂમિકા તેમના વિશ્લેષણ અને ખંતનું પરિણામ છે.

તે રામચંદ્ર શુક્લની પરંપરાના રસવાદી વિવેચક છે. રસસિદ્ધાંતમાં તેમની ગાઢ આસ્થા શુક્લજીની સમકક્ષ રહી છે. ભારતીય આચાર્યોમાંથી ભટ્ટનાયક તથા અભિનવગુપ્તથી તેઓ પ્રભાવિત થયા છે, તથા પાશ્ચાત્ય વિવેચકોમાંથી ક્રોચે અને આઈ .એ. રિચાર્ડ્સનો તેમના પર પ્રભાવ પડ્યો છે. તેમણે તેમના વિવેચનમાં આ બંને વિવેચકોની વિચારસરણીઓનો સમન્વય કરવાનો પ્રયાસ કર્યો છે. સર્વત્ર તેઓ પીઢ વિચારક તથા ગહન વિશ્લેષણકારના રૂપમાં ઊપસી આવે છે. તેમના વ્યાવહારિક તથા સૈદ્ધાંતિક વિવેચનમાં પ્રતીતિકારક એકસૂત્રતાની અનુભૂતિ થાય છે. તેમની શૈલી તર્કશુદ્ધ, વિશ્લેષણાત્મક તથા રસપૂર્ણ છે.

તેમની અન્ય મૌલિક કૃતિઓમાં ‘વિચાર ઔર વિવેચન’ (1944), ‘વિચાર ઔર અનુભૂતિ’ (1949), ‘આધુનિક હિંદી કવિતા કી પ્રમુખ પ્રવૃત્તિયાઁ’ (1951), ‘વિચાર ઔર વિશ્લેષણ’ (1955), ‘અનુસંધાન ઔર આલોચના’ (1961) ‘કામાયની કે અધ્યયન કી સમસ્યાએં’ (1962). ‘રસ-સિદ્ધાંત’ (1964), ‘આલોચક કી આસ્થા’ (1966), ‘આસ્થા કે ચરણ’ (1969), ‘નયી સમીક્ષા : નયે પ્રતિમાન’ (1970) તથા ‘સમસ્યા ઔર સમાધાન’(1971)નો સમાવેશ થાય છે.

પૂર્વ તથા પશ્ચિમના મહત્ત્વપૂર્ણ કાવ્યશાસ્ત્રગ્રંથોનો હિંદીમાં અનુવાદ કરવામાં તથા કરાવવામાં તેમની ભૂમિકા સૌથી વધારે સક્રિય રહી છે. તેમની પ્રેરણાથી જ આચાર્ય વિશ્વેશ્વરે ‘અભિનવભારતી’, ‘વક્રોક્તિ-જીવિતમ્’, ‘ધ્વન્યાલોક’, ‘નાટ્યદર્પણ’ અને ‘કાવ્યપ્રકાશ’નો અનુવાદ કર્યો છે. પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રમાંથી ‘અરસ્તુ કા કાવ્યશાસ્ત્ર’, ‘કાવ્ય મેં ઉદાત્ત તત્વ’ (લોન્જાઇનસના ‘ધ સબ્લાઇમ’નો) તથા ‘કાવ્યકલા’(હૉરેસની ‘આર્સ પોયતિકા’)ના અનુવાદ તેમના માર્ગદર્શન હેઠળ થયા છે.

ગીતા જૈન

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે