ધ ગીનેસ વર્લ્ડ રેકર્ડ્ઝ

March, 2016

ધ ગીનેસ વર્લ્ડ રેકર્ડ્ઝ : આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા કે અધિકૃતતા ધરાવતા વિક્રમોની માહિતી દર વર્ષે પ્રકાશિત કરતો સંદર્ભગ્રંથ. તેમાં નોંધાયેલા વિક્રમોમાં માણસોની જુદાં જુદાં ક્ષેત્રની સર્વોચ્ચ વ્યક્તિગત સિદ્ધિઓ તથા વિશ્વની કુદરતી અજાયબીઓ – આ બંનેનો સમાવેશ થયેલો હોય છે. તેની સર્વપ્રથમ આવૃત્તિ ઑગસ્ટ, 1954માં લંડનમાં વ્યવસાય કરતા નૉરિસ અને રૉસ મૅડ વ્હિટનર નામના બે ભાઈઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી અને તેની 53મી આવૃત્તિ વર્ષ 2007માં પ્રકાશિત કરવામાં આવી છે. આ બે ભાઈઓને આ કામ કરવા માટે પ્રેરણા આપનાર વ્યક્તિ હતી ગીનેસ નામની કંપનીમાં નોકરી કરતો ક્રિસ્ટૉફર ચૅટવે. અલબત્ત, તેમાં સમાવેશ કરવામાં આવતા વિક્રમો એકસરખા હોતા નથી, પરંતુ તેમાં ઘણું વૈવિધ્ય હોય છે; દા. ત., વર્ષ 2007ની આવૃત્તિમાં પ્રકાશિત વિક્રમો મુજબ 1976માં જેનું બાંધકામ પૂર્ણ કરવામાં આવેલું તેવું જમીન પર બનાવેલું સી. એમ. ટૉવર એ વિશ્વમાં ઊંચામાં ઊંચું ટાવર છે, જ્યારે ગાયિકા મેડોન્ના વિશ્વની અત્યાર સુધીની બધી જ ગાયિકાઓમાં વધુમાં વધુ ધનની કમાણી કરતી ગાયિકા છે. વર્ષ 2000 સુધી આ ગ્રંથનું નામ (1954–1999) ‘ધ ગીનેસ બુક ઑવ્ રેકર્ડ્ઝ’ હતું, જે નામમાં વર્ષ 2000માં ‘વર્લ્ડ’ શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો અને ત્યારથી તે ‘ધ ગીનેસ વર્લ્ડ રેકર્ડ્ઝ’ નામથી પ્રકાશિત કરવામાં આવે છે (2000–2007). અલબત્ત, તેની અમેરિકન આવૃત્તિઓમાં પહેલાંથી જ ‘વર્લ્ડ’ શબ્દનો ઉમેરો કરવામાં આવેલો. આ પુસ્તક પોતે વિશ્વમાં સર્વાધિક વેચાતાં પુસ્તકોમાં સૌથી પ્રથમ ક્રમનો વિક્રમ ધરાવે છે.

ગીનેસ વર્લ્ડ રેકર્ડ્ઝ મ્યુઝિયમ, હૉલીવૂડ

આ ગ્રંથના પ્રકાશનનો પૂર્વ-ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. નવેમ્બર, 1951માં સર હ્યુ બીવર જેઓ ગીનેસ બ્રુઅરી નામની દારૂ ગાળવાની કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર હતા તેઓ એક વાર પક્ષીઓનો શિકાર કરવા આયર્લૅન્ડના વૅક્સફૉર્ડ પરગણાના નૉર્થ સ્લૉબ નામના પ્રદેશમાં ગયા; જ્યાંથી સ્ટૅની નામની નદી વહે છે. શિકાર દરમિયાન યુરોપમાં સર્વાધિક વેગ કે ગતિ ધરાવતું પક્ષી કયું તેના વિવાદમાં તેઓ તેમના મિત્રો સાથે સંડોવાયા. તે સાંજે કૅસલબ્રિજ હાઉસમાં રોકાણ દરમિયાન તેમણે તેમના પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો જેમાં તેમને સફળતા મળી ન હતી. તેના પરથી તેમના મનમાં વિચાર સ્ફુર્યો કે આવા અસંખ્ય પ્રશ્ર્નો હશે, જેના અધિકૃત અને પ્રમાણભૂત જવાબ ધરાવતો કોઈ સંદર્ભગ્રંથ હોવો જોઈએ. આ વિચાર તેમણે તેમની કંપનીમાં કામ કરતા બીજા સાથીદારોને કહ્યો, જેના પરિણામ રૂપે ‘ગીનેસ રેકડર્ઝ’(પાછળથી ‘ગીનેસ વર્લ્ડ રેકર્ડ્ઝ’)નું પ્રકાશન શરૂ થયું. તેની 1955માં પ્રકાશિત થયેલી પ્રથમ આવૃત્તિમાં 198 પાનાં હતાં, જેમાં ઉપલબ્ધ માહિતીના આધારે વિશ્વવિક્રમોનો ઉલ્લેખ કરવામાં આવેલો. શરૂઆતથી જ વિશ્વનું સર્વાધિક વેચાણ ધરાવતા પુસ્તક તરીકે તેને ખ્યાતિ મળી છે.

આ પુસ્તકના પ્રકાશનની પહેલ કરનાર નૉરિસ અને રૉસ વિચક્ષણ યાદશક્તિ ધરાવતા હતા અને વિશ્વવિક્રમો વિશે બાળકોએ પૂછેલા પ્રશ્નોના જવાબ ત્વરિત આપી શકતા હતા, જે માટે બ્રિટિશ ટેલિવિઝને ‘રેકર્ડ બ્રેકર્સ’ નામની ખાસ દૂરદર્શન શ્રેણી શરૂ કરેલી. કમનસીબે 1975માં પ્રોવિઝનલ આઇરિશ આર્મીના એક આતંકવાદી હુમલામાં રૉસનું અવસાન થયું અને ત્યારપછી દૂરદર્શનની આ શ્રેણીનું નામ બદલીને ‘નૉરિસ ઑન્ ધ સ્પૉટ’ રાખવામાં આવ્યું હતું.

1956માં આ ગ્રંથની જે અમેરિકન આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી હતી તેની આશરે 70,000 નકલો વેચાઈ હતી. વર્ષ 2003માં આખા વિશ્વમાં તેની 120,00,00,000 નકલો વેચાઈ હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે