ધ્વનિ (sound) : સામાન્ય રીતે કાન દ્વારા સાંભળી શકાય તે આવૃત્તિ અને તીવ્રતાથી સ્થિતિસ્થાપક દ્રવ્ય (material) માધ્યમમાં થતું કંપન; વ્યાપક અર્થમાં સ્થિતિસ્થાપક માધ્યમની સંતુલિત અવસ્થામાં થતો યાંત્રિક વિક્ષોભ. ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થને સ્પર્શ કરવાથી પદાર્થની આ દોલનસ્થિતિનો અનુભવ કરી શકાય છે. પદાર્થનાં દોલન મંદ પડતાં ધ્વનિની તીવ્રતા પણ મંદ પડે છે. કોકિલનું ગાન, વાસણના જમીન પર અફળાવાનો અવાજ, વાદળનો ગડગડાટ અને યંત્રનો ખટખટ અવાજ વગેરે ધ્વનિના જુદા જુદા પ્રકાર છે.

કોઈ પણ પ્રકારનો ધ્વનિ, કાનના પડદા પર આપાત થતાં તે શ્રવણેન્દ્રિય પર અસર કરે છે અને ધ્વનિની સંવેદના થાય છે. ધ્વનિ ઉત્પન્ન કરતો પદાર્થ એટલે કે ધ્વનિનું ઉદગમબિંદુ અને કાન (ધ્વનિ-પરખક) વચ્ચેની જગ્યામાં, ધ્વનિના પ્રસરણ માટે કોઈ માધ્યમ હોવું આવશ્યક છે. સામાન્ય રીતે હવા આવા પ્રકારનું માધ્યમ છે, પરંતુ હવા સિવાયના બીજા પદાર્થો પણ માધ્યમ તરીકે વર્તે છે. શૂન્યાવકાશમાં ધ્વનિના પ્રસરણની શક્યતા બિલકુલ નથી. ઉદગમબિંદુથી ઉત્પન્ન થયેલી ધ્વનિ-ઊર્જા, તરંગસ્વરૂપે નિયત વેગથી માધ્યમમાં પ્રસરણ પામે છે. તરંગના પ્રસરણમાર્ગ પર આવેલો માધ્યમનો પ્રત્યેક કણ કે વિભાગ જુદા જુદા કંપવિસ્તારવાળી સરળ આવર્તગતિ કરે છે અને તરંગઊર્જા આગળ ને આગળ ધપે છે.

ઊર્જાપ્રસરણની વિવિધ પદ્ધતિઓમાં વ્યાપક સ્વરૂપે જોવા મળતી પદ્ધતિ તરંગગતિ છે. આંદોલિત પદાર્થમાંથી ઉત્પન્ન થતી ધ્વનિઊર્જા  તરંગના સ્વરૂપમાં હોય છે, જેની પ્રકાશિકી અને વિદ્યુતઅસર જાણી શકાય છે.

ધ્વનિતીવ્રતા (intensity of sound) : ધ્વનિના અભ્યાસમાં સરળ આવર્તગતિનું વિશેષ મહત્વ છે. ધ્વનિની ઉત્પત્તિ દોલનોને લીધે થાય છે અને તેનું પ્રસરણ માધ્યમના જુદા જુદા કણ કે વિભાગનાં દોલનોના કારણે ઉત્પન્ન થતા તરંગોને લીધે થાય છે. માધ્યમના કોઈ કણ કે વિભાગને દોલિત કે સ્થાનાંતરિત કરવા માટે તેના પર કાર્ય કરવું પડે છે. આ કાર્ય જેટલી ઊર્જા કણ કે વિભાગના દોલન કે સ્થાનાંતર દરમિયાન તેની સ્થિતિ-ઊર્જા અને ગતિ-ઊર્જાના સ્વરૂપમાં મળે છે. ધ્વનિતરંગોના માર્ગમાં ક્રમશ: આવતા કણ કે વિભાગ વિક્ષોભ અનુભવતા જાય, તેમ તેમ આ ઊર્જા માધ્યમના આગળ ને આગળના કણ કે વિભાગને મળતી જાય છે. માધ્યમમાં આંતરિક ઘર્ષણબળો હોય તો આગળ વધતો ધ્વનિ મંદ પડતો જાય છે. ધ્વનિતરંગની પ્રસરણદિશાને લંબ, એવા એકમ ક્ષેત્રફળમાંથી એક સેકન્ડમાં પસાર થતી ધ્વનિ-ઊર્જાને ‘ધ્વનિતીવ્રતા’ (sound intensity)(I) કહે છે. તેનો એકમ વૉટ/મી2 અથવા વૉટ/સેમી2 છે. કાન સાંભળી શકે તેવા ધીમામાં ધીમા અવાજની તીવ્રતા 10–16 વૉટ/સેમી2 હોય છે. સમાન આવૃત્તિએ એક ધ્વનિની તીવ્રતા અન્ય ધ્વનિ સાથે તેમના ઘાતાંકના ગુણોત્તર વડે સરખાવી શકાય. જો આ ગુણોત્તર 10 આવે તો બે ધ્વનિની તીવ્રતા વચ્ચેનો તફાવત એક બેલ (ગ્રેહામ બેલના નામ ઉપરથી) ગણવામાં આવે છે; દા. ત., એક ધ્વનિની તીવ્રતા I હોય અને બીજાની Io હોય તો બેલ(B)માં તીવ્રતા-ગુણોત્તર, B = log   થાય. સામાન્ય વ્યવહારમાં આ માટે નાનો એકમ ડેસિબલ (db) (=0.1બેલ) વપરાય છે. સંદર્ભ તરીકે જો Io = 10–16 વૉટ/સેમી2 લઈએ તો બોલવાથી થતા અવાજની તીવ્રતા (10–12 વૉટ/સેમી2) આ એકમમાં 40 db થાય. 140 dbથી વધુ  અવાજ કાનનો દુખાવો ઉત્પન્ન કરે છે. ગુસપુસ રીતે વાત કરવામાં આવે તો અવાજ 10 dbનો હોય છે, જ્યારે ટેલિફોનની ઘંટડીનો 70 db અને જેટ પ્લેન ઊંચે ઊડે ત્યારનો 140 dbનો હોય છે.

ધ્વનિતીવ્રતા કંપવિસ્તાર(amplitude)ના વર્ગના સમ પ્રમાણમાં હોય છે. જ્યારે કંપવિસ્તાર સ્રોતથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આમ ધ્વનિતીવ્રતા ઊર્જાનું સંચરણ કઈ રીતે થાય છે તેના ઉપર આધાર રાખે છે.

ધ્વનિતીવ્રતા સાથે સંકળાયેલ અન્ય રાશિ એ ધ્વનિ દ્વારા થતું ‘ધ્વનિદબાણ’ (sound pressure), ધ્વનિતરંગ દ્વારા ઉદભવતું સંતુલન દબાણ ઉપરાંતનું વધારાનું (excess) દબાણ છે. આકૃતિ (1)માં માનવીની ર્દષ્ટિએ ઉપયોગી ધ્વનિઆવૃત્તિ અને ધ્વનિદબાણ દર્શાવ્યાં છે.

ધ્વનિતીવ્રતા સંપાતપણાના સિદ્ધાંત અનુસાર માધ્યમમાં સ્થિર ભાત પાડે છે. આ પરથી ધ્વનિનો આકાર નિષ્પદબિંદુ (node) અને પ્રસ્પંદબિંદુ (antinode) પાસે કંપવિસ્તારનું મૂલ્ય જાણવાથી જોઈ શકાય. વળી ધ્વનિતીવ્રતા કંપવિસ્તારના વર્ગ ઉપર આધાર રાખતી હોવાથી ધ્વનિતીવ્રતા કઈ જગ્યાએ મહત્તમ બને છે તે જાણી શકાય. તીવ્રતા મહત્તમ બનવાની ઘટનાને સ્પંદ કહે છે.

આકૃતિ 1 : ધ્વનિ-વર્ણપટ

ધ્વનિપ્રકાશિકી અને વિદ્યુત અસર : ધ્વનિપ્રકાશિકી અસરનું વર્ણન ફોનોસ્કોપ, ફોનોડીક અને ચલચિત્ર (ફિલ્મ) દ્વારા કરી શકાય. તેવી જ રીતે ધ્વનિવિદ્યુત અસરનું વર્ણન ટેલિફોન, માઇક્રોફોન, જુદા જુદા પ્રકારનાં લાઉડસ્પીકરો વગેરે દ્વારા કરી શકાય. પ્રસ્તુત ઉદાહરણો પરથી ધ્વનિ પ્રકાશિકી અને વિદ્યુતઅસર જોઈ શકાય છે. આ બંને અસર માટે ધ્વનિતીવ્રતા એક અગત્યની રાશિ છે.

ધ્વનિનું પ્રસરણ સંગત તરંગ સ્વરૂપે થાય છે. માધ્યમના કણની સરળ આવર્તગતિ, તરંગના પ્રસરણની દિશામાં જ હોય, તેવા પ્રકારના તરંગો ‘સંગત તરંગો’ કહેવાય છે. માધ્યમના ભિન્ન ભિન્ન કણોને કંપવિસ્તાર તથા આવૃત્તિ સમાન હોય છે. જ્યારે આંદોલન કરતી એક વસ્તુનો એક ભાગ (દા. ત., સ્વરિત્ર દ્વિભુજ, tuning fork) બહારની તરફ ખસે ત્યારે તે આસપાસના માધ્યમને સંકોચે છે અને સંપીડન(compression)નું એક ક્ષેત્ર ઉદભવે છે. આંદોલિત ભાગ જ્યારે પાછો અંદરની તરફ ખસે ત્યારે માધ્યમ ફૂલે છે. આંદોલનની ઘટનાને લીધે કણો એકબીજાની ખૂબ નજીક આવે છે. આને સંઘનન (condensation) કહે છે. ફુલાવા(expansion)ને કારણે કણો એકબીજાથી દૂર જાય છે. આને વિઘનન (rarefaction) કહે છે.

બે ક્રમિક સંઘનન કે વિઘનન વચ્ચેના અંતરને ‘ધ્વનિતરંગલંબાઈ’ કહે છે. માધ્યમના કોઈ એક બિંદુ પરથી એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને તરંગની ‘આવૃત્તિ’ (frequency) કહે છે. તરંગલંબાઈ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવૃત્તિ પરથી ધ્વનિની તીવ્રતા જાણી શકાય.

આકૃતિ 2 : કંપમાન પદાર્થ દ્વારા ઉદભવતા ધ્વનિ-તરંગો

પ્રકાશિકી અસર (optical effect) : ધ્વનિપ્રકાશિકી અસર ચલચિત્રમાં ધ્વનિના આલેખન અને પુનરુત્પાદન(recording and reproduction)ની ઘટના પરથી મળે છે. ધ્વનિ-આલેખનમાં ફિલ્મની પટ્ટી પર મેળવવામાં આવેલી ધ્વનિટ્રૅકની પારદર્શકતા સમાન હોય છે. પણ ટ્રૅકની પહોળાઈ ધ્વનિની તીવ્રતા પ્રમાણે ફરતી જાય છે અને ધ્વનિનું આલેખન કરવામાં આવે છે.

