દ્રવ્યનું અપહરણ : સામ્રાજ્યવાદીઓ દ્વારા તેમના રાજકીય વર્ચસ હેઠળની વસાહતોની સંપત્તિ ખેંચાઈ ગઈ તે. દાદાભાઈ નવરોજી (1825–1917)એ તેમના ‘પૉવર્ટી ઍન્ડ અન-બ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા’ નામક ગ્રંથમાં આ અંગેનો સિદ્ધાંત સૌપ્રથમ રજૂ કર્યો હતો. આ સિદ્ધાંત દ્વારા તેમણે સાબિત કરી બતાવ્યું હતું કે બ્રિટિશ શાસકોએ ભારતની પ્રજાના આર્થિક શોષણ દ્વારા દેશની સંપત્તિની જે લૂંટ ચલાવી હતી તે માત્ર ભારત માટે જ નહિ; પરંતુ ખુદ ઇંગ્લૅંડ માટે પણ વિનાશકારી હતી. ઊંચા કરવેરા  ભારતની પ્રજાનું તીવ્ર શોષણ કરી આ દેશના ધનને ભારતમાંથી ખેંચી જવાની તેમની નીતિ દેશની ગરીબી માટેનું મુખ્ય કારણ હતું એવું તેમણે પ્રતિપાદિત કર્યું હતું. તેમની એવી દલીલ હતી કે દેશની સંપત્તિનો ઉપયોગ દેશના આર્થિક વિકાસ માટે કરવાને બદલે જ્યારે તે સંપત્તિ વિદેશમાં ખેંચાઈ જાય ત્યારે તે દેશ ક્રમશ: વધુ ને વધુ ગરીબ થતો જાય છે, કારણ કે આને લીધે આર્થિક વિકાસ માટે ઉપયોગી એવાં સાધનોનો જથ્થો તે દેશમાં સતત ઘટતો જાય છે. તેમની ગણતરી મુજબ  1900 સુધી આ દેશમાંથી બે કરોડ પાઉન્ડ મૂલ્યની સંપત્તિનું વિદેશી શાસકોએ અપહરણ કર્યું હતું, જેમાં ભારતની તિજોરીમાંથી બ્રિટિશ શાસકોએ ઇંગ્લૅન્ડ મોકલેલાં નાણાં, બ્રિટિશ અમલદારોએ તેમની આવકમાંથી તેમના દેશમાં મોકલેલાં નાણાં તથા બિનસરકારી વિદેશીઓએ દેશની બહાર મોકલેલા દ્રવ્યનો સમાવેશ થાય છે. દાદાભાઈ નવરોજીની એવી પણ દલીલ હતી કે અપહરણ દ્વારા બહાર મોકલેલાં નાણાં મૂડી રૂપે ભારતમાં પાછાં લાવી આ સામ્રાજ્યવાદીઓએ ભારતના અર્થતંત્ર પરની તેમની પકડ વધુ મજબૂત કરી હતી. આ સમગ્ર પ્રક્રિયાને તેમણે બેવડી ધાર  ધરાવતા શસ્ત્ર તરીકે ઓળખાવી હતી.

તેમના આ સિદ્ધાંત પર વિખ્યાત અર્થશાસ્ત્રી જે. એસ. મિલ-(1773–1836)ની વિચારસરણીનો પડઘો પડ્યો હોય તેમ લાગે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે