ધ્રુવ, હરિલાલ હર્ષદરાય

March, 2016

ધ્રુવ, હરિલાલ હર્ષદરાય (જ. 10 મે 1856, બહિયેલ, સાબરકાંઠા; અ. 29 જૂન 1896) : ગુજરાતના એક સમર્થ વિદ્વાન. તેઓ કવિ, અનુવાદક, સંશોધક, પુરાતત્વવિદ અને સંપાદક હતા. 1870માં મૅટ્રિક, 1873માં બી.એ. થયા. 1880માં એલએલ.બી. 1881થી ’84 સુધી શિક્ષક. 1884થી સૂરતમાં વકીલાત. વડોદરામાં ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ. પુરાતત્વવિષયક સંશોધનલેખોને લીધે 1889માં સ્ટૉકહોમની ઓરિયેન્ટલ કૉન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિ તરીકે તેમણે ‘રેખાગણિત’ વિશે નિબંધ રજૂ કર્યો હતો. આ સંસ્થા તેમજ બર્લિન યુનિવર્સિટી દ્વારા તેમને પીએચ.ડી.ની માનાર્હ પદવી એનાયત થઈ હતી. પ્રાચ્યવિદોની પરિષદમાં તેમણે ‘ભવાઈ’ વિશે અંગ્રેજીમાં નિબંધ રજૂ કર્યો હતો. પ્રાચીન તામ્રપત્રો અને શિલાલેખોના સંશોધનમાં એમણે ઘણો રસ લીધો હતો. કેશવ હર્ષદ ધ્રુવના તેઓ મોટા ભાઈ હતા. ‘ચન્દ્ર’ નામક સાહિત્યિક માસિકના  તેઓ તંત્રી હતા.

હરિલાલ હર્ષદરાય ધ્રુવ

‘કુંજવિહાર’ (1895) અને ‘પ્રવાસપુષ્પાંજલિ’ (1909) એમના કાવ્યસંગ્રહો છે. શૃંગાર, દેશભક્તિ, પ્રકૃતિપ્રેમ અને પૌરાણિક વિષયો તેમાં નિરૂપાયા છે. એમની દેશપ્રેમની કવિતામાં નર્મદની કાવ્યરીતિનું અનુસરણ જોવા મળે છે. ‘પ્રજારણગર્જન’ અને ‘શૂરતરંગિણી’ નાં કાવ્યોમાં દેશપ્રેમની છાલક અનુભવાય છે. ‘કુંજવિહાર’ સંગ્રહને તેમણે ત્રણ ભાગમાં વહેંચી દરેક ભાગનું નામ ‘વિલાસ’ રાખ્યું છે. એમનાં શૃંગારવિષયક કાવ્યોમાં મિલન અને વિરહની લાગણીઓનું પરંપરા પ્રમાણેનું નિરૂપણ છે. એમાં તાજગી અનુભવાતી નથી. ‘પ્રવાસપુષ્પાંજલિ’માં કવિએ જોયેલી-અનુભવેલી યુરોપની પ્રાકૃતિક રમ્યતા અને ભવ્યતા વ્યક્ત થઈ છે. ચિત્રાત્મકતા તેમની આ કવિતાની આગવી વિશેષતા છે. એમનું ‘રાત્રિવર્ણન અને મધુરાકાશદર્શન’ ભવ્ય પ્રકૃતિ-નિરૂપણનું નોંધપાત્ર ર્દષ્ટાંત છે. ‘શાન્ત સ્વસ્થ કેસરી’ અને ‘વિકરાળ વીર કેસરી’ ચિત્રો અને શિલ્પો જોઈ સ્ફુરેલાં કાવ્યો છે. યુરોપમાં ફરતાં ફરતાં પણ કવિને માતૃભૂમિનું વારંવાર સ્મરણ થાય છે. એમણે મેઘદૂત શૈલીમાં ‘માલતીસંદેશ’ નામક રચના કરી છે. એમની શૈલીમાં બળ છે, પણ ક્યારેક એમની પદાવલી કૃતક અને આયાસી પણ લાગે છે. ઉદગારચિહનો અને પ્રશ્નાર્થચિહનોનો અતિરેક એમની કવિતામાં વળગણ બની જાય છે.

‘આર્યોત્કર્ષ’ અને ‘વિક્રમોદય’ તેમની નાટ્યકૃતિઓ છે. ‘પ્રાચીન સાહિત્ય રત્નમાળા’માં એમનું સંશોધન પ્રગટ થયું છે. 1893નાં ‘વિલ્સન ફિલોલૉજિક્લ લેક્ચર્સ’ એમણે મુંબઈ યુનિવર્સિટીમાં આપ્યાં હતાં. ‘આહારમીમાંસા’ અને ‘આહારમીમાંસા તથા નિર્ણય’ નામક નિબંધોમાં તેમણે માંસાહારનું ખંડન અને શાકાહારનું મંડન કર્યું છે. આ ઉપરાંત એમણે ‘અમરુશતક’ અને ‘શૃંગારતિલક’ના પ્રાસાદિક ભાવાનુવાદો પણ આપ્યા છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