ધારાસભા (1935) : ગુજરાતી એકાંકી. લેખક ચંદ્રવદન મહેતા. ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ સંગ્રહમાં પહેલી વાર પ્રકાશિત અને કુલ ત્રણ ર્દશ્યો અને તેર પાત્રો ધરાવતી આ કટાક્ષિકાના પ્રથમ ર્દશ્યમાં નવા બનેલા મિનિસ્ટરના ભાણાને કાંટો વાગે છે. વ્યવહારમાં, આચારમાં બધાંમાં બધું બધી રીતે બંધારણપૂર્વક થવું જોઈએ એવી માન્યતા ધરાવતા મિનિસ્ટર પોતાના ભાણાને વાગેલા કાંટાની તાત્કાલિક સારવાર કરાવવાની જગ્યાએ કાંટો કેમ વાગ્યો, કેવી રીતે વાગ્યો, ક્યાં વાગ્યો, શું કરતાં વાગ્યો, ક્યાંથી વાગ્યો વગેરે બાબતો અંગે તપાસસમિતિ નીમે છે અને દર્દથી પીડાતા ભાણાભાઈને ક્લૉરોફૉર્મ સૂંઘાડી સુવાડી રાખે છે. બીજા ર્દશ્યમાં તપાસસમિતિ પોતાનો અહેવાલ આપે છે. કાંટો દૂર કરવા કોની સારવાર લેવી તે અંગે દાક્તર અને વૈદ્ય વચ્ચે ઝઘડો થતાં તપાસસમિતિ આટોપી લેવામાં આવે છે. ત્રીજા ર્દશ્યમાં ભાણાભાઈ સારવારના અભાવે મૃત્યુ પામે છે. ટાંકણી લઈને મીણનું ટપકું મૂકી કાંટો કાઢી લેવાને બદલે રિપોર્ટ અને કમિશનની ઝંઝટમાં પડેલા મિનિસ્ટરની ગામથી આવેલા મોટા કાકા ઝાટકણી કાઢે છે. કાંટાના કિસ્સાએ અનુભવનું ભાથું બાંધી આપ્યું એવા હરખ અને ભાણો બંધારણપૂર્વક ના મર્યો તેવા વસવસા સાથે એકાંકી પૂરું થાય છે. પાત્રોચિત ભાષા, પારસી અને ભરૂચી વહોરાની બોલીનો નાટ્યાત્મક વિનિયોગ, વેગીલું કથાવસ્તુ અને ધારદાર કટાક્ષ – આ બધાંને લીધે આજે 60 વર્ષ પછી પણ એટલા જ લોકપ્રિય એવા આ એકાંકીના સ્વયં નાટ્યકારે અને અન્ય અનેક નામીઅનામી દિગ્દર્શકોએ અસંખ્ય પ્રયોગો કર્યા છે.

મહેશ ચંપકલાલ શાહ