ધાતુપાઠ : સંસ્કૃત વ્યાકરણનું એક અંગ. સંસ્કૃત ભાષામાં મુખ્ય ચાર પ્રકારનાં પદો છે : નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત. આ પૈકી આખ્યાત પદો એટલે કે ક્રિયાપદોની પ્રકૃતિ (મૂળ) એવા ધાતુઓનો તેમના અર્થની સાથેનો પાઠ કે સૂચિ તે ધાતુપાઠ કહેવાય છે. વિભિન્ન सं. વ્યાકરણોના વિભિન્ન ધાતુપાઠ મળે છે. સૌથી વધારે પ્રસિદ્ધ ધાતુપાઠ પાણિનીય વ્યાકરણનો છે. એમાં દશ ગણ છે અને લગભગ બે હજાર જેટલા ધાતુઓનો સમાવેશ થાય છે. અહીં ધાતુઓના અર્થ પણ આપવામાં આવ્યા છે; જેમ કે, गम्लृ (गम् > गच्छ्) गतौ અર્થાત્ गम् એ ધાતુ ‘જવું’ એવા અર્થમાં છે, વગેરે.

કેટલાક વિદ્વાનો પાણિનીય ધાતુપાઠમાંના અર્થનિર્દેશને ભીમસેન કે બીજા કોઈ પછી થયેલા વિદ્વાનની રચના માને છે. ધાતુપાઠના લઘુ અને બૃહત એવા બે પાઠોની પણ સંભાવના વિદ્વાનોએ કરી છે. ધાતુપાઠ ઉપર ‘માધવીય ધાતુવૃત્તિ’, ‘ધાતુપ્રદીપ’ વગેરે વૃત્તિગ્રન્થો પણ લખાયા છે. પાણિનિ પૂર્વે પણ કેટલાક ધાતુપાઠો પ્રચલિત હતા, જે પૈકી અત્યારે એકમાત્ર કાશકૃત્સ્નનો ધાતુપાઠ મળે છે. ગુજરાતના સંસ્કૃત વૈયાકરણ હેમચન્દ્રાચાર્યનો પણ ધાતુપાઠ ઉપલબ્ધ છે.

કમલેશ ચોકસી