ધ્વનિના આલેખનની રીતથી ઊલટી પ્રક્રિયા પુનરુત્પાદનની છે. ફિલ્મ પરના ધ્વનિટ્રૅકમાંથી જો અચળ તીવ્રતાવાળો પ્રકાશ પસાર કરવામાં આવે તો બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા રેકર્ડની ઘનતા અથવા ક્ષેત્રફળ પ્રમાણે બદલાતી જાય છે. પ્રકાશની તીવ્રતાના ફેરફારને વિદ્યુતપ્રવાહમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ વિદ્યુતપ્રવાહ વિવર્ધિત કર્યા પછી લાઉડ-સ્પીકરને આપવામાં આવે તો મૂળ ધ્વનિ પાછો ઉત્પન્ન કરી શકાય છે. આ રીતે ધ્વનિની પ્રકાશિકી અસર જોઈ શકાય છે.

વળી, ધ્વનિનું પ્રસરણ તરંગ દ્વારા થાય છે. પ્રકાશના તરંગોની જેમ ધ્વનિના તરંગોનું પરાવર્તન થાય છે. મોટા ઓરડામાં ધ્વનિના વારંવાર પડઘા સંભળાય છે તે ધ્વનિના પરાવર્તનને લીધે થાય છે. મેગાફોન, ગુંજતા ગુંબજ વગેરેની રચનામાં ધ્વનિના પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરવામાં આવે છે.

ધ્વનિના તરંગો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે તેનું વક્રીભવન થાય છે, અથવા ધ્વનિના પ્રસરણની દિશા બદલાય છે. ધ્વનિના વક્રીભવનના નિયમો પ્રકાશના વક્રીભવનના નિયમો જેવા જ હોય છે. ધ્વનિના વક્રીભવનની ઘટના સમજવા માટે સેલોફેન કાગળના બે ટુકડાને જોડી પ્રયોગ કરતાં, હવામાંથી કાર્બન-ડાયૉક્સાઇડમાં પ્રસરણ થતાં ધ્વનિના વેગ જુદા જુદા હોવાથી ધ્વનિનું વક્રીભવન થાય છે.

જેમ પ્રકાશના તરંગોનું વ્યતિકરણ (interference) થાય છે, તે જ રીતે ધ્વનિના તરંગોનું પણ વ્યતિકરણ થાય છે. બે સમાન આવૃત્તિવાળા તથા સમાન કંપવિસ્તારવાળા ધ્વનિના તરંગો એક બિંદુએ ભેગા મળે છે, ત્યારે તેની સમાસ અસર ગુરુતમ અને લઘુતમ (શૂન્ય) બને છે. જે બિંદુ પર સમાસ અસર ગુરુતમ હોય તે સ્થાને તીવ્રતા મહત્તમ હોય છે. એટલે કે સહાયક વ્યતિકરણ રચાય છે. તેવી જ રીતે જે બિંદુએ સમાસ અસર શૂન્ય હોય ત્યાં ધ્વનિની તીવ્રતા શૂન્ય હોય છે. આથી ધ્વનિપ્રકાશિકી અસરમાં પરાવર્તન, વક્રીભવન અને વ્યતિકરણ જોવા મળે છે. વધુમાં સંગત તરંગોનું ધ્રુવીભવન થતું નથી અને તેથી ધ્વનિમાં ધ્રુવીભવનનું મહત્વ બહુ ઓછું છે. જ્યારે પ્રકાશ અને ધ્વનિ એકસાથે ઉત્પન્ન કરવામાં આવે છે ત્યારે ચોક્કસ સ્થાને પહોંચવામાં તેની વચ્ચે થતો કાળનો તફાવત ઘણી વખત નોંધી શકાય છે અને તે પરથી ધ્વનિનું ઉદભવસ્થાન જાણી શકાય છે. બંદૂકનો અવાજ અને ઝબકારો, બૉમ્બનું ફૂટવું, વીજળી અને ગડગડાટ આનાં ઉદાહરણ છે.

ધ્વનિ અને પ્રકાશમાં મૂળભૂત તફાવત હોવા છતાં પણ પ્રકાશીય અસરમાં પરાવર્તન, વક્રીભવન અને વિવર્તન(diffraction)ને મળતા આવતા પ્રયોગો, ધ્વનિવિજ્ઞાનમાં પણ જોવા મળે છે.

વિદ્યુતઅસર (electrical effect) : ધ્વનિવિદ્યુત અસર એટલે ધ્વનિનું વિદ્યુતચુંબકીય તરંગમાં નિરૂપણ. ધ્વનિના સંગત તરંગના આલેખનું નિરૂપણ લંબગત તરંગના જેવું જ લેવામાં આવે છે. સંઘનનને ‘શૃંગ’ (crest) અને વિઘનનને ‘ગર્ત’ (trough) તરીકે દર્શાવી સંગત તરંગનું સ્વરૂપ મેળવી શકાય છે. તરંગગતિ ઊર્જાપ્રસારણની ક્રિયા છે. ધ્વનિવિદ્યુત અસરમાં પણ આ ઘટના ભાગ ભજવે છે.

ધ્વનિનું વિદ્યુતચુંબકીય અસર વડે આલેખન તથા પુનરુત્પાદન કરી શકાય છે. આ અસરમાં માઇક્રોફોનથી મળતો વિદ્યુતપ્રવાહ વિવર્ધિત કરીને વિદ્યુતચુંબકોને આપવામાં આવે છે અને તેના ધ્રુવો વચ્ચેથી પોલાદની પટ્ટી પસાર કરવામાં આવે છે, જેથી પટ્ટીને લંબદિશામાં ચુંબકત્વ આપી શકાય છે. પુનરુત્પાદન માટે આ પટ્ટીને બે ગૂંચળાંઓમાં થઈને પસાર કરવામાં આવે છે. તેમાં અનુરૂપ પ્રેરિત વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન થાય છે, જેને વિવર્ધિત કરી મૂળ ધ્વનિ મેળવી શકાય છે. આ, ધ્વનિની વિદ્યુતઅસર છે. ઘણાં ઉપકરણમાં ધ્વનિની વિદ્યુત અસર જોવા મળે છે. આ પ્રકારે ધ્વનિની આપ-લે સરળ બને છે.

શ્રાવ્યસીમા : આપણે જાણીએ છીએ કે બે વ્યક્તિએ એકબીજીને સાંભળવા માટે પરસ્પર નજીક આવવું પડે છે. બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત સાંભળવા માટે માધ્યમ જરૂરી છે. ધ્વનિ મુખ્યત્વે હવાના માધ્યમમાં પ્રસરણ પામે છે. જ્યાં હવા ન હોય ત્યાં એટલે કે શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરી શકતો નથી. ધ્વનિની આ મુખ્ય સીમા છે. ધ્વનિ સામાન્ય તાપમાને અને દબાણે 332 મી. પ્રતિસેકન્ડ વેગથી ગતિ કરે છે. આની સરખામણીમાં દરિયાના પાણીમાં ધ્વનિનો વેગ 1,531મી./સેકન્ડ અને સ્ટીલમાં 5,200મી./સેકન્ડ છે. ધ્વનિના વારંવાર પરાવર્તન કે પારગમનને કારણે ધ્વનિ-ઊર્જામાં ઘટાડો પણ થાય છે અને થોડા સમય પછી ધ્વનિ શમી જાય છે.

ધ્વનિના તરંગો યાંત્રિક (mechanical) તરંગો છે. આવા યાંત્રિક સંગત તરંગોની શ્રાવ્યસીમા તેમની આવૃત્તિ અનુસાર નક્કી કરવામાં આવી છે. જે ધ્વનિની આવૃત્તિ 20થી 20,000 સાઇકલ પ્રતિ સેકન્ડ (c/s) (હર્ટ્ઝ, Hz) વચ્ચે હોય, તેવા ધ્વનિ માનવના કાન ઉપર સંવેદના કે શ્રાવ્ય અસર ઉપજાવી શકે છે. એટલે કે તેવો ધ્વનિ તે સાંભળી શકે છે. આ ધ્વનિ-આવૃત્તિને ‘શ્રાવ્ય આવૃત્તિ સીમા’ કહે છે. શ્રાવ્ય આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળી ધ્વનિસીમાને અવશ્રાવ્ય (infrasonic) સીમા’ કહે છે. આ પ્રકારનો ધ્વનિ માનવ સાંભળી શકતો નથી. સામાન્ય વાતચીત દરમિયાન માનવી 1,000થી 3,000 સાઇકલ પ્રતિ સેકન્ડની આવૃત્તિવાળો ધ્વનિ ઉત્પન્ન કરતો હોય છે. ઇન્ફ્રાસૉનિક ધ્વનિ મોટાં ઉદભવસ્થાનોમાંથી મળે છે. ધરતીકંપના ધ્વનિ ઇન્ફ્રાસૉનિક પ્રકારના છે

