દ્રવ્ય : વૈશેષિક દર્શન અને તર્કશાસ્ત્ર અનુસાર ગુણ અને ક્રિયા જેના આધારે રહેલાં હોય તેવો પ્રથમ પદાર્થ. દ્રવ્યત્વ જાતિ જેમાં સમવાય સંબંધથી રહેલી હોય તેનું નામ દ્રવ્ય. સૈદ્ધાન્તિક રીતે દ્રવ્ય ઉત્પત્તિની પ્રથમ ક્ષણે નિર્ગુણ અને નિષ્ક્રિય હોય છે. તે પછી બીજી ક્ષણથી સગુણ અને સક્રિય બને છે. વૈશેષિક દર્શને માન્ય રાખેલા છ પદાર્થોમાં તે સૌથી વધુ મહત્વનો છે તેથી તેને સર્વપ્રથમ પદાર્થ તરીકે મૂક્યો છે. તેમના મતે દ્રવ્યના નવ પ્રકારો છે. તેમાં (1) પૃથિવી, (2) જળ, (3) તેજ, (4) વાયુ, (5) આકાશ, (6) કાળ, (7) દિશા, (8) આત્મા અને (9) મન એ નવને ગણાવવામાં આવ્યાં છે. આ નવ દ્રવ્યોમાં પૃથિવી, જળ, તેજ અને વાયુ એ ચાર બહિર્દ્રવ્યો છે, બાકીનાં પાંચ અંતદ્રવ્યો છે. વળી એમાં પૃથિવી, જળ અને તેજ એ ત્રણ દ્રવ્યો બે ઇન્દ્રિયો વડે પણ ગ્રહણ કરી શકાય તેવાં છે. ઉપરાંત, પૃથિવી, જળ, તેજ અને વાયુ એ ચાર દ્રવ્યોના પરમાણુઓ તથા આકાશ, કાળ, દિશા, આત્મા અને મન એ બધાં નિત્ય દ્રવ્યો છે, જ્યારે પૃથિવી, જળ, તેજ અને વાયુ – એ ચાર દ્રવ્યોના દ્વયણુકથી માંડીને મહત્ સુધીનાં તમામ સ્વરૂપો અનિત્ય દ્રવ્યો ગણાયાં છે.

વ્યાકરણશાસ્ત્રમાં દ્રવ્ય બોલનાર માણસની ઇચ્છા મુજબ અપાયેલી ઉપાધિ છે કે જેમાં દ્રવ્યવાચક કે સંજ્ઞાવાચક કે નામવાચક કે યર્દચ્છાવાચક શબ્દોનો સંકેત રહેલો છે. ભિન્ન ભિન્ન વૈયાકરણોએ ‘દ્રવ્ય’ શબ્દ જુદા જુદા અર્થોમાં પ્રયોજ્યો છે. છેક તૈત્તિરીય પ્રાતિશાખ્યમાં દ્રવ્ય શબ્દને સાધનાના અર્થમાં પ્રયોજ્યો છે. યાસ્ક અને પાણિનિ જેવા વૈયાકરણો દ્રવ્ય શબ્દને ‘સત્વ’ શબ્દનો પર્યાય ગણે છે. તેમને મતે ‘દ્રવ્ય’ શબ્દ ક્રિયાનો વિરોધી છે. અન્ય વૈયાકરણો પણ દ્રવ્ય શબ્દને નામ કે સંજ્ઞા કે યચ્છાનો પર્યાય છે. પદાર્થનો પ્રાણપ્રદ સિદ્ધ વસ્તુધર્મ એટલે જાતિ, પદાર્થનો વિશેષાધાયક સિદ્ધ વસ્તુધર્મ એટલે ગુણ, પદાર્થનો સાધ્ય વસ્તુધર્મ  ક્રિયા અને પદાર્થનો બોલનાર માણસે ઇચ્છા મુજબ બહારથી આપેલો ઓળખવા માટેનો ધર્મ એટલે દ્રવ્ય (સંજ્ઞા, નામ કે યર્દચ્છા) એ ચાર પ્રકારની ઉપાધિમાંથી ગમે તે એક ઉપાધિમાં પ્રત્યેક શબ્દનો સંકેત હોય છે એમ પતંજલિ વગેરે વૈયાકરણો માને છે. તે જાત્યાદિવાદ એવા નામે ઓળખાય છે. શબ્દનો જે ઉપાધિમાં સંકેત હોય તે  જાતિવાચક, ગુણવાચક, ક્રિયાવાચક કે દ્રવ્યવાચક શબ્દ તરીકે ઓળખાય છે. આમ ચાર પ્રકારના શબ્દો પણ પતંજલિ વગેરે વૈયાકરણો માને છે.

પ્ર. ઉ. શાસ્ત્રી