દ્રવ્યગુણવિજ્ઞાન

આયુર્વેદ-અંતર્ગત ઔષધવિજ્ઞાન. આયુર્વેદનું વર્ણન ‘ત્રિસૂત્ર’ રૂપે કરવામાં આવ્યું છે. આ ત્રણ સૂત્રમાં હેતુ, લિંગ અને ભેષજ છે. તંદુરસ્ત અને રોગી બંનેના હેતુ એટલે કારણો, લિંગ એટલે લક્ષણો અને ભેષજ એટલે ઔષધ. આ ભેષજ એટલે દ્રવ્ય અથવા ઔષધદ્રવ્ય. આ દ્રવ્યના વિજ્ઞાનને ‘દ્રવ્યગુણવિજ્ઞાન’ કહે છે. આ ઔષધદ્રવ્ય વાનસ્પતિક કે ખનિજ હોય છે. આ દ્રવ્યો કેવા ગુણવાળાં છે. તેનો રસ કેવો છે, તેનો વિપાક કેવો છે, તેનું વીર્ય કેવું છે, તેનો પ્રભાવ કેવો છે વગેરેનું વિશેષજ્ઞાન તે દ્રવ્યગુણવિજ્ઞાન છે. આધુનિક આયુર્વિજ્ઞાનના ચિકિત્સાશાસ્ત્રમાં જેને ‘મટીરિયા મેડિકા’ કહે છે અથવા ફાર્મકૉલૉજી કહે છે, તે ‘ઔષધવિજ્ઞાન’ને ‘દ્રવ્યગુણવિજ્ઞાન’ કહે છે. અગાઉ ગુરુ-પદ્ધતિ કે આશ્રમોમાં અધ્યયન-અધ્યાપનમાં આ વિષયને ‘નિઘંટુ’ કહેવામાં આવતો હતો.  આ અંગેનાં પુસ્તકોને ‘નિઘંટુ’ કહેવાતાં. ‘મદનપાલનિઘંટુ’, ‘રાજનિઘંટુ’, ‘ધન્વન્તરિનિઘંટુ’ વગેરે પ્રચલિત નિઘંટુ ગ્રંથો છે. આધુનિક સમયમાં બાપાલાલભાઈ ગ. શાહે ‘નિઘંટુ આદર્શ’ નામનું દ્રવ્યગુણનું પુસ્તક લખ્યું છે.

આ દ્રવ્યગુણવિજ્ઞાનમાં દ્રવ્ય, રસ, ગુણ, વીર્ય, વિપાક, પ્રભાવ અને કર્મ એટલા વિષયોનું નિરૂપણ કરવામાં આવે છે. ઉપરાંત ઔષધ, દ્રવ્યની પ્રકૃતિ, તે કયા દેશમાં કે ભૂમિમાં  થયું છે, કઈ ઋતુમાં ઊગ્યું છે કે તે ઉપયોગમાં લેવાયું છે, આ રોગમાં અને આવા પ્રકારના મનુષ્ય માટે આવા પ્રકારના દોષો માટે વપરાય છે વગેરે હકીકતો અંગે વિચારવું જરૂરી છે તેમ મહર્ષિ ચરકે જણાવ્યું છે. ઔષધની પ્રકૃતિ અને ગુણ-પ્રભાવ વિશે વિચાર કરતા પ્રકૃતિવિજ્ઞાનને ફાર્મકૉડાયનેમિક્સ કહે છે. ઔષધ કયા દેશમાં કે ભૂમિમાં ઉત્પન્ન થયું છે, તે વિશે વિચાર કરતા વિજ્ઞાનને ભૂમિવિજ્ઞાન (soil-science) કહે છે. ઋતુ, કાળ, વાતાવરણ વગેરેનો વિચાર કરતા વિજ્ઞાનનો ઇકૉલૉજીમાં સમાવેશ થાય છે. ઔષધસંગ્રહણશાસ્ત્ર(collection-preservation)માં ઔષધ એકઠું કરીને તેની સાચવણી કઈ રીતે કરવી તેનો વિચાર થાય છે. ઔષધનું પ્રમાણ કે માત્રા (doze) વિશે વિચાર કરતા વિજ્ઞાનને ઔષધપ્રમાણનું શાસ્ત્ર (mode  administration) કહે છે. રોગ, રોગી અને દોષને દૂર કરવાની ઔષધની શક્તિનો વિચાર કરતા વિજ્ઞાનને ઔષધિવિજ્ઞાન કે ફાર્મકૉલૉજી કહે છે. આ રીતે ઔષધવિજ્ઞાન સાથે બીજી ઘણી વિજ્ઞાનશાખાઓ સંકળાયેલી છે. તેનો વ્યાપ અથવા વિસ્તાર ખૂબ જ છે.

દ્રવ્યવિજ્ઞાન : જેમાં ગુણ અને કર્મ સમવાયસંબંધથી રહે, તેને દ્રવ્ય કહે છે. આ વ્યાખ્યા આ પ્રકારનાં દ્રવ્યો માટેની વ્યાપક અને તર્કશાસ્ત્રસંમત વ્યાખ્યા છે. સૃષ્ટિની ઉત્પત્તિમાં કારણભૂત દ્રવ્યોનો પણ આમાં સમાવેશ થાય છે અને તેમાંથી ઉત્પન્ન થતાં ઔષધરૂપ દ્રવ્યોનો પણ આવાં દ્રવ્યોમાં તર્કશાસ્ત્રસંમત 9 કારણ-દ્રવ્યોનો સમાવેશ થાય છે.

આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, આત્મા, મન, કાલ અને દિશા આ નવ કારણ-દ્રવ્યોથી સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ  છે, પરંતુ દ્રવ્યગુણવિજ્ઞાનના સંદર્ભમાં સઘળાં દ્રવ્યો પંચભૌતિક છે. જ્યારે આહાર કે ઔષધના રૂપમાં દ્રવ્યોનો ઉપયોગ થાય છે ત્યારે તેમાં આત્મા, મન, કાલ કે દિશા એ ચાર દ્રવ્યો નથી હોતાં, માટે પંચભૌતિક જ હોય છે.

દ્રવ્યોનું વર્ગીકરણ : (1) કારણકાર્યભેદ : આકાશ વગેરે નવ દ્રવ્યો કારણ-દ્રવ્યો છે. હરડે, બહેડાં, આંબળાં,  ચોખા વગેરે કાર્ય દ્રવ્યો છે.

(2) ચેતનઅચેતન ભેદ : વેદના પુરુષસૂક્તમાં સાશન એટલે જે ભોજન કરે છે તે, ‘અનશન’ એટલે જે ભોજન નથી કરતું. આયુર્વેદમાં ‘સાશન’ને ‘સેન્દ્રિય’ અને ‘અનશન’ને ‘નિરિન્દ્રિય’ કહે છે. જેને શ્રવણેન્દ્રિય, રસનેન્દ્રિય વગેરે ઇન્દ્રિયો હોય તે ‘સેન્દ્રિય’ (organic) અને આ ઇન્દ્રિયો – રહિત હોય તે નિરિન્દ્રિય (inorgnic) કહેવાય છે. આધુનિક રસાયનવિજ્ઞાનમાં તે કાર્બનિક-અકાર્બનિક છે.

(ક) ચેતન-દ્રવ્યોના બે પ્રકાર છે : (1) બહિશ્ચેતન : જેમાં બાહ્ય અને આભ્યંતર ચેતના હોય તે; મનુષ્ય, પ્રાણી, પશુ, પક્ષી વગેરે. (2) અંતશ્ચેતન : તેને ‘અંત:સંજ્ઞ’ પણ કહે છે. વનસ્પતિમાં અંતશ્ચેતના હોય છે, મનુષ્ય, પ્રાણી વગેરે જેવી સ્પષ્ટ અભિવ્યક્તિવાળી ચેતના નથી હોતી. સૂર્યમુખી સૂર્યની ગતિને અનુસરી તે તરફ ફરે છે; તેથી તેમાં ચક્ષુરિન્દ્રિય છે, તેવું અનુમાન કરી શકાય. લજામણીના છોડને અડવાથી તેનાં પાન સંકોચાય છે. તેથી તેમાં સ્પર્શેન્દ્રિય છે તેવું માની શકાય. આ પ્રમાણે અલગ અલગ ઇન્દ્રિયોનાં ઉદાહરણો મળી રહે છે, પરંતુ દરેકમાં બધી ઇન્દ્રિયો નથી હોતી.

(ખ) અચેતન-દ્રવ્યો : અચેતન એટલે જડ  નિરિન્દ્રિય દ્રવ્યો. સોનું, રૂપું, અભ્રક, પારો વગેરે અચેતન છે.

(3) યોનિભેદ : યોનિ એટલે ઉત્પત્તિસ્થાન. તેના ત્રણ પ્રકાર છે : (અ) જંગમ, (આ) ઔદિ અને (ઇ) પાર્થિવ.

(અ) જંગમ દ્રવ્યો : જે ગતિ કરે છે તે જંગમ. પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે. આ જંગમ દ્રવ્યોના 4 ભેદ  : (1) જરાયુજ, (2) અંડજ, (3) સ્વેદજ અને (4) ઉદ્ભિજ.

(1) જરાયુજ : જે પ્રાણીનો જન્મ ગર્ભાશયમાં જરાયુ એટલે ઑર (placenta) દ્વારા પોષણ મેળવ્યા બાદ થાય તેને જરાયુજ કહે છે. મનુષ્ય, ચોપગાં પ્રાણી વગેરે જરાયુજ છે.

(2) અંડજ : જેમનો જન્મ ઈંડામાંથી થાય તેને અંડજ કહે છે. પક્ષી, સાપ  અંડજ છે.

(3) સ્વેદજ : મનુષ્ય વગેરેના પરસેવામાંથી કે જમીનની ગરમીથી થાય તેને સ્વેદજ કહે છે. કૃમિ, કીટ, જૂ, લીખ વગેરે.

(4) ઉદ્ભિજ : જે જમીનમાં થોડો સમય રહી, જમીનને ભેદીને બહાર આવે છે તેને ઉદ્ભિજ કહે છે. ગોકળગાય, અળસિયું વગેરે.

(આ) ઔદિભદ : જે દ્રવ્ય જમીનને ભેદીને બહાર  છે તેને ઔદિભદ કહે છે. ઔદિભદ દ્રવ્યોના ચાર ભેદ છે : (1) વનસ્પતિ, (2) વાનસ્પત્ય, (3) ઔષધિ, (4) વીરુધા.

(1) વનસ્પતિ :  અપુષ્પ ઔદિભદને વનસ્પતિ કહે છે. જેને પુષ્પ વગર ફળ આવે છે તેને વનસ્પતિ કહે છે. વડ, ઉંબરડો વગેરેને ફૂલ પછી ફળ આવવાના બદલે અને અલગ દેખાવાના બદલે પુષ્પ અને ફળ સ્પષ્ટ અલગ દેખાતાં નથી. પુષ્પ અને ફળ ઘણાં નાનાં હોય છે. તેના ટેટા લાલ થાય ત્યાં સુધીમાં ફૂલ પક્વ થઈ ફળમાં પરિવર્તિત થઈ જાય છે. તેથી ફૂલ વગર ફળ આવ્યાં હોય તેમ કહેવાય છે. અહીં અપુષ્પ શબ્દનો અર્થ પુષ્પ ન હોવું તેના સ્થાને થોડું કે નાનું હોવું  કરવો જોઈએ. urticaceae કુળની વનસ્પતિ આ પ્રકારની છે. મયૂરશિખા, હંસપદી વગેરે પુષ્પ વગરની  cryptogamia વર્ગની છે.

(2) વાનસ્પત્ય :  વૃક્ષ – જેમાં પુષ્પ અને ફળ સ્પષ્ટ રીતે જણાય તેવાં વૃક્ષ ઔદિ વાનસ્પત્ય અથવા વૃક્ષ કહેવાય છે. આંબો, જાંબુ, સરગવો વગેરે આ પ્રકારમાં આવે છે.

(3) ઔષધિ : જેમાં ફળ આવ્યાં પછી પાકી જતાં જેનો પાકીને નાશ થાય છે તે ઔષધિ છે. ઘઉં, ચોખા, બાજરો વગેરે આ વર્ગનાં છે.

(4) વીરુધા : જે વેલની જેમ દેખાય તથા ગોળાકાર હોય તે વીરુધા કે ગુલ્મ કહેવાય છે. ગળો, હાડસાંકળ વગેરે વીરુધા છે.

(ઇ) પાર્થિવ : પૃથ્વીના વિકારરૂપ જે દ્રવ્યો છે તેને પાર્થિવ કહે છે. સોનું, રૂપું, અભ્રક, સુવર્ણમાક્ષિક વગેરે ખનિજ-દ્રવ્યો આ પ્રકારનાં છે. તેને ખોદીને કાઢવામાં આવે છે. તેથી તેને ખનિજ કહે છે.

(4) ઔષધ અને આહારભેદ : (i) ઔષધ : જે દ્રવ્ય વીર્યપ્રધાન હોય તેને ઔષધ કહે છે. તે વીર્યપ્રધાન હોવાથી ઓછા પ્રમાણમાં લેવામાં આવે છે. જે દ્રવ્ય ઉષ્ણ, તીક્ષ્ણ, શીત  ઉત્કૃષ્ટ ગુણોથી કામ કરે છે તે ઔષધ. તેના પણ વાનસ્પતિક ઔષધ, ખનિજ ઔષધ, વિષૌષધ વગેરે પ્રકારો છે.

(ii) આહાર : જે રસપ્રધાન હોય તે આહાર દ્રવ્ય છે. તેમાં વીર્ય કે શક્તિ કરતાં રસ મુખ્ય છે. તે મુખ્યત્વે પોષણ આપવાનું કામ કરે છે.

આ આહાર દ્રવ્યોના બે પ્રકાર છે :  એકદળ ઘઉં, ચોખા, જવ વગેરે, (2) દ્વિદળ – મગ, તુવેર વગેરે કઠોળ.

આહાર દ્રવ્યોના રસાદિ ભેદથી પ્રકારો છે : (1) રસભેદથી ‘6’ પ્રકારના આહાર હોય છે : (1) મધુર વર્ગ, (2) અમ્લ વર્ગ, (3) લવણ વર્ગ, (4) કટુ વર્ગ, (5) તિક્ત વર્ગ અને (6) કષાય વર્ગ.

(2) વિપાકના પ્રકાર મુજબ  પણ (1) મધુર વિપાકી, (2) અમ્લ વિપાકી અને (3) કટુ વિપાકી એવા ભેદ હોય છે. મધુર અને અન્ય ગુરુ વિપાકી છે અને કટુ–લઘુ વિપાકી છે.

(3) વીર્યના ભેદ અનુસાર આના પણ પ્રકાર છે. શીત અને ઉષ્ણવીર્ય અને અષ્ટવિધ વીર્ય પ્રમાણે.

(4) કર્મભેદથી આટલા પ્રકાર છે : (1) પંચકર્માનુસાર વમનૌષધ, વિરેચનૌષધ, અનુવાસનૌષધ, નિરનહૌષધ, શિરોવિરેચનૌષધ.

(2) 50 મહાકષાય – ચરકે 50 મહાકષાય એટલે 50 દશેમાનિનું વર્ણન કર્યું છે. દરેકમાં 10–10 દ્રવ્યો હોવાથી તેને ‘દશેમાનિ’ નામ આપ્યું છે. આમાં જીવનીય, બૃંહણીય, લેખનીય, ભેદનીય, અંધાનીય, દીપનીય, પાચન, બલ્ય, વર્ણ્ય, કંઠ્ય, હૃદ્ય, તૃપ્તિઘ્ન, અર્શોઘ્ન, ફુસુઘ્ન, કંડૂઘ્ન કૃમિઘ્ન, વિષઘ્ન, સ્તન્યજનન, સ્તન્યશોધન, શુક્રજનન (વાજીકરણ), શુક્રશોધન, સ્નેહોપગ, સ્વેદોપગ,  વમનોપગ, વિરેચનોપગ, આસ્થાપનોપગ, અનુવાસનોપગ, શિરોવિરેચનોપગ, છર્દિનિગ્રહણ, (વમિનિગ્રહણ), હિક્કાનિગ્રહણ, પુરીષસંગ્રહણીય, પુરીષવિરજનીય, મૂત્રસંગ્રહણીય, મૂત્રવિરજનીય, મૂત્રવિરેચનીય, કાસહર, શ્ર્વાસહર, શોથહર, શ્વયથુજનન, જ્વરહર, શ્રમહર, દાહપ્રશમન, શીતપ્રશમન, ઉદર્દપ્રશમન, અંગમર્દપ્રશમન, શૂલપ્રશમન, શોણિતસ્થાપન, વેદનાસ્થાપન, સંજ્ઞાસ્થાપન, પ્રજાસ્થાપન, વય:સ્થાપન આ પ્રમાણે 50 મહાકષાય બતાવ્યા છે.

આ ઉપરાંત સુશ્રુતે ઊર્ધ્વભાગહર, અધોભાગહર, ઉભયભાગહર, વાતસંશમન, પિત્તસંશમન, કફસંશમન વગેરે બતાવ્યા છે.

શાર્ઙ્ગધરે રેચન,  સ્રંસન, પિત્તસારક, શોધન, છેદન, રસાયન, સૂક્ષ્મ, વ્યવાયિ, વિકાશિ, મદ્ય, વિષ, પ્રમાવિ, અભિષ્યંદિ વગેરે પ્રકારનાં દ્રવ્યોની વ્યાખ્યા, ઉદાહરણ વગેરે બતાવ્યાં છે.

ઉપરાંત, આશુકારિ, વિદારી, ચક્ષુષ્ય, કેશ્ય, મેધ્ય, વિમ્લાયન, પાચન દારણ, પુષીકન, શોધન, રોપણ, ઉત્સાદન, અવસાદન, ઉપશોષણ, રોમશાતન, રોમસેજનનને, રક્ષોઘ્ન, સ્વાપજનન, સ્તન્યજનન, સ્તન્યનાશન, અશ્મરનાશન, કોશપ્રશમન વગેરે અનેક પ્રકારનાં કર્માનુસારી દ્રવ્યો બતાવવામાં આવ્યાં છે.

આ પ્રમાણે દ્રવ્યગુણવિજ્ઞાનમાં પ્રમુખ પ્રતિપાદ્ય વિષય દ્રવ્ય છે. તેમાં રસ, ગુણ, વીર્ય, વિપાક, પ્રભાવ, કર્મ વગેરે રહેલાં છે.

રસવિજ્ઞાન : જેનો સ્વાદ લઈ શકાય તે રસ. તે રસનેન્દ્રિયનો વિષય છે. તેથી કહ્યું છે: દ્રવ્યનો રસનેન્દ્રિય સાથે સંબંધ થવાથી તેમાં કયો રસ રહેલો છે તેની ખબર પડે છે.

રસનેન્દ્રિય  દ્રવ્ય પડવાથી તેમાં રહેલા રસ જાણી શકાય છે.

રસ કુલ 6 છે. મધુર એટલે મીઠો, તેને સ્વાદ પણ કહે છે. અમ્લ એટલે ખાટો, લવણ એટલે ખારો, કટુ એટલે તીખો (કડવો નહિ), તિક્ત એટલે કડવો (તીખો નહિ) અને કષાય એટલે તૂરો. આ રીતે મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય.

 પંચમહાભૂત દ્વારા જે રીતે દ્રવ્યની ઉત્પત્તિ થાય છે, તે જ રીતે તેમાંથી 6 રસો પણ બન્યા છે. મધુર રસ જલ અને પૃથિવી મહાભૂતથી, અમ્લરસ અગ્નિ અને પૃથિવીથી, લવણરસ જલ અને અગ્નિથી, કટુરસ અગ્નિ અને વાયુથી, તિક્તરસ વાયુ અને આકાશથી તથા કષાયરસ પૃથિવી અને વાયુથી ઉત્પન્ન થાય છે. આ દરેક રસ  તેમના મહાભૂતો દ્વારા દોષની ઉત્પત્તિ અને શાંતિ કરે છે. મધુર રસ કફને ઉત્પન્ન કરે છે અને બાકીના બે એટલે પિત્ત અને વાયુને શાંત કરે છે. અમ્લરસ પિત્ત અને કફને ઉત્પન્ન કરે છે અને વાયુને શાંત કરે છે. લવણરસ કફની અને પિત્તની ઉત્પત્તિ કરે છે અને વાયુને શાંત કરે છે. કડવો રસ વાયુને ઉત્પન્ન કરે છે અને કફ તથા પિત્તને શાંત કરે છે. કષાય એટલે તૂરો રસ વાયુને વધારે છે અને પિત્ત તથા કફને શાંત કરે છે. આ હકીકતો નીચેના કોઠામાં જોવાથી સરળતાથી સમજી શકાય છે :

ક્રમ રસનું નામ મહાભૂતનું આધિક્ય દોષને વધારે

દોષને શાંત કરે

1 મધુર પૃથિવી, જલ કફ વાત, પિત્ત
2 અમ્લ અગ્નિ, પૃથિવી કફ-પિત્ત વાત
3 લવણ અગ્નિ, જલ કફ-પિત્ત વાત
4 કટુ અગ્નિ, વાયુ વાત, પિત્ત કફ
5 તિક્ત આકાશ, વાયુ વાત પિત્ત, કફ
6 કષાય પૃથિવી, વાયુ વાત પિત્ત, કફ

આ દરેક રસનું યોગ્ય પ્રમાણ ખોરાકમાં લેવાથી લાભ થાય છે. વધુ પ્રમાણમાં રસ લેવાથી તે નુકસાન કરે છે. ષડ્રસાક્ત ખોરાક શ્રેષ્ઠ કહેવાય છે. એક રસનો સતત ઉપયોગ કે અભ્યાસ નુકસાન કરે છે.

રસોના ગુણકર્મો : (1) મધુર રસ : દરેકને જન્મથી જ માતાનું દૂધ મધુર હોવાથી મધુર રસ જન્મથી જ સાત્મ્ય એટલે અનુકૂળ કે પથ્ય છે. તે રસ, રક્ત, માંસ વગેરે તમામ ધાતુઓ અને ઓજને વધારે છે. તે ઇન્દ્રિયોને પ્રસન્ન કરનાર છે. બળ વધારે છે. શરીરની કાન્તિ વધારે છે. આયુષ્ય વધારે છે. વાયુ, પિત્ત અને વિષને શાંત કરે છે. તૃષા એટલે તરસ અને દાહ કે બળતરા શાંત કરે છે. ચામડી, વાળ અને ગળા માટે હિતકારી છે. શરીરનું પોષણ કરનાર છે. ઉર:ક્ષત કે છાતીનું ચાંદું  છે. ભાંગેલ હાડકાને સાંધનાર છે. વાગવાથી, અભિઘાતથી બેભાન થયેલ હોય તેને ભાનમાં લાવનાર છે. જીવન આપનાર છે. તૃપ્તિ અથવા સંતોષ કરનાર, શરીરનું બૃંહણ કરનાર છે. શરીરને મજબૂત કરે છે. સ્નિગ્ધ, શીત, ગુરુ, ગુણવાળો અને સ્તન્ય એટલે ધાવણ વધારનાર છે. આંખોનું તેજ વધારે છે. રસ અને રક્ત ધાતુને  શુદ્ધ કરનાર  છે. બાળક, વૃદ્ધ અને ક્ષતક્ષીણને હિતકર  છે. કૃમિ અને કફ કરનાર છે. આવા લાભ થાય છે, છતાં તે વધુ લેવાથી નીચે મુજબ નુકસાન કરનાર છે.

વધુ પડતો ગળ્યો રસ લેવાથી શરીરને સ્થૂળ એટલે જાડું બનાવે છે. આળસ વધે છે. શરીર મૃદુ એટલે ઢીલું બને છે. ઊંઘ વધારે છે. ખોરાક લેવા ઉપર અરુચિ થઈ જાય છે. મુખ અને કંઠમાં માંસવૃદ્ધિ કરે છે. શ્વાસ (દમ), કાસ (ખાંસી), શરદી, શીતજ્વર, સંજ્ઞાનાશ (બેભાન), અવાજ બેસી જવો, ગલગંડ, ગંડમાલા, અપચી, શ્લીપદ (હાથીપગું), ગળામાં સોજો, કંઠરોગ, નેત્રરોગ, અર્બુદ (ગાંઠ, ઘાતક-કૅન્સર અને અઘાતક–સાદી), ગુદામાં ચીકાશ, નેત્રાર્બુદ, ઉદર્દ (ચામડી પર ચકરડાં  ઊપસી આવવાં), માથાનો દુખાવો, સન્યાસ (મૂર્છા), આનાહ (આફરો), પ્રમેહ, પેટના રોગો, વારંવાર થૂંકવું વગેરે રોગો કરે છે.

(2) અમ્લરસ : ખાટો રસ રુચિ વધારે છે. અગ્નિને પ્રદીપ્ત કરે છે. ઉત્સાહ વધારનાર, મનને ઉત્તેજિત કરનાર, બળ વધારનાર, શરીર વધારનાર, વાયુનું અનુલોમન કરનાર, હૃદયને તૃપ્ત કરનાર, ખાધેલા અન્નને નીચે લઈ જનાર, લાળ વધારે ઉત્પન્ન કરનાર, ઇન્દ્રિયોને મજબૂત કરનાર, પ્રીણન (તૃપ્ત કરનાર), લઘુ, ઉષ્ણ અને સ્નિગ્ધ છે. વ્રણશોથને પકવનાર, વાયુનાશક, પેટમાં વધુ ગરમી કરનાર, અડવાથી ઠંડો લાગે છે પરંતુ ખાવાથી ગરમ અસર કરનાર, ઇન્દ્રિયોને ઉત્તેજિત કરનાર, તર્પણ (સંતોષ આપનાર), વ્યવાયિ (વાજીકર, આનંદ આપનાર) અને કફ કરનાર છે.

વધુ લેવાથી તેની આ પ્રમાણે અસર થાય છે : દાંત અંબાઈ જાય છે, તરસ વધારે છે, આંખો વધુ મીંચાયેલી રહે છે. રોમાંચ થયા કરે છે. તે કફને  પિગાળનાર, પિત્તનો પ્રકોપ કરનાર, રક્ત દૂષિત કરનાર, માંસમાં વિદાહ કરનાર અને શરીરને ઢીલું બનાવનાર છે. ક્ષીણક્ષત, કૃશ અને દુર્બળને સોજા લાવનાર. ક્ષત એટલે વાગ્યું હોય, ઝેરી પ્રાણીનો દંશ હોય, દાઝેલ હોય, હાડકાં ભાંગી ગયેલ હોય, હાડકાં સાંધા ઊતરી ગયાં હોય, ઝેરી પ્રાણી શરીર પર પેશાબ કરી ગયું હોય કે શરીરને અડક્યું હોય, કોઈ અંગ કે અવયવ મસળાયો હોય, કપાયો હોય, ફાટી ગયો હોય, ઊતરી ગયેલ હોય, વીંધાયો હોય, કચડાયો હોય, આ તમામ સ્થિતિમાં પાક કરે છે. કંઠ-છાતી અને હૃદયમાં દાહ કરે છે. ખૂજલી, પાંડુરોગ, આંખોનું તેજ ઝાંખું પડવું, વાગવાથી જે વિદીર્ણ (ચીરો) થયેલ હોય, રક્તપિત્ત, ભ્રમ, તિમિર (મોતિયો), ફોડકા-ફોડકી અને તાવ આવવો વગેરે થાય છે.

(3) લવણ રસ : ખારો રસ પાચન, ક્લેદન, દીપન, શરીરના અવયવોને પોતાની જગ્યાએથી ખસેડનાર, છેદન, ભેદન, તીક્ષ્ણ, અનુલોમન, વિકાશી, પ્રવાહી કરીને વહેવડાવનાર, સ્રોત વગેરેમાં અવકાશ કરનાર, વાતહર, અંગ જકડનાર, સ્રોતોનો અવરોધ અને કઠણપણું દૂર કરનાર છે. બીજા બધા રસોનો વિરોધી, લાળ વધારનાર, કફને પિગાળનાર, સ્રોતોનું શોધન કરનાર, શરીરના તમામ અવયવોને ઢીલા કરનાર, ખોરાકની સાથે ઉપયોગમાં લેતાં થોડો ગુરુ-સ્નિગ્ધ અને ઉષ્ણ છે. સંશોધન, વિશ્લેષણ, શિથિલતા લાવનાર, શોષણ, સ્નેહન, સ્વેદન, લટકતા માંસ વગેરેનું છેદન કરનાર, અનુલોમન, વ્યવાયિ (આનંદ આપનાર), થોડો તીક્ષ્ણ છે.

ખારો રસ વધુ લેવાથી હાનિ થાય છે. તે પિત્ત-પ્રકોપક છે. રક્તની દુષ્ટિ કરનાર, તૃષા–મૂર્છા–તાપ વધારનાર છે. અંગોમાં ચીરા પડે છે. માંસ શિથિલ બને છે. કુષ્ઠમાં અંગોને ગાળનાર, ઝેર શરીરમાં હોય તો વધારનાર છે. તેનાથી સોજા ફાટી જાય છે, દાંત પડી જાય છે, પુરુષત્વનો નાશ થાય છે. ઇન્દ્રિયો પોત-પોતાના કામમાં અશક્ત થવી,  વાળ પાકી જવા, ટાલ પડવી, રક્તપિત્ત, અમ્લપિત્ત, વિસર્પ, વાતરક્ત, વિપર્યિકા, ઇન્દ્રલુપ્ત, ખૂજલી, ઢીમણાં થવાં, સોજા, શરીરનો રંગ બગડવો, ઇન્દ્રિયોમાં સંતાપ, મોઢું આવી જવું, આંખો આવી જવી, ખાધેલામાં વિદાહ થવો, કિટિત્વ નામનો ચામડીનો રોગ થવો, શરીરમાં ખેંચ આવવી, ઘા વધવો, મદ કે નશો વધવો, બળ ઘટવું, ઓજ ક્ષીણ થવું, ફૂલું વગેરે  થાય છે.