શ્રાવ્ય આવૃત્તિ (20,000 હર્ટ્ઝ) કરતાં વધારે આવૃત્તિવાળી સીમાને પરાશ્રાવ્ય કે ‘અલ્ટ્રાસૉનિક (સુપરસૉનિક)’ સીમા કહે છે. સુપરસૉનિકમાં ધ્વનિનો વેગ 1,200 કિમી. પ્રતિકલાકથી વધુ વેગથી ગતિ કરતા પદાર્થ માટે છે. સુપરસૉનિક વિમાન એ આવૃત્તિની આ સીમા પરથી ઓળખાય છે. અલ્ટ્રાસૉનિક ધ્વનિનું ઉત્પાદન કરવા પાઇઝોઇલેક્ટ્રિક કે મૅગ્નેટોસ્ટ્રિક્શન પદ્ધતિ અપનાવાય છે. પંખીઓ અને કૂતરાં 20,000 હર્ટ્ઝ પ્રતિસેકન્ડ કરતાં પણ વધુ આવૃત્તિથી ઉત્પન્ન થતા ધ્વનિને સાંભળી શકે છે.

ધ્વનિ અંતરાય (sound barrier) : હવાઈ જહાજની ઝડપ અવાજની ઝડપ જેટલી થવા જાય ત્યારે વાયુગતિક ખેંચાણ(aerodynamic drag)માં થતો તીક્ષ્ણ (sharp) વધારો. વિમાન ધ્વનિની ઝડપ કરતાં વધુ વેગ પ્રાપ્ત કરે ત્યારે તે ધ્વનિ અંતરાય ઓળંગે છે તેમ કહેવાય છે. વસ્તુની ઝડપ અને અવાજની ઝડપના ગુણોત્તરને મૅક અંક (mach number) વડે દર્શાવાય છે. 1940 સુધી આ અંતરાય ઓળંગવાના ઘણા પ્રયત્નો થયા હતા પણ તેમાં વિમાનોને નુકસાન પહોંચ્યું હતું. 14 ઑક્ટોબર, 1947ના રોજ યુ. એસ. ઍરફોર્સના કૅપ્ટન ચાર્લ્સ યિગેરે બેલ X-1 નામના વિમાન દ્વારા આ અંતરાય સર્વપ્રથમ તોડ્યો (ઓળંગ્યો) હતો.

વિમાન જ્યારે સૉનિક ઝડપ(sonic speed)થી ઓછી ઝડપે ઊડતું હોય ત્યારે તેનાથી ઉદભવતા દાબતરંગો (pressure waves) અથવા ધ્વનિતરંગો વિમાન કરતાં વેગીલાં હોઈ વિમાનની આગળ પ્રસરી જાય છે. પણ વિમાનની ઝડપ સૉનિક ઝડપ જેટલી થાય ત્યારે તરંગો તેના માર્ગમાંથી ખસી જતા નથી. આથી વિમાનના માળખા અને પાંખો પર ઉગ્ર (strong) પ્રઘાતી તરંગો (shock waves)  ઉત્પન્ન થાય છે. પરિણામે વિમાનની આસપાસ હવાનો પ્રવાહ વિક્ષોભ અનુભવી અસ્થિર બને છે અને ઉડાણ(flight)ની ગુણવત્તા તથા નિયંત્રણને અસર પહોંચે છે. સુપરસૉનિક ઉડાણ માટે યોગ્ય રીતે ડિઝાઇન થયેલા વિમાનને આને લીધે બહુ મુશ્કેલી પડતી નથી પણ સબસૉનિક પ્રચાલન માટે બનાવેલાં વિમાનો માટે તે જોખમકારક/ભયજનક બની જાય છે. જ્યારે પ્રઘાતી તરંગો તેમના ઉપરથી પસાર થાય ત્યારે જમીન ઉપર રહેલા લોકો આવે વખતે સુપરસૉનિક બૂમ (boom) નામનો ભારે ઘોંઘાટ સાંભળે છે. બારીબારણાંના કાચ પણ તેને લીધે તૂટી જાય છે.

ધ્વનિનો ઉપયોગ : ભૂભૌતિક વિજ્ઞાનીઓ ધ્વનિનો ઉપયોગ ખનિજો અને પેટ્રોલિયમના અન્વેષણ માટે કરે છે. આ માટે જમીન ઉપર અથવા સપાટીથી સહેજ નીચે નાનો ધડાકો કરવામાં આવે છે. આથી ઉત્પન્ન થયેલા ધ્વનિતરંગો નીચે રહેલા શૈલ સ્તરો (rock layers) પરથી પરાવર્તન પામે છે. આ તરંગોને પાછા ફરવા માટે લાગતો સમય અને તેના પડઘા પરથી દરેક શૈલ સ્તરના પ્રકાર અને તેની જાડાઈ સંબંધી માહિતી મળે છે અને તે રીતે ખનિજ કે તેલધારક ખડકરચનાનો ખ્યાલ આવી શકે છે. સોનાર નામની પ્રયુક્તિ દ્વારા પાણી નીચે આવેલી સબમરીન કે અન્ય વસ્તુઓ સંબંધી માહિતી મળી શકે છે. માછલીના સ્તોમ (shoal) શોધવા પણ સોનાર પ્રણાલી ધરાવતાં વહાણો વપરાય છે.

ઘડિયાળ કે અન્ય નાજુક યંત્રો સાફ કરવા અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ થાય છે. ધાતુઓ, પ્લાસ્ટિક અને અન્ય પદાર્થોની ચકાસણી માટે પણ આ તરંગો વાપરી શકાય છે. આ ધ્વનિ વડે ડૉક્ટરો મગજમાંની ગાંઠ, પિત્તાશ્મરી (gallstones), લિવરના રોગો જેવી ખામીઓની તેમજ ગર્ભમાંના બાળકના વિકાસ અંગેની માહિતી પણ મેળવી શકે છે.

ઘડિયાળ કે અન્ય નાજુક યંત્રો સાફ કરવા અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ થાય છે. ધાતુઓ, પ્લાસ્ટિક અને અન્ય પદાર્થોની ચકાસણી માટે પણ આ તરંગો વાપરી શકાય છે. આ ધ્વનિ વડે ડૉક્ટરો મગજમાંની ગાંઠ, પિત્તાશ્મરી (gallstones), લિવરના રોગો જેવી ખામીઓની તેમજ ગર્ભમાંના બાળકના વિકાસ અંગેની માહિતી પણ મેળવી શકે છે.

સંગીતનું રેકર્ડિંગ કરતી વખતે ઘણી વાર ધ્વનિસ્રોતની આસપાસ બે કે વધુ માઇક્રોફોન જુદી જુદી જગ્યાએ મૂકી રેકર્ડિંગ કરવામાં આવે છે. જો આ બધા રેકર્ડિંગને એકસાથે બરાબર રીતે વગાડવામાં આવે તો તે મૂળ જેવી ગહનતા (depth) અને દિશા ધરાવતો સ્ટીરિયોફોનિક ધ્વનિ ઉત્પન્ન કરે છે.

પરેશ પંડ્યા