(4) કટુ રસ : તે મોઢું ચોખ્ખું કરનાર, જઠરાગ્નિ વધારનાર અને ખાધેલ ખોરાકનું શોષણ કરનાર છે. તેના કારણે નાક આંખમાંથી પાણી પડે છે. ઇન્દ્રિયોને ઉત્તેજિત કરનાર, અલસતા, સોજો, અભિષ્યંદ, માંસ વગેરેની વૃદ્ધિ કરનાર; અભિમાંદ્ય, સ્વેદ, ક્લેદ અને મળનો નાશ કરનાર; રોચક, ખૂજલીનો નાશ કરનાર, ઘામાં ઊપસેલા માંસને  કૃમિઘ્ન, માંસને ખોતરનાર, લોહી જામી ગયું હોય તો તે જમાવ તોડનાર, સ્રોતોમાં જ્યાં–જ્યાં અટકાવ થયો હોય, દોષ જમા થયા હોય તેને દૂર કરનાર, કફનાશક, લઘુ, ઉષ્ણ, રુક્ષ, શોધન કરનાર, સ્થૂલતા, આળસ, કફ, વિષ, કુષ્ઠને દૂર કરનાર, સંધિના બંધને તોડનાર, સ્તન્ય (દૂધ), શુક્ર અને મેદનો નાશ કરનાર, સ્નેહ અને ક્લેદને  મોઢાના રોગો દૂર કરનાર, લેખન (શરીરને પાતળું) કરનાર, તીક્ષ્ણ, ગળાના રોગને દૂર કરનાર છે.

તે વધુ લેવાથી નુકસાન થાય છે. તે વધુ લેવાથી પુરુષત્વનો નાશ કરનાર, મોહ, ગ્લાનિ, અવસાદ, કૃશતા, મૂર્ચ્છા, શરીર વળી જવું, અંધારાં આવવાં, ચક્કર આવવાં, ગળામાં બળતરા, શરીરમાં તાપ, બલક્ષય, તૃષા ઉત્પન્ન કરે છે. વાયુ અને  અધિકતાથી ચક્કર, દાહ, કંપ, સોયો ભોંકાવા જેવી વેદના તથા હાથ-પગ-પડખાં-પીઠ વગેરેમાં વાયુના રોગો કરે છે. તે ગળામાં-તાળવામાં-હોઠમાં સુકાવાની તકલીફ કરે છે. વમન, શુક્રક્ષય, હાથ-પગ-પડખાં-પીઠ વગેરેમાં સંકોચ અને ભેદન જેવી વેદના.

(5) તિક્ત રસ (કડવો રસ) : તે ભાવતો ન હોવા છતાં, ખોરાક પર રુચિ વધારે છે. તે વિષઘ્ન અને કૃમિઘ્ન છે. મૂર્ચ્છા, દાહ, ખૂજલી, ચામડીના રોગ અને તરસનો નાશ કરનાર છે. તે ત્વચા અને માંસને ર્દઢ બનાવે છે. તે જ્વરનાશક છે. અગ્નિને પ્રદીપ્ત કરે છે. ખાધેલા ખોરાકને પચાવે છે. સ્તન્ય (ધાવણ)નું શોધન કરે છે. લેખન હોવાથી મળો ખોતરીને કાઢે છે. ક્લેદ-મેદ-વસા-મજ્જા-લસિકા-પૂય-સ્વેદ-મૂત્ર-પુરીષ-પિત્ત અને કફને સૂકવનાર રુક્ષ અને શીત તથા લઘુ  છેદન અને શોધન કરે છે અને ચામડી પર થનારા કોઢને દૂર કરે છે. કંઠશોધન અને બુદ્ધિ વધારનાર છે.

વધુ લેવાથી થનાર નુકસાન : તે વધુ લેવામાં આવે તો રસ-રક્ત-માંસ-મેદ-અસ્થિ-મજ્જા અને શુક્રને સૂકવનાર છે. સ્રોતોમાં કઠણપણું વધારે છે. બળ ઘટાડે છે. શરીર પાતળું બનાવે છે. ગ્લાનિ, મૂર્ચ્છા, ચક્કર, મુખશોષ વગેરે  શરીર જકડાઈ જવું, ડોક ઝલાઈ જવી ,આક્ષેપ એટલે ખેંચ આવવી, મોં વાંકું થઈ જવું, માથાનો દુખાવો, સોયો ભોંકાવા જેવી પીડા, ફાટતું હોય–કપાતું હોય તેવી વેદના, મોઢું બેસ્વાદ રહેવું, ધાતુક્ષય વગેરે કરે છે.

(6) કષાય એટલે તૂરો રસ : તે સંશમન, ગ્રાહી, સંધાનીય, વ્રણપીડન, રોપણ, શોષણ અને સ્તંભન છે. તે  રક્ત અને પિત્તનું શમન કરનાર છે. તે શરીરના ક્લેદને સૂકવનાર. રુક્ષ, શીત, ગુરુ અને લેખન છે. તે ચામડીના રંગને સ્વાભાવિક બનાવનાર, પ્રીણન, રક્તશોધક, મેદનું શોષણ કરનાર અને આમનું સ્તંભન કરનાર છે.

તે વધુ લેવાથી મોઢું સુકાવું, હૃદયમાં દુખાવો, આફરો, વાગ્રોગ, સ્રોતોનો અવરોધ, શરીરનો રંગ કાળો પડવો, નપુંસકતા લાવનાર છે. પેટમાં ગડગડાટ કરે છે. વાત-મૂત્ર-મળ અને વીર્યને રોકનાર છે. શરીરમાં પાતળાપણું, ગ્લાનિ, તૃષા અને સ્તબ્ધતા કરે છે. ખર, વિષાદ અને રુક્ષ હોવાથી પક્ષાઘાત, અવતાનક, મન્યુસ્તમ્ભ, અંગોમાં ફરકાટ થવો, ચમચમાટ થવો, ખેંચાવું, તાણ આવવી વગેરે રોગો કરે છે.

અનુરસ : કોઈ પણ દ્રવ્ય મોઢામાં મૂકતાં છેક અંત સુધી જે મુખ્યત્વે જણાય તે મુખ્ય અથવા વ્યક્ત રસ. તે આરંભથી અંત સુધી રસનેન્દ્રિય પર મીઠો અથવા કડવો વગેરે લાગે છે. તેથી ઊલટું આરંભથી અંત સુધી જે અસ્પષ્ટ રહે, અવ્યક્ત રહે તે અનુરસ. તે કાર્ય પરથી પણ સમજાય છે.

ગુણવિજ્ઞાન : જે સમવાયી અને ક્રિયારહિત હોય તે ગુણ છે. ગુણનું કોઈ એક લક્ષણ બતાવવું મુશ્કેલ છે.  વિવિધ ગુણો : પાંચ મહાભૂતના વિષયો, ગુર્વાદિગુણ, બુદ્ધિથી માંડી પ્રયત્ન સુધીના આત્માના ગુણો અને પરાદિગુણો.

1. પાંચ મહાભૂતના વિષયો : વિશિષ્ટ ગુણો કે વૈશેષિક ગુણો : પાંચ મહાભૂતના આકાશ વગેરેના ક્રમથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વૈશેષિક ગુણો છે.

2. સામાન્ય ગુણો : ગુર્વાદિ ગુણોને સામાન્ય ગુણો કહે તેનાં 10 યુગ્મ કે જોડકાં છે :

(1) ગુરુ-લઘુ, (2) શીત-ઉષ્ણ (3) સ્નિગ્ધ-રુક્ષ, (4) મંદ-તીક્ષ્ણ, (5) સ્થિર-સર, (6) મૃદુ-કઠિન, (7) વિશદ-પિચ્છિલ, (8) શ્લક્ષ્ણ-ખર (મૃદુ-કઠણ), (9) સ્થૂલ-સૂક્ષ્મ, (10) સાન્દ્ર-દ્રવ (ગાઢ-પ્રવાહી).

3. પરાદિ ગુણો : પર, અપર, યુક્તિ, સંખ્યા, સંયોગ-વિભાગ, પૃથક્ત્વ, પરિણામ, સંસ્કાર અને અભ્યાસ – આ પરાદિ 10 ગુણો છે.

4. આત્માના કે આધ્યાત્મિક ગુણ : ઇચ્છા, દ્વેષ, સુખ, દુ:ખ, પ્રયત્ન અને બુદ્ધિ – આ છ ગુણો આત્માના ગુણો છે.

આ પ્રમાણે આ ચાર પ્રકારના ગુણો મળીને કુલ 41 ગુણો છે.

આ ગુણો તેમના ઔષધીય કર્મ દ્વારા જાણી શકાય છે.

વિપાક વિજ્ઞાન : જઠરાગ્નિના સંયોગથી રસો પચ્યા પછી જે અન્ય  રસ બને છે તેને વિપાક કહે છે.

ચોખા રસમાં મીઠા કે મધુર છે, પણ જઠરાગ્નિના યોગથી તે ખાટા થઈ જાય છે. તેવી જ રીતે સૂંઠ તીખી છે, પણ તે જઠરાગ્નિના યોગથી મધુર બની જાય છે. પરંતુ ઘઉં મીઠા છે, દૂધ મીઠું છે, સાકર મીઠી છે; તે પચ્યા પછી મીઠાં થઈ જાય છે. અહીં જે મધુર રસ બને છે તે પહેલાંના મધુર રસ કરતાં જુદો હોય છે. ઘઉંના લોટની મીઠાશ તેના સ્ટાર્ચને કારણે છે. તે જઠરમાં તેના રસોના સંપર્કમાં આવે એટલે તે સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર કે રસાન્તર થાય છે. બંને મધુર હોવા છતાં ભિન્ન છે. આ કારણથી તે મધુર હોવા છતાં તે મધુર વિપાકી છે.

વિપાક એટલે પાચનની બે અવસ્થા કે તબક્કા છે : (1) અવસ્થાપાક, (2) નિષ્ઠાપાક.

(1) અવસ્થાપાક : ખોરાક પાચન દરમિયાન આમાશય પચ્યમાનાશય અને પક્વાશયમાંથી ત્રણ જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થાય છે. આમાશયમાં પ્રથમ અવસ્થાપાક, પચ્યમાનાશયમાં દ્વિતીય અવસ્થાપાક અને પકવાશયમાં તૃતીય અવસ્થાપાક થાય છે. જે ખોરાક લેવામાં  છે તેમાં સામાન્ય રીતે એક કરતાં વધારે રસો હોય છે. રોટલી અને દાળ, ભાત, શાક બધા જ રસોવાળાં હોય છે. આવો ખોરાક હોજરીમાં જાય ત્યારે ત્યાં તે જગ્યાના પ્રભાવથી તેમાં મધુર રસ વધુ સ્પષ્ટ બને છે. બીજા રસો ગૌણ બની જાય છે. બીજા અવસ્થાપાકમાં નાના આંતરડામાં ખોરાક ખાટો થઈ  છે અને ત્રીજા અવસ્થાપાકમાં ખોરાક મોટા આંતરડામાં કટુ અને તીખો બને છે. અહીં સ્થાનનું જ મહત્વ છે. રસ ગમે તે હોય. પ્રથમ અવસ્થાપાકમાં કફ, બીજામાં પિત્ત અને ત્રીજામાં વાત ઉત્પન્ન થાય છે.

(2) નિષ્ઠાપાક : ઉપર્યુક્ત ત્રણ અવસ્થાપાકના અને આદ્યરસ ધાતુમાં જે જે રસ હોય છે તેને નિષ્ઠાપાક કહે  નિષ્ઠાપાકમાં સ્થાનનું નહિ, પરંતુ રસનું જ મહત્વ છે. પચનના અંતે દ્રવ્યના વિપાક પ્રમાણે જે તે રસનું આધિપત્ય જોવા મળે છે. આ રીતે જે ફેરફાર થાય છે તે કુલ છ રસોમાંથી ત્રણ રસોમાં જ પરિવર્તિત થાય છે : મધુર, અમ્લ અને કટુ. આ ત્રણ વિપાક છે. મધુર અને લવણમાંથી મધુર,  અમ્લ અને કટુ, તિક્ત, કષાયનો કટુવિપાક બને છે.

આ વિપાક તેના કર્મ પરથી અનુમાન દ્વારા નક્કી થાય છે.

મધુર વિપાક ગુરુ છે. અમ્લ અને કટુ વિપાક લઘુ છે. આ રીતે બે પ્રકારના વિપાક છે, તેવો પણ એક મત છે.

વિપાક અને તેના ગુણો તથા અસર

ક્રમ વિપાક ગુણો

અસર

વિપાક પછી દોષ પર ધાતુ પર મલ પર
1 મધુર ગુરુ કફવર્ધક શુક્રવર્ધક સૃષ્ટવિણ્મૂત્રકૃત
2 અમ્લ લઘુ પિત્તવર્ધક શુક્રનાશક સૃષ્ટવિણ્મૂત્રકૃત
3 કટુ લઘુ વાતવર્ધક શુક્રનાશક બદ્ધવિણ્મૂત્રકૃત

આ ત્રણ વિપાકની અસર ક્રમશ: ત્રણ રસ મુજબ થાય છે.

વિપાકમાં પરિવર્તન : દ્રવ્યના પ્રમાણ, સંસ્કાર, સાત્મ્ય, અગ્નિનું બળાબળ, દેશ, કાલ, સંયોગ, પાકવિશેષથી ગુરુ  લઘુ અને લઘુ દ્રવ્યોનો ગુરુ વિપાક થાય છે.

વિપાક પ્રકાર : આગળ (1) મધુરાદિ ત્રણ અને (2) ગુર્વાદિ બે પ્રકાર જોયા. મુખ્યત્વે તે પ્રચલિત છે. ઉપરાંત (3) ષડ્વિધ વિપાકવાદ – છ રસો મુજબ 6 પ્રકારના વિપાક. (4) યથારસ વિપાકવાદ – જે રસ હોય તેનો તેવો જ વિપાક થાય છે. (5) પંચવિધ વિપાકવાદ – પંચમહાભૂત અનુસાર પાંચ પ્રકારના વિપાક થાય છે.

વીર્યવિજ્ઞાન : દ્રવ્ય જેના દ્વારા ક્રિયા કરે છે તે વીર્ય છે. વીર્ય સિવાય કાંઈ થઈ શકતું નથી. જે કોઈ ક્રિયા થાય છે તે બધી વીર્ય દ્વારા જ થયેલ છે. રસ વગેરે દ્વારા જે કાંઈ ક્રિયા થાય છે તે સામાન્ય  છે. તે ઉપરાંત જે વિશેષ ક્રિયા થાય છે તે વીર્ય છે.

પ્રકાર : વીર્યના વધુ પ્રચલિત બે પ્રકાર છે : (ક) અષ્ટવિધ વીર્ય – આમાં ચાર દ્વંદ્વ બતાવ્યાં છે. (1) મૃદુ-તીક્ષ્ણ, (2) ગુરુ-લઘુ, (3) સ્નિગ્ધ-રુક્ષ, (4) ઉષ્ણ-શીત. શારીર 20 ગુણોમાંથી આ 8 ઉત્કૃષ્ટ હોય તો તે વીર્ય છે.

(ખ) દ્વિવિધ વીર્ય  – (1) શીત અને (2) ઉષ્ણ એ બે ગુણોને દ્વિવિધ વીર્ય કહે છે.

આ અષ્ટવિધ કે દ્વિવિધ વીર્ય રસવિપાક વગેરેનો પરાભવ કરીને ક્રિયા કરે છે. બૃહદ પંચમૂલનાં દ્રવ્યો કષાય રસવાળાં અને તિક્ત અનુરસવાળાં છે; છતાં તે વાયુનું શમન કરે છે. આ તેમાં રહેલા ઉષ્ણવીર્યને કારણે જ થઈ શકે છે.

વીર્યનું જ્ઞાનવીર્ય કેવું છે તે જાણવા બે બાબતો જરૂરી છે : (1) દ્રવ્ય જીભ ઉપર મૂકતાં કેવી અસર કરે છે ? અને (2) તે શરીરમાં રહે ત્યાં સુધી તેની કેવી અસર થાય છે. આમ, વીર્યમાં રહેલી શક્તિને કાર્યકારણ જ્ઞાન દ્વારા જાણી શકાય છે.

પ્રભાવવિજ્ઞાન : જે દ્રવ્યોમાં રસ, વીર્ય, વિપાક  સાથે સમાન જણાય, તેમનાં કર્મોની વિશેષતાને દ્રવ્યોનો પ્રભાવ કહે છે.

દ્રવ્યમાં બે પ્રકારની શક્તિ છે : (1) ચિંત્ય અને (2) અચિંત્ય. વીર્ય ચિંત્ય શક્તિ છે. પ્રભાવ અચિંત્ય શક્તિ છે. ઉદાહરણો આપીને શાસ્ત્રકારોએ અચિંત્ય કહેલ છે.

ઉદાહરણો : (1) ચિત્રક અને દન્તી (નેપાળો) બંને રસમાં કટુ, વિપાક કટુ અને ઉષ્ણવીર્ય  છતાં દન્તી એટલે નેપાળો રેચક છે, ચિત્રક નહિ. આ રીતે વિરેચનકર્મ પ્રભાવજન્ય છે. (2) વિષ વિષનો નાશ કરે છે, તે તેનો પ્રભાવ છે. (3) વમનદ્રવ્યો ઊર્ધ્વ માર્ગથી દોષોનું નિર્હરણ કરે છે; જ્યારે વિરેચનદ્રવ્યો તેવા જ પ્રકારના રસગુણ વગેરે હોવા છતાં તે દોષોને અધોમાર્ગેથી બહાર કાઢે છે. (4) મણિ અને ઔષધિ ધારણ કરવાથી જે ક્રિયા થાય છે તે શરીરમાં પ્રવેશ્યા વિના માત્ર ધારણથી જ અસર કરે છે. આ બધી ક્રિયાઓ પ્રભાવજન્ય છે. આ દ્રવ્યનો અચિંત્ય શક્તિ-પ્રભાવ છે.

ગોવિંદપ્રસાદ કૃષ્ણલાલ દવે